'તલ' એ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારા રસાયન સમાન છે. ઉત્તરાયણના પૂર્વે પ્રાંતે-પ્રાંતે તલની વિવિધ વાનગીઓ બનાવાય છે. વૈદિક યુગના આરંભથી આધુનિક યુગ સુધી તલની વિવિધ વાનગીઓ બનતી રહી છે. જોકે વૈદિક યુગમાં તલનું જેટલું મહત્ત્વ હતું. એટલું જ આધુનિક યુગમાં કદાચ રહ્યું નથી. કદાચ તલનું મહત્ત્વ આપણે જાણતાં નથી. વૈદિકયુગમાં યજ્ઞાવખતે તલનો દૂતદ્રવ્ય તરીકે ઉપયોગ થતો હતો.
તલ અને ગોળ તો પરાપૂર્વના સમયથી ખવાતા હતા, તલ અને ગોળ ખાવાથી ઊંચાઈ વધે છે તેમ વૈધરાજો પણ કહે છે. આજે પરંપરાગત શૈલીથી તલનું મહત્ત્વ છે તેથી તલનું દાન પણ આપવામાં આવતું જે અત્યંત ઉત્તમ ગણાતું. તલના ત્રણ પ્રકાર છે એકદમ સફેદ, સહેજ શ્યામ અને કાળા. મોટા ભાગે તલનો દાણો ચપટો, શ્વેત તથા પાંદડા જેવા આકારનો હોય છે.
તલની વિવિધ વાનગીઓ વિવિધ પ્રાંતમાં વિવિધ નામોથી ઓળખાય છે.
બિહારમાં તલનો લડુ (લાડુ)-ગોળ, ઘી અને તલના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે.
તલની ચિક્કી ઘીમા ખાંડ કે ગોળનો પાયો કરી તલ નાખીને થાળીમાં કાઢી દઈને કટકા કરવામાં આવે છે. કેટલીક વાર કોઈ વ્યક્તિને કડક અને કેટલાકને પોચી ચિક્કી ભાવે છે.
મહારાષ્ટ્રમાં તલની ચિક્કી, તલ, કોપરા તથા સાકરની ચાસણીમાંથી બનાવવામાં આવે છે સહેજ ઘીમાં કે પાણીમાં ગોળ કે ખાંડની ચાસણી કરીને તલ, કોપરા અથવા સીંગના ટુકડા નાખીને બનાવવામાં આવે છે. લોનાવાલાની ચિક્કી તરીકે પ્રખ્યાત છે.
કચરિયું : ગુજરાતીનું તેમાંય ખાસ કરીને કાઠિયાવાડનું તલનું કચરિયું ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. જેમાં તલને પીસી ખારેક, ગોળ, સૂઠ પાવડર, એલચી વગેરે મિશ્રણ કરવામાં આવે છે.
સાની : તલનો ખોળ નીકળે તે પહેલાંના તલમાં જે થોડુંક તેલ રહી ગયું હોય તેવા તલમાં સાર ભેળવીને ખાવાથી શરીર તંદુરસ્ત બની રહે છે એને સાની કહે છે.
રાજકોટની તલ અને સીંગની ચિક્કી ખૂબ જ વખણાય છે. તથા કરોડોનો વેપાર થાય છે.
બિકાનેરના તલનાં પાપડ : સફેદ બિકાનેરી તલના પાપડથી કોણ અજાણ છે? તલના એક એકદાણાને અલગ તારવી શકાય એ રીતે સાકરની ચાસણી કરી વણીને તૈયાર કરવામાં આવે છે.
તલના સ્વાસ્થ્યપ્રદ ઉપયોગ
વાનગીનો રસથાળ તો આરોગીએ પણ તલના વૈદકીય ગુણો પણ જાણવા જરૂરી છે. દાક્તરોના મોંઘાદાટ બીલો ભરવા કરતા શિયાળામાં તલનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પણ જળવાય છે. (૧) તલ સાંકળી તથા ચીકીથી બાળકો હૃષ્ટપૃષ્ટ બને છે. (૨) ધોળા તલને સાકરની ચાસણી સાથે મેળવી રેવડી બનાવાય છે. (૩) તલને અધકચરા ખાંડી તેની સાની (કચરિયું) બનાવાય છે. સાની ખૂબ પૌષ્ટિક અને શેકેલા તલ મુખવાસ તરીકે વપરાય છે. (૪) શિયાળામાં તલ અને ગોળનું સેવન કરવાથી શરીર પૃષ્ટ થાય છે. (૫) તલવટ, તલ, તલના લાડુ, તલસાંકળી વગેરે બનાવીને ખાવાનો રિવાજ છે તલ સ્નેહનું પ્રતીક છે.
