બેહૂદા જણાતાં કાળા રંગના ડાઘ
વ્યક્તિનો વાન ગોરો, ઘઉવર્ણો, શ્યામળો કે કાળો હોવાનું કારણ ત્વચામાં રહેલું મેલાનીન નામનું રંગદ્રવ્ય છે. આ રંગદ્રવ્યનો અભાવ હોય તો સફેદ-કોઢવાળી ત્વચા હોય છે. જેમ તેનું પ્રમાણ વધારે હોય તેમ ત્વચાના રંગની કાળાશ વધારે ઘેરી બનતી જાય. સાધારણ રીતે આખા શરીરની ત્વચાનો રંગ એક જ સરખી ઝાંયવાળો-શેડવાલો હોય છે. જો શરીરના અમુક ભાગની ત્વચા કાયમ ઢંકાયેલી રહે તો તે થોડી વધારે ગોરી હોય છે, કારણ કે તેના પર સૂર્યનાં કિરણોની અને વાતાવરણમાં રહેલા ધૂલના રજકણની અસર બહુ જ ઓછા પ્રમાણમાં થાય છે કે થતી જ નથી. જે ભાગ ખુલ્લો રહેતો હોય અને જે ભાગ પર તડકો પડતો હોય તે ભાગની ત્વચાનો રંગ ઘેરો થવા સંભવ છે.
ત્વચાના કુદરતી રંગ કરતાં ઘેરા રંગનાં કે કાળા રંગનાં ટપકાં, ડાઘ, ધાબું કે ચાઠું પડે તો તેનો ઉપાય કરતાં પહેલાં કારણ જાણવું જરૂરી છે. તપકિરી, રાખોડી, ભૂરા કે કાળા રંગની છાંટ, તલકાં કે નાના-મોટા ડાઘ કોઈ વાર જન્મ સમયે જ હાજર હોયો છે. મોટા ભાગની વ્યક્તિને આવા ડાઘને લીધે કોઈ તકલીફ થતી નથી. વાંસે, કમરે કે પેટ પરનો આવો ડાઘ 'લાખું' કહેવાય ચે અને લાખાવાળી વ્યક્તિ લાખોપતિ-શ્રીમંત બનશે તેવી માન્યતા છે. જો આ ડાઘ-ડાઘા કપડાંને લીધે બહાર દેખાતા ન હોય તો તેની ખાસ પરવા કરવામાં આવતી નથી, પણ જો તે ચહેરા પર અથવા કપડાં પહેર્યા પછી પણ દેખાય તેવા ભાગ પર હોય તો તે બાહ્ય દેખાવને કદરૂપો ન બનાવે માટે જરૂરી ઈલાજ કરવાનું મન થાય છે. આવા ડાઘમાં ખંજવાળ કે દુખાવો નતી હોતાં.
નવજાત બાળકના વાંસા પર, કૂલા પર અને કોઈ વાર જાંઘની બાજુએ ભૂરાશ પડતા કે રાખોડી રંગનાં ચકામાં હોય છે. બાળકની વય વધતાં આ ડાઘ આપમેળે ઝાંખા પડવા માંડે છે અને કદમાં નાના થતા જાય છે. કોઈ વાર જન્મ વખતે જ નાનકડા, તપકીરી કે રાખોડી રંગના બે-ત્રણ નાનકડા ડાઘ શરીરના ગમે તે ભાગમાં દેખાય છે. આનો ઈલાજ જરૂરી નથી, પરંતુ જો આવા ડાઘા, જેને અંગ્રેજીમાં- ફ્રેન્ચમાં કાફે-ઓ-લે સ્પોટ (દૂધવાળી કોફીના રંગના ડાઘ કહેવામાં આવે છે તેની સંખ્યા પાંચ-છ કે તેનાથી વધારે હોય તો આ વ્યક્તિને મગજમાં કંઈ તકલીફ હોવા સંભવ હોવાથી તેની વિગતવાર તપાસ કરાવી લેવી જોઈએ. કેટલાક બાળકને જન્મ વખતે ઘેરા તપકીરી રંગનો અથવા કાળા રંગનો મોટો ડાઘ હોય છે. નાનો ડાઘ સાધારણ રીતે મસા તરીકે ઓળખાય છે. જો આ ડાઘ મોટો હોય તો વ્યક્તિને પોતાના દેખાવ માટે ક્ષોભ થતો હોવાથી પ્લાસ્ટિક સર્જરીની મદદ લઈ શકાય. ગોરી વ્યક્તિને બાળપણથી અથવા થોડાં વર્ષ બાદ ચહેરા પર અને હાથ પગ પર તપકીરી છાંટણાં-તલકાં હોય તે સામાન્ય છે. આવાં છાંટણાં, કીટી-કીટી પડી છે તેવી રીતે પણ વર્ણવાય છે અને અંગ્રેજીમાં તે ફ્રેકલ્સ તરીકે ઓળખાય છે. મેક-અપના ઉપયોગથી તે ઢાંકી શકાય છે.
શરીરના અમુક ભાગની ત્વચા પર કાળા ડાઘ દેખાવાનાં કે અમુક ભાગની ત્વચા કાળી પડી જવાનાં બીજાં કારણો પણ છે. જો ચામડી પર ચશ્માંનું, ઘડિયાળના પટ્ટાનું કે કપડાનું દબાણ આવ્યા કરતું હોય કે ઘર્ષણ થયા કરતું હોય તો તે ભાગની ત્વચા કાળાશ પડતી થઈ જાય છે. આ ઘર્ષણ દૂર કરવાથી કોઈ વાર તે નોર્મલ દેખાવા માંડે છે અને કોઈ વાર તેવી ને તેવી જ રહે તેવો સંભવ છે.
