Get The App

હૃદયરોગીઓ માટે રામબાણ - 'અર્જુન'

Updated: May 3rd, 2024

GS TEAM

Google News
Google News
હૃદયરોગીઓ માટે રામબાણ - 'અર્જુન' 1 - image

- આરોગ્ય સંજીવની

આયુર્વેદ એ એક એવું શાસ્ત્ર છે કે, જેમાં બતાવેલ બધી જ વનસ્પતિઓ તેનાં ઔષધીય ગુણોથી પરિપૂર્ણ છે. આ સૃષ્ટિ ઉપરની બધી જ વનસ્પતિઓમાં કંઈ ને કંઈ ઔષધીય ગુણો હોય છે. એ વાત અલગ છે કે, આપણે હજી સુધી મર્યાદિત વનસ્પતિઓનાં ઔષધીય ગુણો વિષે જ જાણી શક્યા છીએ. બાકી ઔષધોનાં ગુણો અદ્ભૂત હોય છે. આવું જ એક ઔષધ છે, 'અર્જુન'. અર્જુનનાં ગુણો પણ તેનાં નામ પ્રમાણે જ છે. આજથી હજારો વર્ષ પૂર્વે આપણા આયુર્વેદનાં મહાન ઋષિઓએ અર્જુનનાં ઔષધીય ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપેલ છે.

અર્જુનનું વૃક્ષ જંગલો તથા નદીઓનાં કિનારે સવિશેષ જોવા મળે છે. અર્જુનનાં પુષ્પોનો રંગ હલકો પીળાશ પડતો સફેદ હોય છે. જેમાંથી ખૂબ જ મનમોહક સુગંધ આવે છે. અર્જુનનું ફળ 'કમરખ' જેવું પણ આકારમાં નાનું હોય છે. અર્જુન વૃક્ષનાં પાંદડા અને છાલ જ ઔષધ તરીકે પ્રયુક્ત થાય છે. આયુર્વેદમાં હૃદયરોગ ઉપર કામ કરનારા જેટલા ઔષધો કે યોગો બતાવ્યા છે, તે દરેકમાં અર્જુનનો મોટાભાગે સમાવેશ થાય જ છે. જે સાબિત કરે છે કે, હૃદય ઔષધોમાં અર્જુન સર્વશ્રેષ્ઠ છે.

અર્જુનની છાલનો રસ કષાય-તિક્ત તથા તે ગુણમાં લઘુ, રૂક્ષ હોય છે. જેનાથી તે કફનો નાશ કરે છે. અર્જુનનાં વીર્યમાં રહેલો શીતળ ગુણ પિત્તનાશક છે. આ ઉપરાંત અર્જુન સંકોચક અને મૂત્રલ છે. અર્જુન મેદનાશક હોવાથી મેદોહર દવાઓમાં કે મોટાપાનાશક દવાઓમાં પણ પ્રયુક્ત થાય છે. આ ઉપરાંત અર્જુન રક્તપિત્તનાશક, પ્રદર, દુર્બળતા, પૂયમેહ અને ઉર:ક્ષત નાશક પણ છે.

હૃદયરોગોમાં અર્જુનનો પ્રયોગ સર્વશ્રેષ્ઠ બતાવેલો છે. મોર્ડન સાયન્સમાં ઘીને હૃદયરોગોમાં વજર્ય બતાવવામાં આવેલ છે. પરંતુ આયુર્વેદનાં તજજ્ઞાો અર્જુનધૃત (ઘી) થી હૃદયરોગોની ખૂબ જ સફળ ચિકિત્સા કરે છે. કફજ, કૃમિજ અને સન્નિપાતજ હૃદયરોગોની ચિકિત્સામાં શરૂઆતમાં આયુર્વેદમાં પણ ધૃત-ઘીનો નિષેધ છે. પરંતુ ઉચિત પથ્યપાલન, લંઘન અને ઔષધો દ્વારા 'આમ' અને 'કફ'ના નિર્હરણ અને પાચન પછી આ ધૃત-ઘી વધારે લાભકારી થઈને હૃદયની જીર્ણ વ્યાધિજન્ય દુર્બળતા દૂર કરી દીપન-પાચન અને સંતર્પણ કરી હૃદયને રોગમાંથી મુક્તિ અપાવે છે.

