- મેકઅપ સાથે ત્વચાની માવજત સૌંદર્યને બક્ષે પ્રાકૃતિક નિખાર
લગ્નસરા પૂરબહારમાં ખીલી છે. સૌંદર્ય નિષ્ણાતોની ડાયરીઓ નવવધૂઓના શણગારના બુકિંગથી ભરાઈ ગઈ છે. અને આમ થવું તદ્ન સ્વાભાવિક છે. કઈ દુલ્હનમ તેના પતિના દિલોદિમાગ પર પોતાના સૌંદર્યનો જાદુ પાથરવા ન ઈચ્છે? પરંતુ બ્યુટિશિયન તો માત્ર વિવાહના દિવસે તેના મેકઅપનો ચમત્કાર સર્જી શકે. જ્યારે નવોઢાને તો સતત સુંદર દેખાવાની ઈચ્છા થાય. લગ્ન થઈ ગયા પછી હનીમૂન પર જવાનું હોય કે કોઈના ઘરે ભોજનનું નિમંત્રણ મળ્યું હોય ત્યારે તે બ્યુટિશિયન પાસે ન જઈ શકે. આવી સ્થિતિમાં તેણે જાતે જ મેક્પ કરીને પોતાના સૌંદર્યને નિખારવું પડે. પોતાની મેળે મેકઅપ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી તેની માહિતી આપતાં સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે.....
ચહેરો : લાઈટ પિંક બ્લશર નેચરલ લુક આપે છે. તેથી શક્યત : તેનો ઉપયોગ કરો. હા, ગાલના ઉપસેલા ભાગને હાઈલાઈટ કરવા ઘેરા ગુલાબી બ્લશરને ઉપયોગમાં લઈ શકાય.
* મેટ કોમ્પેક્ટ વડે તેમે ત્વચા પરની વધારાની ચમક ઢાંકીને તાજામાજા દેખાઈ શકો છો. આ કોમ્પેક્ટ મેકઅપને પણ સીલ કરી દે છે.
* તમારી પર્સમાં ફેસ મિસ્ટ અચૂક રાખો. વિવાહની દોડધામ દરમિયાન લાગેલા થાકને કારણે ચહેરો કરમાઈ જાય ત્યારે ચહેરા પર ફેસ મિસ્ટ સ્પ્રે કરો. જો કે તે એટલું બધું સ્પ્રે ન કરો કે મેકઅપ પીગળી જાય.
* સાંજન સમયે ફરવા જતા હો કે પબમાં જતા હો તો ચહેરા પર લાઈટ બ્રોેન્ઝર લગાવો. તેનાથી તમારો ચહેરો ખૂબ સુંદર દેખાશે.
* ચહેરાને લંબગોળ બતાવવો હોય તો ગાલના ઉપસેલા ભાગ પર લાઈટ કલરનું બ્લશર લગાવ્યા પછી તેના ઉપર ડાર્ક કલરનું બ્લશર સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે લગાવો. આમ કરવાથી તમારા ચીકબોન્સને ચોક્કસ આકાર મળશે.
* ચહેરા અને ગરદન માટે લુઝ શિમર પાવડરનો લાઈટ શેડ ઉપયોગમાં લો. અને ચીક બોન્સને વધુ ઉપસેલા દર્શાવવા ડાર્ક બ્રોન્ઝર સાથે બ્લેન્ડ કરો.
નેણ : મેટાલિક સ્મોકી આંખો માટે બ્રોન્ઝ આઈશેડો પરફેક્ટ ગણાશે. તેેને તમે ચીક હાઈલાઈટર તરીકે પણ ઉપયોગમાં લઈ શકો.
* જ્વેલ ટોન આઈલાઈનર્સ અને આઈશેડોથી તમારી આંખોેને ડિઝાઈન કરો. તેમાં બ્લુ, પર્પલ અને ગ્રીન શેડ ખૂબ સુંદર લાગે છે.
* નેણને વધુ આકર્ષક બનાવવા વોલ્યુ માઈઝિંગ મસ્કરા એપ્લાય કરો.
* બોલ્ડ લુક માટે જેલ્ડ આઈલાઈનર અચ્છો વિકલ્પ છે.
