એક મજાની વાર્તા : ઊજાસ ઘેરી રાત પછીનો...
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
'આ તું શું કરે છે મંદા? કેવી મા છે, અનુ ક્યારની રડે છે અને તારાં પેટનું પાણી પણ હલતું નથી?' શિવમે બોલતાં-બોલતાં જોરથી રડી રહેલી ત્રણ મહિનાની નાનકડી અનુને ઘોડિયાંમાંથી તેડી લીધી. એને પીઠ પર નાંખી એને શાંત પાડવા મથી રહ્યો, આમતેમ આંટા મારવા લાગ્યો.
એક ભારેખમ ચુપ્પી ઘરમાં છવાઈ ગઇ. કુટુંબના નામે એ બે પતિ-પત્ની અને નાની પરી જેવી દીકરી અનુ હતી. શિવમે એનું ડાયપર ચેન્જ કર્યું અને બોટલમાં દૂધ ભરી એને પાવા લાગ્યો. મંદા હજીપણ યંત્રવત રસોડામાં એનું કામ કરી રહી. એનાં માટે સમય જાણે એક વર્ષ પહેલાં જ અટકી ગયો હતો.
નારી સુરક્ષા ગૃહનાં હેડ શ્રી સુજાતાબેન શાહ શિવમને કહી રહ્યાં હતાં, 'બેટા, જુઓ તમારી ભાવના ઘણી સારી છે. આજકાલ કોઈ આ રીતે સમાજ સુધાર માટે આગળ આવતું નથી. ભલે તમે અનાથ છો છતાં ઉચ્ચ શિક્ષણ મેળવીને તમે તમારે લાયક જ કોઈ સારી, ભણેલી છોકરી શોધીને લગ્ન કરી શકો એમ છો, છતાં તમે અહીંથી કોઈ યોગ્ય દીકરીને પસંદ કરી લગ્ન કરવા માંગો છો તે ખરેખર સરાહનીય કાર્ય છે. હું ચોક્કસ કોઈ ધ્યાનમાં આવે તો જાણ કરું. આભાર બેટા.'
તેમની વાત ચાલતી હતી તે દરમિયાન એક યુવતી ચા-નાસ્તો આફિસમાં મૂકી ગઈ. થોડી આમ-તેમની વાતો કરી શિવમ ત્યાંથી બહાર નીકળ્યો. બહાર જતાં એણે જોયું પેલી યુવતી નારી ગૃહનાં બગીચામાં એક ઝાડ નીચે શૂન્યમનસ્ક અવસ્થામાં બેઠી હતી. ઊનાળાની બપોર હતી, આકરો તાપ હતો છતાં એને કંઈ પડી નહોતી. એકધારું નીચું જોઈને જમીનમાંથી ઘાસ ખેંચીને તોડી રહી હતી. પછી આંગળીમાં વીંટાળે ને ફેંકી દે. શિવમે વિચાર્યું, એને કંટાળો નહીં આવતો હોય? કે આવતો હશે? એ એની નજીક ગયો, પૂછયું, 'આટલાં તાપમાં અહીં કેમ બેઠાં છો?' કોઈ જવાબ નહીં. એ ઊભી થઈ અંદર તરફ ચાલવા લાગી.
'શિવમ, તમે એનાં વર્તનને નજરઅંદાજ કરજોે, એ છે જ એવી. જ્યારથી અહીં આવી છે ત્યારથી કોઈએ એને બોલતાં સાંભળી નથી. હા, એ બોલે છે ખરી પણ, કોઈ સાથે વાત નથી કરતી. જે કામ સોંપો તે કરી નાંખે, ક્યારેય 'નાદ નહીં કહે.' બહાર આવેલા સુજાતાબહેન બોલ્યા. અને શિવમ ગયો. થોડાં દિવસ પછી એ ફરી ત્યાં આવ્યો, પેલી યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ લઈને.
'તમે એકવાર એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી જુઓ તો સારું. બાકી મેં તો તમારો ફોન આવ્યો ત્યારથી એને સમજાવવામાં કોઈ કસર બાકી નથી રાખી.' કહેતાં સુજાતા બહેને પેલી યુવતીને બોલાવવા કહ્યું.
'મેડમ, એનું નામ શું છે?' શિવમે પુછયું.
'મંદા- આમ તો આ નામ મેં જ પાડેલું છે, કારણ એ તો નામ-ઠામ કંઈ બતાવતી નથી. બસ, આખો દિવસ સૂનમૂન બેસી રહે, ક્યાં તો કોઈ કામ કરતી રહે.'
એ આવી ને શિવમ અને સુજાતાબહેનની સામે બેઠી.
