સંબંધો આપણા જીવનનું મુખ્ય અંગ છે. છતાં આપણે તેની જોઈએ એટલી દરકાર નથી કરતા. સંબંધો આપણા માનિસક અને શારીરિક આરોગ્ય માટે કેટલા જરૂરી છે તેનું ભાન આપણને બહુ મોડેથી થાય છે. જો કે સંબંધો જાળવવા એક જટિલ કાર્ય છે. ક્યારેક તંદુરસ્ત ગણાતા સંબંધો પણ બગડી જાય છે અને બંને પક્ષ એકમેકને દોષ દેતા રહે છે. સંબંધો બગડી જતા એકબીજાને દોષ દેવો આસાન છે. પણ આપણી કથળતી જતી માનસિક અવસ્થા માટે પણ શું આપણે બગડી ગયેલા સંબંધને જવાબદાર ઠેરવશું? આપણા અત્યંત મજબૂત ગણાતા સંબંધ પણ આપણી કથળેલી માનિસક હાલતને કારણે બગડી જાય છે.
માનસિક બીમારી કેટલીક વાર બહુજ જટિલ હોય છે. કેટલાક માને છે કે માનિસક બીમારી જન્મથી જ હોય છે. પણ તમામ માનસિક બીમારી જન્મથી જ હોય એવું નથી. કેટલીક વાર તે સુષુપ્ત અવસ્થામાં આપણા મનના ખૂણે ધરબાયેલી પડી હોય છે. પણ પછી ક્યારેક કોઈ એવી ઘટના બને છે અને આ સુષુપ્ત બીમારી વકરી ઉઠે છે. તમે સામેની વ્યક્તિને પ્રેમ તો કરો છો પણ તમારી માનસિક બીમારી તમારા સંબંધ ખરાબ કરી નાખે છે.
જો આવું વારંવાર બનતું હોય તો યાદ રાખો તમારે અને તમારા પાર્ટનરે અનેક પડકારોનો સામનો કરવો પડશે. તમારે તમારી બીમારીથી છૂટકારો મેળવવા અમુક વ્યૂહરચના ઘડવી પડશે જેના કારણે તમારા સંબંધ જળવાઈ રહે.
યુગલો વચ્ચે અસ્વસ્થ મનને કારણે સર્જાતી સમસ્યાના મુખ્ય મુદ્દા સામાન્ય હોય છે. એને જો બરોબર સમજી લેવામાં આવે તો આ સમસ્યામાંથી રસ્તો નીકળી શકે છે. પણ યાદ રાખવું જોઈએ કે કોઈપણ બે સંબંધ સરખા નથી હોતા. એથી એ મુજબની વ્યૂહરચના ઘડીને નિરાકરણ શોધી શકાય.
જેનામાં માનસિક અસ્વસ્થતા ઘર કરી ગઈ છે તેઓ શરમ, ગુનાહિત ભાવનાથી પીડાય છે અથવા તો લાપરવાહીના પડદા પાછળ પોતાની સ્થિતિ છૂપાવવાની કોશિશ કરે છે. માનસિક બીમારી સાથે સંકળાયેલી ગ્રંથિ તેને વધુ વકરાવે છે. આવી વ્યક્તિ પોતાની સ્થિતિ છૂપાવવાની કોશિશ કરે છે.
કેટલાક કિસ્સામાં માનસિક બીમાર વ્યક્તિમાં લાગણી વ્યક્ત કરવાની ક્ષમતા સીમિત હોય છે. તેઓમાં સામાજિક વહેવાર નિભાવવાની ઈચ્છા નથી હોતી. આવી ભાવના કોઈપણ સંબંધને ખરાબ કરી શકે છે. એનાથી અસંતોષ, વાસ્તવિકતાનો અસ્વીકાર કરવો અને અલિપ્ત રહેવાની ભાવના વિકસે છે. જ્યારે પણ યુગલો વચ્ચે તાણ સર્જાય છે ત્યારે બંને પાર્ટનરો એકમેકથી શારીરિક અને માનસિક રીતે દૂર થઈ જાય છે. જ્યારે તેઓ ફરી સંબંધ જોડવાની કોશિશ કરે છે ત્યારે તેમાં પહેલા જેવી મીઠાશ નથી હોતી. તેઓ માત્ર ઔપચારિકતા જ નિભાવતા હોય છે. પણ આમાં સાથે મળીને સમસ્યાનું નિરાકરણ લાવવાની ભાવના લુપ્ત થાય છે.
માનસિક અસ્વસ્થ વ્યક્તિ શારીરિક સંબંધથી દૂર જ રહેશે. માનસિક તાણને કારણે તેનામાં શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા નહિ થાય. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ હીન ભાવનાથી પીડાતી હોય છે. આ પરિસ્થિતિને કારણે બંને પાર્ટનરની ફરી એક થવાની તક ઓછી થઈ જાય છે.
આવી પરિસ્થિતિનો સામનો કરી રહેલી વ્યક્તિઓ એકમેક પર નિર્ભર રહે છે. પણ આ યોગ્ય નથી. એનાથી એક વ્યક્તિની માનસિક બીમારી, તેના વ્યસનને જ પ્રોત્સાહન મળે છે. માનસિક બીમાર વ્યક્તિનો પાર્ટનર પણ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે. પોતાના પ્રિયજનનું ધ્યાન રાખવામાં તેઓ નિષ્ફળ ગયા છે એવી ભાવના તેમને સતાવે છે.
કેટલાક કિસ્સામાં તો બીજા પર નિર્ભર રહેવાની ભાવના વ્યક્તિના વ્યવહારને સંપૂર્ણપણે ખરાબ કરી નાખે છે. માનસિક બીમાર પાર્ટનરના લક્ષણો મુજબ તેને ક્યારે પ્રોત્સાહન આપવું અને ક્યારે ટેકો આપવો તેની વચ્ચેની ભેદરેખા બીજા પાર્ટનરે સમજી લેવી જોઈશે. જો બંને પાર્ટનર સમજદારીથી વર્તે તો માનસિક બીમારીથી પીડાતા પાર્ટનરને ફરી સામાન્ય સંબંધમાં વણી લઈ શકાશે. એના માટે જરૂર પડે તો નિષ્ણાંતની સલાહ લઈ શકાય. માનસિક બીમારી કોઈ ચારિત્ર્યની અથવા તો નૈતિક ખામી નથી.
લોકો પોતાના વર્તન માટે જવાબદાર હોવા જોઈએ પણ તેમને યોગ્ય સારવાર, સલાહ અને માર્ગદર્શનનો અધિકાર પણ છે. ખાસ કરીને તેના પાર્ટનર પાસેથી તો તે એવી અપેક્ષા રાખી જ શકે છે.
- ઉમેશ ઠક્કર


