- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- માણસનું ગમતું એકાંત હોય જ્યાં તે પોતાની જાત સાથે સંવાદ કરી શકે અને શાંતિ મેળવી શકે તેવી વ્યક્તિ ભીડથી દૂર રહે છે. આ લોકોને સમજાય છે કે, દેખાડો કરતી ભીડ કરતા સાચા, સિમિત અને સ્થાયી સંબંધો વધારે મૂલ્યવાન અને સાશ્વત છે. આ સત્ય સમજીને જીવનારો માણસ ક્યારેય એકલો નથી હોતો.
માણસને સામાજિક પ્રાણી કહેવાયો છે. પ્રાણી કાયમ પોતાના ઝુંડ, પોતાના પરિવાર, પોતાના જૂથ સાથે રહેવાનું પસંદ કરતો હોય છે. તેનું કારણ જો સર્વાઈવલની રીતે જોઈએ તો પણ ઘણું મહત્ત્વનું છે. જંગલમાં જીવવું, બીજા હિંસક જાનવરોથી બચીને રહેવું, ભોજન મેળવવું, હુંફ મેળવવી, સાથ મેળવવો વગેરે જૂથમાં જ શક્ય બને છે. માણસ એક વિચારશિલ અને બુદ્ધિશાળી પ્રાણી છે. તેણે આ જ પદ્ધતિએ પોતાના પરિવારનું, સમુદાયનું, સમાજનું કે પછી દેશનું નિર્માણ કર્યું છે. માણસ એકલો રહીને નહીં પણ સંબંધોમાં જોડાઈને જ સાર્થક રીતે જીવન પસાર કરી શકે છે. સંવાદ, સંવેદના, સહયોગ, સાયુજ્ય, સહવાસ, સમરસતા વગેરે માણસની આત્મા, તેના મનના મૂળમાં રહેતા તત્ત્વો છે. તેના આધારે જ સમાજનું નિર્માણ થયું છે અને સમાજ રચના ચાલે છે.
સમાજ જીવન, સામાજિકતા અને સમાજ વ્યવસ્થાની પરિભાષા ધીમે ધીમે બદલાઈ રહી છે. માણસો હવે સંબંધોના મૂળ નહીં પણ સંબંધોની સંખ્યા ઉપર વધારે ધ્યાન આપે છે. તેને સંબંધ નહીં પણ સંપર્કોની જરૂર છે જે માત્ર ભૌતિક જરૂરિયાતો પૂરી કરી શકે. તેમાંય જ્યારથી સોશિયલ મીડિયાનો યુગ શરૂ થયો છે ત્યારથી લાગણી અંગુઠાછાપ થતી જાય છે. લોકો બોલવાનું ઓછું અને ઈમોજી દ્વારા કહી દેવાનું વધારે પસંદ કરે છે. હવે લોકોની વાતો અને સંવાદ ઓછા અને કોમેન્ટ વધી ગયા છે. લોકોને એવો ભ્રમ થવા લાગ્યો છે જે તેની પાસે જેટલા કોન્ટેક્ટ વધારે, તેને જેટલા વધારે લોકો ફોલો કરે છે તેટલા જ તેઓ પ્રભાવશાળી અને વૈવિધ્યપૂર્ણ અસ્તિત્વ ધરાવનારા બની ગયા છે. હકિકત એવી છે કે, ભીડ ભેગી કરવાની આ ભ્રામક યાત્રા અંતે એકલવાયા જીવન તરફ ખેંચી જાય છે જે જીવવું અને જીરવવું બંને ખૂબ જ કઠિન હોય છે. તેનો મોટાભાગે અયોગ્ય, અવિચારી અને આત્યંતિક અંત આવતો હોય છે.
આપણે માત્ર આસપાસ નજર કરીએ તો પણ ખ્યાલ આવશે કે એવા ઘણા લોકો છે જેમની પાસે સોશિયલ મીડિયામાં હજારોની સંખ્યામાં મિત્રો, ફોલોઅર્સ કે પછી ચાહકો છે પણ વાસ્તવિકતામાં જરૂર પડે તો પડખે ઊભા રહે તેવા પાંચ લોકો પણ નથી. કહેવાતા ચાહકો અને મિત્રોની ભીડમાં એકલતાનો આ દંશ ભયાનક હોય છે. જે માણસને એક જ વખતમાં વાસ્તવિકતાની ધરતી ઉપર ઉતારી દે છે. વાસ્તવિકતા એ છે કે, પહેલાના સમયમાં સંબંધો ખૂબ જ સહજ અને સત્ય સાથે જોડાયેલા હતા. લોકોને એકબીજા માટે સંવેદના હતી પણ સ્ટેટસમાં રસ નહોતો. લોકોમાં એકબીજા પ્રત્યે આત્મીયતા હતી અને તેનાથી જ સંબંધ જીવંત રહેતો હતો. કોઈ એક વ્યક્તિના સુખમાં સમગ્ર સોસાયટી, અપાર્ટમેન્ટ, પોળ કે પછી આસપાસના લોકો ખુશ થતા હતા. કોઈ એક વ્યક્તિના દુ:ખમાં આ જ લોકો જરૂર હોય ત્યાં સુધી સતત ખડેપગે રહેતા હતા. હવે આ આત્મીયતા, સંવેદના અને સંવાદ ક્યાંક ગાયબ થઈ ગયા છે. તેની જગ્યાએ લાઈક, કોમેન્ટ અને સબ્સ્ક્રાઈબે લઈ લીધી છે.