'જોે મંદા, આ શિવમ છે ને તારી સાથે લગ્ન કરવા માંગે છે. એ પોતે અનાથ છે, પણ એની ઈચ્છા કે અહીંથી છોકરી પસંદ કરી લગ્ન કરવા. એની સારી નોકરી અને નાનું એવું ઘર છે. એને તું પસંદ છે. તારે કંઈ કહેવું છે? તારાં ઘર, ગામ કે કુટુંબ વિષે? જો મંદા, તું કંઈ કહેશે તો આપણે કોઈપણ ભોગે તારાં ઘરવાળાને શોધી કાઢીશું, એમનો સંપર્ક કરી, એમને બોલાવી શકીશું. સરકાર આ માટે ચોક્કસ પ્રયત્ન કરવા તત્પર છે.' સુજાતાબેને સમજાવટનાં સુરે કહ્યું.
મંદા ચૂપચાપ બેસી રહી ને ટેબલ પર નખ ઘસતી રહી. શિવમે જોયું તો એનાં હાથ પર લાંબા, મોટાં નખનાં ઉઝરડાનાં નિશાન હતાં. હવે એણે પૂછયું, 'મંદા, શું તું મારી સાથે લગ્ન કરશે? જો, કોઈ દબાણ નથી. મને આશા છે કે, તું 'હા' કહીશ. મારું કોઈ નથી પણ જો તું હા કહેશે તો મને કુટુંબ મળવાનો હરખ થશે. તું વિચારીને કહી શકે છે.'
... અને એક અઠવાડિયા પછી વકીલ અને અગ્નિની સાક્ષીએ લગ્ન કરી મંદા-શિવમ ઘરે આવ્યાં. એ એક અઠવાડિયા દરમિયાન સુજાતાબહેને ત્રણ-ચાર વાર શિવમને આ લગ્ન અંગે ફરી-ફરી વિચારવા સમજાવ્યું હતું. એનાં ભૂતકાળથી એને વાકેફ કર્યો. કેવાં સંજોેગોમાં એને સરકારી હાસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ત્યારપછી ટ્રોમામાં રહેલ એ યુવતીને નામ-ઠામ ન મળવાથી અહીં નારી સુરક્ષા ગૃહમાં લવાઈ હતી, તે વિષે કહ્યું. આવનારાં ભવિષ્યનાં થોડાં સંકેતો પણ એમણે દર્શાવ્યા છતાં એ ન માન્યો. એને પોતે જે કરી રહ્યો હતો તેનાં પર પૂરો વિશ્વાસ હતો.
એ તો સારું છે કે પોતે આફિસથી બપોરે ખાસ અનુને જોેવાં માટે જ લંચ કરવા ઘરે આવે છે, કારણ એ જાણે છે કે મંદા એને પોતાનું દૂધ પણ પાવાની નથી. એની દૂધથી છલકાતી છાતીમાંથી જાણે દૂધની જગ્યાએ નફરત છલકાય છે. ક્યારેક એ તદ્દન નિર્લેપ ભાવે અનુને સુવડાવે, નવડાવે, અન્ય કામો કરે પણ, બધું જ યંત્રવત...
મંદાને કામ કરતાં-કરતાં યાદ આવી લગ્ન કરીને આવ્યાં પછીની સુહાગરાત. એને સુહાગરાત કેમ કહેવાય? એણે તો એ વિષે કેટલાં સપનાં જોયાં હતાં, કેટલું બધું સાંભળ્યું હતું, પણ હમણાં...? એ સાવ ઠંડી હતી, જાણે બરફની પાટ. શિવમે જૂઈનાં અને ગુલાબનાં ફૂલોનો ઢગલો કરી રાખ્યો હતો પથારી પર. એની આછી અને મદમાતી સુગંધથી ગભરાઈને એણે આંખો સજ્જડ બંધકરી લીધી હતી અને પલંગની એક કોરે સંકોચાઇ ગઈ હતી. રૂમમાં પથરાયેલો પ્રકાશ એને ખુલ્લાં આકાશ નીચે અમાસનાં આછાં ઊજાસ જેવો લાગી રહ્યો હતો. સજ્જડ બંધ આંખે એને પથારીમાં પેલાં ઝાંડીઝાંખરાંનાં કાંટા વાગવા લાગ્યાં. પેલાં બેમાંથી એકે એનાં હાથ પકડી રાખેલાં, એ બરાડા પાડતી હતી ને એકે એને ચૂપ કરવા એનાં મોઢામાં ડાટો ખોસી દીધેલો. એ જેટલાં હવાતિયા મારતી હતી એટલી એની છાતી જોેરથી દબાતી, એ ભીંસથી એનાથી મૂંગી ચીસો નીકળી જતી હતી, બે પગ વચ્ચેથી નીકળતી ગરમ લાહ્ય જેવી વેદના, એક પછી એક, એનાં સમગ્ર શરીરને, એનાં અણુએ અણુને ભરડામાં લેતાં એ લોકો, આંસુ અને ગાલ પર પડેલી થપ્પડથી ખરડાયેલો ચહેરો...અસહ્ય દર્દથી જાણે એની આંખોનાં ડોળા બહાર આવી જશે એવું લાગતું હતું ત્યાં જ માથામાં જોરથી પડેલો દંડો. આંખે અંધારું છવાયું અને ભયંકર વેદનાથી એનું શરીર ખેંચાઇ ગયું... બસ, ને પછી આંખ ખૂલી ત્યારે પોતે હાસ્પિટલમાં હતી.
