- સંકલનઃ પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
એ એકદમ શાંત સરોવર જેવો હતો. પોતાની નાની એવી દરજીની દુકાનમાં તેના અબ્બા જોડે બેસતો. જ્યારે જોઇએ ત્યારે એણે એની નજરને સાવ મશીનમાં જ ઘાલી રાખેલી હોય. રસ્તાબાજુના ઓટલે પણ એ ભાગ્યેજ બેસતો. સુકલકડી કાયા ઉપર ગોઠણથી નીચે સુધીનો ઝભ્ભો પહેરેલો હોય. માથે જાળીદાર ગોળ ટોપી. અને ફૂટવું ફૂટવું થતી એની મૂછ અને દાઢી. લાંબો તો એવો કે ઉભો ઊભો તાડ ને ય આંબી જાય. પણ સાવ ભોળો હતો.
નાનપણમાં હું એની સાથે ખૂબ રમી. થોડા મોટા થયા પછી તો એ રમવાનું પણ બંધ થઈ ગયું હતું. એનું ઘર મારા ઘરથી થોડું દૂર હતું છતાંય દિવસમાં એક વખત એની સાથે બેસીને વાત ન કરું ત્યાં સુધી મારું મન ક્યાંય લાગે નહિ. એ મને મહેંદી કહીને બોલાવતો. ત્યારે હું ખૂબ ચિડતી' અફઝલ મારું નામ હિના છે. મહેંદી નહિ!'
'શું ફરક પડવાનો એમાં? લાગવાની તો હાથે જ ને?'
હું એની ચોખ્ખી કાળી આંખમાં જોઈ રહેતી. હા મહેંદી કહો કે હિના શું ફરક પડે? ચોળાઈ, ચીમળાઈને પછી..હથેળીમાં લાલ રંગ છોડીને ચાલ્યું જવાનું જ તો કામ છે. પછી હિના કહો કે મહેંદી!
'જરા સાચવીને ચાલજે જોજે લપસતી નહિ!' ધીમી ધારે ચાલી રહેલા વરસાદની બુંદોએ કાચા રસ્તાને પલાળીને સાવ ચીકણો કરી મૂક્યો હતો. અફઝલ મારો હાથ પકડીને મને સાચવી રહ્યો હતો.
આહ! ફરીવાર વરસાદ શરૂ થયો. મે આકાશ તરફ આંખ માંડી , પછી કપડાંની થેલીમાંથી છત્રીને બહાર કાઢી, છત્રીની સ્વીચ દબાવી એટલે ઉઘડતી કળીની જેમ છત્રી ખુલી ગઈ મારા માથાને વરસાદથી બચાવવા. હું રસ્તાની આ તરફ ઊભી હતી. કેટલીયે ઘડી આંખોને ખોડી રાખી. એ પરિચિત ચહેરાને ઓળખવા માટે. સામેના રસ્તા પર સફરજનની લારી પાસે ઉભેલો એ સખસ ખરેખર...?
'એ અફઝલ જ છે.' મારા મને સામો ઉતર આપ્યો.
'કદાચ એવું પણ બને આ મારો ભ્રમ હોય.' મારા અને મારા મન વચ્ચે ઘર્ષણ ચાલુ હતું. હું રસ્તો પસાર કરીને એ તરફ ગઈ. એની લાંબી દાઢીમાં સફેદ વાળ આવી ગયા હતા. ચમકતાં ચહેરા પર કરચલીઓ ખરડાઈ ગઈ હતી. આંખો ઊંડી ઉતરી ગઈ. બસ એની સુકલકડી કાયા જ એમની એમ હતી.
એ એની અમ્મી, અબુનો ખુબ લાડકો હતો. એની દરજીની દુકાનમાં એક રાતે અચાનક આગ લાગી. એ આગ ખૂબ ભયાનક હતી. આગમાં કપડાંની સાથે અફઝલનું ભવિષ્ય પણ સળગીને રાખ થઈ ગયું. જેમના કપડા સળગ્યા હતા એ લોકો પૈસા માંગવા અફઝલના દરવાજે આવવા લાગ્યા. પોતાની દુકાન વેંચીને અફઝલના અબુએ બધાનો હિસાબ ચૂકતે કર્યો. અને ત્યાંથી દૂર ક્યાંક બીજે રહેવા માટે ચાલ્યા ગયા. ત્યારે પપ્પાને અફઝલના અબુ અને અફઝલ બન્ને મળવા આવેલાં. ત્યારે એ મારા માટે ઢીંગલી લઈને આવેલો. 'અફઝલ હવે હું ઢીંગલીથી નથી રમતી. હું હવે નાની નથી રહી સમજ્યો તું? '
'આ તારી ઢીંગલીને આપજે.' એ મારા માથે હાથ મુકતો હસવા લાગ્યો.
'તું નહિ આવે?'