આજની પેઢીને જોશો તો તેનું કોન્ટેક્ટ લિસ્ટ લાંબું હશે, તેના ફોલોઅર્સની યાદી હજારો અને લાખોમાં હશે પણ મનનો ખૂણો સાવ ખાલી હશે. દરરોજ લાખો લોકો એકબીજાને મળે છે, વાતો કરે છે, હસે છે, આનંદ કરે છે પણ આંતરિક રીતે કોઈ જોડાણ નથી. મોટાભાગના સંબંધો કોઈને કોઈ સ્વાર્થના પાયા ઉપર જ રચાતા, ચાલતા અને તુટતા જોવા મળે છે. સ્વાર્થના સંબંધોનું જીવન પણ વરસાદી મંકોડા જેવું હોય છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં પાંખો પટપટાવીને ઉડયા કરવાનું અને સ્વાર્થ પૂરો થતાં જ સત્યની સવાર થાય ત્યાં તો મરણ થઈ ગયું હોય. તેના કારણે જ ભીડ વચ્ચે ઘેરાયેલો માણસ પણ એકલતાનું વિષપાન કરી રહ્યો છે.
સામાજિક મુદ્દા કે અન્ય કોઈ મુદ્દે ભીડ ભેગી કરવી ખૂબ જ સરળ છે. કોઈપણ ટ્રેન્ટ સેટ કરીને કે આનંદ કરાવીને લોકોને પોતાની તરફ આકર્ષવા અલગ બાબત છે. અહીંયા સમજવા જેવી બાબત એ છે કે, આવી નકામી અને કહેવાતી ભીડ ભેગી કરનારા લોકો પોતાના પરિવારજનો કે સંતાનો કે અન્ય કોઈને આવા લોકોની ભીડનો ભાગ બનવા દેતા નથી. તેઓ પોતાના પરિવારને આવી ખોટી ભીડ બનવાથી દૂર રાખે છે. તેઓ જાણે છે કે આ ભીડ ક્ષણભંગુર છે. ખરેખર જરૂર પડશે ત્યારે ભીડ આવશે નહીં. આ ભીડમાંથી પરાણે બે-ચાર લોકો પાસે ઊભા હશે. આ વાસ્તવિકતા માણસને અંતરથી તોડી નાખે છે. તેને જ્યાં સુધી આ અનુભવ થતો નથી ત્યાં સુધી સમજાતું જ નથી કે, ખરેખર તે જેને પોતાના માનીને મદમાં ફરી રહ્યો છે તે ખરેખર તેના પોતાના છે જ નહીં. તે માત્ર એક મુદ્દે ભેગી થયેલી ભીડ છે જેને નાશવંત આકર્ષણ છે.
હકિકતે જીવનનું એક જ સત્ય છે કે, મનુષ્યની શક્તિ સંબંધોના એવા મૂળમાં છે જ્યાં ગણતરી કે સ્વાર્થ નહીં પણ સંવેદના મહત્ત્વની હોય છે. હજારોની ભીડ વચ્ચે રહેવા કરતા ગણતરીના લોકો સાથે રહેવું જે તમને પોતાના માનીને દરેક સ્થિતિમાં તમારી પડખે રહે. સમય એકમાત્ર એવી એરણ છે જેના ઉપર સંબંધોની સતાત્યતાની ખરાઈ થતી હોય છે. મુશ્કેલી છે કે, વ્યક્તિને આ બાબતની સમજ ઘણી મોડી આવે છે. લગભગ એવું કહી શકાય કે, રાંડયા પછી જ ડાહપણ આવે છે. માણસના જીવનમાં જ્યારે મુશ્કેલ સમય આવે છે અને કલ્પનાની તમામ કારીગરીઓ નિષ્ફળ જાય છે ત્યારે આ દેખાડો કરતા મિત્રો, આત્મીયજનો અને ચાહકોના મોહરા ઉતરી જાય છે. ત્યારે વ્યક્તિને સમજાય છે કે, બનાવટી ભીડ ભેગી કરવાની લ્હાયમાં આપણે સાચા અને સંવેદનાસભર લોકોને ગુમાવી દીધા. આ વાસ્તવિકતાનું ભાન ખૂબ જ પીડાદાયક હોય છે.
