Get The App

એક મજાની વાર્તા : વાર્તા લ્યો વાર્તા .

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
એક મજાની વાર્તા : વાર્તા લ્યો વાર્તા                   . 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

દાઢી માથાના સફેદ પડી ગયેલ વાળ અને અંગેઅંગમાં કરચલીઓ જણાતી હતી. સફેદ કપડાં પહેરેલ એ માણસ કોઈ ફરિશ્તો જ લાગતો હતો. 'વાર્તા લ્યો વાર્તા...' કહેતો એ શેરીમાં દાખલ થયો. અવાજ સાંભળતાની સાથે જ બાળકોએ દોટ મૂકી ઘેરી લીધોે એ ફરિશ્તાને. પછી તો પટારામાંથી ખજાનો નીકળ્યો રાજા -રાણી, સિંહ-વાઘ, ચકો-ચકી, ખેડૂત-સુથાર, રામ-લક્ષ્મણ ને રાજકુંવરીનો ભરથાર. બાળકો એવા તો તલ્લીન થઇ જતા કે જાણે પોતે પણ વાર્તા થઇ જતા. નદી-પહાડ, ઝુંપડા-મહેલ અને દેશ-વિદેશની સહેલ. બાળકોને મન તો આ બધું જાણે સ્વર્ગ હતું. ફરિશ્તો એવા તો લહેકામાં બોલે કે બાળકો એની સંગે ડોલે. આહાહા...શું મધુુર અવાજ એનો! ' દૂર પહાડોની ટોંચે, જેની પાંખ જઈને પહોંચે. એક ક્ર રાજા, સુંદર પરીને ખોજે....'

'સ્વપ્નિલ....ઓ સ્વપ્નિલ....! મોડું થઇ જશે બેટા નિશાળે જવામાં.  સાહેબ-શેઠાણી આપણાં બેયનો વારો કાઢી નાખશે. હાલ જલ્દી ઉઠી જા.' ફરિશ્તા જેવો જ અવાજ સંભળાયો. અને સ્વપ્નિલ સ્વપ્નલોકથી પરત ફર્યો. 'પણ...પણ... દાદુ કેટલી સરસ વાર્તા કરતો હતો એ ફરિશ્તો.' બોલતો સ્વપ્નિલ આંખો ચોળતો ઉભો થયો. 'કોણ ફરિશ્તો? કેવી વાર્તા?' કહેતા લાભુદાદા સ્વપ્નિલને તેડી બાથરૂમમાં લઇ જાય છે. 'અરે એ સફેદ કપડાવાળા દાદા અમને લોકોને વાર્તા કહેતા હતા.' બોલતો સ્વપ્નિલ બ્રશ કરવા લાગ્યો. 'અચ્છા એવું. વાધોે નહીં હું તને સાંજે સરસ વાર્તા કરીશ. અત્યારે તું જલ્દી તૈયાર થઇ જા.' લાભુકાકા સ્વપ્નિલને તૈયાર કરી નાશ્તો કરાવી નિશાળે મુકવા જાય છે.

બંન્ને જણ અલકમલકની વાતો કરતા પોતાની ધૂનમાં ચાલ્યા જતા હોય. આમ તો સ્વપ્નિલના મમ્મી-પપ્પાએ અનેક વખત ટોકેલું કે કારમાં જ મુકવા જવું. પણ એમ કરે તો સ્વપ્નિલ આજુબાજુની દુનિયા કેમ જુએ? લાભુદાદા એટલે લાભશંકર ભાઈ. ઉંમરથી દાદા પણ કર્મથી સ્વપ્નિલના પાલક. વર્ષોેથી એક જ ઘરમાં કામ કરતા તેઓ સ્વપ્નિલના આવ્યા પછી તેની દેખભાળની જવાબદારી સંભાળતા હતાં.સ્વપ્નિલને મન તો તેઓ દાદા , મમ્મી-પપ્પા કે મિત્ર જે કહો તે બધું.

'લાભુદાદા સાંજે વહેલા આવ જો. અને બગીચે પાક્કુ ને ?' બોલતો સ્વપ્નિલ નિશાળમાં પ્રવેશે છે. ત્યારે જવાબમાં આંખ મિચકારી લાભુદાદા કહે છે, 'પ્રોમિસ.' અને દાદા દીકરો થોડા સમય માટે છૂટા પડે છે. સાંજે બધા કામમાંથી પરવારી લાભુદાદા નિશાળે સ્વપ્નિલના આવવાની રાહે ઉભા હોય.

