Get The App

એક મજાની વાર્તા : *ભવ્યનિર્માણ*

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
એક મજાની વાર્તા : *ભવ્યનિર્માણ* 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

''સાચું કહું ને તો મને વૃક્ષ થવું ગમે, એના નીચે બેસું ને તો મને સહજ સમાધિ જેવું લાગે. આમ તો હવે મારી અવસ્થા પત્થર જેવી થવા લાગી છે જેને કોઇ જ ફેર નથી પડતો, લાત મારો, ઊંચકી લો, ઉંચકીને ઘા કરો કે પછી ઈશ્વર બનાવી પૂજો.'' નિર્વાણ એની ખાસ મિત્ર ભવ્યાને કહી રહ્યો.

ભવ્યા દર વખતની જેમ બાળક જેવું ભોળું હાસ્ય ધારણ કરી એની વાતને સમર્થન આપી રહી.

ભવ્યા અને નિર્વાણ જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે સાવ અજાણ્યા પણ નહિ અને ચિર પરિચિત પણ નહી એવાં હતા. બંને એક નદીના તટે એક શિબિરમાં મળ્યા હતાં જ્યાં જાત સાથે જીવવાના અવસરની ઉજવણી થવાની હતી. ભવ્યા ટીમ લીડર અને નિર્વાણ એનો સભ્ય હતો.  પૂરા સાત દિવસ એ શિબિર હતી. રોજ નવા નવા ટાસ્ક, નવી ચેલેન્જમાં બંને વિકસતા રહ્યા. ટીમમાં અન્ય સભ્યો પણ ઉર્જસભર અને નવીન વિચારધારા વાળા હોય તેમની ટીમ ઉત્તમ દેખાવ કરતી રહી. અન્ય ટીમની અને શિબીરનાં આયોજકો દ્વારા મળતી ટિપ્પણી એમને વધુ મહેનત કરવા પ્રેરતી રહી.

આમને આમ શિબિરનો અંતિમ દિવસ આવી ગયો. શિબિરનાં અંતિમ દિવસે અનુભવ કથનનો વિડિયો ઉતારવાનો હોય ભવ્યા અને નિર્વાણ એકબીજાની મદદ કરી રહ્યા. થોડા સમયનો અવકાશ હોય બંનેએ નદીના તટે ચાલવાનું વિચાર્યું. ટેકરી પરથી ઢોળાવ તરફ જતાં નિર્વાણે, ''લાવો હાથ પકડી લઉં'' એમ કહી ભવ્યા સામે હાથ લંબાવ્યો. સહેજ સંકોચ થયો પણ આટલા દિવસની મિત્રતાએ એક ક્ષણમાં એ સંકોચ ખંખેરી નાખ્યો. ભવ્યા ઉષ્મા અને ઊર્જા એકસાથે અનુભવી રહી. આ હાથની ''ઊર્જા હંમેશા મળે તો કેવું?'' એમ ભવ્યા વિચારી રહી. સહેજ ચાલીને બંને એક સ્થળે બેસી ગયા. ભવ્યા ન સમજાય એવી લાગણી અનુભવી રહી.

''મિત્ર આપ ફ્રી હોવ તો વિડિયો ઉતારવા મદદ જોઈએ છે.'' નિર્વાણને કોઈ બોલાવી રહ્યું.  ભવ્યાએ નદીતટે એકલાં બેસવાનું પસંદ કર્યું.

''કેમ આમ?'' ભવ્યાનાં ચેહરા પર હળવી ઉદાસી જોતાં નિર્વાણ પૂછી રહ્યો.

''બસ કંઇક છૂટવાની વેળાએ મને એકલાં બેસવું ગમે છે.'' ભવ્યાનો જવાબ સાંભળી નિર્વાણ એને એકલી મૂકી આગળ વધી ગયો.

પછી તો ગ્રુપ ફોટો, ઘરે જવાની ઉતાવળ, સૌને આવજો કહેવામાં, બંને એટલા ફોટો પાડી યાદો ભેગી કરવામાં સૌ મચી પડયા. ભવ્યા અને નિર્વાણ પણ એકમેકને આવજો કહી છૂટા પડયા.

છૂટા પડયા પછી બંને પોતપોતાના વ્યક્તિગત જીવનમાં  જોડાય ગયા. હવે થયું એવું કે ભવ્યાને જ્યારે જ્યારે નિર્વાણની યાદ આવે એનાં હૃદયમાં એક ધ્રાસ્કો પડે. એનાં હાથમાં એજ ઊર્જા અનુભવાય જ્યારે એણે નિર્વાણનો હાથ પકડયો હતો. આ મને શું થઈ રહ્યું છે? ભવ્યા પોતાને જ પૂછી રહે. નિર્વાણ આ બધાથી સાવ અજાણ. બંને ક્યારેક કયારેક વોટ્સએપ સંવાદ કરી લેતાં જેમાં રોજીંદી હાઈ હેલો થતું.