ખરેખર તો માણસને ઊભો થતો ભ્રમ, મોહ અને માય આ બધું કરવા પ્રેરે છે. જેમ જેમ માણસને પ્રસિદ્ધિ મળતી જાય છે તેમ તેમ તેનામાં અહંકાર આવતો જાય છે અને તે વધારે પ્રસિદ્ધિની ઝંખનાના મોહમાં ફસાય છે. બીજી તરફ પ્રસિદ્ધિ દ્વારા સર્જાયેલી માયા તેને ભ્રમમાં રાખે છે કે, પ્રસિદ્ધિ જ સાચા સંબંધોનું સ્વરૂપ છે. વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરિત છે. જે વ્યક્તિ પોતાની જાત સાથે નથી જોડાયેલો હોતો તે બીજા સાથે કેવી રીતે નિષ્ઠાથી જોડાયેલો હોઈ શકે. માણસનું ગમતું એકાંત હોય જ્યાં તે પોતાની જાત સાથે સંવાદ કરી શકે અને શાંતિ મેળવી શકે તેવી જ વ્યક્તિ ભીડથી દૂર રહે છે. આ લોકોને જ સમજાય છે કે, દેખાડો કરતી ભીડ કરતા સાચા, સિમિત અને સ્થાયી સંબંધો વધારે મૂલ્યવાન અને સાશ્વત છે. આ સત્ય સમજીને જીવનારો માણસ ક્યારેય એકલો નથી હોતો.
આજના સોશિયલ મીડિયાના જમાનામાં આપણે જે જોઈએ છીએ તે મોટાભાગનું આભાસી છે. વર્ચ્યુઅલ વિશ્વમાં કોઈ એકબીજાને મદદ કરે, આગળ લાવે કે પીડામાં સાથે ઊભું રહે તેવું નથી. દરેકને પોતાના ફોલોઅર્સ વધારવા છે, દરેકને પોતાનું કોન્ટેક્ટ લિસ્ટ મોટું કરવું છે. તેના કારણે બધા આંધળી સ્પર્ધામાં પડયા છે અને દોડી રહ્યા છે. તેમની આસપાસ જે ભીડ ભેગી થઈ છે તે માત્ર ભ્રમ ઊભો કરનારી અને નાશવંત ઓળખ આપનારી છે. આ ભીડ તમને ક્યારેય મદદ નહીં કરે કે તમારો આધાર કે સહારો નહીં બને. તેઓ માત્ર લોકપ્રિયતા ઊભી કરી શકે અથવા તો તેના કારણે તમારી પાછળ દોડી શકે, ચિચિયારીઓ પાડી શકે કે પછી તમને ફોલો કરી શકે પણ પડખે ઊભા રહેવા માટે તો આત્મીયતા અને સંવેદના જોઈએ. તેના કારણે જ માણસે એવા સંબંધો વિકસાવવા જોઈએ જે ગમે તે સ્થિતિમાં તેની સાથે રહે. સારા સમયમાં પાછળ રહીને અને ખરાબ સમયમાં આગળ રહીને તમારા માટે ઊભા રહે તેવા સંબંધો જ આજીવન ટકે છે. આ જ સંબંધો સાચા સંબંધ હોય છે.
સમાજ તરીકે પણ આપણે સમજવાની જરૂર છે કે, માણસનું મૂલ્ય તેની આસપાસ ભેગી થતી ભીડ દ્વારા નહીં પણ તેની સાચી આત્મીયતા, સંવેદના, સંવાદ અને સત્યતા દ્વારા આંકવું જોઈએ. ભીડની વચ્ચે પણ જે વ્યક્તિ સ્થિતપ્રજ્ઞાતા સાથે રહી શકે છે અને પોતાની અંદર રહેલા એકાંતને માણી શકે છે તેવી જ વ્યક્તિ જીવનમાં સાચા સંબંધો વિકસાવી શકે છે. માણસે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે, ભીડની વચ્ચે પણ પોતાની અંદરનું અને અંતરનું સત્ય અકબંધ રહે અને પોતાના સંબંધોમાં ઉષ્મા યથાવત્ રહે. આ એવા બાબત છે જે એકલતાને ગમતા એકાંત સુધી લઈ જશે અને જીવનમાં આત્મસંતોષ આવશે. આવા લોકો જ જીવનની અંતિમક્ષણ સુધી સાથ આપશે.


