એક મજાની વાર્તા : ડિઝાઈન
- ગોરંભાયેલું નભ ને આ જિંદગી, વાદળો ખસે ને મળે નવી દિશા.
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
ડોરબેલ વાગતાં જ ગરિમા કમને ઊભી થઈને દરવાજો ખોલ્યો. રૂહી સામે ઊભી હતી. ઠંડો આવકાર જોતાંજ સમજી ગઈ કે,'આજે કઈંક ગડબડ થઈ લાગે છે.' રૂમમાં અંદર જઈને જોયું, આખા રૂમમાં કાગળના ડુચાઓની ડિઝાઈન બનેલી હતી. એક-બે ડુચાઓને ખોલીને જોયા તો- અંદર કુંડળીઓની આકૃતિઓ બનાવેલી હતી. આ જોઈને બોલી, 'વાહ-વાહ તું તો એકદમ આટસ્ટિક મૂડમાં છે ને કઈં... ! આ કાગળો દિવાલ પર લગાવીએ, તો કેટલો યુનિક વાલપેપર લાગશે... નહીં...!'
'પણ...તને તો ખબર જ છે ને ! મારા ઘરમાં પહેલાં કુંડળી મેળાપ, મન ના મળે તો ચાલે... કુંડળીઓ મળવી જ જોઈએ.'
હું સમજી શકું છું, 'ગરિમા, તારી ને નિસર્ગની કુંડળીઓ મળતી નથી, શું એ મહત્વનું છે કે મનમેળ...?'
'રૂહી, તું જ જોને એક પછી એક ખરાબ ઘટનાઓની ઘટમાળા જ ચાલ્યાં કરતી હોય ત્યાં તટસ્થતા કેળવવી અઘરી છે. મનમાં તો એવું યુધ્ધ ચાલે છે કે, શું કહું હું ? ક્યાંક વાંક હોય અથવા ક્યાંક કોઈ ચૂક થઈ ગઈ હોય એવું પણ બની શકે?
કાલે જ મમ્મીને રામાવતાર જ્યોતિષની સલાહ લેવાનું કહ્યું છે. મે પણ ઓનલાઈન એપથી કુંડળી મિલાવી જોઈ, બહુ બધા ગ્રહોનું ગ્રહણ નડે છે. એ જ ચિંતાજનક છે. મારી કુંડળીમાં પડેલાં દોષનું એક લીસ્ટ પણ બનાવી દીધું?'
'તું ને તારા કુંડળીના દોષો ! જો જે ને અઠવાડીયા પછી તને બીજા કોઈ ગ્રહ-દોષનું નડતર આવશે. ક્યાં સુધી આવી ક્ષુલ્લક માન્યતાઓના ભમ્મરિયા કૂવામાં ભટકીશ ? બહાર નીકળવાની કોશિશ તો કર. જ્યારે આંખો ખુલશે ત્યારે તું જ તારી દુશ્મન બનીને બેઠી હોઈશ સમજી મિસ. ગરિમા રંગવાલા - ' સાફ્ટવેર ડિઝાઇનર સાથે બ્રેકેટમાં લખ (ગ્રહોની કૃપાદ્રષ્ટિથી).'
'તને નહીં સમજાય આ બધી ગ્રહદશા..! આપણી જિંદગીમાં જે કઈં પણ થાય છે, એ બધુુ જ આ ગ્રહોની અસર હેઠળ થાય છે. રાહુ-કેતુ-ચંદ્રયુતિ-સૂર્ય-શનિના પ્રકોપના દોષ, એમની કુદ્રષ્ટીના પ્રતાપે જ થાય છે. હું અત્યારે જે પોઝિશન પર છુ એ પણ ગ્રહોની કૃપાદ્રષ્ટિના કારણે જ મને મળ્યું છે.'
'એટલે તું કઈ ભણીજ નથી એવું જ થયું ને- કે પછી કૃપાદ્રષ્ટિ ...! તારું કઈંજ થવાનું નથી ને, અંધશ્રધ્ધાનો કોઈજ ઈલાજ નથી. ગરિમા, તને યાદ છે આપણે નાના હતાં ત્યારે મમ્મીની કાચની બંગડીઓથી રમતાં. ને, રમતાં-રમતાં જ્યારે કાચની બંગડીઓ તૂટી જતી ત્યારે આપણે એ તૂટેલી બંગડીના કાચથી કેલિડોસ્કોપ બનાવતાં યાદ છે તને ..! બસ એવું જ જિંદગીનું છે ! પરિસ્થિતીને જોવાનો અભિગમ બદલો એટલે નવી જ ડિઝાઇન મળે. સુખ મળે કે દુ:ખ એના દબદબામાંથી બહાર નીકળ્યાં પછીની રચાતી નવી ડિઝાઇન અદ્વિતીય આનંદ આપે છે. એ આનંદ જ આપણી જિંદગીના સોફ્ટવેરની કદીયે ફરી ના ઉપસી શકે એવી અનોખી ડિઝાઇન.'