ઈજાને લીધે ઘાવ થયો હોય કે શસ્ત્રક્રિયાનો કાપો હોય તો તેનો રંગ આસપાસની ચામડી કરતાં ઘેરો રહે તે સામાન્ય છે. આ જ પ્રમાણે ગૂમડાં, ખસ કે દરાજ જેવા ચેપ પછી પણ તે ભાગ કાળો પડી જાય તે પણ સામાન્ય છે. અમુક સંજોગોમાં આ ડાઘ કાયમી બની જાય છે. જ્યારે શીતળાની રસી આપવામાં આવતી ત્યારે તેનો ડાઘ કાયમી બનતો તે બધાએ જોયું છે અને અનુભવ્યું છે. વારંવાર તડકામાં જવાથી કે આકરો તડકો લાગવાથી પણ ત્વચા કાળી થઈ જાય તેવું બને છે.
કોઈ વાર કપાળ પર, આંખની આસપાસ કે ગાલ-નાક ઉપર કાળાશ પડતા ડાઘ સૂર્યનાં કિરણોમાં રહેલાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની દાહક અસરને લીધે થાય છે. જે વ્યક્તિના શરીરમાં વિટામિન-બી (નિકોટિનિક એસિડ)ની ક્ષતિ હોય તેનાં આંગળાં, કોણી, ઘૂંટણ અને ચહેરા પર કાળાશ પડતા કે કાબરચીતરા ડાઘ પડે છે. સલ્ફા, એન્ટિબાયોટિક અતવા કોઈ ઔષધિની એલર્જી હોય તો તેને લીધે પણ અમુક ભાગોમાં કાળા ડાઘ પડે છે. હોર્મોનના સ્તરમાં થતા ફેરફારને લીધે ગર્ભાવસ્થામાં કેટલીક સ્ત્રીઓના ચહેરા પર અને પેટ પર બિસ્કિટ જેવા રંગના કે તપકીરી ચકામાં-રેખા દેખાય છે. આધેડ કે મોટી વયની વ્યક્તિની ત્વચા-ખાસ કરીને ચહેરાની અને આંગળાની ત્વચા કાળી પડવા માંડે તો તેનું કારણ એડિસન્સ ડિસીઝ તરીકે ઓળખાતો અંતઃસ્ત્રાવની ગ્રંથિનો રોગ હોઈ શકે.
આ વયે જો શરીર પર નવા ભાગમાં તલ દેખાય અથવા જરા ઊપસેલો મસો દેખાય તો તે ત્વચામાં થતો મેલાનીન-રંગદ્રવ્યની ટયુમર હોવાની શક્યતા છે. જો વર્ષો જૂના તલ કે મસાના કદમાં વધારો થાય, આસપાસ બીજા કાળા રંગના તલકાં કે ડાઘ દેખાય અથવા મસાની ત્વચા ફાટી જઈ ત્યાં બળતરા થવા માંડે તો તે ત્વચાનું કેન્સર હોવાની યોગ્યતા હોવાથી નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. કેન્સરની સારવાર દરમિયાન અપાતાં ઔષધો, રેડિયેશન, એક્સ-રે થેરપી અને કોર્ટિકોસ્ટેરોઈડની ગોળીથી પણ ત્વચામાં રંગદ્રવ્ય વધી શકે.
જન્મથી જ લાખું-તલ-મસો-ડાઘ હોય તો સાધારણ રીતે તે નિરુપદ્રવી હોય છે. ત્યાર બાદ જો નવો ડાઘ દેખાય તો તેનું કારણ જાણવું જરૂરી છે. બધા જ ડાઘને ઈલાજની જરૂર નથી હોતી, તેમ છતાં ઈલાજ ક્યારે કરવો કઈ રીતે કરવો કે ન જ કરવો તેનો નિર્ણય ડોક્ટર લે તે જરૂરી છે. વિટામિનની ક્ષતિ કે એવું બીજું કારણ હોય તો તેનો ઈલાજ કરવો જરૂરી છે.
એક વાર પડેલા ડાઘાની તીવ્રતા ઓછી થાય કે તે જતો રહે તેવી શક્યતા છે, પરંતુ તે ન પણ જાય તો નવા ડાઘ નહીં પડે. તેટલો ફાયદો થશે. ત્વચાના કોઈ પણ રોગ ઉપર જે તે લોશન, મલમ, ક્રીમના અખતરા ન કરવાથી પણ ડાઘની શક્યતા ઘટશે. વધારે પડતો તડકો હોય તો છત્રીનો વાપર અથવા સંરક્ષણાત્મક ક્રીમનો વાપર તે ભાગની ત્વચા તતડી જતી કે કાળી પડી જતા રોકશે.
જો ટયુમર કે કેન્સરનું નિદાન થાય તો નિષ્ણાત ડોક્ટર પાસે જવું જરૂરી છે. આવા ડાઘ પર લીંબું, હળદર, બ્લિચિંગ ક્રીમ જેવા પદાર્થ લગાડવાથી કોઈ વાર ફાયદો થાય છે, પરંતુ જો તેની એલર્જી હોય તો ડાઘ વધારે ઘેરા બને છે.