એક મજાની વાર્તા : પિતૃસત્તાના સાઉન્ડ પ્રુફ દરવાજેથી .
- સંકલન: પ્રતિભા ઠક્કર
- હકક એ નથી કે તમે આપો છો, હક્ક એ છે કે તમે દમદાર અવાજમાં મેળવો છો.
- મારે આવા રોટીવેશનલ સોરી મોટીવેશનલ તરીકે જેને તમે ઓળખો છો એને એક જ વાત કહેવાની છે કે નવા યુગમાં નવી દ્રષ્ટિ માત્ર આપણા પોતા પૂરતી ન હોવી જોઈએ સમગ્ર ી સમાજ માટે હોવી જોઈએ.
શહેરની પેજ થ્રી કલ્ચર સ્ત્રીઓમાં ઉત્સાહનો માહોલ હતો, એક સામાજિક વિષય પર ની ડિબેટ હતી પણ જાણે ફેશન શો યોજાયો હોય એ રીતે અલગ અલગ વસ્ત્ર પરિધાનમાં સ્ત્રીઓ ઉત્સાહ સાથે આવી રહી હતી.
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અને છાપાઓની પૂતમાં લખતી સ્ત્રીઓ જાણે કોઈ મિશનનો ભાગ બની રહી હતી. વર્ષોના અથાગ પ્રયત્નો બાદ સ્ત્રીઓને મળેલા અધિકારો અને સુધારાવાદી દ્રષ્ટિકોણની વિરુદ્ધ કહેવાતા સંસ્કાર અને સંસ્કૃતિ ના નામે એક એવો મેસેજ વહેતો મૂકવામાં આવતો હતો કે જાણે સ્ત્રીઓ ફરી પરંપરા ની જંજીરોમાં જકડાઈને જીવે અને એમાં જ જાણે સમાજનું હિત હોય. સોશિયલ મીડિયા પર આવા કેટલાક વિચારી શકતાં લોકો વિરોધ કરતાં અને જવાબ આપતાં . પણ પુરુષસત્તક માનસિકતા ધરાવનાર એક વર્ગ પ્રોત્સાહન પણ પૂરું પાડતો.
એવા સમયે આ શાંતિ વિ. ક્રાંતિની ડિબેટ શહેરનો ગરમાગરમ વિષય બની ગયો હતો. એક વિશાળ હોલમાં સૌ ભેગા થયા હતાં. ડિબેટ શરૂ થવાને થોડી વાર હતી, બંને પક્ષના વક્તા પ્રતિનિધિઓ આવી ચૂક્યા. એક બાજુ સુપ્રસિદ્ધ કોલમિસ્ટ અને મોટીવેશનલ સ્પીકર શાંતિ દેવી જે જૂની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા હતા તો સામે વિચારોમાં તેજ તોખાર યુવા વિચારક ક્રાંતિ હતી જે નવા સમાજનો અવાજ હતી.
કાર્યક્રમ શરૂ થયો, ઔપચારિક પરિચય વિધિ પછી શાંતિ દેવી મંચ પર આવે છે અને અવાજને એકદમ શાંત રાખીને બોલે છે કે હું તો તદ્દન શાંતિમાં માનું છું જ્યારે કોઈપણના ઘરની વાત આવે ત્યારે હું ફક્ત એક જ વાત મનમાં રાખું છું. ઘરમાં કોઈ તનાવ નહીં કુટુંબમાં ક્યાંય મનમુટાવ નહીં. હું દીકરીઓને કાયમ એક જ સલાહ આપું છું કે તમારા હક કરતા કૌટુંબિક સંપ બહુ મહત્વની વસ્તુ છે, પછી તે સંયુક્ત કુટુંબમાં રહેવાનો પ્રશ્ન હોય કે પૈતૃક સંપતિનો પ્રશ્ન હોય, આપણા કુટુંબોની જાળવણી સ્ત્રીઓ પર છે, આપણી આ પરંપરા અને સંસ્કારમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ. તમે વારસાઈ લેવા જશો તો સંસ્કારનું અને સંપનું બલિદાન આપવું પડશે. તમે અલગ રહેશો તો આપણી ભવ્ય પરંપરાને લાંછન લાગશે, આવી સોફ્ટ સોફ્ટ સલાહો સાંભળી અનેક શ્રોતાઓ અકળાતા હતા.
ક્રાંતિ એ માઇક્રોફોન હાથમાં લીધું અને બોલી કે પરંપરા અને પિતૃ સંપત્તિ માટે આટલી આશ્ચર્યજનક વાત! એણે વ્યંગમાં હસીને કહ્યું કે સ્ત્રીને અન્યાય કરીને સુખ શાંતિ કેવી રીતે મળે? તેણે મોટેથી કહ્યું કે હક એ નથી કે તમે આપો છો હક એ છે કે તમે દમદાર અવાજમાં મેળવો છો. હું દ્રઢ પણે માનું છું કે આ સ્ત્રીઓનો હક્ક છે, અને મહા મહેનતે અને લાંબા સમયની મૂવમેન્ટ પછી સ્ત્રીઓને અધિકાર પ્રાપ્ત થયા છે અને બંધારણીય સુરક્ષાઓ મળી છે. જડ રીવાજોને સંસ્કાર નું નામ આપીને સ્ત્રીઓને એના હકથી વંચિત કરી ન શકાય કે પછી જે રીતનો આજના માહોલમાં સંસ્કારના નામે ફેક પ્રચાર થાય છે એનો સખત વિરોધ કરું છું, સંયુક્ત કુટુંબમાં કેટલીયે સ્ત્રીઓના સપનાના કેન્વાસ પર આડેધડ કૂચડા ફેરવાય છે, ચિત્ર વરવું બની જાય છે. આજની આ કહેવાતી કોલ્મિસ્ટો પિતૃસત્તાક વિચારસરણી પડછાયામાં જીવે છે જેના ભવિષ્યના પરિણામો બહુ આકરા આવવાના છે.
