લીમડાની એક ડાળ મીઠી...
- અંતર- રક્ષા શુક્લ
તું સમજે છે અંધારૂ છે,
એ તો સૂરજનો જાદુ છે.
ભાવતાલ તો અત્તરમાં છે,
ફૂલ બહુ સીધુ-સાદુ છે.
સાંજ કિનારે હું છું -તું છે,
આ સપનું તો બહું ઝાંખું છે.
રાત લૂંટાતા દિવસ રૂએ,
એવું તો ક્યા અજવાળું છે?
ફૂંક 'ને ફૂગ્ગો બેઉ બરાબર,
ક્યાંક હવાઓમાં કાણું છે.
-પંકજ મકવાણા
પ્રકૃતિ અને વનસ્પતિ દ્વારા ઉપચાર કરતાં બે વૈદ્યોએ એક બીજાનું જ્ઞાાન ચકાસવા માટે એક નીરોગી, તંદુરસ્ત વ્યક્તિને પસંદ કરી. એક વૈદ્યે બંધ પરબીડીયામાં એક કાગળ મૂકી તેને બીજા વૈદ્યને ત્યાં પહોંચાડવા કહ્યું. તેને ખાસ સુચના પણ આપી કે 'તારે આમલીના વૃક્ષની નીચે જ વિસામો લેવો અને આમલીના કાતરા તો રોજ ખાવા જ.દ આ પ્રમાણે કરતા બે-ત્રણ દિવસમાં તો એ ભાઈના શરીરમાં કળતર થવા લાગ્યું. પાંચમે દિવસે જ્યારે તે બીજા વૈદ્ય પાસે પહોંચ્યા ત્યારે તો સાવ અશક્ત થઇ ગયા હતાં.
વૈદ્યે તરત તેના સમાચાર પૂછીને કાગળ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે 'આવેલ ભાઈ ખૂબ બીમાર હશે તમે તેને કોઈ પણ દવા આપ્યા વગર અહીં સાજો-નરવો મોકલી આપજો.'
વૈદ્યે બીમાર ભાઈને પુછયું કે 'તમે કેવી રીતે આવ્યાં ?' એ ભાઈએ કહ્યું કે 'હું તો આમલીની પાસે જ વિસામો કરતો અને રોજ કાતરા ખાતા ખાતા આવ્યો છું.' આ સાંભળીને વૈદ્યે કહ્યું કે 'સારુ, હવે હું આપું તે કાગળ લઈને તમે એ વૈદ્યને પહોંચાડી દ્યો' બીમાર ભાઈ કહે કે 'મારામાં જરા પણ તાકાત નથી'. વૈદ્યે કહ્યું કે 'ચિંતા નહીં. એકાદ દિવસમાં જ તમારામાં શક્તિ આવી જશે. આજે હિંમત કરીને ચાલો. પણ તમારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમારે હંમેશા લીમડા પાસે રહેવું અને તેની કુંણી કુપળો અને મ્હોર રોજ અચૂક ખાવાદ. સૂચના મુજબ કરતા એ ભાઇ ચાલવા લાગ્યા. પહેલા દિવસથી તેને સારું લાગ્યું. બીજા દિવસે તો ઘણી સ્ફૂત આવી ગઈ. ત્રીજા દિવસે તો તાજા-માજા થઈ ગયા અને ચોથા દિવસે પહેલા વૈદ પાસે પહોંચીને જ્યારે કાગળ આપ્યો ત્યારે તો એ સાવ સાજા સારા હતા. વૈદ્યે કાગળ વાંચ્યો તો તેમાં લખ્યું હતું કે 'આ કાગળ લીમડાને છાંયે છાંયે મોકલેલ છેદ.