'આવીશ ને! એક દિવસ જરૂર આવીશ.' અફઝલે મારી હથેળીને ચૂમતા કહ્યું.
એની આંખોમાં ઉભરાઈ આવેલા ઝળઝળિયામાં મારો ચહેરો દેખાઈ આવ્યો. એ મારા માથે હાથ ફેરવતો ત્યાંથી ચાલ્યો ગયો. હું અફઝલને મારા પપ્પાને ગળે વળગી રડતો જોઈ રહી. એ ચાલ્યો ગયો. હંમેશા માટે! મને છોડીને. એના વગર સાવ નીરસ જીવન થઈ ગયું હતું. એ રસ્તો મે હંમેશા માટે છોડી દીધોે જ્યાંથી અફઝલ મને સ્કૂલેથી લેવા આવતો. વરસતા વરસાદે મારો હાથ પકડી મને સંભાળતો.
એની સળગીને કાળી પડેલી દુકાન હવે નવી નક્કોર પહેલાની માફક થઈ ગઈ હતી. બસ ત્યાં એક અફઝલ જ ન હતો. 'શું એ દુકાન સળગી હતી કે પછી સળગાવવામાં આવી હતી?' આ સવાલ મારા મગજમાં સતત ઘૂમરાયા કરતો હતો. ક્યારેક ગુસ્સે થઈને મમ્મી પપ્પાને પૂછી બેસતી. 'પપ્પા અફઝલ ક્યાં છે? મારે એને મળવું છે.શું થયું હતું એની દુકાનમાં? કેમ સળગી હતી દુકાન?' ઘણાં સવાલો હું પૂછી બેસતી. મારે જાણવું હતું. શા માટે અફઝલનો પરિવાર અહીંયાથી દૂર ચાલ્યો ગયો હશે.? શું અફઝલને મારી યાદ આવતી નહિ હોય? ત્યારે મમ્મી પપ્પાનો એક જ જવાબ હોય 'અમને કંઈ જ નથી ખબર.' અને એક દિવસ મારા સવાલનો જવાબ પણ મને મળ્યો. જ્યારે મારા લગ્નના થોડા દિવસ પહેલા અચાનક જ પપ્પા દુકાન બંધ કરી સાંજે વહેલાં ઘરે આવી ગયા. એ સાવ સુન્ન થઈને બેસી ગયા હતા. 'કેમ થયું?' મમ્મીએ પૂછયું. હું મારા રૂમમાં પથારીમાં આડી પડી હતી.
'હિના ક્યાં છે?'
'એ સૂઈ ગઈ છે. ખરીદી કરીને થાકી ગઈ છે. શું થયું છે તમને, કેમ આમ બેઠા છો? આજે તો મોડા આવવાના હતા ને તમે?'
'રફિકભાઈ ગુજરી ગયા.'
'અને અફઝલ?'
'એ આજે જેલમાંથી છૂટવાનો હતો. ને આજે જ આવું બની ગયું.'
આ શબ્દો જાણે મારા કાનમાં થઈ મારા મગજમાં હલચલ મચાવી ગયા. અફઝલ જેલમાં પરંતુ શા માટે? શામાટે મમ્મી પપ્પા મારાથી છુપાવે છે? હું મારા કાબૂમાં જ ન રહી શકી અને પપ્પા સામે જઈ ધુ્રજતા શરીરે ઊભી રહી ગઈ. મારી આંખોના ડોળા લાલ થઇ ગયા હતા. શરીર ખૂબ ધ્જતુ હતું. ' પપ્પા તમે તો કહેતા હતા ને કે તમને ખબર નથી અફઝલ ક્યાં છે? તો પછી અત્યારે કોની વાત કરો છો? આજે તો હું હકીકત જાણી ને જ રહીશ.'
'બેટા તે દિવસે રફિકભાઈની દુકાનમાં આગ એમનેમ નોતી લાગી. એ આગ જિગરે લગાવી હતી.' પપ્પા જમીન પર ધસી પડયા.
જીગર મારી સ્કૂલમાં ભણતો છોકરો! અલ્લડ હતો એ. બુધ્ધિ વગરનો. અફઝલ અને હું સાથે હોઈએ એટલે જાતભાતની વાતો કરવા લાગે. હું ત્યારે પણ સમજી નહતી શકતી કે આવી આવી વાતો એના મગજમાં ભરે છે કોણ? શું અફઝલ એક નેક દિલ ઇન્સાન ન હતો? ખુદાનો ફરિસ્તો હતો એ! સાવ ભોળો શાંત સરોવર જેવો. ચોખ્ખા દિલનો. હું અફઝલ વિશે એક પણ શબ્દ ખરાબ ન સાંભળી શકી. અને મે જીગરને આખી સ્કૂલ વચ્ચે તમાચો ચોંટાડી દીધોે. 'આજ પછી મારી અને અફઝલની વચ્ચે તારે નહિ આવવાનું.' શું આ વાતનો બદલો જીગરે લીધોે હતો?
