- હસવાની સ્ટાઈલ પરથી આવકાર-ઉપહાસ કે વિસ્મય વ્યક્ત થાય છે તેમ હોઠોના આરોહ-અવરોહ લાચારી-લોલુપતા-કામવાસના-મૂંઝારો કે મગરૂરી જેવાં લક્ષણો પ્રગટ કરે છે, કેમ કે હોઠ વડે જૂઠું બોલી શકાય, પણ હોઠ જાતે કદી ખોટું બોલતા નથી
જો તમને કોઈપણ માણસનો ચહેરો વાંચતાં આવડી જાય, તો એ માણસની ખામી-ખૂબીઓ કે ખાસિયતો તેને પૂછ્યા વગર જાણી શકો. સંસ્કૃત ભાષાના મહાકવિ કાલીદાસે તો સદીઓ પહેલાં કહી દીધું હતું કે 'આકૃતિ ઃ ગુણાન્ કથયતિ.' અર્થાત્ વ્યક્તિનું 'ફિગર' તેના 'જિગર'ની જુબાની આપે છે અને માણસના ફિગરમાં તેનો 'ફેસ' અંતરની લાગણીઓને તરત વાચા આપે છે તેમજ તેનાં લક્ષણો પ્રગટ કરી દે છે.
પણ ચહેરામાંય 'આંખો' માનવીના મનોભાવોનો અરીસો બની રહે છે. આથી જ કદાચ અંધારીઆલમના ડોન-સરદારો અને કપટી રાજકારણીઓ કાયમ આંખો પર કાળા ચશ્મા ચડાવી રાખે છે, જેથી તેમના મનમાં ચાલતા કાવાદાવા કે કપટી પેંતરા ઉઘાડા ન પડે.
આંખો પછી સૌથી મહત્ત્વનું સ્થાન છે હોઠોનું. આંખોને ઢાંકી શકાય, પણ હોઠ કદાપિ છુપાવી શકાતા નથી. વળી વિવિધ લાગણીઓને વાચા આપતી વાણી હોઠના દ્વાર વડે જ પ્રગટ થતી હોવાથી તેના પ્રભાવને કદાપિ અવગણી ન શકાય. નિષ્ણાતો કહે છે કે 'આંખો' તમારા આત્માનો અરીસો છે, તો 'હોઠ' તમારા જાતીય આવેગનું દર્પણ છે. દુનિયાભરના સર્જકો આજદિન સુધી આંખો અને હોઠ વિશે (ખાસ કરીને સ્ત્રીઓના) સતત લખતા રહ્યા છે અને લખતા જ રહેશે, કેમ કે સ્ત્રીનું મન અકળ હોય છે અને જગતમાં સ્ત્રી ન હોય, તો પછી 'સેક્સ' તથા મનોભાવોનો કોઈ મતલબ નથી.
લાગણી કે સંવેદનાની અભિવ્યક્તિમાં ચહેરાના તમામ અંગોમાં હોઠ કે 'લિપ્સ' સૌથી વધુ સક્રિય છે. અંગ્રેજીમાં પ્રચલિત કહેવત છે કે 'લિપ્સ ડોન્સ લાય' હોઠથી બોલાતા શબ્દો જૂઠા કે કે છેતરામણા હોઈ શકે, પરંતુ હોઠ સ્વયં કદી ખોટું બોલતા નથી.
જીભની માફક હોઠમાં કોઈ હાડકું નથી. તેથી તે ખૂબ જ સ્થિતિસ્થાપક-ફ્લેક્સિબલ છે અને ખાનપાનની ક્રિયાઓ ઉપરાંત વાણી વગર પણ વિવિધ મૂડ-મિજાજ વ્યક્ત કરી શકે છે. બીજા પ્રાણીઓ કરતાં માનવીના હોઠ અંદરની તરફ ખૂલે છે, માંસલ હોય છે અને કાયમ તરત દેખાઈ આવે છે, બાળક જન્મ્યા પછી સ્તનપાન મારફત સૌપ્રથમ હોઠ વડે જ માતાના ગાઢ સંપર્કમાં આવી પ્રેમ અને પોષણ મેળવે છે. બે પ્રેમીઓ પણ એકમેકના સ્પર્શ વડે નિકટ આવીને રતિસુખ કે કામક્રીડાના શ્રીગણેશ 'ચુંબન'થી જ કરે છે.