આ ઉપરાંત અર્જુનમાંથી તૈયાર કરવામાં આવતું 'અર્જુનારિષ્ટ' પણ હૃદય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેનાં નિયમિત સેવનથી હૃદયની રક્તવાહિનીઓ વિસ્ફારિત થઈ જાય છે અને રક્તપરિભ્રમણ સુધરે છે. જેથી હૃદયરોગનાં દર્દીઓને તે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. અર્જુનારિષ્ટનું સેવન બે-બે ચમચી સવાર-સાંજ જમ્યા પછી કરવું હિતકર છે. આ ઉપરાંત અર્જુનનો ક્ષીરપાક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. અર્જુનની છાલનાં ઉપયોગ કરતા 'અર્જુન ક્ષીરપાક'નો ઉપયોગ વધારે લાભદાયી છે. અર્જુન ક્ષીરપાક બનાવવા માટે ૧૦ થી ૧૫ ગ્રામ અર્જુન છાલને કૂટીને ૧૮૦ મિલી લીટર દૂધ અને તેટલું જ પાણી મેળવી ખીરની જેમ પકાવવું બધુ જ પાણી બળી જાય અને માત્ર દૂધ અવશેષ રહે ત્યારે તેમાં ૧૫ ગ્રામ જેટલી ખડી સાંકર મેળવી દેવી. આ અર્જુન ક્ષીરપાકનું દરરોજ નિયમિત સેવન કરવાથી હૃદયના તમામ પ્રકારના રોગોમાંથી શીઘ્ર મુકિત મળે છે.

આ ઉપરાંત, અર્જુનની છાલ, બલા, સહદેવી, નાગબલાનાં મૂળ, રાસ્ના, ખરેટીનાં મૂળ, કચૂર, ગંઠોડા અને સૂંઠ આટલા દ્રવ્યોને સમાન માત્રામાં લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી સવાર-સાંજ તેનું સેવન કરવાથી દરેક પ્રકારનાં હૃદયરોગોનો નાશ થાય છે.

આ ઉપરાંત શરીરનાં હૃદય સિવાયના બીજા અવયવો ઉપર પણ અર્જુન પ્રભાવકારી સિદ્ધ થયેલ છે  :-

* એસિડીટીમાં અર્જુનની છાલનું ચૂર્ણ, આમલકી ચૂર્ણ અને કામદૂધારસનું સેવન દૂધીનાં રસ કે સાદા પાણી સાથે કરવામાં આવે તો આ રોગને જડમૂળથી નાબૂદ કરી શકાય છે.

* આંખોની નીચે કાળા ડાઘા (ડાર્ક સર્કલ્સ) થયેલ હોય ત્યારે અર્જુનની છાલનાં ચૂર્ણમાં હરિદ્રા અને ચંદન મેળવી ગુલાબ જળ સાથે તેની પેસ્ટ જેવું બનાવી લેપ કરવાથી ધીરે ધીરે બધી જ કાળાશ નીકળી જાય છે અને વર્ણ ચમકીલો અને તેજસ્વી બને છે.

* ઝાડા સાથે લોહી પડતું હોય ત્યારે અર્જુનની છાલ દૂધ સાથે ખૂબ જ ફાયદાકારક છે.

* જે દર્દીને અતિક્ષુધા લાગતી હોય તેણે અર્જુનની છાલના ચૂર્ણને અડદના લોટ કે ઘઉના લોટ સાથે ઘી માં શેકી તેમાં ખડી સાંકર મેળવી શીરા જેવું બનાવી તેનું ભેંસનાં દૂધ સાથે સેવન કરવું. આ પ્રયોગથી અતિક્ષુધાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

* અસ્થિભગ્ન કે ફ્રેકચરમાં પણ અર્જુનની છાલનું ચૂર્ણ ઘી અને સાંકર સાથે લેવાથી સોજામાં, દુ:ખાવામાં અને અસ્થિ સંઘાનની પ્રક્રિયામાં ખૂબ ઝડપી લાભ થાય છે.

મહાભારતના અર્જુનની જેમ આ ઔષધરૂપ 'અર્જુન' પણ અનેક ગુણોથી ભરપુર છે. મનુષ્યને મૃત્યુનાં મુખમાં ધકેલી દેનાર ભયંકર હૃદયરોગમાં તેનો ઉપયોગ અદ્ભૂત પરિણામ આપે છે. તેથી હૃદયરોગના દર્દીઓએ નિષ્ણાતની સલાહ મુજબ તેનું સેવન કરવું નિ:સંશય હિતકારી છે.

- જ્હાનવીબેન ભટ્ટ