Get The App

ભયની જંજાળમાં ઘસડી જતો ફોબિયા .

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
ભયની જંજાળમાં ઘસડી જતો ફોબિયા                             . 1 - image

બીનાને જેવો કોઈ વંદો કે ગરોળી નજરે ચડે કે તરત તે ચીસ પાડી બેભાન થઈ જતી. નાનપણથી જ એને આવું થતું હતું. વાંદાને જોઈને જ એ ધુ્રજી ઊઠતી એટલે સુધી કે એનું ચિત્ર પણ એ ના જોઈ શકતી. લગ્ન પછી પણ તેનો આ ભય ચાલુ જ રહ્યો. એના પતિ અને બાળકો રબરની નકલી ગરોળી લાવે, તો એ એને જોઈ જ ના શકે, ઘણી વાર તો તેના બાળકો જાણીજોઈને મરેલો વાંદો લાવી મમ્મીને ડરાવતાં અને ચીડવતાં.

આવો જ અજાણ ભય પૂર્વીને લોહીનો હતો. લોહી જોયું નથી કે એ અવાક થઈ નથી. એક વાર એક વ્યક્તિને ઇન્જેક્શન લગાવવાથી ટીપા સરખું લોહી નીકળ્યું, તો પણ લોહી જોઈને જ પૂર્વી બેભાન થઈ ગઈ.

આપણી રોજબરોજની જિંદગીમાં કોઈપણ ખાસ ચીજવસ્તુ અથવા પરિસ્થિતિ માટે અત્યંત ભય ધરાવતા લોકોના કિસ્સા આપણને જોવા મળે છે. આને 'ફોબિયા' કહે છે. ફોબિયાથી પીડાતી વ્યક્તિ કોઈપણ ખાસ વસ્તુ, પછી ભલે તે સજીવ હોય કે નિર્જીવ, તેને જોઈને જ ભયની તીવ્ર લાગણી અનુભવે છે, જે એના માનસપટ પર ઊંડી છાપ છોડી જાય છે. ઘણી વાર આવા ભય સાથે એ વસ્તુ પ્રત્યે ઘૃણા પણ છુપાયેલી હોય છે જેમકે સરલાને 'ગરોળી'નો અને નમ્રતાને 'કરોળિયા'નો ડર લાગતો હતો. તેમને એમની તરફ અણગમો હતો.

જે વસ્તુનો ફોબિયા હોય, તેને જોઈને જ વ્યક્તિ ડરથી વશીભૂત થઈ જાય છે અને પોતાની જાત પરનું નિયંત્રણ ખોઈ બેસે છે, તેનું સ્નાયુતંત્ર પણ વશમાં નથી રહેતું. આવી પરિસ્થિતિમાં કાં તો તે ચીસ પાડી ઊઠે છે કે બેભાન થઈ જાય છે. તેનું શરીર ધુ્રજવા લાગે છે અથવા તો તે જડ થઈ જાય છે.

મનોરોગચિકિત્સકોનું કહેવું છે કે કોઇપણ પ્રકારના ફોબિયા હોય, પરંતુ મોટે ભાગે તે કોઇ ખાસ વસ્તુ પ્રત્યે ઊભો થયેલો ભય અકારણ તો નથી જ હોતો, કોઈપણ પરિસ્થિતિ આ પરિણામ માટે જવાબદાર હોઇ શકે છે. આમ તો બીના ખૂબ જ સ્વસ્થ રહેતી હતી. હસવું-રમવું, ભણવું બધું જ એક સામાન્ય છોકરી જેવું જ હતું, પરંતુ જ્યારે પણ એ વાંદાને, તેના ચિત્રને જુએ ત્યારે ભયભીત થઈ જતી.

પૂર્વીના જીવનમાં પણ કંઇક આવું જ બનેલું. નાનપણમાં તેણે પોતાની નજર સામે એક અકસ્માત જોયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિ લોહીથી લથબથ હતી. તેની સામે જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. આટલું બધું લોહી જોવાથી તેના કુમળા મગજને ઊંડો આઘાત લાગ્યો અને એ ત્યાં જ ડરની મારી બેભાન થઈ ગઈ. ત્યારથી આજે પણ જ્યારે એ લોહી જુએ ત્યારે બૂમ પાડીને બેભાન થઈ જતી. જોકે બીજી બધી રીતે તેનો વ્યવહાર એક સામાન્ય છોકરી જેવો જ હતો.

