Get The App

એક મજાની વાર્તા : આપકા સોનું

Updated: Jan 17th, 2022

GS TEAM

Google News
Google News
એક મજાની વાર્તા : આપકા સોનું 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

તાળીઓના ગગન ગુંજાવી નાખતા નાદ સાથે આખું સ્ટેડિયમ એકસાથે ઊભું થઈ તેની જીતને વધાવી રહ્યુ હતું. આકાશ આતિશબાજીના સોનેરી રંગથી  ઝળકી ઉઠયું. કલ્પનામાં રાત દિવસ જે ક્ષણને સાકાર  થતી જોઈ હતી તે આજે વાસ્તવિકતા બની સામે ઊભી હતી. તેના માટે આ ફક્ત  જીત નહોતી, પરંતુ તેના અસ્તિત્વ સામે ઉઠતાં અનેક પ્રશ્નોનો એક સચોટ જવાબ હતો. ટ્રોફી હાથમાં પકડતાની સાથે તેની પાંપણોમાં એક અરસાથી અટકી ગયેલા આંસુઓનો બંધ તૂટી ગયો. હરખની હેલી ગાલને ભીંજવી રહી હતી. તેના અધૂરા જીવનને આજે આધાર મળ્યો. તિરસ્કાર અને ઉપેક્ષાના બદલે જગતભરના લોકોનો આવકાર અને સ્વીકાર મળ્યો. બંને હાથે  ટ્રોફી ઊંચી કરીને તેણે આકાશ તરફ દ્રષ્ટિ કરી ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યા. તે જ વખતે અચાનક તેના ખિસ્સામાં મોબાઇલ વાયબ્રેટ થયો. ટ્રોફી સાઇડમાં મૂકી તેણે અજાણ્યા નંબર પરથી આવેલો ફોન રિસીવ કર્યો. સામે છેડેથી એક વૃદ્ધ પુરુષનો તૂટક શબ્દોવાડો ધૂ્રજતો અવાજ સંભળાયો. 

 'અભિનંદન દીકરા...તુ તો અમારું ગૌરવ છે. અમને માફ કરી દે. ઘરે પાછો આવી જા.' 

વર્ષો પછી પણ એ ઘેરા અવાજને તે ઓળખી ગયો. પરંતુ આ અવાજ સાંભળીને ચુપકીદી તોડવાની તેને હિમ્મત પણ ન થઈ અને ઈચ્છા પણ નહીં. તેણે સંવાદ ટાળીને ફોન ફરી પાછો ખિસ્સામાં મૂકી દીધો. પરિવારિક સંબધમાં રહેલી લાગણીની ભીનાશ તો ક્યારની સુકાઈ ગઈ હતી. હવે તો સામે એક ખારોપાટ સમુદ્ર જ લહેરાતો હતો.. એ ખારાશની તેને હવે આદત પડી ગઈ હતી. 

'કોંગ્રૈચ્યુલેશન્સ સર' ચારેતરફ સેલ્ફી માટે પડાપડી કરતાં ચાહકોથી તે ઘેરાઈ ગયો...સફળતાની આ એક ક્ષણ તેને પાતાળમાથી સીધી જ સ્વર્ગના સિંહાસન પર લઈ આવી. આજની આ રાત જશ્નની રાત હતી..  એક અર્થસફર જીવનની નવી શરૂઆત કરવાનો અવસર .. પરંતુ નામ અને યશ  સાથે આવતા સ્વાર્થના સગપણ તેને મંજૂર નહોતા.

 સ્ટેડિયમ છોડી તે મારતી ગાડીએ મુંબઈની ફૂટપાથ પર આવી પહોચ્યો. આજ ફૂટપાથ પર તેણે કેટલીય રાતો વિતાવી હતી. તેની એકલતા અને લાચારીની સાક્ષી આ સડકો તેનું સ્વાગત કરી હતી. તેણે પોતાના ગરીબ મિત્રો વચ્ચે આસન જમાવ્યું. 