મનુષ્યની ઉત્ક્રાંતિના અભ્યાસુ સંશોધકોના મતે પુખ્ત વયની સ્ત્રીના હોઠ તેની યોનિના હોઠ કે ભગોષ્ઠની નકલરૂપે વિકસ્યા છે. લેટિન ભાષામાં યોનિદ્વાર પરના હોઠને 'લેબિયા' કહે છે, જે 'લેબિયમ'નું બહુવચન છે. તેના પરથી જ ચહેરા પરના હોઠ માટે 'લિપ્સ' શબ્દ બન્યો છે. હકીકતમાં યોનિના હોઠ અને ચહેરાના ઓઠ વચ્ચે ઘણું સામ્ય છે. સ્ત્રીની જાતીય ઉત્તેજના વખતે કે કામાવેગ દરમિયાન યોનિ-ઓષ્ઠની માફક તેના ચહેરાના હોઠ પણ ફૂલે છે અને વધારે લાલ બનીને ખૂલે છે.
સ્ત્રીને 'સેક્સી લૂક' આપવા માટે વપરાતી લિપસ્ટિકની શોેધ ઘણાને કદાચ નવી લાગતી હશે. પરંતુ વાસ્તવમાં હોઠની લાલિમા કે ગુલાબી ઝાંય દર્શાવવા માટે છેલ્લાં ૫,૦૦૦ વરસથી માનુનીઓ આવા રંગો વાપરતી આવી છે. હોઠને ભીના રાખવા માટે વપરાતો 'લિપગ્લોસ' પણ યોનિની ભીનાશના સંકેતરૂપ છે. આવા સાધનોની જાહેરખબરોમાં એડવર્ટાઈઝરો મોટેભાગે શિશ્નના આકારવાળી વસ્તુઓનો ઉપયોગ કરે છે, જેથી તે બંને હોઠ વચ્ચે આસાનીથી પસાર થઈ શકે!
'બોડી લેંગ્વેજ' (શરીરની ભાષા)ના નિષ્ણાતો કહે છે કે હોઠના વળાંક અને ઉતાર-ચડાવની ચેષ્ટાઓનું બારીકાઈથી અવલોકન કરવામાં આવે તો વ્યક્તિની લાગણીઓ વિશે ઘણું જાણી શકાય. જેમ કે કોઈ વ્યક્તિ હસે ત્યારે ખબર પડી જાય કે તે ખુશ છે. પરંતુ 'સ્માઈલ' હંમેશા ખુશી વ્યક્ત કરવા માટે જ અપાય એવું નથી. કેટલીકવાર કોઈક ભૂલચૂક થઈ હોય, તો માફી કે ક્ષમા માગવા માટે પણ સ્મિત વેરવામાં આવે છે, તો ક્યારેક કટાક્ષમાં કે હાંસી ઉડાવવા માટે પણ ફિક્કું સ્માઈલ અપાતું હોય છે. વળી કોઈક વખત લાચારી-મજબૂરીનો સંકેત પણ સ્મિત વડે અપાય છે. સંશોધકોએ આવાં ૧૯ પ્રકારનાં સ્મિત દર્શાવ્યા છે, જેનો ઉપયોગ વાતચીત કરતી વખતે વિવિધ લાગણીઓ પ્રગટ કરવા માટે થતો હોય છે.
આથી સ્મિત વેરતા 'હોઠ'નો મતલબ જાણવો ખૂબ જ જરૂરી છે, કેમ કે ચહેરાના હાવભાવ અને સ્મિતના પ્રકાર પરથી સામી વ્યક્તિ શું કહેવા માગે છે અથવા તેની પ્રતિક્રિયા કે રિસ્પોન્સ કેવો છે, તે પરખાઈ જાય છે. જો તે કોઈકના સ્મિતને બરાબર ધ્યાનપૂર્વક વાંચી શકો, તો તેનું સ્મિત સાચું છે કે બનાવટી તે જાણી શકો. સૌંદર્ય-સ્પર્ધામાં ભાગ લેતી સ્ત્રીઓનાં મોં પર મોટેભાગે બનાવટી 'પ્લાસ્ટિક સ્માઈલ' જોવા મળે છે.
