આધુનિક વર-વધૂઓને પ્રિય
- એકસરખાં રંગ-એમ્બ્રોઈડરી ધરાવતાં પરિધાન
લગ્નગાળો શરૂ થવાથી પહેલા જ જો વર-વધૂ પોતાના વિવાહ વિષયક પ્રત્યેક અને ઝીણામાં ઝીણી તૈયારી કરી લે તો રંગ રહી જાય. છેલ્લાં ઘણાં સમયથી વિવાહ સાથે સંગીત જેવા કાર્યક્રમમાં ભાવિ પતિ-પત્ની એક જ રંગના વસ્ત્રો પહેરે છે. તેઓ મેચિંગ પરિધાન સાથે જે ગીતો પર ડાન્સ કરવાનાં હોય તેની પ્રેક્ટિસ પણ કરે છે. જો કે હવે વર-વધૂ કલર અને વર્ક એકસરખાં હોય એવા પરિધાન પસંદ કરવા લાગ્યાં છે. આમ છતાં વિડંબણા એ છે કે આવા તૈયાર વસ્ત્રો મેળવવા અત્યંત મુશ્કેલ હોય છે. એકસરખાં પોશાક બનાવડાવવા પડે છે. અને તેન માટે લાંબા મહિનાઓ પહેલા આયોજન કરવું પડે છે.
કેટલાંક ભાવિ યુગલો કહે છે કે અમારા વિવાદને હજી થોડા સમય છે. અમે અમારા મેચિંગ વસ્ત્રોનું આયોજન કરી શકીએ તેમ છીએ. પરંતુ તેના રંગ ડિઝાઈન વિશે મૂંઝાઈએ છીએ. અમે હોંશે હોંશે કોઈ કલર અને તેના ઉપર એમ્બ્રોઈડરનો ખર્ચ કરીએ અને તે અમારી ધારણા પ્રમાણે શોભે નહીં તો શું કરવું? આનો જવાબ આપણા બોલીવૂડ પાસે હાજર છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં રણબીર સિંહ-દીપિકા પાદુકોણ, આથિયા શટ્ટી- કે.એલ. રાહુલ, કૃતિ ખરબંદા-પુલકિત સમ્રાટ, રકુલ પ્રીત સિંહ- જેકી ભગનાનીએ મેચિંગ વસ્ત્રો પહેરીને જ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. ભાવિ પતિ-પત્ની તેમના લગ્નના ફોટા-વિડિયો જોઈને તેના પરથી પ્રેરણા લઈ શકે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ે પોતાના લગ્ન માટે આઈવરી રંગના પરિધાનમાં ગોલ્ડન વર્ક કરાવવાનું પસંદ કર્યું હતું. દીપિકાએ આઈવરી - ગોલ્ડ સાડી સાથે માથે પહેરવા ખાસ ઓઢણી બનાવડાવી હતી. તેવી જ રીતે રણવીરે આઈવરી શેરવાનીમાં ગોલ્ડ વર્ક કરાવ્યું હતું. તેની સાથે તેણે મેચિંગ દુપટ્ટો પણ લીધો હતો. તેમને પગલે ચાલતાં હોય તેમ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પણ પોતાના લગ્નમાં આઈવરી- ગોલ્ડ પર જ પસંદગી ઉતારી હતી.
આથિયા શેટ્ટીના પેસ્ટલ-રોઝ લહંગામાં કરેલું ચિકનકારી અને જાળીદાર વર્ક કે.એલ. રાહુલના વાઈટ આઉટફીટમાં કરેલી બિલકુલ એવી જ એમ્બ્રોઈડરી સાથે મસ્ત જોડી જમાવતું હતું. ફેશન ડિઝાઈનરો કહે છે કે યુગલનો પોશાક પહેલી નજરે જચી જાય તો જ કર્યું કરાવ્યું લેખે લાગે.
થોડા સમય હેલાં જ પરણેલા શોભિતા ધૂળિપળા અને નાગા ચૈતન્યની વાત કરીએ તો શોભિતાએ રાતી બોર્ડરવાળી પરંપરાગત શ્વેત સાડીમાં ગોલ્ડન વર્ક કરાવ્યું હતું. અને તેની સાડી સાથે મેચ થાય એ રીતે નાગા ચૈતન્યએ વાઈટ કુરતા અને લાલ દુપટ્ટામાં ગોલ્ડન વર્ક કરાવ્યું હતું.
રકુલ પ્રીત સિંહે રેડ કલરના ચણિયા-ચોળી દુપટ્ટામાં કંઈક નોખા પ્રકારનું વર્ક કરાવ્યુ ંહતું. તેના ચણિયામાં ઘેલા ગુલાબી રંગના ફૂલોની એકમેકને લાઈન જોડતી ડિઝાઈન ઉડીને આંખે વળગતી હતી. તેના દુપટ્ટામાં ખભા પાસે મોરપંખની પેટર્નમાં ગોટાવર્ક અત્યંત સુંદર ભાસતું હતું. અને જેકી ભગનાનીએ રકુલના ચણિયામાં રહેલા ઘેલા ગુલાબી રંગના ફૂલો જેવા જ કલરનો કુરતો ધારણ કર્યો હતો. મઝાની વાત એ છે તેનો કુરતો ફ્રન્ટમાંથી ઘેરા ગુલાબી રંગનો હતો અને પાછળના ભાગમાં ગોલ્ડન.
જો કે કેટલાંક યુગલોને કોન્ટ્રાસ્ટ કલર વધુ પસંદ પડે છે. કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટની જ વાત કરીએ તો તેમણેહળવા -ઘેરા ગુલાબી રંગ સાથે હળવા લીલા રંગનું કોમ્બિનેશન રચ્યું હતું. કૃતિએ ગુલાબીના બેથી ત્રણ શેડ મિક્સ કરીને બનાવડાવેલા લહંગા-ચોલીમાં બેથી ત્રણ શેડ મિક્સ કરીને બનાવડાવેલા લહંગા-ચોલીમાં સુંદર ભરતકામ કરાવ્યું હતું અને પુલકિત પોતાના હલવા લીલા રંગના કુરતામાં લાઈટ પિંક કલરની એમ્બ્રોઈડરી કરાવી હતી. તેના એવા જ રંગના સાફામાં ગુલાબી પટ્ટી લગાવવામાં આવી હતી. ટૂંકમાં એમ કહી શકાય કે તેમના પરિધાન વિરોધાભાસી છતાં કેટલાંક અંશે મેચિંગ હતા.
તમે પણ આવા ફિલ્મી સિતારાઓની આઉટફીટ પરથી તમારા વિવાહના વસ્ત્રો તૈયાર કરાવી શકો છો. ફેશન ડિઝાઈનરો કહે છે કે તમે ચાહો ચો તેમા ંતમારા મૂળ પ્રદેશની પરંપરાગત એમ્બ્રોઈડરી પણ કરાવી શકો.
- વૈશાલી ઠક્કર