ફાટેલા કંતાન જેવા વો ધારણ કરેલા ભિક્ષુકોની હારમાળા વચ્ચે એક ઝગમગતો સ્વચ્છ ચહેરો જોઈ લોકોને કુતૂહલ થવા લાગ્યું. કોલસાની ખાણ વચ્ચે આ કોહિનૂર હીરો ક્યાથી આવ્યો? સૌ નજર માંડીને આ અજાણ્યો ચહેરો ઉકેલવાનો નિષ્ફળ પ્રયાસ કરવા લાગ્યા. 

'ભાઈ, આપ કોન હો? યહાં ક્યાં કર રહે હો?' એક ભિખારીએ પાસે આવી તેને ધીરેથી પુછયું. 

'જશ્ન મનાને આયા હું!!'

'જશ્ન... હાહાહાહા...' બોખો ભિખારી આ સાંભળી રાવણના દૂતની જેમ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. 

'યહાં માતમ હોતા હે સાહબ!! જશ્ન તો અમીરો કે ઘર મે હોતા હે!!!'

'ગરીબ કો ભી જશ્ન મનાને કા હક હે..' 

આટલું બોલી તે ઊભો થયો.. ખાલી રસ્તાની એક તરફ જઇ તેણે નાચવાનું શરૂ કર્યું. 

ીને પણ શરમાવે એવી લચકતી કમરના લટકા સૌ આંખો ફાડીને જોવા લાગ્યા.. 

'અરે! યે તો અપના સોનું હે!!!' વર્ષાે પછી મળેલા પોતાના મિત્રને જોઈ ટોળાએ તેને વ્હાલથી વધાવી લીધોે. 

'સાલા, તું તો સા'બ બન ગયા..હમારા સોનું બડા આદમી  બન ગયા..'

'મે આજ ભી આપકા સોનું હું.. ઇસી સડકો પે સોને વાલા આપકા યાર..' સાચા સ્નેહના ભાગીદાર આ ભિક્ષુકો તેના ખરા શુભચિંતકો હતા. દિલ ખોલીને સૌ તેની સાથે આવડે એવો વિચિત્ર ડાન્સ કરવા લાગ્યા. ગાંડાની ટોળી ભેગી થઈને નાચતી હોય એવા  દ્રશ્યો આસપાસ ઉભેલા લોકોની આંખોમાં રચાયા. 

ઘડીભર વર્તમાનની સુખદ ક્ષણોને રિવર્સ કરી તે અતીતમાં આંટો મારી આવ્યો. મનના કેનવાસ પર ચીતરાયેલી  એ દર્દભરી યાદો અચાનક તેને સાંભરી આવી..જાણે કોઇ પુરાણો ઘાવ ફરીથી દૂઝવા લાગ્યો. તેની આંખો વેદનાથી છલોછલ હતી ત્યાજ એક મિત્ર તેની સામે જોઈ બોલ્યો, 'સોનું, યાર તું બડા આદમી કેસે બન ગયા?' 

'તમારે જાણવું છે તો સાંભળો બધા. આજે હું તમને એક એવા માણસની વાત કરવા જઇ રહ્યો છુ, જેને પોતાના અસ્તિત્વ સામે અનેક  પ્રશ્નો હતા. એક એવો અભાગીયો માણસ જેનો જન્મ તેના કુટુંબ માટે એક અભિશાપ હતો.' તેના શબ્દો સાંભળી થોડી ક્ષણો પહેલાના ઉત્સાહ ભરેલા વાતાવરણમાં અચાનક ગમગીની પથરાઈ ગઈ. તેણે એક મિનિટ થોભી ફરીથી બોલવાનું શરૂ કર્યું. 