હવે એક દિવસ એવું થયેલું ભવ્યાને નિર્વાણ સાથે વાત કરવાનું મન થયું. ફોન બંધ આવ્યો. કામમાં હશે એમ એણે મન મનાવ્યું. સતત ત્રણ દિવસ ફોન બંધ આવતાં એણે મેસેજ છોડયો, ''ઓલ વેલ? ફોન કેમ બંધ આવે છે? મને ચિંતા થાય છે. ફોન કરજો.''

ચોથા દિવસે મેસેજ આવ્યો આવ્યો, ''ફોન કરું? મેસેજ કરું? કે વિડિયો કોલમાં કાન પકડી ઉઠક બેઠક કરું?'' ભવ્યાને નિર્માણની આ અદા ગમી ગઈ. બંનેની અનુકૂળતાએ ફોન થયો. ''આવજો, જે શ્રી કૃષ્ણ, ફરી મળીશું'' નાં વાયદા  સાથે જ્યારે ફોન મુકાયો ત્યારે કોલ ડયુરેશન બે કલાક બતાવતું હતું.

''બાપરે! મેં આટલી બધી વાત કરી એ પણ બિલકુલ કંટાળા વગર. તારી પાસે કંઇક તો જાદુ છે નિર્વાણ.'' ભવ્યા જાત સાથે સંવાદ કરી રહી.

પછી તો આ જાદુ વર્ષોના વર્ષ ચાલતો રહ્યો. નાં તો  ભવ્યાને આ સંબધને કોઈ નામ આપવાની જરૂર લાગી ન તો નિર્વાણને. છતાં બંને વચ્ચે જે ઉગીને વિકસી રહી હતી એ હતી લાગણી. જેને નવા જમાનાનાં લોકો બોન્ડિંગ કહે છે ને એજ. ક્યારેક બંને વચ્ચેનું મૌન એટલું બોલકું બનતું જતું તો ક્યારેક સ્પર્શ તો ક્યારેક શબ્દો અને સરવાળે પરિણામ એજ અતૂટ લાગણી.

''મને નવી નોકરી મળી છે, હું હવે થોડો દૂર જઈશ તારાથી. ચાલશે ને?'' નિર્વાણ ભવ્યાને વિડિયો કોલમાં પૂછી રહ્યો. ભવ્યાએ એજ ક્ષણે કોલ કટ કર્યો, આંખમાં ધસી આવેલ આંસુને પૂછી રહી, ''એય, તું કેમ આવ્યું.?'' એને આંગળીએ પ્રેમથી વળગાવી, આંખથી અળગુ કરી હસતાં મોં એ ફરી ફોન કર્યો.

''કોલ કટ થઈ ગયો હતો, મે બી નેટવર્ક ઇસ્યુ'' એમ કહી નિર્વાણને હસતાં મોઢે વધામણા આપી રહી.

નવી નોકરીનાં સ્થળે જવા પહેલાં નિર્વાણ ભવ્યાંને મળવા આવ્યો. ભવ્યાએ એની ભાવતી પનીર ચીલી અને ચા બનાવી બન્નેએ અઢળક વાતો સાથે આખો દિવસ પસાર કર્યો. જતાં પહેલાં મનભરીને એકમેકને ભેટી લીધું.

સમય આમ જ પસાર થતો રહ્યો, નિર્વાણ પર કામની જવાબદારી વધતી રહી. તે ઈચ્છવા છતાં ભવ્યા માટે સમય કાઢી શકતો ન હતો. આ બાજુ ભવ્યા ખૂબ જ એકલતા અનુભવી રહી. બીજા કામમાં એનું મન લાગતું નહતું. એનું મન વારંવાર એને કહેતું હતું, ''તું નિર્વાણનાં પ્રેમમાં છે.'' પણ ભવ્યાને યાદ હતું નિર્વાણનું કથન, ''મારે મન કામ એટલે પ્રેમ.'' અને એ એની લાગણીને વાચા આપતાં અચકાતી.

આખરે ન બનવાનું બની ગયું. ભવ્યાની એકલતાએ એને ડિપ્રેશનની ભેટ ધરી. ભવ્યાને ખબર હતી એનાં ડિપ્રેશનનો એકમાત્ર ઉપાય હતો. ''નિર્વાણ.''

''એય સાંભળ ને?'' ભવ્યા નિર્વાણને ફોનમાં કહી રહી.

''બોલ ને! સાંભળું છું.'' નિર્વાણ કહી રહ્યો.

