Updated: Mar 13th, 2023
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
શિલ્પા : હેપી વુમેન્સ ડે સુપર લેડીઝ. આજે પાંચ વાગ્યાના વુમન્સ ડે સેલિબ્રેશન પાર્ટી માટે સૌએ તૈયારી કરી લીધી છે ને?
વર્ષા : મારી તો ફૂલ તૈયારી થઈ ગઈ છે. બસ હમણાં પાર્લર જવા જ નીકળું છું.
પ્રીતિ : હાઈ ઓલ!! ડ્રેસ કોડ પિંક છે ને.
અનિતા : @ પ્રીતિ.... હા યાર એટલે જ તો ગઈકાલે ૩૫૦૦ નો નવો ડ્રેસ લાવી છું આજે પહેરવા માટે.
શિલ્પા : બધા ઓન ટાઈમ પહોંચી જજો. આજે તો ખૂબ જલસા કરીશું. મેં તો એક સ્પીચ પણ તૈયાર કરી છે
વર્ષા : કયા ટોપિક પર?
શિલ્પા : ફેમિનિઝમ પર.
યાર આપણને આપણી સ્વતંત્રતા પર પૂરો અધિકાર છે. જેમ ફાવે એમ કરીએ.
પ્રીતિ : હા શિલ્પા આજે તો આપણે બતાવી જ દઈએ કે હમ કિસીસે કમ નહી.....
વર્ષા : મેં તો મારા હસબન્ડ ને કહી દીધુંં કે આજે તમારે મને કંઈક ગિફ્ટ આપવી પડશે. આઇ લવ ડાયમંડ્સ યુ નો. મારા દિયરે હજી ગયા મહિને જ મારી દેરાણીને સોનાની રીંગ આપી. તો તમે કેમ ના આપો?
નેહા : હાય ફ્રેન્ડ્સ આજે તો હું બહુ અપસેટ છું. આ મારી કામવાલી કાન્તા આજે આવવાની નથી. એની દીકરી ગઈકાલે પડી ગઈ અને પગમાં ફ્રેક્ચર છે. મેં તો કહી દીધું કે જો તું આજે નહીં આવે તો તારી નોકરી ગઈ સમજ.
પ્રીતિ: આ કામવાળાઓને બહુ જ નખરા હોય છે. ધમકી આપો તો જ સીધા ચાલે. અને @ નેહા તું તો આજે પ્રોગ્રામમાં ગેસ્ટ ઓફ ઓનર છે તું મોડી આવે એવું ક્યાંથી ચાલે.
શિલ્પા : હું તો એટલે જ મારા સાસુને ક્યાંય ધામક પ્રવાસે કે યાત્રાએ જવા દેતી નથી. આપણા વુમન એસોસિએશનની મીટીંગ્સ અને પ્રોગ્રામ હોય ત્યારે હું તો બીઝી હોવ તો ઘર કોણ સાચવશે. અને હવે આ ઉંમરે એમણે બીજું કરવાનું પણ શું હોય?
અનિતા: યસ યુ આર રાઈટ. પણ આ ગરિમા ક્યાં ખોવાઈ ગઈ??
શિલ્પા : ખબર નહીં ગઈકાલે એને મને ફોન કરીને કીધું હતું કે એ આજે પાર્ટીમાં નહીં આવી શકે. કદાચ એના હસબન્ડ સાથે ક્યાંક બહાર જવાનું હશે.
નેહા : ઓહ નો. આજના દિવસે પણ આપણી સાથે આવવાનું નહીં ફાવે એને? મારો હસબન્ડ જો મને આ રીતે રોકે તો એનું આવી બને!!!
અનિતા : ચલો હવે બધા નીકળો. નહિતર મોડું થઈ જશે. સી યુ ઓલ સુન. @ ગરિમા વી વીલ મિસ યુ.....
ઉચ્ચ મધ્યમ વર્ગની આ મહિલાઓ જેમના માટે સોશિયલ બટરફ્લાય શબ્દ વાપરી શકાય.... એ ખરેખર તો કાચિંડાના લક્ષણો ધરાવતી હતી. દિવાળીના સોન પાપડી ના બોક્સની જેમ અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા ફરવું... પણ મીઠાશ નહીં ખારાશ ફેલાવતી.
ગરિમા આ બધા કરતાં કંઈક જુદી હતી અને પોતાના નામ પ્રમાણે પોતાના વિચારો અને વર્તનની હંમેશા ગરિમા જાળવતી.
