For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક મજાની વાર્તા : પાતળી રેખા

Updated: Sep 19th, 2022

Article Content Image

- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

જરા તું સંભાળી લે, માર્ગ ભટકવાના રસ્તા ઘણા છે.

જિંદગીમાં ઘણી બધી વખત ચડાવ - ઉતાર આવે અને આપણે પણ તેની સાથે ચડવાનું અને ઉતરવું - શાલિની સમજાઈ રહી હતી તેની  વર્ગમાં. શાલિની આમ તો હતી માનસશાની વિશારદ પણ અહીં તેને તકનીકી મહાવિદ્યાલયમાં યુવા માનસ સાથે પરામર્શ કરી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનું- સલાહ આપવાની તે પદવી પર નિયુક્તિ મળી હતી.

આવી જ રીતે એક બપોરે તેને મળવા યુવતી આવી હતી... ના તેણે બોલાવી હતી તેને. છેલ્લાં ઘણાં સમયથી તેનું માસિક પરીક્ષાનું પરિણામ ખરાબ આવી રહ્યું હતું અને  તેનામાં કોઈ જ પ્રકારનો બદલાવ ન હતો.

તેમનાં વિદ્યાલયમાં આવા યુવકો  / યુવતીઓને - કે જેમના પરિણામમાં ખુબ જ બદલાવ હોય, વિદ્યાલયમાં હાજરી ઓછી આપતા હોય,  તેઓને અલગ તારવીને તેમને  શાલિની પાસે મોકલી આપવામાં આવતા હતા. શાલિની તેવા યુવાનો / યુવતીઓને માર્ગદર્શન આપતી અને જરૂર લાગે તો તેમના માતા-પિતા કે વાલી / વારસને બોલાવતી. ઘણા ખરા યુવકો /યુવતીઓમાં થોડીક  વધારે ખુલીને વાત કરવાથી અથવા તો તેમની અને તેમના માતા - પિતાની વાત કરાવાથી પ્રશ્નોનું નિરાકરણ આવી જતું. પણ!

આ યુવતી - તે એક શહેરની બહારની  થોડેક દૂર આવેલી વસાહતમાંથી આવતી હતી. દૂરની  વસાહત એટલે તેણે અહીં વિદ્યાલયના છાત્રાલયમાં જ પ્રવેશ મેળવેલ હતો. તેનું નામ અનોલી હતું. દેખાવમાં ઠીકઠાક અને બોલવાથી ખુબ જ ગભરુ લાગી રહેલ આ યુવતીએ જે વાત કરી તેનાથી શાલિનીનું હૃદય ખળભળી ઊઠયું. તેણે કીધુંકે ખુબ જ મહેનત કરીને તેણે ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા સારી ટકાવારી સાથે ઉત્તીર્ણ કરેલી. તેનું એક સપનું હતું આ મહા -વિદ્યાલયમાં ભણવા આવવાનું, અને તે પૂરું થયેલ. તેના માતા - પિતાએ બહારથી રૂપિયાની વ્યવસ્થા કરીને તેને અહીં ભણવા મુકેલ.

છાત્રાલયમાં પહેલાં દિવસે તો કાંઈ ના થયું અને રેગિંગ અહીં હતું જ નહીં. એટલે એવી તો કાંઈ ચિંતા હતી જ નહિ,  પણ અઠવાડિયા પછી, તેની સાથે બીજી એક છોકરી રહેવા આવી. આ છોકરી એટલે કૃતિકા - નવા જમાનાની પણ સ્વચ્છંદી નહિ. તેના આવ્યા પછી તરત જ તેમનું ભણવાનું ચાલુ થઇ ગયેલું અને સુંદર રીતે અભ્યાસ ચાલી રહ્યો હતો . તે લોકો સ્થાપત્યનું શિક્ષણ લઇ રહ્યા હતા અને આ વખતે તેમને અભ્યાસના ભાગ રૂપે રાજસ્થાની શિલ્પ - સ્થાપત્યનો અભ્યાસ કરવા રાજસ્થાન જવાનું હતું. બધા જ તૈયાર હતા તેમની પહેલી આ સુંદર જગ્યાની સફર અને સાથે અભ્યાસ કરવા માટે. ત્યાં બધા સાથે પહોંચી ગયા - આ જ યુવકો અને યુવતીઓને  તેમનાં અધ્યાપકે નાના - નાના જૂથમાં વહેંચી રાજાના મહેલનું, રાણીના મહેલનું, કિલ્લાના સ્થાપત્યનું અધ્યયન કરવાનું કામ આપ્યું હતું. તે બધાનો ઉતારો એક નજીક આવેલ અતિથિ ગૃહમાં હતો. સહુ ખુશ હતા મજાની ઠંડી હતી અને કામ પણ મનગમતું.