ક્યારેક તો જીવનના કોઈપણ વળાંક પર બનેલી આવી ઘટના વ્યક્તિને યાદ નથી રહેતી, પરંતુ તેના અચેતન મન પર તેની અમીટ છાપ છોડી જાય છે. આમ ફોબિયાનું મુખ્ય કારણ વ્યક્તિના ચેતન અથવા અચેતન મન પર કોઈ ખાસ વસ્તુ, ઘટના અથવા વાતની પડેલી ઊંડી છાપ છે, જેના કારણે વ્યક્તિમાં તે વસ્તુ અથવા પરિસ્થિતિ પ્રત્યે ભય અથવા 'ફોબિયા' ઉત્પન્ન થાય છે.

સામાન્ય ફોબિયા

મોર, કરોળિયો, ઉંદર, ગરોળી અથવા ઝાડનાં મૂળ વગેરેને જોઈને ઊપજતા ભયથી તો બચી શકાય છે અથવા તેને જોયું ન જોયું પણ કરી શકાય છે.

એક મનોચિકિત્સકના કહેવા પ્રમાણે 'એરેકનો ફોબિયા' (કરોળિયાને જોઈને લાગતો ભય)ના દર્દીઓ ક્યારેક જ મારી પાસે ઇલાજ માટે આવે છે એટલે કે આવા ફોબિયા ગંભીર હોતા નથી. આવી વ્યક્તિઓ સામાન્ય જીવન જીવી શકે છે.

ઇલાજ ક્યારે જરૂરી?

જે વ્યક્તિને ફોબિયા એવી વસ્તુ પ્રત્યે હોય, જેનો રોજબરોજની જિંદગીમાં સામનો કરવો પડતો હોય, તો તેનો ઇલાજ જરૂરી બને છે.

રીતુને ઊંચાઈ પ્રત્યે ફોબિયા હતો. તેની ઑફિસ બિલ્ડિંગમાં ૧૨મા માળે હતી. પહેલીવાર જ ઉપર જતાં તે બેભાન થઈ ગઈ. આમ ઊંચી ઈમારતના લીધે તેણે નોકરી છોડવી પડી. આ પ્રકારનો ફોબિયા, જે તમારી રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલો હોય અથવા જેની ઊંડી અસર તમારા માનસપટ પર પડી હોય ત્યારે આવી પરિસ્થિતિમાં તેનો ઇલાજ કરાવવો બહુ જ જરૂરી બને છે.

ફોબિયા એ ફક્ત ભય કે ડરની સ્થિતિ જ નથી, પરંતુ એક માનસિક રોગ છે. જે તે વધારે પડતો વકરે તો વ્યક્તિની માનસિક સ્થિતિ પર તેની ઊલટી અસર પડે છે અને તેને પોતાનું જીવન અસામાન્ય લાગે છે. આવી પરિસ્થિતિમાં ઇલાજ કરાવવો વધારે યોગ્ય ગણાય. મનોરોગચિકિત્સક ફોબિયા જેવા માનસિક રોગનો જુદાં જુદાં પ્રકારે ઇલાજ કરે છે અને દર્દીના મનનું વિશ્લેષણ કરી, સમસ્યાનું મૂળ કારણ જાણવાનો પ્રયત્ન કરે છે. સાથે સાથે એ પણ શોધી કાઢે છે કે દર્દીની ચિંતા અને ડર ક્યા પ્રકારનાં છે, ક્યા કારણોથી અને કઈ પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય છે. આના આધારે જ તે દર્દીનો ઇલાજ કરે છે.

ઇલાજની રીત

સામાન્ય રીતે ઇલાજ બે પ્રકારના હોય છે : એક 'પ્રોગ્રેસિવ ડિસેન્સિટાઇઝેશન' અને બીજો 'ફ્લડિંગ ડિસેન્સિટાઇઝેશન.'  પ્રોગ્રેસિવ ડિસેન્સિટાઇઝેશનમાં ધીમે ધીમે અનેક ભાગોમાં ઇલાજ કરવામાં આવે છે, જેમાં દર્દીની સહનશક્તિ ધીમે ધીમે વધારવામાં આવે છે. દર્દીની સામે એ વસ્તુ જ લાવવામાં આવે છે, જેનો તેને ફોબિયા હોય, જેથી પહેલાં તો તે ડરે જ છે. શરૂઆતમાં થોડી વાર માટે અને ધીમે ધીમે વધારે સમય માટે આ વસ્તુ તેની નજર સમક્ષ લાવવામાં આવે છે. આમ ધીરે ધીરે દર્દીની ભય સહિષ્ણુતા વધી જાય છે.