પણ આ ગરિમા અત્યારે હતી ક્યાં?? ગરીમા અત્યારના કદાચ બીજી જ દુનિયામાં બીજા જ વિશ્વમાં હતી.
.... બસ એ પાણીની સામે ઊભી રહીને એ કેટલુ ઊંડું હશે એનો અંદાજ લઈ રહી હતી. કદાચ મનોમન એ હિંમત ભેગી કરી રહી હતી. આમ પાણીમાં કુદવું સહેલું નહોતું. ઘણા બધા વિચાર વિમર્શ અને પરામર્શ પછી એણે આ નિર્ણય લીધો હતો.
'એકંદરે સુખી અને સંતુષ્ટ'કહી શકાય એવા જીવનના ૫૩ વર્ષ હજી ગઈ કાલે જ એને પૂર્ણ કર્યા હતા. ગરીમાના પતિ ગૌરવ નો કપડાનો બિઝનેસ હતો. દીકરો અને વહુ કેનેડામાં સેટલ હતા. સાસુ સસરા સાથે પણ ગરિમાના સંબંધ મા-બાપ અને દીકરી વચ્ચે હોય એવા હતા. આમ તો એને કોઈ વાતનું દુ:ખ કે તકલીફ ન હતી. તો પછી એવું તો શું બન્યું કે આજે એ આ પગલું ભરવા જઈ રહી હતી?
અંતે પોતાની બધી હિંમત એક જૂટ કરીને ગરિમા પાણીમાં કૂદી..... અને દૂર ઊભા એને જોતા એના પતિ ગૌરવ મનોમન મલકાઈ રહ્યા હતા.
રાત્રે મોડા સુપર લેડીઝ whatsapp ગ્રુપમાં અનિતાના 'સાદા જીવન ઉચ્ચ વિચાર' ની સ્પીચ ના વિડિયોઝ..... નેહા ના 'ચેરિટી' કરતા ફોટોગ્રાફસ, શિલ્પા ના 'વૃદ્ધાશ્રમ ની મુલાકાત' ના ફોટોગ્રાફથી ગ્રુપ ભરાઈ ગયું.
રાત્રે મોડા સુપર લેડીઝ whatsapp ગ્રુપમાં ગરીમાનો 'છેલ્લો' મેસેજ બધાએ વાંચ્યો.
ગરિમા: હાઈ ઓલ તમારા બધાના મેસેજ વાંચ્યા. આઈ એમ શ્યોર સેલિબ્રેશન ખૂબ જ સરસ રહ્યું હશે. આઈ એમ સોરી હું એમાં ના જોડાઈ શકી. તમને બધાને ખ્યાલ જ હશે કે કોલેજ ટાઈમ માં હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્વીમર રહી ચૂકી છું.
પણ લગ્ન પછી પત્ની, વહુ અને મા ની ફરજ નિભાવતા નિભાવતા હું મારું અસ્તિત્વ ભૂલી ગઈ હતી. પણ સૌથી મજાની વાત એ છે કે ગૌરવ મારા એ અસ્તિત્વને અને મારા એ રૂપને નહોતા ભૂલ્યા. ગઈકાલે મારા બર્થ ડે પર એમણે મને સ્વિમિંગ ક્લાસીસ માં મારુ એડમિશન કર્યાની રીસીપ્ટ આપી....
એ ઈચ્છે છે કે હું મારું અસ્તિત્વ ના ભૂલું. સામાજિક અને પારિવારિક જવાબદારીઓ માંથી નિવૃત થઈ પણ લાઈફમાંથી નિવૃત્તિ નથી લેવી. ભૂતકાળની આશાઓને વર્તમાનકાળની અપેક્ષાઓ પૂરી કરીને સંતોષકારક ભવિષ્ય મળે એ જ મારી સૌથી મોટી ગિફ્ટ છે.બસ આજથી જ સ્વિમિંગના ફરી 'શ્રી ગણેશ' શરૂ કર્યા છે. પાંખો તો હતી પણ એ પાંખોને પવન અને ગગન આપવાનું કામ મારા પરિવાર એ કર્યું છે. Feminism અને u Fame નો ism.. આમાં ઘણો ફેર છે.
સોરી ફ્રેન્ડ્સ હવે પછી હું કદાચ ગ્રુપમાં એક્ટિવ નહીં રહી શકું. વિશિંગ યુ ઓલ ધવેરી બેસ્ટ ...... ગરિમા લેફ્ટ....
લેખક - સોનલ આચાર્ય