'જેમ જેમ એ કમનસીબ બાળકની ઉંમર વધતી હતી તેના વ્યવહારમા અને શરીરમાં ીના લક્ષણો આકાર લઈ રહ્યા હતા. તેની વાણીનો લહેકો, હાથની હરકતો તથા  ચહેરાના હાવભાવ સૌના મનોરંજનનું સાધન હતા. પાડોશમા કોઈ પ્રસંગ હોય તો તે ીઓ સાથે નૃત્ય કરવા પહોચી જતો. સંગીતના લયબદ્ધ તાલ સાથે તેના કદમોનો તાલ કમાલ કરતો. તેની હાથની મુદ્રાઓ અને આંખોના હાવભાવ કોઈ પારંગત નૃત્યકાર જેવા લાગતા.

તેના ીઓ જેવા લટકા જોઈ એના પિતા રોજ તેને ઢોર માર મારતા. મા વચ્ચે પડીને પિતા પુત્ર વચ્ચે સમાધાન કરાવતી. પોતાના વ્હાલા પુત્રની આવી સ્થિતિ જોઈ તેનું હૃદય ચિરાઈ જતું.અવારનવાર તેને સમજાવવા છતાં તેનામાં  કોઈ પરિવર્તન ન આવ્યું.. 

'ીઓના જેવા લટકા ઝટકા એક પુરુષને ન શોભે!! તું કિન્નર નથી.. તારા બાપની આબરૂનો તો વિચાર કર.' મિત્રો અને સગાવહાલાની વારંવાર થતી રોકટોક, ઉપેક્ષા, મશ્કરી, મેણાં ટોણાં અને માર તેના માટે રોજની ઘટના હતી. 

'આય... હાય... ક્યાં નખરે હે તેરે જાનેમન!! તું લડકી હોતા તો મે તુજસે હી  શાદી કરતાં... કસમ સે.. 'તેની ીઓ જેવી અંગભંગીમાં જોઈ તે સૌ મિત્રોમાં હાંસી પાત્ર બનતો.. 

'ઓહ!! આ લચકભરી ચાલ, આ ઘાટીલી માદક કાયા, આ મૃગનયની જેવા નેણ.. હું તો ઘાયલ થઈ ગયો..' ઘરમાં કુટુંબીજનો અને બહાર મિત્રોની પજવણીથી તે તંગ આવી ગયો હતો. 

પુરુષ કરતા તે ીઓના પહેરવેશ તરફ વિશેષ આકર્ષાતો... તેની ભીતર થતાં હોર્માેન્સના પરિવર્તન તેને ીના વો પરિધાન કરવાની પ્રેરણા કરતા. એકદિવસ રેશ્મી સાડીના પાલવને પોતાના મર્દોના શરીર પર વીંટાળી  મનોમન હરખાતો તે દર્પણમા પોતાના પ્રતિબિંબને નિહાળી રહ્યો હતો. સાડીના રેશ્મી સ્પર્શમાં તે ખોવાયેલો હતો. આસપાસનું ભાન ભૂલી તેણે ફરીથી ફિલ્મી ગીત ચાલુ કરી  કમર મટકાવાનું શરૂ કર્યું. 

ઘરમાં પ્રવેશતા જ તેના કાલભૈરવના અવતાર સમાન  પિતાની અચાનક તેના પર નજર પડી. પુત્રને સાડીમાં જોઈ તેમના મગજની  કમાન છટકી. તેમના શુષ્ક હૃદયની ભીતર ભારેલો ક્રોધનો અગ્નિ ભભુકી ઉઠયો..તેની અગન જ્વાળમા આ યુવાન કેટલાય કલાકો સુધી બળતો રહ્યો. ક્રોધની તમામ સીમા વટાવી ચૂકેલા બાપે પુત્રની  જાનવરથી પણ બદતર હાલત કરી નાખી. નિરાશાની ઊંડી ખીણમાં ડૂબેલા આ નિર્દાેષ યુવાનને પોતાની લાગણી સમજી શકે એવુ કોઈ સ્વજન  ક્યાંય ન મળ્યું.   