જેમકે એક વ્યક્તિને 'મ્યૂસોફોબિયા' (ઉંદરથી લાગતો ભય) છે, તો પહેલાં એ વ્યક્તિને ઉંદર વિશે વાત કરવામાં આવે છે. ત્યારબાદ બીજા ભાગમાં તેને ઉંદરનાં ચિત્રો કે ફોટા બતાવવામાં આવે છે. તે પછી સાચો ઉંદર બનાવવામાં આવે છે.

છેવટે એક દિવસ દર્દીના હાથમાં જ ઉંદર મૂકી દેવામાં આવે છે છતાં પણ દર્દીને ડર નથી લાગતો, પરંતુ આ આખી પ્રક્રિયા બહુ જ મહેનત અને સમય માગી લે છે.

આ માટે માનસિક રોગીએ મનોરોગચિકિત્સકને સાથ આપવો જરૂરી બને છે, ત્યારે જ તેનો ઇલાજ સંપૂર્ણપણે સફળ બની શકે છે. મનોચિકિત્સકનું માનવું છે કે જે કારણથી વ્યક્તિને ફોબિયા હોય, એ વસ્તુથી દૂર રાખવાનો પ્રયત્ન કરવાથી, વસ્તુને જતી કરવાથી અથવા ટાળી દેવાથી તેનો ભય વધી જાય છે. આથી જ વારેવારે તેની નજીક જવાથી ધીમે ધીમે ભય ઓછો થતો જાય છે. બીનાને પણ પહેલાં મોરનાં ચિત્રો બતાવવામાં આવ્યાં, પછી પ્રાણીસંગ્રહાલયમાં લઈ જઈ મોરને બતાવ્યો. છેલ્લે ખુલ્લી જગ્યામાં મોરને તેની સામે લાવવામાં આવ્યો. પહેલાં તો એ બહુ જ ડરી ગઈ, પરંતુ ધીમેધીમે એનો ભય ઓછો થતો ગયો.

આનાથી ઊલટું, 'ફ્લડિંગ' પ્રક્રિયામાં ફોબિયાથી પીડાતી વ્યક્તિને જે વસ્તુ પ્રત્યે ડર હોય, તે વસ્તુની એકદમ સામે લાવવામાં આવે છે. આ પ્રક્રિયાથી એ પળે તો તે બહુ જ ભયભીત થઈ જાય છે, પરંતુ થોડી જ ક્ષણોમાં તે અનુભવે છે કે 'હવે તે ભયને કાબૂમાં રાખી શકે છે. આ ડરને તે સહન કરી શકે છે અને આવી ભયંકર પરિસ્થિતિમાં પણ જીવિત રહી શકે છે.'

અમુક ચિકિત્સકોના મંતવ્ય પ્રમાણે આ રીતે લાભદાયક છે, પરંતુ એટલો જ જલદ અને અમાનુષી ઉપચાર છે. દર્દીને અચાનક ડરાવી દેવો, એ તેના પર અત્યાચાર કરવા બરાબર છે.

સુમિત્રાને ગંદકીનો ફોબિયા હતો. તે છોડાવવા એને તદ્દન ગંદી જગ્યામાં રાખવામાં આવી. તેને સડેલી અને ફૂગવાળી રોટલી ખાવા આપી અને તેને ગંદા ઓરડાને સાફ કરવાનું કહેવામાં આવ્યું. આ પરિસ્થિતિમાં તે આખો દિવસ બૂમો પાડીને રડતી રહી.

આથી ચિકિત્સકોનું માનવું છે કે મોટે ભાગે 'પ્રોગ્રેસિવ ડિસેન્સિટાઇઝેશન'ની પ્રક્રિયાનો જ પ્રયોગ કરવામાં આવે અને તેને જ યોગ્ય ઇલાજ કહી શકાય.

સૌથી સારો ઉપાય એ કે પોતે જ હિંમત એકઠી કરી. વ્યક્તિ પોતાની ઇચ્છાશક્તિથી આવી પરિસ્થિતિમાં પોતાનો ઇલાજ કરે. આમ કરવામાં તે તેનાં સગાંવહાલાં અને મિત્રોની મદદ લઈ શકે છે.