બીજા દિવસે અનોલીના વર્ગના બધા યુવકોએ ભેગા થઈને બિયર પીવાનો કાર્યક્રમ રાતે રાખેલ. કૃતિકા અને અનોલી આ બધાથી દૂર જ રહેલ. પછીના દિવસે બધાએ ભેગા થઈને તે બેનું નામ બેનજી પાડી લીધેલ. બન્ને સખીઓ - હાસ્તો વળી એક વર્ષ થઇ ગયું હતું તેમને છાત્રાલયમાં રૂમમાં સાથે રહેતા.

આવી જ રીતે એક દિવસ આવી જ રીતે એ લોકો વિદ્યાલયના કામે બહાર ગયેલ - આ વખતે તે બે જણ  સાથે જૂથમાં નહી પણ અલગ અલગ જૂથમાં હતા. કૃતિકાના જૂથમાં દિલ્હીથી આવેલ રાજ હતો. એ લોકો મોડે સુધી જાગીને કામ કરતા.  

રાજમાં એ બધી જ ખરાબ આદતો હતી, સિગારેટ તો ફૂંકતો જ રહેતો અને કોઈક વખત દારૂ પણ પી લેતો અને કોઈક વાર તો પ્રતિબંધિત દવાનો નશો પણ કરી લેતો. તે આવ્યો હતો જ એવા રાજ્યમાંથી કે જ્યાં દારૂ પીવો એ કોઈ ગુનો ન હતો. હા પણ રાજ કોઈને હેરાન નહીં કરતો.  ભણવામાં પણ એ આગળ રહેતો . આ રાજ, કૃતિકા અને સમીર આ ત્રણનું જૂથ આ વખતે બહુ જ પ્રખ્યાત વાવનો અભ્યાસ કરવા ગયું હતું. અનોલી , હેલી અને પાર્થ - એ ત્રણેયનું જૂથ સૂર્ય મંદિર નો અભ્યાસ કરવા ગયું હતું.

આમ ધીરે ધીરે કૃતિકાની બીજા ઘણા યુવાનો સાથે દોસ્તી થઈ અને સાથે સાથે ખરાબ આદતો ઘર પણ કરતી ગઈ. અનોલી આ બધું જોઈ રહેતી, તેને અફસોસ થતો કે એ કઈ કરી નહતી શક્તી. કૃતિકા સાથે તેને એક - બે વખત વાત કરવાની પણ કોશિશ કરી હતી , પણ! કૃતિકા સાંભળે તો ને ! કૃતિકા પછી તો છાત્રાલયમાં મોડી આવતી પણ થઇ ગઈ અને એક દિવસ છાત્રાલય છોડીને રાજની સાથે ફ્લેટમાં રહેવા જતી રહી.

બસ પછી તો અનોલી જ માત્ર બહેનજી બનીને રહી ગઈ હતી, કંટાળી ગઈ હતી અનોલી,  અને કૃતિકાતો મળતી પણ ઓછું, વિદ્યાલયમાં હવે રાજની જોડે જ રહેતી.  અને એક દિવસ કૃતિકા અભ્યાસ અધૂરો મૂકીને ચાલી ગઈ!

અનોલી સાથે હવે કોઈ જ નહતું. બહેનજી બનીને રહી ગઈ હતી અને આ બહેનજીપણું જ  તેને ડંખી રહ્યું હતું ...શાલિની સાથે વાત કર્યા પછી તેણે કંઈક નિર્ણય લીધોે હતો !! અને શાલિની અવઢવમાં હતી કે તેને શું કહેવું! અને પછી ..

શાલિનીએ  તેને બેનજીમાંથી - આધુનિકતા તરફ આંધળુકિયા કરી ગયેલ કૃતિકાની વાત કરી !!!

હા, કારણકે એ જ કૃતિકા પહેલાં શાલિની પાસે આવી ગયેલ - તેને પણ મોકલવામાં આવેલ અનોલીની જેમ જ અને તેના માતા-પિતાને શાલિનીએ બોલાવેલ. કૃતિકાની માનસિક સ્થિતિ એટલી હદ સુધી ખરાબ હતી કે - (શરાબ, સિગારેટ વગર ના રહી શક્તી , નશાની તેને લત લાગેલ - રાજ સાથે રહીને તે એક રમકડું બની ગઈ હતી હવસ સંતોષવાનું). આજે કૃતિકા એક માનસિક રોગી તરીકે સારવાર હેઠળ છે. આ જ કારણસરથી અત્યારે તેના માતા-પિતાએ તેનું નામ વિદ્યાલયમાંથી કમી કરાવેલ છે.

અને જયારે અનોલીને કૃતિકાના વર્તમાનની જાણ થતાં તેના દિલ- દિમાગમાં ખુંચતું પેલું બેનજીનું સંબોધન તેને આજે સુરક્ષા કવચ જેવું લાગ્યું.  

એક પાતળી રેખા જ ઓળંગવાની  હોય છે જે તમને જીંદગીમાં આડા માર્ગે દોરી જાય છે., નક્કી તમારે કરવાનું હોય છે ! શાલિની આજે તેના વર્ગમાં યુવાનોને માર્ગદર્શન આપી સમજાવી રહી હતી...

- કૃપાલી શાહ (અમદાવાદ)

Gujarat