 આખરે થાકી હારીને તેણે ગૃહત્યાગનો મક્કમ નિર્ધાર કર્યાે.. એ કાળી ગોઝારીરાતે ઘર  છોડી તે એક અજાણી ડગરની વાટે નીકળી પડયો.. ખાલી હાથે અને ખાલી હૈયે તેણે એ શહેર, એ ગલીઓ અને એ નિર્દયી પરિવારને  આખરી અલવિદા કરી. ભીની આંખોમાં ભવિષ્યની અવઢવ અને ભીતિ હતી. હતાશાથી ઘેરાયેલા કાળા વાદળો વચ્ચે ધીમા ડગલાં ભરતો રાત્રીના અંધકારમા તે રેલવે સ્ટેશન પહોંચ્યો.. પ્લેટફોર્મ પર ઉભી રહેલી એકમાત્ર ગાડીના છેલ્લા ડબામાં પહોંચી તેણે ઉપરની સીટ પર લંબાવી દીધું. ટ્રેન કયા પહોંચાડશે? એ વિશે જાણવાની પણ તેણે દરકાર ન લીધી...નાનકડી બેગનું ઓશીકું બનાવી તેના પર માથું ટેકવ્યું... જીન્સ પેન્ટના ખિસ્સામાં રહેલો રૂમાલ કાઢી પોતાનું મોઢું ઢાંક્યું... જાણે બાહ્ય જગતથી પડદો કરી તે પોતાની ભીતરની દુનિયામાં ડૂબવા માંગતો હતો.. રાત આખી ટ્રેનમાં વિતાવી વહેલી સવારે તે મુંબઈ પહોંચ્યો...

તેની મૂંઝાયેલી આંખોમાં અનેક સવાલો ઘૂમરી લેતા  હતા.. પોતે કયા આવી ચઢયો તેની કાંઈ ખબર નહોતી. અજાણ્યા શહેરમા પોતાનું શું થશે? 

મુંબઈના ભીડ ભરેલા રસ્તાઓ પર તે આસપાસની ઉચી ઇમારતો જોતા જોતા ધીમી ગતીએ ડગલા ભરી રહ્યો હતો. વીસ વર્ષની યુવાન વય અને અધૂરા અભ્યાસની નજીવી લાયકાતના બળે તે આમતેમ ભટકીને કામની તલાશ કરી રહ્યો હતો. કેટલીયે દુકાનમા નોકરી માટે આજીજી કરી પરંતુ જવાબમા દરેક જણે જાકારો દીધોે.

ફૂટપાથને પોતાનું ઘર અને ભિક્ષુકોને ભેરુ બનાવી ધીરે ધીરે અહીંના વાતાવરણમા ભળવા લાગ્યો. ભૂખ તરસ સાથે ભાઈબંઘી કરી કામની તલાશમા ફરતા ફરતા તેના શરીરનું જોમ ઓસરી રહ્યું હતું. ફૂટપાથની દુનિયામાં ચીંથરેહાલ જીવતા મિત્રો તેની કાળજી લેતા. તેના જીવનનું કોઈ નિશ્ચિત લક્ષ્ય તેને દેખાતું નહોતું.  એકલતા અને લાચારીથી કઁટાળી જીવન ટૂંકાવી દેવાના નબળા વિચારો  વારંવાર તેને ઘેરી વળતા. 

'આપ જેસે લોગો કો હમ નોકરી પર નહીં રખતે.. માફ કરો..' તેને જોઈને રહીશોના ઘરના દરવાજા બંધ થઈ જતાં. છતાંય હિમ્મત રાખી તે કામની તલાશ કરતો રહ્યો.

'સાહબ, કોઈ કામ દે દો..'

'તું ક્યાં કામ કરેગા?  જા કે ચૌરાહે પે ભીખ માંગ.. તુમ્હારે જૈસે લોગો કો ઇસી કામ કે લિયે બનાયા ગયા હે..'

'મેરે જેસે મતલબ? ક્યાં મે ઇન્સાન નહીં હું?'