'પપ્પા મે ગુસ્સામાં જીગરને માર્યોે હતો. એમાં અફઝલનો ક્યો વાંક હતો?'
'બેટા અફઝલનો કંઈ વાંક ન હતો . જીગરે દુકાન સળગાવી નાખી, આ વાતની જ્યારે અફઝલને ખબર પડી ત્યારે અફઝલે જીગરને ખૂબ માર્યો. અને ઓચિંતું જીગરને ન વાગવાની જગ્યાએ વાગી ગયું અને જીગર ત્યાંને ત્યાં જ!'
'અને અફઝલ?'
'એને દસ વરસની જેલ થઈ.'
'પપ્પા.. 'મારી ચીસ નીકળી ગઈ. મારા કારણે એ લોકોને અહીંયાથી જવું પડયું હતું. મારા પગ નીચેથી જમીન સરકવા લાગી.
તે રાત પછી અફઝલને મે ક્યારેય નથી જોયો. એ મને ક્યારેય મળવા પણ ન આવ્યો. ને આજે એ અચાનક મારી સામે આવીને ઊભો હતો. મારી આંખો સતત વહી રહી હતી. હું અફઝલની લારી સામે ઉભી રહી ગઈ. છત્રી સહેજ ઊંચી કરી મે એને મારું મોં દેખાય એ રીતે પૂછયું. ' અફઝલ! તે મને ઓળખી?'
અફઝલ ઝીણી આંખો કરી મારી સામે જોવા લાગ્યો. શું એ પણ ભૂતકાળમાં ખોવાય ગયો હતો? કે સતત પડતી વરસાદની બંુંદોમાં તેને મારો ચહેરો ધૂંધળો દેખાઈ રહ્યો હતો? આમ પણ સમય પહેલાં જ એ ઘરડો થઈ ગયો હતો.
'અફઝલ હું ..' મારો અવાજ રુંધાવા લાગ્યો. બે દાયકામાં ઘણું બદલાય ગયું હતું. છતાંય ઘણું હજુ ત્યાંને ત્યાં જ હતું. યાદ સ્વરૂપે! મારા લગ્નનાં સમયે એ મારી પાસે ન હતો. મે મમ્મી પપ્પાને કેટલું કહ્યું હતું. પરંતુ કદાચ એમને પણ એ સમયે અફઝલ કે એના પરિવારને શોધવાની જરૂર ન લાગી હોય!
'કોણ?' એણે હથેળીનો છાયો કરી આંખો ઝીણી કરતાં કહ્યું.
ગળામાં મંગલસૂત્ર, ભરાવદાર શરીર, એકાદ સફેદ થઈ આવેલા વાળને ગૂંથીને વાળેલો ચોટલો. મરૃંન કલરની સાડીમાં લપેટાયેલી હું. હવે કંઈ ઢીંગલી તો નહતી રહી. એ મને કંઈ રીતે ઓળખે? છતાંય એ મને ઓળખી ગયો!
'મહેંદી!'એ લારી ફરીને મારી પાસે દોડતો આવ્યો. મારા માથે ફરીવાર એણે હાથ મૂક્યો. જાણે આખી દુનિયાનું સુખ મળી ગયું.
'તે મને કંઈ રીતે ઓળખી કાઢી?'
'તારી ઢીંગલી અસલ તારા જેવી જ લાગે છે. એને જોઈને!' અફઝલની આંખોમાં ચમક હતી. તેના ફિક્કા ચહેરામાં ખુશી છલકાઈ રહી હતી. આટલા વરસે મળ્યાનો આનંદ અમને બેઉને હતો.
'મમ્મી આ અંકલ કોણ છે?'મારી દસ વરસની દીકરી નિકિતાએ મારી સાડીનો પાલવ ખેંચતા કહ્યું. હું અફઝલ સામે જોવા લાગી. અફઝલે નિકિતાને તેડી લીધી. અફઝલ નિકિતાનાં માથે હાથ ફેરવી બચી ભરવા લાગ્યો.
'અંકલ તમે મને શું થાવ?'
'હું તારો મામો છું. અને તું મારી ભાણી.' અફઝલે ફરીવાર નીકિતાને બચી ભરી.હું અફઝલને જોઈ રહી. વરસાદનું જોર વધ્યું. અને હું કાલે ફરી આવીશ કહી ત્યાંથી ચાલતી થઈ. ત્યાં પાછળથી અફઝલે બુમ પાડી.'સાંભળીને ચાલજે. જોજે લપસતી નહિ.'
મે અફઝલ સામે સ્મિત રેલાવ્યું. હવે કાદવમાં ચાલતા હું શીખી ગઈ હતી!
- દિવ્યા જાદવ. કેશોદ