જન આરોગ્ય માટે ઉમદા ગણાતા લીમડાના વૃક્ષ માટે એટલે જ કોઈ કવિએ લખ્યું હશે કે 'આંગન મેં તુલસી ખડી, ગલિયારે મેં નીમ, મેરે ઘર મેં હિ રહે, દો દો વૈદ્ય હકીમદ. ધીમે ઊગતા પરંતુ શુધ્ધ, સાત્વિક અને આરોગ્યપ્રદ હવા આપતા આ વૃક્ષની રગેરગમાં અનેક ઔષધિય ગુણો રસાયેલા છે. ચૈત્ર માસ કે વસંતઋતુમાં થતા રોગોનો પ્રતિકાર કરવા આજે પણ ઘેર ઘેર લીમડાના કૂણાં પાન કે એના મહોરનું લોકો સેવન કરે છે. ચર્મરોગો અને દાંતના રોગો માટે લીમડો ઉત્તમ ગણાય છે. ગામડામાં ઘણા વડીલો આજે પણ સવારે લીમડાના દાતણના સેવનથી દાંત મજબુત રાખે છે. જે દાંત વડે અખરોટ પણ તોડી શકે છે. ૨૦૧૯માં નીમપ્રેમીઓએ 'લીમડા ઉત્સવદ યોજીને લીમડાને અનોખું સન્માન આપ્યું હતું. લીમડાનાં પાન અનાજની સાચવણી કે પુસ્તકોના બચાવ માટે પણ વાપરવામાં આવે છે. લીમડાના અુત ઉપયોગી ગુણોને ન જાણતી આજની પેઢીને ફાસ્ટફૂડના રવાડે ચડેલી જોઇને કવિ કૃષ્ણ દવે ગ્લાની અનુભવતા કહે છે કે...
લીમડાને આવી ગ્યો તાવ.
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
લીમડાના સદાબહાર વૃક્ષની સાલસતા તો જુઓ ! એ આપણા આંગણે, ખેતરના શેઢે, રસ્તાની બંને તરફ કે બાગબગીચામાં બધે અનુકુલન સાધે અને ઊગે. ચોતરફ ઊગીને એણે આપણું અનેક રીતે કલ્યાણ કર્યું છે. એટલે જ સંસ્કૃતમાં લીમડાને 'ભદ્રદ કે 'પારિભદ્રદ કહે છે. ભદ્ર એટલે ભલું કરનાર.
આંગણે આવતા અતિથિને ઝુકી ઝૂકીને આવકાર આપતો લીમડો જાણે આપણા ઘરનો મોભી છે. એની વિશાળ ઘટા જોઇને લાગે કે વયોવૃદ્ધ લીમડો સમયની કંઈક આકરી થપાટોનો મૂક સાક્ષી બન્યો હોવો જોઈએ ! પાનખરમાં નિષ્પર્ણ થઇ ઊભેલો લીમડો ફકીરી ઓઢી એક પગે ઊભેલા કોઈ ષિ જેવો શોભે છે. ચૈત્ર મહિનો આવે 'ને નાજુક કુંપળોના પર્ણોત્સવ સાથે ઉઘડતો એનો મહોર કડવી-મીઠી સુગંધથી આંગણાને ભરી દે છે. માદક ગંધનો ગુલાલ ઉડાડતો લીમડો યુવાનીમાં છકી ગયેલા કોઈ છેલછબીલા જેવો લાગે છે. પક્વ થયેલી મંજરી નીચે ખરતા એના ઝીણા ફૂલોની જાજમ આંખોમાં રંગોળી પૂરે છે. ડાળીઓ પર લટકતા લીલી લીંબોળીના ઝૂમખાં વહેતા પવન સાથે તાલબદ્ધ નૃત્ય કરી પ્રસન્નતા વ્યક્ત કરે છે. રસ્તાની બંને તરફ હિલ્લોળા લેતા, ધરતીની શોભા વધારતા લીમડાના વૃક્ષો રસ્તાના વટેમાર્ગુઓને હેતે ઝૂલાવે છે. પવનની લહેરખીઓ આવતા ઘેઘુર, ઘટાદાર લીમડાની ડાળેડાળમાં જાણે નર્તન જાગે. એનું નર્તન આંખોને શાતા અને કાળઝાળ ગરમીમાં તેના આશરે બેઠેલા શ્રમિકો, ખેતમજૂરો, વટેમાર્ગુઓ, પંખીઓ, પ્રાણીઓ વગેરેને શીળો છાંયડો આપે છે. ઉનાળાની બપોરે ગામના પાદરમાં ઢોલીયો ઢાળીને આરામ ફરમાવતા વડિલો માટે ટાઢક આપતો લીમડો નેચરલ એ.સી.નું કામ કરે છે. આવા છાંયડાના ઘૂંટ જેણે પીધા હોય તે જ જાણે !