તલના વૈદકિય ગુણો
* તલના તેલના કોગળા કરવાથી દાંત મજબૂત બને છે.
* તલના તેલની માલિશ કરવાથી શરીરની વધારાની ચરબી દૂર થઈ ને શરીર સ્ફૂર્તિવાળું બને છે.
* સાંધાનો દુ:ખાવો પણ દૂર થાય છે.
* તલના તેલમાં દીપનનો સ્નેહનો ગુણ રહેલો છે. જે શુષ્ક ત્વચાને મુલાયમ બનાવે છે. આંતર સ્તોત્રોની ભીનાશ, તરલતા-ચીકાશને જાળવવામાં મદદરૂપ બને છે.
* તલને ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે. કાળા તલને રાત્રે બાળકને ખવડાવવાથી રાત્રે તે પથારીમાં પેશાબ કરતા નથી.
* તલનો જૂનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી એનો લેપ મોં ઉપર કરવાથી યુવાનીમાં થતાં ખીલ દૂર થાય છે.
* ફિક્કી ચામડી ચમકતી કરવા તલના તેલને સહેજ ગરમ કરી કકડાવી રોજ માલિશ કરવી.
* નાના બાળકના કાનમાં સણકા મારતા હોય તો તલના તેલમાં લસણની કળી નાખી તેલને ગરમ કરી કકડાવી ઠરે એટલે કાનમાં ટીપા નાખવાથી સણકા બંધ થાય છે.
* કેડના કે સાંધાના દુ:ખાવા માટે તલના તેલમાં સહેજ હિંગ કે સૂંઠ નાખવી અને માલિશ કરવી.
* શરદી માટે મરી કે અજમો નાખી ગરમ કરેલું તેલ સુંઘવું કે નાકમાં ટીપા નાખવા.
તલ ઉત્તમ વાયુનાશક છે. તેની સાથે ગોળ, ઘી ભળે એટલે સોંઘો અને સારો શિયાળું પાક તૈયાર થઈ જાય. કૃષ કાયા ધરાવતી વ્યક્તિ તલનું કચરિયું કે તલના લાડુ શિયાળામાં રોજ ચાવીને ખાય તો તેનું વજન અચૂક વધે.
દરરોજ સવારના નરણાં કોઠે ચાર તોલા કાળા તલ ખાવા. થોડાક થોડાક ખાવા, તલ મોમાં લઈને બારિક ચાવીને જ એક રસ થયા પછી ગળામાં નીચે ઉતારવા ત્યાર બાદ ઠંડુ પાણી પીવું પછી બે કલાક સુધી કશું ખાવું નહીં.
આ પ્રયોગથી શરીર પૃષ્ટ અને શુદ્ધ બને છે દાંત મજબૂત, શરીર તેજસ્વી બને છે બહેનો પણ આ પ્રયોગ કરશે તો શરીર કાન્તિવાન તેજસ્વી બનશે. કાળા ભમ્મર વાળ થશે. માથાના વાળ ખરતા અટકશે. એક વર્ષ સુધી આ પ્રયોગ કરવો.
યુરોપમાં જેને ઓલિવ ઓઇલ કહીએ તેવું જ ભારતનું તલનું તેલ છે. તેલ માલિશ કરવાથી મેદનો પણ ક્ષય થાય છે. ડોક્ટર કહે છે કે તલના ઉત્તમ ગુણો ધ્યાનમાં રાખીને જ આયુર્વેદમાં માલિશ માટે વપરાતા દરેક પ્રકારના તેલમાં પાયાના તેલ તરીકે તલનું જ વપરાય છે.