''હું તમને બહુ પસંદ કરું છું. તમારી સાથે વાત વાત ન થાય એ દિવસે મને સહેજ પણ ગમતું નથી. પણ મારે તમને કોઈ સંબધનાં બંધનમાં નથી બાંધવા. મારા બેસ્ટ ફ્રેન્ડ બનશો?'' ભવ્યા એકીશ્વાસે બોલી ગઈ.

''કેમ નહિ? મને તારો બેસ્ટ ફ્રેન્ડ બનવું ખૂબ ગમશે.'' નિર્વાણનો જવાબ સાંભળી ભવ્યા નાચી ઉઠી.

''મારે પ્રકૃતિમાં  રહી પ્રકૃતિ માટે કામ કરવું છે. તું શું મદદ કરીશ?'' ભવ્યાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં નિર્વાણે કહ્યું, ''નેકી ઓર પૂછ પૂછ, ચાલ જે શીખ્યા છીએ એ જીવનમાં પણ કરી બતાવીએ.''

બંનેએ એક સરસ મજાનું કામ ઉપાડયું, રોજ સવારે બંને જણા સિડબોલ બનાવતાં, સાંજ પડતાં જ બંજર જમીનમાં જઈને નાખી આવતાં.

''આપણી લીલેરી લાગણી એક દિવસ સૌને ઠંડક આપશે.'' ભવ્યા નિર્વાણને કહેતી.

''એ તો છે પણ તું કેમ આમ સુકાતી જાય છે.?'' નિર્વાણ ભવ્યાની હાલત જોઈ પૂછી બેસતો. ''અરે! મને જોયા વગર પેલી વેલને જો, કેવી ઝાડ સાથે રોમાન્સ કરે છે.'' આમ ગમે તે વાત કરી ભવ્યા એની વાતને ટાળી દેતી.

એકબાજુ ભવ્યાનું શરીર નખાતું ગયું ને બીજી બાજુ પહેલાં વરસાદ પછી સિડબોલમાંથી નવી કુંપળો ઉગી નીકળી. બંનેનું સહિયારું કામ કેવું રૂપાળું! આમ વિચારી ભવ્યા હરખાઈ ઉઠતી. એણે એનાં ઘર આંગણે પણ નાનકડો બગીચો તૈયાર કરી લીધો હતો. જેનું નામ આપ્યું હતું ભવ્યનિર્વાણ .

પ્રકૃતિનો સાથ, નિર્વાણની હાજરી, નિયમિત દવા અને યોગ, ગમતુ કામ અને ગમતો સાથ ભવ્યા પાસે હતો. ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી. નિર્વાણ એનાં કામનાં સ્થળે પરત ફર્યો હતો. એક વર્ષ આમને આમ ફોન, મેસેજ અને વિડયો કોલમાં જ નીકળી ગયું.

ભવ્યા ક્યારેક કુંપળને અડીને એની કુમાશ લેતી તો ક્યારેક વૃક્ષને બાથમાં લઈને એની મજબૂતાઈ ધારણ કરતી. તો ફળોથી નમેલા વૃક્ષો પાસેથી ફળ લઈને એ આજુબાજુમાં રહેતા લોકો સાથે મીઠાસ વહેંચતી.

આમ પ્રકૃતિની સોબતે ભવ્યાને જાણે વૃક્ષ બનાવી દીધી. ફૂલપાનની કુમાશ હૈયામાં ધરાવતી, ફળની મીઠાશ સ્વભાવમાં રાખતી પણ થડ જેવી જ મજબૂત બની ગઈ.

એક દિવસ નિર્વાણ અતિ ઉત્સાહભર્યા સ્વરમાં ભવ્યાને કહી રહ્યો.

''ભવ્યા, ભવ્યા, ભવ્યા યાર કઈ રીતે કહું તને?''

''અરે! જલ્દી બોલ આમ મારી ધડકન ન વધારીશ.''

''કહી દઉં?''

''અરે બોલ...!!''

''આઈ એમ ઈન લવ ભવ્યા.'' ભવ્યા એક ઝાડનો ટેકો લઈને ઉભી રહી.

''કોણ છે એ?'' એકદમ  સ્વસ્થ અવાજે એ પૂછી રહી.

''મારી જુનિયર હતી એ, હાલ યુ.પી.એસ.સી ની તૈયારી કરી રહી છે. શું ગજબની ઊર્જા છે એનામાં. હું તો ફ્લેટ થઈ ગયો. જોરદાર તાકક સંવાદો, પોતાની વાત માટે જોરદાર દલીલ. ઉફ્ફ! કંઇક તો છે એનામાં જે મને ખેંચે છે.''

''અભિનંદન બેસ્ટુ.'' કહેતાં જ ભવ્યાએ કોલ કટ કર્યો.

લેખક : ભાવના પટેલ

'વલસાડી વાદળ'

Tags :