- બાળકને ધકેલી શકે 'શેકન બેબી સિન્ડ્રોમ' તરફ
માત્ર નવજાત શિશુ જ નહીં, એકથી આઠ વર્ષ સુધીનું બાળક પણ એકદમ કોમળ હોય છે. ખાસ કરીને ત્રણ-ચાર વર્ષની વય સુધી તેના મગજના કોષો, ગરદનના સ્નાયુઓ ઇત્યાદિ ખાસ્સા કુણા હોવાથી જો તેને ગુસ્સામાં આવીને હલબલાવી નાખવામાં આવે તો તેના મગજને ગંભીર ક્ષતિ પહોંચવાની ભીતિ રહે છે. ખરેખર તો આને આપણે એક પ્રકારની બાળહિંસા પણ કહી શકીએ. માતા-પિતા અથવા બાળકને સંભાળનારી વ્યક્તિ કોઈ પણ કારણસર ભૂલકાને હિંસક કહી શકાય એટલા જોરથી હલબલાવી નાખે અને જે તે બાળકના મગજને તેને કારણે હાનિ પહોંચે એ સ્થિતિને તબીબી ભાષામાં 'શેકન બેબી સિન્ડ્રોમ' (એસબીએસ) અથવા 'શેકન ઇમ્પેક્ટ સિન્ડ્રોમ' કે પછી 'શેકન ઇન્ફન્ટ સિન્ડ્રોમ' તરીકે ઓળખવામાં આવે છે.
નિષ્ણાત તબીબો કહે છે કે એસબીએસ બાળકના મસ્તિષ્કના કોષોને નષ્ટ કરી દે છે જેને પગલે તેના મસ્તિષ્કને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયું નથી મળતો. આવી સ્થિતિમાં તેના મસ્તિષ્કમાં કાયમી સ્વરૂપે કોઈક ક્ષતિ રહી જાય છે અથવા ભૂલકાનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ એ વાત ખાસ ધ્યાનમાં લેવી રહી કે ભૂલકું તેમને ગમે તેટલું હેરાન કરે, લાંબા સમય સુધી રડે તોય ગુસ્સે થઈને તેને જોરશોરથી હલાવી નાખવું નહીં. તેવી જ રીતે સ્વયં કોઈ માનસિક તાણ હેઠળ હોય તેનો ક્રોધ પણ ભૂલકા પર કાઢવો નહીં. તેઓ એસબીએસના લક્ષણો જણાવતા કહે છે કે...
* બાળક અતિશય ચીડચીડિયું થઈ જવું.
* ભૂલકાને જાગતા રહેવામાં મુશ્કેલી થવી.
* શ્વાસ લેવામાં સમસ્યા સર્જાવી.
* ખાવાપીવાની આદતો બગડવી.
* અવારનવાર ઉલટી થવી.
* ત્વચા પીળી કે ભૂરી થઈ જવી.
* પક્ષાઘાત.
* ઘેરી બેભાનાવસ્થા.
તેઓ વધુમાં કહે છે કે કોઈક કેસમાં બાળકના ચહેરા પર ઘા લાગ્યો હોવાના નિશાન દેખાય છે. પણ સામાન્ય રીતે બાહ્ય ઈજા ભાગ્યે જ જણાય છે. ભલે જે તે બાળકની બાહ્ય ઇજા નજરે ન પડે. પરંતુ તેના મસ્તિષ્ક અને આંખોમાં રક્તસ્રાવ થવો, કરોડરજ્જુને હાનિ પહોંચવી, પાંસળીઓ-માથામાં-પગના કે અન્ય કોઈ હાડકાંમાં ફ્રેક્ચર થવા જેવી ગંભીર આંતરિક ઇજા થવાની શક્યતા નકારી શકાય નહીં. જ્યારે કેટલાંક કેસમાં આંતરિક ઇજા મામૂલી હોય તો તેના લક્ષણો ઝટ પાધરા નથી થતાં. પરંતુ સમય જતાં બાળકમાં સ્વાસ્થ્ય અથવા વ્યવહાર સંબંધી સમસ્યાઓ વિકસિત થઈ શકે છે.
સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે માતા-પિતા અથવા બાળકની સારસંભાળ લેતી વ્યક્તિ ગુસ્સામાં આવી જઈને તેને હલબલાવી નાખે છે. પણ બાળકના વર્તનમાં ફેરફાર જણાય ત્યારે ગભરાઈ જાય છે. જો આવું કાંઈ બને તો તરત જ ભૂલકાને તબીબી સારવાર આપવાથી ગંભીર સમસ્યા થતી અટકાવી શકાય છે.
નિષ્ણાતો કહે છે કે બાળકોની ગરદનની માંસપેશીઓ એટલી નાજુક હોય છે કે તે તેમના માથાનો ભાર નથી ઊંચકી શકતી. આવી સ્થિતિમાં જો બાળકને જોરથી હલાવી નાખવામાં આવે તો તેનું મગજ માથાના અંદરના ભાગમાં હલી જવાથી ઈજા પામે છે અથવા તેમાં સોજો આવવાની કે રક્તસ્રાવ થવાની ભીતિ રહે છે.
જોકે અહીં એ વાતની નોંધ લેવી રહી કે બાળકને ઘૂંટણ પર બેસાડીને હળવેથી ઉછાળવાથી કે રમાડતી વખતે ઉપર તરફ ધીમેથી ઉંછાળવા ઇત્યાદિથી શેકન બેબી સિન્ડ્રોમ થવાની શક્યતા નહીંવત્ રહે છે.
મોટાભાગે જોવામાં આવ્યું છે કે માતા-પિતા બાળક પાસેથી અવાસ્તવિક અપેક્ષા રાખે અને તે પૂરી ન થાય ત્યારે તેઓ ક્રોધે ભરાઈને તેને હલબલાવી નાખે છે. તેના સિવાય સિંગલ પેરન્ટ, માતા-પિતામાં માનસિક તાણ, અસ્થિર પારિવારિક પરિસ્થિતિ, અવસાદ, માતા અથવા પિતા સાથે બચપણમાં થયેલો દુર્વ્યવહાર જેવા કારણોસર મા-બાપ અથવા તેના કેરટેકર ગુસ્સે થઈને બાળકને શેકન બેબી સિન્ડ્રોમમાં ધકેલી દે છે.
જો બાળક એસબીએસનો ભોગ બને તો તેના શરીરમાં એવી ક્ષતિઓ પેદા થાય છે જેની દેખભાળ આજીવન કરવી પડે છે. નિષ્ણાતો કહે છે કે ભૂલકાને આંશિક અથવા પૂર્ણ અંધત્વ આવી શકે. તેનો વિકાસ ધીમો પડે અને તેની શીખવાની ક્ષમતાને અસર પહોંચે. તે માનસિક વિકલાંગ બની શકે. તે સેરેબ્રલ પલ્સી જેવી ગંભીર વ્યાધિનો ભોગ બની શકે.
બાળકનું સમગ્ર જીવન માત્ર માતા-પિતાના કે કેરટેકરના ક્રોધને કારણે રોળાઈ જાય એવી સ્થિતિ ન ઉદ્ભવે તેની કાળજી તેમણે જ લેવી રહી.