'લાભુદાદા આજ તો કંઈ હોમવર્ક જ નથી. મજા આવશે. આજ તો હું તમારી પાસેથી બે-બે વાર્તા સાંભળીશ.' હરખમાં આવતા સ્વપ્નિલ કહે છે. અને બંન્ને બગીચામાં આવે છે. એમની નિર્ધારિત જગ્યા પર આવી લાભુદાદા બાંકડે બેઠાં અને સ્વપ્નિલ તળાવમાં બતક અને માછલીને ખાવાનું નાખવા લાગ્યો. 'દાદુ , આ પાણી કેમ બ્લુ રંગનું છે? ' પૂછતો સ્વપ્નિલ બાજુમાં આવી બેઠો. થોડું વિચારી લાભુદાદા બોલ્યા,' હમ્મ... કેમકે કે બ્લુ એનો મનપસંદ રંગ હશે.' 'હેં? સાચે! તમને કેમ ખબર?' બોલતો સ્વપ્નિલ લાભુદાદા સામે જુએ છે. ત્યારે હાસ્ય સાથે દાદા કહે છે,'મને તો આ જવાબની ખબર છે. પણ એક કામ કર તું મોટો થઇ જા પછી જવાબ શોધી મને સાચો જવાબ કહે જે. બોલ કરીશ ?' થોડું વિચારી સ્વપ્નિલે કહ્યું, 'હમમ...ઓકે ડીલ.' અને પછી જોડી સ્વપ્નિલની નિશાળની અને તેના મિત્રો,શિક્ષકોની વાતો કરતી ઘરે પહોંચી.  

ક્યારેક મોડી રાત્રે તો ક્યારેક વળી સાંજે જ સ્વપ્નિલના માતા-પિતા ઘરે આવી જતા. તફાવત માત્ર જગ્યાનો જ હતો બાકી બંન્ને ઘરે આવીને પણ ફોન અથવા લેપટોપમાં જ વ્યસ્ત હોય. 'મમ્મી, તને ખબર છે તળાવનું પાણી બ્લુ કલરનું કેમ હોય છે?' પૂછતો સ્વપ્નિલ પોતાની માં પાસે આવે છે. એકવારમાં ધ્યાન ન દેતા સ્વપ્નિલ ફરી પાછું એ જ પૂછે છે. થોડી ચિડાઈને લેપટોપમાંથી નજર હટાવી તેની માં બોલી, ' વ્હોટ નોનસેન્સ સ્વપ્નિલ? આવા સવાલો નહીં કર. અને પ્લીઝ તું લાભુકાકા સાથે રમ જા. હતાશ થઈ સ્વપ્નિલ દૂર જતો રહ્યો. સ્વપ્નિલના પિતા મોબાઈલમાંથી નજર હટાવતા બોલ્યા, ' આ પેલા અરોરાઝ ને ત્યાં પાર્ટી છે કાલે, તેના દીકરાનો જન્મદિવસ છે. આપણે લોકો એ જવાનું છે. સ્વપ્નિલ એનો દીકરો પણ તારી જેમ જ ત્રીજા ધોેરણમાં ભણે છે. તેની સાથે ફ્રેન્ડશીપ કરી લે જે.' બીજા ખૂણેથી સ્વપ્નિલ બોલ્યો, સોરી ડેડી પણ હું નહીં આવું. મારે સાંજે ગાર્ડન પર જવાનું હોય, ત્યાં મારા બીજા ફ્રેન્ડ્સ મારી રાહ જોતા હોય.' બોલી ને સ્વપ્નિલ છણકો કરી રૂમમાં જતો રહ્યો.