એને બધું જ યાદ હતું. શહેરથી થોડે જ દૂર આવેલું એનું ગામ, મા-બાપ નહોતાં તે કાકા-કાકી સાથે રહેતી તે ઘર, ઘરનાં લોકો. ન કોઈએ ફરિયાદ કરી, ન એને કોઈએ શોધી. પોલિસે થોડી પૂછતાછ કરી, થોડી હો-હા થઈ ને બધું જ શાંત. એ જ સમયે મનમાં ભયંકર કોલાહલ અને તરફડાટ મચેલો. શું મારાં મા-બાપ હોત તો મને આમ શોધ્યા વગર બેસી રહેતે? મને સાથ ન આપતે? મને થયેલાં અન્યાય સામે અવાજ ઉઠાવવાં મને હિંમત ન આપતે? એની પાસે અસંખ્ય પણ લાજવાબ સવાલો હતાં. એને ભાગી છૂટવું હતું, મરી જવું હતું પણ એટલી પણ તાકાત ક્યાં બચી હતી!
ન શિવમે એને ઉઠાડી, ન પોતે ઉઠી પેલી કાંટાળી સેજ પરથી. એની હજીપણ સજ્જડ મીંચાયેલી આંખોમાંથી ડર ડોકિયાં કરી રહ્યો હતો. પોતે શું કામ જીવતી રહી ગઈ આટલું બધુંું સહન કર્યા પછી? એ સવાલ એને કોરી ખાતો. ન એ આવી દોઝખ જેવી યાદોં સાથે જીવી શકતી હતી ન મરી શકતી હતી. એ ગોઝારી ઘટના પછીની એકપણ રાત એ ચેનથી સૂઈ શકી નહોતી, ત્યાં આ સુહાગરાત...? ક્યારે સવાર પડી અને પછી દિવસો વીતવા લાગ્યાં તે ખબર જ ન પડી. ને અચાનક જ શિવમ એને હાથ પણ લગાડે તે પહેલાં તો આ ગર્ભ રહ્યાનાં સમાચારે એને વિચલિત કરી દીધી.
શિવમ પણ સુજાતાબેને જે એનાં ભૂતકાળની વાતો કરેલી તેનાથી પૂરો વાકેફ હતો પણ, આ તો અણધાર્યું હતું. કોઈએ જ આવું વિચાર્યું નહોતું. એ આ હકીકત જાણીને શું કરવું તેની મૂંઝવણ અનુભવી રહ્યો હતો. ખૂબ વિચારને અંતે તે આ જીવને, જેમાં ક્યાંય પોતાનો અંશ નહોતો તેને સ્વીકારવા માનસિક રીતે પૂરો સજ્જ થઈ ચૂક્યો હતો. એ મંદાની પૂરતી કાળજી રાખતો, પણ મંદા પોતે જ આ માટે તૈયાર નહોતી. પેલાં નરાધમોમાંથી આ કોનું બીજ હતું તે કોણ જાણતું હતું? કેવી રીતે એને સ્વીકારે? કેવાં પાપનો બોજ?
કદાચ ઈશ્વરે પૂરી કસોટી કરવાનું નક્કી કર્યું જ હશે તે પૂરાં મહિને મંદાએ દીકરીને જન્મ આપ્યો. ભગવાનની આ અનુપમ ભેટનું નામ શિવમે આપ્યું, 'અનુપમા' એ વ્હાલથી દીકરીને અનુ કહેતો. એનાં નાના હાથ-પગ, માસૂમ ચહેરો અને હસતી આંખો જોઈને કોઈને પણ પરાણે વ્હાલ કરવાનું મન થઈ જાય, પણ મંદાને એને જોઈને કોઈ ઉમળકો નહોતો જાગતો. એનાં હૈયે એને જોેઈને ઊંડે-ઊંડે પણ વાત્સલ્યની સરવાણી નહોતી ફૂટતી. ડાક્ટરે પરાણે વહાલી લાગે એવી દીકરીને છાતીએ ધરી હૂંફ આપવા કહેતાં મંદાએ મોઢું ફેરવી લીધું. આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. પણ, એ આ દીકરીને લેવા તૈયાર ન થઈ. છાતીનું દૂધ સૂકાઈ જતું., છાતી પથરા જેવી થઈ જતી, પણ એનું હૈયું ન પીગળતું. આમ ને આમ ત્રણ મહિનાની થઈ અનુ, પણ મંદાની દીકરી પ્રત્યે, શિવમ પ્રત્યે અને જિંદગી પ્રત્યેની ઉપેક્ષા જેમની તેમ રહી. શિવમને આ બધું જોઈને ભારોભાર અફસોસ થઈ આવતો. પોતે મંદાને સમજાવવામાં, એને પ્રેમ આપવામાં, એનો ભૂતકાળ ભૂલાવવામાં નિષ્ફળ નિવડયો એવી લાગણી થયાં કરતી. છતાં એણે હિંમત હારવાની જગ્યાએ વધુ એકવાર મંદાને સમજાવવા પ્રયત્ન કરી જોયો.