જો સ્મિત સાચું હશે, તો મુખના બંને ખૂણા ઉપરની તરફ વળશે. ઉપરાંત નાકમાંથી થોડોક અવાજ સંભળાશે અને નસકોરાં ફૂલશે. લમણા તરફના આંખના બંને ખૂણે કાગડાના પગ જેવી કરચલીઓ રચાશે. આવા સ્મિતને 'ઝાયગોમેટિક સ્માઈલ' કહે છે, કારણ કે તેમાં ચહેરાના 'ઝાયગોમેટિક' નામના સ્નાયુઓ સંકોચાઈને હોઠના બંને ખૂણાને થોડાક ઉપરની તરફ વાળે છે.
જ્યારે કોઈપણ વ્યક્તિ ખોટું કે બનાવટી સ્મિત વેરે છે ત્યારે તેના હોઠના બંને ખૂણા પાછલી તરફ વળે છે. તેના ચહેરાના અને મોઢાના સ્નાયુઓ સ્થિર રહે છે તેમજ આંખો ભાવહીન (બ્લેન્ક) દેખાય છે. હકીકતમાં સાચું સ્મિત મોં પરથી નહિ, પરંતુ આંખો પરથી પરખાય છે, કેમ કે આવી સ્થિતિમાં આંખો ઝીણી બની જાય છે. બીજું, નિખાલસ કે મુક્ત હાસ્ય વેરનારી વ્યક્તિઓના હોઠ બંને તરફ એકસરખા અંતરે વિકસે છે, જ્યારે બનાવટી કે કૃત્રિમ સ્મિતમાં હોઠોની ગતિ સમાંતર નથી રહેતી. વળી સાચું સ્મિત થોડીક સેંકડો પૂરતું ટકે છે, જ્યારે બનાવટી સ્મિત લાંબા સમય સુધી જેમનું તેમ રહે છે. જેમ કે કોઈક સભા-સમારંભમાં જાહેરમાં જનતાનું અભિવાદન ઝીલતા નેતાઓ અથવા અતિથિઓનું સ્વાગત કરનારા મહાનુભાવો હસતું મુખ રાખીને લોકો સામે બનાવટી સ્મિત વેરતા રહે છે.
'સ્માઈલિંગ'ની ક્રિયા જન્મજાત હોય છે, કેમ કે નેત્રહીન કે અંધ માણસો કોઈને હસતાં જોયા ન હોય છતાં સ્મિત વેરતા રહે છે. જો કે અંધવ્યક્તિને હસતી જોનારને એનું સ્મિત ક્યારેક વિચિત્ર લાગે છે, કારણ કે એ સાહજિક હોય છે અને એના હાસ્યમાં સ્મિતની વેરાયટી જોવા મળતી નથી. બાળકના મોં પર સૌપ્રથમ સ્મિત તેના જન્મ બાદ બેથી બાર કલાક સુધીમાં જોવા મળે છે. જો કે તેમાં કોઈ ખુશી કે ગમનો ભાવ નથી હોતો. શિશુનું સ્મિત નિર્દોષ અને નિર્દંશ હોય છે. પણ બાળક મોટું થાય પછી તે બીજી વ્યક્તિને જોઈને સ્મિત વેરવાનું શીખે છે. તેની સામે જોનારી વ્યક્તિના સ્મિતની નકલ કરીને અને ખાસ તો પોતાની માતાના સ્મિતની ચોક્કસ અદા પરથી તે હસતાં શીખે છે.