માતા-પિતા બન્ને લાભુદાદા સામે જુએ છે, સ્વપ્નિલના પિતાએ પૂછયું  'કોણ ફ્રેન્ડ્સ ? અને ક્યા ગાર્ડનની વાત કરે છે સ્વપ્નિલ?' તરત તેની માં બોલી,' તમને કારમાં જવાનું કહ્યું છે ને? અને તમે રોજ ગાર્ડનમાં લઇ જાઓ છો? આમ રોજ રખડાવો છો તમે આ નાના છોકરાને?' લાભુદાદાને તેમના સવાલો અપમાનજનક લાગ્યા તે બોલ્યા, 'તેના ફ્રેન્ડ્સ એટલે બતક, માછલાં અને પક્ષીઓ. માફ કર જો શેઠાણી પણ હું રખડાવતો નથી સ્વપ્નિલને. હું તો બાળકને કુદરતના ખોળે લઇ જાઉં છું. એની જિજ્ઞાાસા સંતોષવા પ્રયત્ન કરું છું. તમારી જાણકારી માટે, હું સ્વપ્નિલને એકપળ માટે પણ રેઢો નથી મુકતો. કારમાં તો આખી જિંદગી એ ફરવાનો જ છે, અમે ચાલતા જઈએ છીએ જેથી વધારે વાતો થાય અને સ્વપ્નિલ ગાડીના કાચ બહારની દુનિયા જુએ.'આટલું બોલી તેઓ સ્વપ્નિલના રૂમ તરફ જતા કહે છે, 'આમ પણ હું ગામડે પરત ફરવાનું વિચારતો હતો. તમને યોગ્ય કેરટેકર મળી જાય એટલે હું ચાલ્યો જઈશ.'

સ્વપ્નિલના રૂમમાં જઈ લાભુદાદા રાજી થતા કહે છે,'આજ તો બે વાર્તા સાંભળવાની છે ને?' અને સ્વપ્નિલ હરખાતો પલંગ પર કુદકા મારવા લાગ્યો. 

સ્વપ્નિલના માતા-પિતા દરવાજે ઉભા દાદા-દીકરાને એકમેકમાં મશગુલ થતા જોઈ રહ્યા. ભલે લાભુદાદા કંઈ ખાસ ભણેલગણેલ ન હતા, પણ બાળકોનો ઉત્સાહ વધારવો, એમને પ્રેરણા આપવી અને એમનું કલ્પનાજગત કેમ વિકસાવવું એ સારી પેઠે જાણતા હતા. સ્વપ્નિલને લાભુદાદા સાથે જોઈ એ બાળકના માતા-પિતાને પણ ભાન થયું કે, જન્મ આપી તેઓ માં-બાપ બની ગયા હતા. પણ બાળકની સાથે બાળક બનવાનું ભૂલી ગયા હતા. 

'લાભુદાદા, હવેથી અમે પણ સ્વપ્નિલ સાથે તમારી વાર્તા સાંભળીશું.'બોલતી સ્વપ્નિલની માં પણ પલંગ પર ગોઠવાઈ ગઈ અને સ્વપ્નિલના પિતાએ ઉમેર્યું ,' આપણે લોકો બધાં વારાફરતી દરરોજ વાર્તા કરીશું. ઓકે?' સ્વપ્નિલ તો હરખનો ઉછળવા લાગ્યો અને મોટેથી બોલ્યો, 'ડીલ.' માતા-પિતા બંન્ને માફીની નજરે લાભુદાદા સામે જોતા રહ્યાં. લાભુદાદાએ એમને માફી આપતાં કહ્યું, 'તો પછી કાલે તો શેઠાણી વાર્તાકરશે.' અને બધા ગેલમાં આવી ગયા.

રાત્રે સ્વપ્નિલ ઊંઘી ગયો. 'વાર્તા લ્યો વાર્તા...'મધુર મીઠો અવાજ સંભળાયો. ફરિશ્તો આવી ગયો વાર્તાનો ખજાનો લઈ. છોકરાઓ ઘેરી વળ્યા. એ ભીડની વચ્ચે સ્વપ્નિલ પણ દાખલ થયો. ઉંચા થઇ તેણે નજર કરી. એ જ માથાના સફેદ વાળ અને દાઢી તેમજ કરચલીવાળા ચહેરે લાભુદાદાએ સ્વપ્નિલ સામું જોઈ આંખ મિચકારી. ઊંઘમાં ને ઊંઘમાં સ્વપ્નિલ સ્મિત આપી રહ્યો હતો.

-રીષીતા જાની


Google NewsGoogle News