સાહિત્યમાં વણાઈ જતા આમ પણ લીમડાનો સ્વાદ વધુ મીઠો બને છે. જયેન્દ્ર શેખડીવાળાની પોઝીટીવીટી અત્યંત ઉજર્જાવાન છે, જીવન પ્રત્યેની પ્રબળ શ્રદ્ધા દર્શાવતા એ લખે છે કે 'મારી જ શ્રદ્ધાનો હવે એ જાદુ લાગે છે મને, કે લીમડો કડવો હવે આ સ્વાદુ લાગે છે મને'. ગૌરાંગ ઠાકર પણ આવી જ કંઈક વાત લઈને આવે છે કે 'કૈંક તો સારું બધામાં હોય છે, લીમડાનો છાંયો ના કડવો પડે.દ રમેશ પારેખના બાળકાવ્યમાં બાળક 'ફળિયાનો ઊંઘણશી લીમડો સાવ ઠોઠ છે, તો ય કેટલો વ્હાલુડો છે' એવું કહે છે ત્યારે એના એ નિર્દોષ પ્રશ્નમાં પ્રગટ થતો રોષ આપણને પણ વ્યાજબી લાગે છે. અહીં બાળક પ્રકૃતિના તત્વોને મળેલી સ્વતંત્રતા સાથે પોતાના પર લદાયેલા બંધનને સરખાવતા પૂછે છે કે 'ફળિયાનો લીમડો ઊંઘણશી અને ઠોઠ હોવાં છતાં સૌનું વ્હાલ પામે છે તો મારા પર શા માટે ભણતરનો ભાર લાદવામાં આવે છે ?' લીમડાની ડાળીએ બાંધેલા ઝૂલામાં ઝૂલવાનો અને લીમડા પર ચડી એની ડાળીઓને સ્પર્શવાનો લ્હાવો જેણે નથી માણ્યો એણે બાળપણનું કંઈક અમુલ્ય ગુમાવ્યું છે એવું કહી શકાય.
૧૯૪૭ના ભાગલા પછી પોતાના વતનમાંથી વિસ્થાપિત થયેલા સિંધી કવિ મોતીલાલ જોતવાણી લીમડાને એક નોખા જ પરિપ્રેક્ષ્યથી દર્શાવે છે. વિસ્થાપનની વાત મર્મવેધક સ્મિત સાથે કહેતા એ કહે છે કે છ છ વરસ ચાલેલી એ અંધારી રાત્રી ચંદ્રને ગળી ગઈ હતી અને આવતીકાલના સૂરજને ભરખી ગઈ હતી. આવી અંતહીન રાત્રી દેખાય ત્યારે એનો અંત લાવે એવો સૂરજ કેમ ઊગાડવો ? એના જવાબમાં કવિ મોતીલાલ તેના એક અછાંદસમાં કહે છે કે 'લેખક લીમડાનું ઝાડ છે'. લીમડાની જેમ ઊગવા ઈચ્છતો વિસ્થાપનનો હઠીલો, હાર ન માનનારો આ લીમડા રૂપી લેખક શું છે ? એનું લીમડા-કર્મ શું છે ? એ લીમડો વારંવાર, સતત તમારા ઘરમાં ઘુસી જાય છે. સવારે નીમયુક્ત ટૂથપેસ્ટ બનીને અને રાત્રે નીમયુક્ત ચૂરણ બનીને. એ ચેતના પર સીધી અસર કરનારો ગુલમહોર નથી. આ લીમડા-લેખકે વેદનાના ચિત્કાર કર્યા વિના કે કોઈ અપશબ્દો બોલ્યા વિના લીમડા-કર્મ કરવાનું હોય ત્યારે તેણે આસપાસના વિષ પીને, તેનો રસ બનાવીને ઊગવાનું હોય છે.