માણસ જેમ જેમ વયમાં અને અનુભવમાં મોટો થતો જાય તેમ તેમ તેના સ્મિતમાં ફરક પડે છે. તેનું સ્મિત પોતાની લાચારી વ્યક્ત કરવાની કે બીજાને ખુશ કરવા ની કોશિશ બની જાય છે, કેમ કે ડર કે ભયની અનુભૂતિ વખતે હોઠ પાછલી તરફ ખેંચાય છે. ભયભીત થવું એ બિન-આક્રમક હોવાની નિશાની છે અને બિન-આક્રમક અભિવ્યક્તિ મૈત્રીભાવનો સંકેત છે. 'ધ ફેસ ઃ એ નેચરલ હિસ્ટરી' નામના પુસ્તકના લેખક ડેનિયલ મેકનીલ કહે છે કે કોર્ટકચેરીમાં સ્મિત વેરતા અને નહિ વેરતા ગુનેગારોે ન્યાયાધીશને એકસરખા દોષિત લાગે છે. છતાં સ્મિત વેરતા ગુનેગારોને તે છી સજા ફરમાવે છે, જ્યારે સ્મિત નહિ વેરતા ગુનેગારોને વધુ સજા ફટકારે છે. આ લક્ષણને 'સ્માઈલ-લિનિયન્સી ઈફેક્ટ' કહે છે.
'સ્માઈલ'નો ઉપયોગ હજી પણ ઓશિયાળો ભાવ, મજબૂરી કે સામી વ્યક્તિની તાબેદારી સ્વીકારવા માટે કરાય છે, એવું તારણ બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ કાઢ્યું છે. ઉપરીઓ કે અધિકારી વ્યક્તિઓના હાથ નીચે કામ કરતી 'સબોર્ડિનેટ' વ્યક્તિઓ તેમના 'બોસ' કરતાં વધુ વખત સ્માઈલ આપતી હોય છે.
જોકે 'સ્માઈલ' વડે ઉપહાસ, ઠેકડી કે અપમાન જેવી નકારાત્મક લાગણીઓ પણ વ્યક્ત કરાય છે. આવા સ્મિતને 'ટાઈટ સ્માઈલ' કહે છે, જેમાં બંને હોઠ ચુસ્ત રીતે ભીડીને મોઢાના ખૂણા પાછળ ખેંચવામાં આવે છે. ઉપરાંત 'ઓન-ઓફ' સ્માઈલ નામનો એક પ્રકાર પણ છે, જેમાં પળવાર સ્મિત વેરીને તરત બંને હોઠ નોર્મલ પોઝિશનમાં આવી જાય છે.
સ્ત્રીઓની બોડી લેંગ્વેજમાં જોવા મળતી ઊડીને આંખે વળગે તેવી સર્વસામાન્ય ભૂલ એ છે કે તેઓ વધુપડતું સ્માઈલ વેરે છે. તેમને કોઈ ઠપકો આપે ત્યારે પણ તે હસતી રહે છે. આવું સ્મિત દર્શાવે છે કે તે સ્ત્રી પોતાની ટીકા વિશે ગંભીર નથી.
હોઠ પર ફરકતું સ્મિત રોષ-આક્રોશની લાગણી વ્યક્ત કરવામાં પણ ઉપયોગી નીવડે છે. તેમાં બંને હોઠ દબાવીને બંધ કરી દેવામાં આવે છે અને એ બે હોઠ વચ્ચે માત્ર પાતળી રેખા દેખાય છે. આ પ્રકારના 'કોમ્પ્રેસ્ડ લિપ્સ' હતાશા-નિરાશાનો ભાવ પણ વ્યક્ત કરે છે, કેમ કે મોટે ભાગે ફ્રસ્ટ્રેક્શન કે હતાશામાંથી જ ક્રોધ તથા અણગમો જન્મે છે. આનું કારણ એ છે કે હોઠ આપણા ચહેરાનું એક ઉત્સાહપ્રેરક અને મૈત્રીસૂચક અંગ છે અને હોેઠ ભીડવાથી તે નાના બની જાય છે, જે દર્શાવે છે કે તમારું મન એમ કહે છે કે તમને અમુક વ્યક્તિ કે બાબત પ્રત્યે અણગમો છે. એટલે જ ટેન્શનની સ્થિતિમાં માણસના હોઠ આપોઆપ બિડાઈ જાય છે અને અંદરની તરફ વળી જાય છે. ઘણા ચિંતાગ્રસ્ત લોકોને આપણે દાંત વચ્ચે હોઠ દબાવતા જોઈએ છીએ તેનું કારણ તેમના મનમાં ચાલી રહેલી મથામણ હોય છે.