કાનન પ્લેનમાં મુસાફરી કરતાં ગભરાતી હતી, જ્યારે ઘરનાં સભ્યોને વારંવાર પ્લેનમાં મુસાફરી કરવાનું બનતું હતું. તેના પિતા થોડાં વર્ષ માટે વિદેશ ગયા હતા. ત્યાં તે ખૂબ જ પ્રવૃત્ત હતા, તેથી અહીં આવી નહોતા શકતા. ઘરનાં બધાં સભ્યો વચ્ચે વચ્ચે તેમને મળી આવતાં હતાં, પરંતુ કાનન ડરને લીધે જઈ શકતી નહોતી. પોતાના પિતાને માત્ર પ્લેનના ભયના કારણે ન મળી શકવાનું તેને બહુ જ દુ:ખ હતું. એક દિવસ એણે નક્કી કરી લીધું કે પોતાના આ ભય પર તે કાબૂ મેળવીને જ રહેશે. આ માટે તેણે તેના કાકા, જે એરપોર્ટમાં ઑફિસર હતા, તેમની મદદ લીધી.

પહેલાં એણે શહેરમાં જ પાંચ મિનિટની સફર તેના કાકા સાથે કરી ત્યારબાદ બાજુના શહેરમાં જવાનું શરૂ કર્યું. પહેલાં તો એ ડરીને રડી પડતી, પણ પછીની હવાઈસફરમાં તેનો ભય ઓછો થવા લાગ્યો. 

ધીમે ધીમે તેણે ભય પર કાબુ મેળવી લીધો અને એક દિવસ એ તેના પિતાને મળવા વિદેશ ગઈ. રીતુને ઊંચી બિલ્ડિંગ પર જતાં ભય લાગતો હતો. તે તેના ભાઈની મદદથી પહેલાં પહેલે માળે, પછી બીજા માળે અને ધીમે ધીમે એક દિવસ બારમા માળે પહોંચી ગઈ અને તેણે પોતાના ભયથી છુટકારો મેળવ્યો. આમ બારમા માળે નોકરી કરવા જવાની તેણે શરૂઆત કરી.

ડૉક્ટરો અને મનોચિકિત્સકો ઉપરાંત ઘરનાં સભ્યો પણ પોતાની પ્રિય વ્યક્તિને ફોબિયાથી મુક્ત કરવામાં મદદગાર બની શકે છે. ખાસ કરીને માતા, બહેન અથવા સહેલી આ દિશામાં મદદ કરી શકે છે. તેઓ તમને ભાવનાત્મક સહયોગ અને હિંમત આપી શકે છે, જે તમારી ઈચ્છાશક્તિને મજબૂત બનાવવામાં સહાયક બની શકે છે. 

અલગ અલગ પ્રકારના ફોબિયા

ફોબિયા અનેક પ્રકારના હોઈ શકે છે. પ્લેનની મુસાફરીથી લાગતો ડર 'એરોફોબિયા' કહેવાય છે. ઉંદર જોઈને લાગતા ડરને 'મ્યુસોફોબિયા' કહે છે. કરોળિયાને જોઈને લાગતા ભયને 'એરેક્નોફોબિયા' કહે છે. ઘણાં લોકોને ગોઠણ વાળીને બેસવામાં પણ ડર લાગે છે. આવા ભયને 'જેનુફોબિયા' કહે છે. અમુક લોકોને છોડનાં મૂળ જોઈને ડર લાગે છે. અમુક લોકોને ઊંચી બિલ્ડિંગ, લિફ્ટ અથવા ઊંચાઈથી ડર લાગે છે. સાંકડી અને બંધ જગ્યાથી લાગતા ભયને 'ક્લોસ્ટ્રોફોબિયા' કહે છે.

અમુક લોકોને એકદમ ખુલ્લી જગ્યામાં ગભરામણ અને ડર લાગે છે. આને 'એગોરાફોબિયા' કહે છે, એટલે સુધી કે ત્રણ પાયાવાળા સ્ટૂલને જોઈને પણ અમુક લોકોને ફોબિયા થતો જોયો છે. આ સિવાય બીજા ઘણા પ્રકારના ફોબિયા હોઈ શકે છે. એક મેડિકલ શબ્દકોશ પ્રમાણે લગભગ ૨૭૫ પ્રકારના ફોબિયા હોય છે.