દરેકે સમજવું જરૂરી છે કે એ વખતના સામાજિક નેતાઓની દીર્ઘદ્રષ્ટિના કારણે આજે હું અને તમે બધા શિક્ષિત છીએ, વૈચારિક સમૃદ્ધ છીએ ત્યારે પરંપરા નો કાન ફાડી નાખે એવો ઘોંઘાટ બંધ થવો જોઈએ. મારા દૃષ્ટિકોણ સાથે તમે ચોક્કસ સહમત હશો. સંસ્કૃતિ નું આંતર મૂલ્ય સમજવું જોઈએ. બાહ્ય પરંપરાને સંસ્કૃતિનું નામ આપી પાછા પગલાં ભરવાને સંસ્કાર તો ન જ કહી શકાય.ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ સાથે ક્રાંતિની વાતને સમર્થન આપ્યું.
થોડીવાર રોકાઈને ક્રાંતિએ શાંતિદેવીને પ્રશ્ન કર્યો, આજે પણ સ્થિતિ એવી છે કે સ્વતંત્ર સ્ત્રીને રૃંધી નાખવા માટે પરંપરાને સંસ્કાર નું મ્હોરું પહેરાવી શોષણ કરવાના પ્રયાસો થાય છે, કુટુંબ ભાવનાના નામે પતિ પત્ની વચ્ચે તનાવ પેદા કરવામાં જુનવાણી ઇજારાશાહી વિચારો બહુ મોટો ભાગ ભજવે છે. કોર્ટોમાં આવા અસંખ્ય દાખલાઓ મૌજુદ છે . શાંતિ દેવીને પ્રશ્ન છે કે શા માટે તમે સ્ત્રીઓના સશક્તિકરણ ના બદલે એને બંધનમાં લાદવાના પ્રયાસ કરો છો?
શાંતિદેવીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું કે હું તો શાંતિ ઈચ્છું છું. સમાજમાં પુરુષ વર્ગ પણ એટલો જ માનને લાયક છે અને મારા લેખો વાંચીને અનેક પુરુષો મારા લખાણના ચાહક બની ગયા છે. મારી કોલમ વાંચીને મને સાચી સ્ત્રી તરીકે ઓળખે છે અને હું ધન્યતા અનુભવ છું. મારા લેખો વાંચીને કેટલાય ઘરો તૂટતા બચ્યા છે.
ક્રાંતિ આવેશમાં ઊભી થઈને બોલી કે કેટલીએ આત્મહત્યાઓની પાછળ આવી જૂની માનસિકતા જવાબદાર છે. કોઈના જીવનના અંત કરતા લગ્ન જીવનનો અંત આવે એ ખોટું નથી આપણે આપણી દ્રષ્ટિ બદલવી પડશે, બીજાના ઘરોમાં, કે બીજી સ્ત્રીઓના જીવનમાં સંસ્કારિતાની સલાહ આપવી સહેલી છે. પણ જ્યારે આ જ ઘટનાઓ પોતાના ફેમિલીમાં બનશે ત્યારે? મહેરબાની કરી લોજીકલી વિચારતા થાવ દુનિયામાં આપણો સુધારાવાદી દેશોમાં આપણો ક્રમ ઘણો નીચો છે. સમાનતાના પાયા પર જ સાચું સ્ત્રી સશકિતકરણ થશે. અંતમાં મારે આવા રોટીવેશનલ સોરી તમે જેને મોટીવેશનલ તરીકે ઓળખો છો એને એક જ વાત કહેવાની છે કે, નવા યુગમાં નવી દ્રષ્ટિ માત્ર આપણા પોતા પૂરતી ન હોવી જોઈએ સમગ્ર સ્ત્રી સમાજ માટે હોવી જોઈએ. આપણી કલમ પ્રતિબધ્ધ હોવી જોઈએ, નહીં કે અન્ય ને ખુશ રાખવા માટે સામાજિક નિસબત વગર ગમે તે લખીને ઢસડી મારવાનું. પિતૃ સત્તાના સાઉન્ડ પ્રુફ દરવાજા આગળ ઉભા રહી લોકોને વેલકમ કરવાનું બંધ કરો - લોકોમાં ખામોશી છવાઈ ગઈ.
અંતે બંને વક્તાઓ સ્ટેજ ઉપરથી સાથે નીચે ઉતર્યા અને શ્રોતાઓ ક્રાંતિને ઘેરી વળ્યા. ફરી અનઓફીશીયલી ગ્રુપ ચર્ચાઓનો દૌર આગળ ચાલ્યો લોકોની ભીતરની જાગરૂકતા બહાર આવી રહી હતી. ક્રાંતિના ચહેરા પર સંતોષનું સ્મિત ઝળકી ઊઠયું.