ભીડાયેલા હોઠનો બીજો પ્રકાર છે 'સ્ટિફ અપર લિપ' જેમાં ઉપલો હોેઠ જ દબાયેલો રહે છે. આ સ્થિતિ કટોકટીના સંજોગોમાં સંયમ જાળવી રાખવાના લક્ષણનો સંકેત છે. જો કે આવો હોઠ ક્યારેક બહાદુરી દર્શાવે છે, તો ક્યારેક વ્યક્તિના મનમાં ઘુમરાતી કશીક શંકાનું પણ સૂચન કરે છે. જો કે કોઈ ધારણા બાંધતા પહેલાં તેની પરિસ્થિતિનો તાગ મેળવી લેવો જોઈએ, જેથી ગેરસમજ ન થાય.
દુનિયાભરમાં બ્રિટિશ પ્રજા તેમના ઉપલા હોઠને ચુસ્ત કે ભીડેલા રાખવા માટે જાણીતી
છે. બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ ઝળહળતો હતો ત્યારથી આ પરંપરા વિકસી હતી. એ સમયે ઇંગ્લેન્ડનાં વિદ્યાર્થીઓને શીખવવામાં આવતું કે તમારો ઉપલો હોઠ ભીડેલો રાખવો. આ લક્ષણ દ્વારા એવો સંકેત દર્શાવવાનો ઇરાદો હતો કે 'તમે તમારું કામ ચૂપચાપ કર્યા કરો અને ચહેરા પર કોઈ લાગણી દર્શાવતા નહિ' (ડૂ યોર ડયુટી એન્ડ શો નો ઇમોશન). આ પરંપરા ત્યાર પછીની સદીમાં પણ પ્રચલિત બની અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર પી.જી. વુડહાઉસે 'સ્ટિફ અપર લિપ, જીવ્સ' નામે એક આખી નવલકથા લખીને આવી બ્રિટિશ લાક્ષણિકતાનો પ્રસાર કર્યો હતો.
પરંતુ સમય જતાં 'બોડી લેંગ્વેજ'માં પણ ફેરફાર થયો. આજના બ્રિટિશરોને પોતાની લાગણીઓ જાહેરમાં વ્યક્ત કરવાની છૂટ અપાઈ છે.
બિડાયેલા હોઠના બીજા બે પ્રકાર છે 'પર્સ્ડ લિપ્સ' અને 'પાઉટ લિપ્સ'. કેટલાક તેને સમજવામાં મૂંઝવણ અનુભવે છે, કેમ કે તેઓ બન્ને પ્રકારને એકસરખા ગણે છે, પરંતુ 'લિપ-પર્સ'માં બન્ને હોઠ ભીડાઈને દાંત તરફ વળે છે, જે અસંમતિ કે નારાજગી દર્શાવે છે. ઉપરાંત ક્યારેક માણસના મનમાં ચાલતી દ્વિધા કે અવઢવનો પણ સંકેત આપે છે. દંપતી વચ્ચે કોઈક હોટેલમાં જવા વિશે મૂંઝવણ સરજાય ત્યારે બેમાંથી એકના હોઠ આ રીતે બિડાઈ જાય છે, જે સૂચવે છે કે તેને અમુક હોટેલને બદલે બીજે ક્યાંક જમવા જવાની ઇચ્છા છે.
તમે કોઈક મિત્ર સાથે ચર્ચા કરતા હો અને અચાનક તેના હોઠ પર્સની માફક બિડાઈ જાય, તો એમ સમજવું કે તમારી વાતનો તે વિરોધ કરવા માગે છે અથવા તમારી સાથે સહમત થવા માટે તેને થોડોક સમય જોઈએ છે. જો તમે આ લક્ષણ ઉકેલી શકો તો તેને પૂછ્યા વગર બીજી રીતે સમજાવી-મનાવી શકો.
