Get The App

એક મજાની વાર્તા : હરિ રિક્ષાવાળો

Updated: Nov 2nd, 2021

GS TEAM


Google News
Google News
એક મજાની વાર્તા : હરિ રિક્ષાવાળો 1 - image

સંકલનઃ પ્રતિભા ઠક્કર

'મમ્મી,હું પાસ થઈ ગઈ અને એ પણ ફર્સ્ટ ક્લાસ સાથે.' મમ્મીને  વળગીને હું બોલી અને મમ્મી પણ આશીર્વાદ આપતા બોલી, 'શિખા, આવી જ રીતે પ્રગતિ કરતી રહે એવા આશીર્વાદ આપું છું.' બી.એડ પાસ કરીને મેં ટેટની પરીક્ષા પણ પાસ કરી. 

 મમ્મી-પપ્પાના આશીર્વાદ અને ભગવાનની મહેરબાનીથી મને સરકારી નોકરી  લાગી ગઈ. મારી નોકરી નજીકના ગામડામાં લાગી તેથી મમ્મીને થોડી ચિંતા થઈ.

આ ખુશખબરથી મમ્મી રાજી તો થઈ પણ મને કહેવા લાગી, 'બેટા નોકરી લાગી એ તો સારી વાત છે પણ સીતાપુર જેવા નાનકડા ગામમાં તું કઈ રીતે નોકરી કરી શકીશ?' 

મેં મમ્મીને સમજાવ્યું, 'મમ્મી આ સરકારી નોકરી છે એટલે શરૂઆતના બે-ત્રણ વર્ષ મુશ્કેલી પડે પણ પછી આખી જિંદગીની નિરાંત થઈ જાય. રોજ સીતાપુર અપડાઉન કરવું શક્ય નથી તેથી હું ત્યાં જ રહીશ અને દર શનિ-રવિ ઘરે આવી જઈશ.હું ત્યાં એકલી નહીં રહું મારી સાથે બીજી બે બહેનપણીઓ પણ છે એ લોકો ગયા મહિને એ જ ગામમાં નોકરી લાગ્યા. એ બંને સાથે જ રહે છે. મેં એમની સાથે વાત કરી લીધી છે. એ લોકો નાનકડા ઘરમાં ભાડેથી રહે છે. હું પણ તેમની સાથે રહીશ.' 

મમ્મી મારી બહુ ચિંતા કરે પણ પપ્પાએ આપેલા મનોબળથી પ્રોત્સાહન મળ્યું.પંદર દિવસમાં મારે સીતાપુર પહોંચી નોકરીએ જોડાવાનું છે. મેં મારી તૈયારી શરૂ કરી. કપડાંની સાથે થોડા ઘણા વાસણ તેમજ જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરી.

  તૈયારીમાં પંદર દિવસ ક્યાં નીકળી ગયા એની ખબર જ ના પડી અને મારો સીતાપુર જવાનો દિવસ આવી ગયો. સીતાપુર એક અંતરિયાળ ગામડું હોવાથી ત્યાં છેક સુધી સરકારી બસ નથી જતી. શ્યામલ કરીને નજીકના સ્ટેશન સુધી બસમાં જવાનું અને ત્યાંથી આઠ કિલોમીટર પ્રાઇવેટ છકડા અથવા બીજા વાહનોમાં જવું પડે છે. શ્યામલ પછીનો રસ્તો પણ કાચો છે. મારી બંને બહેનપણી રીટા અને સીમાએ મને બધી જ જાણકારી આપી દીધી.

  મમ્મી મને મુકવા માટે પપ્પાને કહેવા લાગી પણ મેં  ના પાડી અને એકલી જવાનું નક્કી કર્યું. મમ્મી પપ્પા મને બસમાં બેસાડવા આવ્યા. છેલ્લે જ્યારે હું મમ્મીને ભેટી ત્યારે મમ્મીની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. મેં મમ્મીને સમજાવી કે જો હું મારા પગભર નહીં થવું તો સ્વાવલંબી કેવી રીતે બનીશ? છેક સુધી મમ્મીની શિખામણો સાંભળીને હું બસમાં બેઠી.