અધર: * મોઈશ્ચરાઈઝિંગ લિપ બામ તમારા હોઠને પર્ફેક્ટ બેઝ આપે છે. વળી તેનાથી તમારા ઓષ્ટ નરમ-મુલાયમ રહે છે.
* સાંજે બહાર જતા હો તો રાતા રંગની લિપસ્ટિક લગાવો તેની સાથે વિંઝ આઈલાઈનર ખૂબ જચશે.
* જો તમને હોઠ પર ગ્લોસી લુક જોઈતું હોય તો પિંક લિપસ્ટિક લગાવ્યા પછી તેના ઉપર ગ્લોસ લગાવો.
* મેકઅપ માનુનીના ચહેરાને તાત્પુરતો આકર્ષક બનાવે છે એ વાતમાં બે મત નથી. પણ કોઈપણ યુવતી કાયમ મેકઅપ લગાવીને ન રાખી શકે. તેને હમેશાં સુંદર દેખાવા તેની ત્વચાની માવજત કરવી પડે. ચામડીની સારસંભાળ લેવા શું કરવું તેની માહિતી આપતાં સૌંદર્ય નિષ્ણાતો કહે છે.....
* ત્વચાની કાળજી માટે વિટામીન સી સીરમ બેસ્ટ ઓપ્શન છે. તેમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. પરિણામે ચામડી પર કરચલી પડવાની પ્રક્રિયા ધીમી પડે છે. વળી તે ત્વચાને સૂર્યના પારાજાંબલી કિરણોથી પણ બચાવે છે. તેમ જ ચામડીને મુલાયમ રાખે છે.
* ત્વચાને સારી રીતે મોઈશ્ચરાઈઝ કરવા ઘટ્ટ, ક્રીમી બોડી બટર્સનો ઉપયોગ કરો. તેમાં ચામડી માટે જરૂરી વિટામીનો, પોષક તત્ત્વો અને બીવેક્સ ઉપરાંત કોપરેલ તેલ હોય છે.
આ તત્ત્વો ત્વચાને સ્વાસ્થ્યપ્રદ રાખે છે. બોડી બટર્સ કોણી, ઘુંટણ અને એડી જેવા શરીરના ઉપેક્ષિત હિસ્સાઓ માટે લાભકારક પુરવાર થાય છે. જો કે બોેડી બટર્સને ચહેરા પર લગાવવાની ભૂલ ન કરવી. આનું કારણ એ છે કે ચહેરાની ચામડી શરીરના અન્ય હિસ્સાની ત્વચા કરતાં વધુ પાતળી અને સંવેદનશીલ હોય છે. પરિણામે ચહેરા પર બોડી બટર્સ લગાવવાથી ખીલ થવાની ભીતિ રહે છે.
* ટિંટેડ મોઈશ્ચરાઈઝરથી પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે. તે ત્વચાને પ્રાકૃતિક ચમક આપે છે. પરિણામે તમને ફાઉન્ડેશન લગાવવાની જરૂર નથી પડતી. વળી તે ત્વચા પરના ડાઘ-ધાબા ઢાંકી દઈને ચામડીને એકસમાન બનાવે છે. આ ઉત્પાદન ખરીદતી વખતે એ વાતની ખાતરી કરી લો કે તે લાઈટ હોય તેમ જ ચીકણું ન હોય. ટિંટેડ મોઈશ્ચરાઈઝરમાં રહેલું શિયા બટર ત્વચાને મોઈશ્ચરાઈઝર કરવામાં મદદ કરે છે, જ્યારે તેમાં રહેલું વિટામીન ઈ ચામડીને યુવાન રાખે છે.
* આપણે મોટાભાગે આપણા પગની એડીઓની કાળજી રાખવામાં બેદરકાર રહીએ છીએ. પગની એડીને સુંવાળી રાખવા સારા ફૂટ-સ્ક્રબનો ઉપયોગ કરો. તેનાથી એડી પરની મૃત ત્વચા દૂર થાય થઈને તે મુલાયમ બને છે. વળી સ્ક્રબિંગ કરવાથી આ ભાગમાં રક્તપરિભ્રમણ પણ ઝડપી બને છે.
- વૈશાલી ઠક્કર