લીમડો આપણા લોકગીતો કે ભજનોમાં પણ સુંદર રીતે વણાયેલો છે. 'કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી', 'લીલી
લીમડી રે લીલો નાગર વેલનો છોડ', 'સાસુએ વાવી લીમડી ને કંઈ વહુએ વાવી દ્રાક્ષ રે, 'મારે આંગણિયે લીલુડી લીમડીત લચે લિંબોળીની લૂમદ, 'સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે. રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા રે' વગેરે ગીતોથી આપણી સંસ્કૃતિ લયાન્વિત છે જે કાનમાં મધુર રસને ઘોળે છે.
વસ્તીવધારાને લીધે અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીના વસવાટ માટે વધુ જમીનની જરૂર પડતા અનેક વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ ભયજનક હદે વધ્યું છે તો સામે આ ભયજનક પ્રદૂષણને નાથવાના અનેક ઉપાયો થઈ રહ્યા છે. પણ વૃક્ષો ન કાપીને વધુ માત્રામાં વૃક્ષારોપણ કરવાની વાતને ખાસ મહત્વ અપાતું નથી. પાંચમી જૂન' વિશ્વ પર્યાવરણદિન' તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા-વિચારણા થાય છે. 'વૃક્ષો વાવો, જીવન બચાવો', 'વૃક્ષ જતન, આબાદ વતન', 'એક બાળ, એક ઝાડ', જેવા અનેક સૂત્રો દ્વારા વૃક્ષોનો મહિમા સૂચવાય છે. પરંતુ માણસ જાણે આંખ આડા કાન નહીં પણ પાન કરીને જીવતો હોય તેમ લાગે છે.
ડાકોર-ઉમરેઠ માર્ગ પર સીમલજમાં 'લીમડાની એક ડાળ મીઠીદ તરીકે એક પ્રસિદ્ધ સ્થાનક આવેલું છે. લોકોક્તિ મુજબ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી ભક્ત બોડાણા સાથે ડાકોર આવતા હતા ત્યારે સવારે ઉમરેઠ માર્ગ પર ગાડું ઊભું રાખીને દાતણ માટે ત્યાં લીમડાની એક ડાળ પકડી હતી. જે પ્રભુના સ્પર્શથી મીઠી થઈ ગઈ હતી. જે આજે પણ મીઠી જ છે એવું મનાય છે. 'શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?'
વર્તમાન પરિસ્થિતિમાં વાતાવરણની શુદ્ધિ જરૂરી છે ત્યારે ઘરમાં હવન કરી તેમાં ગુગળ, ગાયનું ઘી, સૂકા લીમડાના પાન, સરસવ અને કપૂર એવા પાંચ દ્રવ્યોની આહુતિ આપવી જોઈએ જેના પરિણામે સમગ્ર વાતાવરણ વધુ શુદ્ધ થાય અને વિષાણુ મુક્ત થાય. લીમડાના લાકડાનો હવન પણ ઘરમાં કરાવી શકાય. લીમડાનાં ફુલ-કોર સહિત કુણાં-કુણાં પાનમાંથી લીમડાનું શરબત, ચટણી વગેરે બનાવીને પણ તેનું સેવન થઇ શકે છે. હે માનવ, કાળઝાળ ગરમીમાં ઠંડો, શીતળ વીંઝણો ઢોળવા માટે તેં કદી લીમડાને 'થેંક્યું' કહ્યું છે ? નહીં ? ઓહ્હ...ન ચાલે..ચાલો, આજે કહીએ...રોજ કહીએ.