'તને ખબર છે મારી જનેતાએ મને કેમ અનાથાશ્રમમાં મૂક્યો હશે? નહીં ને? મને પણ ખબર નથી, છતાં સમજ્ણો થયો ત્યારથી એક વાત સમજી શક્યો છું કે મારી માની કોઈ એવી મજબૂરી તો રહી જ હશે કે જેથી એ મને સાથે નહીં રાખી શકી હોય. હું પણ કદાચ એવાં જ કોઈ પાપનો હિસ્સો હોઉ તો ? કદાચ એ મને દર વર્ષે કોઈ પ્રસંગે મળતી પણ હોય તો હું નથી જાણતો, પણ હા, ચોક્કસ એનાં પ્રેમને દરેક ીની આંખોમાં વાત્સલ્ય રૂપે જોઈ શકું છું. તારી સાથે જે થયું તે નિંદનીય છે, સજાને પાત્ર છે અને સમય આવશે ત્યારે એ લોકોને સજા મળશે જ... પણ એનો એ અર્થ હરગિઝ નથી કે તારી જિંદગીનું કોઈ મૂલ્ય નથી. એ અમૂલ્ય છે, અને એમાં પણ ી અવતાર જ ીને દરેક રીતે મહાન બનાવે છે. જે કંઈ થયું તેમાં તારો શું વાંક? પોતાની જાતને વગર ગુનાની સજા આપવાનું બંધકર !
પુરુષ ીનાં તનનો બળાત્કાર કરી શકે, મનનો નહીં ! આમાં ગુમાવવાનું ીએ નહીં પુરુષે હોય છે. એ ીની નજરમાંથી ઊતરી જાય છે, પુરુષ જ્યારે આવું હીન કૃત્ય કરે ને ત્યારે ીનાં મન, હૃદય અને આત્મા પર એની વિપરીત અસર પડે જ છે, પણ આખરે ી એ એવી શક્તિ છે, ઊર્જાનો ોત છે કે ધારે તો આત્મા પર બોજરૂપી આવાં વિચારોનું હનન કરી શકે, એનો નાશ કરી શકે. જેમ સંસારમાં સુર-અસુર, ગુણ-અવગુણ બંને તત્વો જોવાં મળે છે તેમ જ દરેક પુરુષ રાક્ષસી વૃત્તિનો નથી હોતો. સર્જનહારે પુરુષને પણ જુ હૃદય આપ્યું હોય છે, પ્રેમ, લાગણી, સંભાળ, ચિંતા જેવાં તત્વો થકી તે ીનો પૂરક બની રહેવાં પ્રયત્ન કરે છે. છેવટે ી સમગ્ર સૃષ્ટિનું ચાલક અને પ્રેરક બળ છે. અને તું ખુદ આ શક્તિ સ્વરૂપા દીકરીની અવહેલના કરે? એ કેવી તારી માનસિકતા છે? શું કામ એવું વિચારવું કે એ પાપનું બીજ છે. એ તો ઈશ્વરીય અંશ છે, જેણે અવતરવા માટે તને પસંદ કરી. તારો પ્રેમ, લાગણી અને અપાર વાત્સલ્ય બધું જ એનાં પર વરસાવી દે પછી જો, તારી જાત માટે તને માન જન્મશે. તું ખુદ તારું માન-સન્માન જાળવતાં શીખી જા. આ તારા-મારા હાથમાં છે કે એક અનુને આપણે અનાથાશ્રમથી દૂર રાખી શકીશું.
એક ઘેરી રાત પછી, હળવો ઊજાસ જિંદગીમાં પથરાઈ રહ્યો હતો. મંદાની આંખો અવિરતપણે વરસી રહી હતી. હૈયાં સરસી ચાંપેલી અનુપમાને એ ચુંબનોથી નવડાવી રહી હતી. છાતીનો પથ્થર પીગળી ચૂક્યો હતો અને રોમ-રોમ શિવમને અર્પણ થવાં સજ્જ થઈ રહ્યું હતું !
-ઉમા પરમાર