તાળીઓ સાથે રૂહીની વાતને વધાવતો નિસર્ગ હસતો હતો. બંને પાછળ ફરીને જુએ છે.
'હજી સુધી તૈયાર નથી થઈ ગરિમા. ચાલ, જલ્દી... મારે એક અગત્યની વાત કરવાની છે.'
નિસર્ગ, એક સંશોધનકાર. ખગોળશા એનો પ્રિય વિષય. ખગોળશા પર એક રિસર્ચ કરેલું જે એને નાસામાં મોકલેલું. ગઇકાલે જ એ રિસર્ચ અપ્રૂવ થયું એનો મેલ આવ્યો, સાથે-સાથે નાસામાં એ રિસર્ચ અર્થે બને એટલાં જલ્દીથી અમેરીકા જવાનો પણ મેલ આવી ગયો.
આંખે પાટો બાંધીને નિસર્ગનો હાથ પકડી એ દોરે તેમ એની પાછળ દોરાતી ગરિમા મલકાયા કરે છે. પાટો ખોલતાં જ એણે ટેરેસ પર અલગ-અલગ રાશીની સુંદર આકૃતિઓ બને એવી રીતે ઝીણી-ઝીણી લાઈટ દ્વારા સજાવેલું સાથે એનો ટેલિસ્કોપ એવી રીતે ગોઠવેલો, જાણે, ટેલિસ્કોપમાંથી જ બહાર ના નીકળતાં હોય ! અદભૂત દૃશ્ય લાગતું.
ખુશીના સમાચાર આપવા જ આ રીતે ટેરેસ પર ગરિમાને લઈને આવ્યો. ટેલિસ્કોપ પર એણે રિસર્ચ કરેલાં ગ્રહ સાથે-સાથે અન્ય ગ્રહોની સુંદરતા બતાવે છે, તેના વિષે વાત કરે છે. ગરિમા ચીડ સાથે કહ્યું,'તારા આ સુંદર લાગતાં ગ્રહો લોકોના જીવનની સુંદરતાને ગ્રહી જાય છે, તું આને સુંદર કેવી રીતે કહી શકે ?'
નિસર્ગ હસીને, 'ગરિમા આટલા જોજનો દૂર ગ્રહો કેવી રીતે કોઈને નડી શકે? તને દેખાતાં આ ટપકાઓને જોડીશ તો એક અદભૂત ચિત્ર રચાશે. એમના પ્રેમમાં પડવા માટે આટલું જ કારણ જોઈએ. બોલ, તારું શું કહેવું છે ?'
અસમંજસમાં સરી ગયેલી ગરિમા, શું બોલે અત્યારે ? નિસર્ગની ખુશીમાં ખુશ થવાનું વિચારીને અભિનંદન આપે છે. ગરિમાની અવઢવ તથા એના સ્વભાવથી વાકેફ નિસર્ગ કહે છે, 'આ ગ્રહોને પનોતી માનવાનુ બંધ કરીશ. પોકેટમાંથી એક કવર આપે છે. હું જઉં પછી કવર વાંચજે.' એટલું કહીને ગરિમાને એના રૂમ પર મૂકીને એરપોર્ટની વાટ પકડે છે.
થોડાં કલાક બાદ ગરિમા કવર ખોલે છે, એમાંથી નાનકડી ચબરખી ખોલીને વાંચે છે. 'તું જેને ધિક્કારે છે એ મારો પ્રેમ છે. શું તું ગ્રહદશાઓને બાજુમાં મૂકીને આપણાં સહજીવનની રેખા બનાવીશ ?' ત્યાંજ બારીમાંથી પ્લેનના જવાનો ઘરરરરરર.... અવાજ સંભળાય છે. જાણે એની જિંદગીને નવી દિશા ના આપતો હોય...! ખૂલ્લી બારીમાંથી આવતો પવન એની ચીતરેલી આકૃતિઓના કાગળને પણ હવામાં ઉડાવી જાય છે.
- નંદિની શાહ મહેતા