તણાવ એક સામાન્ય અનુભવ છે જેનો અનુભવ વધતે ઓછે અંશે દરેકને થાય છે. પરંતુ શું તમે ક્યારે પણ એવી સુગંધ અનુભવી છે જે આ તાણ અને હતાશાને દૂર કરે? એવી સુગંધ જે માથાના દુઃખાવાને પણ ઓછો કરે? એવી સુગંધ જે ગાઢ નિદ્રા લાવી શકે?
સંશોધનમાં એવું સાબિત થયું છે કે કેટલીક ભારતીય સુગંધ મૂડને ઉત્તેજિત કરવામાં અને તણાવ ઓછો કરવામાં અત્યંત અસરકારક ભૂમિકા ભજવી શકે છે. અરોમાથેરપી તરીકે ઓળખાતી સુગંધથી થતી સારવાર મગજને અસર કરે છે અને આપણા વર્તન પર પ્રભાવ પાડે છે. સદીઓથી અમુક પ્રકારના સુગંધી તેલનો ઉપયોગ શારીરિક અને માનસિક બીમારી માટે થતો આવ્યો છે. તેના કથિત લાભમાં સ્મરણશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં સુધારો, મન શાંત થવું અને બીમારીઓ દૂર થવાના તેમજ બીજા અનેક લાભ સામેલ છે. ઘણા એવું વિચારતા હોય છે કે સુગંધથી વળી કેવી રીતે બીમારી દૂર થાય અને આપણા મગજને તે કેવી રીતે અસર કરી શકે?
એનું મુખ્ય કારણ છે આપણા મગજમાં રહેલો ઘ્રાણેન્દ્રિય બલ્બ જે આપણી ગંધની ભાવનાને નિયંત્રિત કરે છે. આ ઘ્રાણેન્દ્રિય બલ્બ સ્મરણશક્તિ અને લાગણી માટે જવાબદાર આપણા મગજના હિસ્સા હિપ્પોકેમ્પસ અને એમીગ્ડલા સાથે જોડાયેલો છે.
આપણો મૂડને ઘડવામાં સુગંધ મોટી ભૂમિકા ભજવે છે. તે લાગણી પણ જગાડી શકે છે અને આપણને જૂના સંસ્મરઓ તાજા કરવામાં મદદ કરે છે, અન્યોને આપણા પ્રત્યે આકર્ષે છે અને આપણામાં સુરક્ષાની એક લાગણી જન્માવે છે. ભારતીય સંસ્કૃતિએ હમેંંશા સુગંધિત ઘટકોનો ઉપયોગ કર્યો છે. તેનામાં અદ્ભૂત સુગંધ હોવા ઉપરાંત તેની સુગંધથી મગજનો તણાવ અને હતાશામાં પણ રાહત થાય છે.
જ્યારે તમે ચંદન અથવા હળદરનું સુગંધ સુંઘો છો ત્યાર મગજ હળવાશ અનુભવે છે. લવંડર અને લેમનની સુગંધ આપણામાં સેરોટોનિન હોર્મોનના ઉત્પાદનમાં વધારો કરે છે.
વૈજ્ઞાાનિકોએ શોધી કાઢયું છે કે અમુક પ્રકારની સુગંધ આપણા પર અમુક પ્રકારની અસર કરે છે.
વેટીવર
વેટીવર તેલ ભારતમાં ઉગતા ઘાસ જેવા છોડમાંથી મેળવાય છે અને તેની મીઠી સુગંધ માટીની સુગંધ જેવી હોય છે. વેટીવર તેલથી મગજ શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે. આથી જ તેને શાંતિના તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લેમન
લેમનના તેલની સુગંધ વ્યક્તિમાં શક્તિનો સંચાર કરવા ઉપરાંત મગજને શાંત કરે છે. ઉપરાંત તેના ઉપયોગથી ત્વચા સુંદર બને છે અને તમને સમગ્ર દિવસ દરમ્યાન તાજગીનો અનુભવ થાય છે. લીંબુ જેવા ખાટા ફળની સુગંધથી મગજમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને મગજ તાજગી અનુભવે છે. ખાટા ફળો ખાસ કરીને લીંબુ, સંતરા અને દ્રાક્ષ જેવા ફળોની સુગંધથી તાણ અને હતાશા દૂર કરવામાં મદદ મળે છે.
સેન્ડલવૂડ અથવા ચંદન
ચંદનના તેલની સુગંધથી મગજ શાંતિ અનુભવે છે, તણાવનું સ્તર ઘટે છે અને ઊંઘ સારી આવે છે. મન અને તનને તરબતર કરતી ચંદનના તેલની સુગંધ તેની ધરતી સમાન સુગંધ માટે વિશ્વભરમાં અનન્ય છે. ચંદનનો પાવડર પણ બની શકે અને તેની પેસ્ટ પણ બની શકે.
ઉપરાંત ચંદન કુદરતી પીડાશામક પણ હોવાથી તે તાણ, થાક અને માથાના દુઃખાવામાં રાહત આપે છે. ચંદનનું તેલ સાબુ, હેર ઓઈલ તેમજ પરફ્યુમમાં વપરાશમાં લેવાય છે.
જાસ્મીન
વિશ્વમાં સૌથી મીઠી સુગંધમાંની એક જાસ્મીનની છે. આપણી આસપાસ અવ્યવસ્થા હોવા છતાં તેની સુગંધ મગજમાં હળવાશની ભાવના લાવે છે. જાસ્મીનની સુગંધ ઊંઘ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. જાસ્મિનની સુગંધ કોઈપણ આડઅસર ઉત્પન્ન કર્યા વિના ઉદ્વેગને શાંત કરવા માટે વેલિયમ જેટલી જ અસરકારક છે. એથી જ મોટાભાગના હેર ઓઈલમાં જાસ્મીનનો ઉપયોગ થાય છે.
ગુલાબ
ગુલાબ વિશ્વની સૌથી મનપસંદ અને લોકપ્રિય સુગંધ પૈકી એક છે. ગુલાબના એન્ટીડિપ્રેસન્ટ, ટોનિક અને શામક ગુણધર્મો તાણ અને હતાશા ઘટાડવામાં મદદ કરે છે, નર્વસ સીસ્ટમને શાંત કરે છે અને જ્યારે આપણને ખાસ જરૂર હોય છે ત્યારે સંતુલન, આશા અને ઉમંગની લાગણી આપે છે.
કપૂર
પોતાના શામક અને તાણ ઘટાડવાના ગુણધર્મોને કારણે કપૂરના તેલની સુગંધ મગજ પર જાદુઈ અસર કરે છે. જો કે કપૂરના તેલનો વધુ પડતો ઉપયોગ સ્થાનિક એનેસ્થેસિયા જેવી અસર પણ કરી શકે છે માટે તેના ઉપયોગમાં પ્રમાણનું ધ્યાન રાખવું.
- ઉમેશ ઠક્કર