 રસ્તામાં બસનું પંચર પડતાં હું શ્યામલ થોડી મોડી પહોંચી. શ્યામલ પહોંચતા જ હું સીતાપુર માટે વાહન શોધવા લાગી. આજુબાજુ જોયું તો કોઈ વાહન દેખાતા નહોતા. 

  મેં તરત જ સીમા ને ફોન કર્યો તો સીમાએ કહ્યું, ''અરે શિખા તને આટલું મોડું કેમ થયું? સાંજે  ૬થી૩૦ વાગે છેલ્લી ગાડી  હોય છે અને આજે પૂનમ હોવાથી  મોટાભાગના વાહનો ગામના મેળામાં વ્યસ્ત છે.' મેં તરત જ ઘડિયાળમાં જોયું તો સાત વાગવા આવ્યા હતા. ફોન હજી ચાલુ જ છે અને સામેથી સીમાનો ફરી અવાજ આવ્યો, ' જો વાહન ન મળે તો શ્યામલમાં 'ધર્મશાળામાં રાત રોકાઈને કાલે આવજે. વાહન મળે તો ફોન કરજે.' સીમા હજી કંઈક બોલતી હતી અને મારો ફોન બંધ થઈ ગયો. બસમાં વિડિયો જોવામાં મારા ફોનની બેટરી વપરાઇ ગઇ તેનું મને ધ્યાન જ ન રહ્યું. મેં આજુબાજુ નજર કરી તો દૂર સુધી કોઈ દેખાતું નહોતું તેથી મેં સીમાના કહ્યા પ્રમાણે શ્યામલની ધર્મશાળામાં જવા માટે ચાલવાનું શરૂ કર્યું. માંડ દસ ડગલા ચાલી ત્યાં તો સામેથી એક રિક્ષાવાળો દેખાયો. 

મને જોઈને રિક્ષાવાળાએ રિક્ષા ઉભી રાખી અને પૂછયું,' ક્યાં જવું છે?' મેં કહ્યું, 'આમ તો મારે સીતાપુર જવું છે પણ જો તમે અહીં ગામમાં જતા હો તો મને ગામની ધરમશાળા પાસે ઉતારી દેજો.'

રિક્ષાવાળો બોલ્યો, 'મેડમજી હું પણ સીતાપુર જઉ છું. આવો બેસી જાઓ તમને ત્યાં છોડી દઉં.' 

હું મારો સામાન લઈ રિક્ષામાં બેસી ગઈ. એકાદ કિલોમીટર પછી કાચો રસ્તો શરૂ થયો અને રીક્ષાની ગતિ પણ ધીમી થવા લાગી. મને વિચાર આવ્યો હું રિક્ષામાં બેસી તો ગઈ પણ મોબાઈલ બંધ છે તો સીમાનો કે મમ્મી-પપ્પાનો સંપર્ક નહીં થઈ શકે અને આ રિક્ષાવાળો કેવો હશે શું ખબર? પણ હું હિંમત કરીને બેઠી રહી મેં જાણી જોઈને પાકીટમાંથી મોબાઈલ કાઢયો અને કોઈને મેસેજ કરતી હોઉં એવો ડોળ કરવા લાગી. 

અરીસામાં જોઈ રિક્ષાવાળો બોલ્યો, મેડમજી આ રસ્તે હવે નેટવર્ક નહિ આવે પણ ચિંતા ના કરતા હું તમને સહી સલામત સીતાપુર પહોંચાડી દઈશ. 

મોઢા પર નકલી હાસ્ય સાથે હું બોલી, 'હા ભાઈ. તમારી વાત સાચી અહીં તો નેટવર્ક જ નથી આવતું.' 

રિક્ષાવાળો વાતોડિયો લાગ્યો અને એણે ફરી વાતો ચાલુ કરી. 

'મારું નામ હરિ છે. તમે પહેલીવાર સીતાપુર આવતા લાગો છો. કોઈના ઘરે મહેમાન થઈને આવ્યા છો?'

'જયાં પેલી સરકારી સ્કુલ છે ને એમાં મને નોકરી લાગી છે. શિક્ષિકા છું. તમે ત્યાં જ રહો છો?' 