'તું ઇન્સાન નહીં, ભગવાનકી મિસ્ટેક હે..!!!' અપશબ્દો ચૂપચાપ સહન કરીને મૂંગા મોઢે નીચી નજરે ત્યાથી રવાના થતો. 

ભાષા માત્ર શરીરની નથી હોતી, અવાજની પણ હોય અને આંખોની પણ.. તેના ઝીણા અવાજ અને ઝરતી આંખોની વેદના હૃદયના પાતાળમાં દફનાવી તે પોતાની જાતને આશ્વાસન આપીને ફરીથી બેઠો થતો.. 

 આખરે તેના નસીબ આડેથી પાંદળું ખસ્યું અને તેને  એક ધનવાન ગૃહસ્થને ઘરે કામ મળ્યું. 

'કલ સે કામ પે આ જાઓ ... પેસા કામ દેખને કે બાદ મિલેગાં..' 

'જી સાહબ, મંજૂર હે..' બે હાથ જોડી તેણે ગૃહસ્થનો આભાર વ્યક્ત કર્યાે. 

 થોડાજ વખતમાં કામ પ્રત્યેની તેની લગન અને ઈમાનદારી જોઈ ઘરના વડીલ તેના પર ખૂબ રાજી થયા. તેની સારપ અને સૌજન્યતા સૌને સ્પર્શી ગઈ. આસપાસ ઘણા ઘરમાં તેને કામ મળવા લાગ્યા. કામ કાજ પતાવી તે સાંજે ફરીથી ફૂટપાથ પર મિત્રો સાથે રાત્રી પસાર કરતો. જે કાંઈ વેતન મળે તેમાંથી ખપ પૂરતું પોતે રાખી, બાકીની તમામ રકમ તે આ ગરીબોની સેવામા ખર્ચ કરતો.

'વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ...' રસ્તા પર ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા જઈ રહી હતી.. તેના કાનોમાં આ શબ્દો પડઘાયા અને તે તમામ કામ પડતાં મૂકીને બહાર આવ્યો. ઢોલ ત્રાસાંના અવાજો તેને ચુંબકની જેમ ખેંચી રહ્યા હતા. બે ઘડી તે બધુજ વિસરી તે ટોળાંમાં ધસી આવ્યો.. 

 ઢોલકના તાલે ઓના ટોળામાં મન મૂકીને તેણે નાચવાનું શરૂ કર્યું. તેનું નૃત્ય કોઈ સામાન્ય કિન્નર જેવુ નહોતું. કોઇ પારંગત નૃત્યકાર જેવી તેની મુદ્રાઓ જોઈ સૌ મંત્રમુગ્ધ થઈ ગયા. તેની ભીતર વસેલો નૃત્યકાર ફરી જાગૃત થયો. તેને જોવા આસપાસ લોકોની ભીડ થવા લાગી. 

એ જ સમયે કારમાથી પસાર થતાં એક કલાકારની કલાપારખું નજર તેના પર પડી.. તેને ી, પુરુષ કે નાન્યતર જાતિ તરીકે ન જોતાં ફક્ત એક કલાકાર તરીકે જોતી આંખો મળી.. અને તેના અંધકાર ભર્યા જીવનમાં અજવાળું થયું.. વર્ષાે સુધી લંબાયેલી એક  અમાસની રાત પૂરી થઈ અને આશાનો સુરજ ઊગ્યો.. 

પારંગત નૃત્યકારો દ્વારા તેને  નૃત્યની તાલીમ અપાઈ.. રાત દિવસ મહેનત કરી તેણે પોતાની જાતને સાધનામાં ખપાવી દીધી.. પરિણામ રૂપે દેશની સર્વશ્રે નૃત્ય સ્પર્ધામાં તે વિજેતા થયો..' આટલું બોલી તે અટક્યો... 

વિજેતા ટ્રોફીને હાથમાં લઈ તે બોલ્યો, ''દોસ્તો, આપકા સોનું આજ ભી વહી સોનું હે!!'

- લેખક - મનીષા રાઠોડ

Tags :