સ્મિત જ પૂરતું છે મૈત્રી કેળવવા .
- તમે તમારા વ્યક્તિત્વથી સામેની વ્યક્તિને આકર્ષણ થાય તેવું ઇચ્છતા હો તો તમારે આકર્ષક દેખાવું જરૂરી બને છે. તમે પર્સનેલિટીને અનુરૂપ પોશાક ભલે પહેરો, પરંતુ સાથે વ્યવહારમાં વિનમ્રતા અને મીઠાશ પણ જરૂર રાખો.
જે યુવકયુવતીઓને ઉનાળાના લાંબા વેકેશન પછી કોલેજ ખૂલવાની આતુરતા છે અથવા તો જેમણે શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય તે બધા નવા મિત્રો બનાવવા માટે અધીરા જરૂર હશે.
જેમના અગાઉના મિત્રો હોય તેમણે પણ અને જેમને હવે મિત્રો બનાવવાના હોય, તેમણે પણ મિત્રતાના માપદંડને સમજી લેવો જોઈએ. આ માપદંડ જાણીને અને તેને અમલમાં મૂક્યા પછી તમે તમારી જાતને મિત્રતાના વર્તુળમાં ઘેરાયેલી જોઈ શકશો.
હોઠો પરનું હાસ્ય હંમેશાં સાચવી રાખો અને પોતાની સાથે રાખો. હાસ્યમાં એટલી બધી પ્રબળ તાકાત હોય છે કે તે તમને ક્યારેય એકલતાની અનુભૂતિ નહીં કરવા દે. એવું કહેવામાં પણ આવ્યું છે હસવાની કોઈ કિંમત હોતી નથી છતાં હાસ્ય મૂલ્યવાન છે.
ચીડિયા સ્વભાવવાળી વ્યક્તિઓની સાથે રહેવાથી વ્યક્તિ પોતે ચીડિયલ બની જતી હોય છે. મિત્રતા કરવી હોય તો બોડી લેંગ્વેજ પર વધારે ધ્યાન આપો. ઘણા લોકો કોલેજ કેમ્પસમાં પોતાના બંને હાથની અદબ વાળીને ફરતા જોવા મળે છે. આના પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે તે લોકોને નિકટતા બનાવી રાખવામાં કોઈ રુચિ નથી. આવા લોકો જાણે 'નો એન્ટ્રી'નું નિશાન લઈને ફરતા હોય છે.
હાસ્યની સાથે સાથે વ્યક્તિમાં થોડીક મજાક કરવાની આવડત પણ રહેલી હોય, તો તેની આ આવડત કુદરતી રીતે જ માનવીને મોહિત કરી દેતી હોય છે. તમે બધાના પ્રિય બની જશો. બસ જરૂર હોય છે, ન્યૂઝપેપરમાં આવતી બે થી ચાર કોમિક લાઈનને વાંચવાની અથવા પછી કોઈ જોક્સ વાંચી પોતાનાં કોલેજ સર્કલમાં આપલે કરવાની.
એવું જરૂરી નથી હોતું કે કોલેજ સર્કલના મિત્રોની રુચિ, તેમનો ટેસ્ટ બધામાં સામ્યતા હોય. આ બાબત સારી છે. કોઈને સાહસિક સીરિયલ અથવા ફિલ્મ પસંદ હોય તો કોઈને રમૂજ અથવા ટ્રેજેડી ફિલ્મ પસંદ હોય.
બસ, તમારી પસંદગીની આપલે કરો તમારા મિત્ર વર્તુળમાં. વિશ્વાસ રાખો, મિત્રોની મહેફિલમાંથી ઊઠવાનું મન થશે નહીં. રેડિયો જોકીઝ દ્વારા કરવામાં આવતી વાતો અથવા જાણકારીની પણ મિત્રોની વચ્ચે આપલે કરી શકો છો. વાત કરવાની સાથે સાથે બોલવાની રીતભાત પણ શીખો.
આંખો પણ બોલતી હોય છે. જે વાત તમે તમારા મોંથી કહી શકતા નથી હોતા તેને તમારી આંખો દ્વારા કહો. જ્યારે પણ કોઈની સાથે વાતચીત કરો ત્યારે તમારી આંખો તેની આંખોમાં પરોવો.
પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં જ નહીં, તમારા મિત્રોની વચ્ચે પણ, તમારી આ લાક્ષણિકતાની તે લોકોને અનુભૂતિ કરાવશે કે તમે તેમની વાતચીત પર ધ્યાન આપી રહ્યા છો.
જીવનના દરેક પાસાઓને સમય આપવાની સાથે સાથે તમારા પોતાના માટે પણ સમય કાઢો. કોઈપણ વ્યક્તિની ઓળખ તેના બાહ્ય આચારવિચાર પરથી થઈ જતી હોય છે. તેની સાથે વાતચીત કરવાથી તેના આઈક્સૂની ખબર પડી જતી હોય છે.
જો તમે તમારા વ્યક્તિત્વથી સામેની વ્યક્તિને આકર્ષણ થાય તેવું ઇચ્છતા હો તો તમારે આકર્ષક દેખાવું જરૂરી બને છે. તમે પર્સનેલિટીને અનુરૂપ પોશાક ભલે પહેરો, પરંતુ સાથે વ્યવહારમાં વિનમ્રતા અને મીઠાશ પણ જરૂર રાખો. આ ટિપ્સનો અમલ કરી મિત્રતાભરેલી આ દુનિયામાં સુંદરતાભરી જિંદગી જીવવાની મજા માણો.
-અનિતા