'હું પહેલા સીતાપુર જ રહેતો હતો હવે હું બાજુના ગામડામાં રહું છું. અત્યારે હું મારા મિત્રને મળવા જઈ રહ્યો છું. ત્યાં બધા મને ઓળખે છે. ગામના લોકો પણ બહુ સારા છે. મારો મિત્ર રામજી ભરવાડ દધનો વ્યવસાય કરે છે. કંઈ કામ હોય તો એને કહેજો એ જરૂરથી મદદ કરશે. ગામમાં બધાના ઘરે એ જ દૂ પહોંચાડે છે.' 

 મેં ડોકું હલાવી હા પાડી અને થોડી જ વારમાં અમે સીતાપુર પહોંચી ગયા. સીમાએ આપેલ સરનામા ઉપર હું પહોંચી ગઈ. રિક્ષામાંથી ઉતરી હું પાકીટમાંથી પૈસા કાઢવા લાગી ત્યારે  પેલા રિક્ષાવાળાએ પૈસા લેવાની ના પાડી અને હું એને પરાણે પૈસા આપું એ પહેલા તે મને છોડીને રિક્ષામાં જતો રહ્યો.

 ફળિયામાં જમણી બાજુ ત્રીજા ઘરમાં જઈ મેં દરવાજો ખખડાવ્યો તો સીમા એ દરવાજો ખોલ્યો અને બોલી, 'અરે શિખા તું કેવી રીતે પહોંચી? તારો ફોન કેમ બંધ આવે છે?'

મે સીમાને કહ્યું કે મને શાંતિથી બેસવા તો દે. સીમાના ફોનથી મેં મમ્મી પપ્પાને મારી પહોંચની જાણ કરી. રીટા અને સીમાસાથે જમતા જમતા મે બધી વાત કરી. રીટાએ કહ્યું કે આપણે ત્યાં પણ રામજી ભરવાડ દૂધ આપવા આવે છે. રાત્રે વાતો કરતા કરતા અમે સુઈ ગયા.

સવારે ઉઠીને બ્રશ કરીને સીમા સાથે હું ઓટલા પર બેઠી  ત્યાં સાયકલ લઈને દૂધવાળો આવ્યો. સીમાએ મારી ઓળખાણ દૂધવાળા સાથે કરાવી અને કહ્યું કે આજથી થોડું વધારે દૂધ આપજો. સીમા દૂધની તપેલી લેવા અંદર ગઈ ત્યારે મે રામજીને પેલા રીક્ષાવાળા હરિની વાત કરી ત્યારે 

રામજી આશ્ચર્યથી  બોલ્યો, 'હરિ!!! એ તો....'

'શું એ તો......?'

' વાત એમ છે કે પાંચેક વર્ષાે પહેલા એ જ રસ્તેથી એની છોકરી શાળાએથી આવતા ખોવાઈ ગઈ ત્યારથી એ ત્યાં રીક્ષા લઇ ફરતો હોય છે એમ લોકો કહે છે,કદાચ એ એની દીકરીને શાધે છે. એ ફક્ત મુશ્કેલીમાં મુકાયેલી દીકરીઓને જ મદદ કરે છે અને બીજા કોઈને મળતો ય નથી. અરે સાચું કહું તો અમને એ આજ સુધી નથી મળ્યો . મેં ઘણીવાર એને મળવાનો પ્રયત્ન કર્યાે પણ ....'

   ત્યાં જ સીમા તપેલી લઈને આવી ગઈ દૂધવાળો દૂધ આપીને જતો રહ્યો. એના ગયા પછી મેં સીમાને બધી વાત કરી ત્યારે સીમાએ મને કહ્યું, 'તું હેમખેમ અહીં પહોંચી ગઈ ને! હવે એ હરિ હોય કે રામ હોય એ ચિંતા મૂકી દે અને શાળાએ જવાની તૈયારી કર.'

સીમાના કહેવાથી હું શાળાએ જવાની તૈયારી કરવા લાગી પણ હરિની વાત મારા મગજમાંથી નીકળતી જ નથી. એ વાતનું રહસ્ય હજી અકબંધ જ છે કે આ હરિની દીકરીનું શું થયું?એની ફરિયાદ કોઈએ સાંભળીને મદદ નહીં કરી હોય?    

આખરે આવો એક નિદોષ માણસ આવી ગુમનામીમાં સરી પડયો એ માટે દોષિત કોણ હશે?એ બીજા કોઈને મળતો કેમ નથી?

Tags :