'પાઉટ લિપ્સ'માં નીચલો હોઠ વિસ્તરીને ઉપલા હોઠ પર ભિડાય છે. આ પોઝિશન નાખુશી, અણગમો કે ઉદાસીનો ભાવ દર્શાવે છે. ઉપરાંત તે જાતીય આવેગ કે ઉત્તેજનાનો પણ સૂચક છે. સામાન્ય રીતે બાળકો પોતાનો અણગમો આવી રીતે પોતાના હોઠ બીડીને દર્શાવે છે. વડીલો કરતાં બાળકો તરત હોઠ વડે પોતાના મનોભાવ વ્યક્ત કરે છે, કેમ કે તેમને પોતાની લાગણીઓ પ્રગટ કરવામાં કશો છોછ-સંકોચ નથી હોતો.
જોકે યુવાવયની વ્યક્તિઓ 'પાઉટ લિપ્સ'નો ઉપયોગ ફલર્ટિંગ માટે કરે છે. કોઈક યુવતી તેના પ્રેમી સામે આ રીતે જોતી હોય એનો અર્થ એ થાય કે તે પોતાના 'લવર'ને સેક્સ માટે આમંત્રણ આપી રહી છે. ક્યારેક દાંત વડે હોઠના ખૂણા કરડીને પણ સ્ત્રીઓ કામેચ્છા વ્યક્ત કરે છે. જોકે સ્ત્રીની આવી હરકતને હંમેશા તેના 'જાતીય ઉશ્કેરાટ'માં ખપાવવી ન જોઈએ, કેમ કે તે પોતાના નીચલા હોઠને ઉપલા હોઠ પર ભીડીને તરત મોઢું ફેરવી લે, તો સમજવું કે તેને સામા પુરુષમાં રસ નથી.
હોઠનો સૌથી વધુ ઉપયોગ વાણી ઉપરાંત 'કિસ' કે ચુંબન માટે કરાય છે એ વાત ફોડ પાડીને કહેવાની જરૂર નથી પણ 'કિસ'થી લોકો શા માટે રોમાંચિત થાય છે તેનો વૈજ્ઞાાનિક જવાબ એ છે કે આપણા ચહેરા પર મોં અને નાકના વિસ્તારની આસપાસ અનેક જ્ઞાાનતંતુઓના છેડા આવેલા છે. ચુંબનથી આ છેડા ઉત્તેજના અનુભવે છે. પરિણામે આખું શરીર અનેરો રોમાંચ અનુભવે છે. આપણા બન્ને હોઠ જાણે વીજળીના કરન્ટવાળા બે તાર છે વિજાતીય કે બીજી વ્યક્તિના હોઠની લગોલગ આવતાંવેંત બંને ઉત્તેજિત થઈ ઉઠે છે. એટલે જ હોઠ કે અધર આપણા શરીરનું સૌથી વધુ સંવેદનશીલ-ઉત્તેજક અંગ છે. માણસના જાતીય સમાગમની સર્વપ્રથમ ક્ષણ સામાન્ય રીતે ચુંબનથી જ શરૂ થતી હોય છે. હોઠ વડે હોઠનો સ્પર્શ એ આત્મીયતાની દૈહિક કે આંગિક અભિવ્યક્તિનું પહેલું દ્વાર છે.
કિસની સાથોસાથ 'લિપ્સ પ્રેસ' નામના પ્રકારને પણ સમજી લો. આમાં હોઠ પર એકાદ અથવા વધારે આંગળીઓ દબાવવામાં આવે છે. આવી ચેષ્ટા મોટે ભાગે માણસો ખોટું બોલતી વખતે કરે છે. આ ઉપરાંત મોં ઢાંકી દેવાની પ્રક્રિયા (માઉથ કવર) પણ વ્યક્તિની અકળામણ કે ઉદ્વેગનો સંકેત આપે છે. એ જ રીતે નાક પર આંગળી મૂકવાની ચેષ્ટા પણ જૂઠ કે છેતરપિંડીનો સંકેત છે.
હૈયાની ભીતરના ભેદ-ભરમ, અંતરના ઇરાદા અને મનના આવેગોને વાચા આપતાં સ્મિત અને હોઠોના આરોહ-અવરોહના સંકેતો આ લેખ વાંચ્યા પછી કદાચ તમને તમારી ચેષ્ટાઓ બદલવા કે તેના પર કાબુ રાખવા પ્રેરે પણ હૈયે તેવું હોઠે અચૂક કોઈક હોશિયારની નજરે ચડી જશે.


