Get The App

પલકવારમાં પહેરાય તેવી 'ડ્રેપ' સાડી

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
પલકવારમાં પહેરાય તેવી 'ડ્રેપ' સાડી 1 - image

તમારે લગ્નમાં પહોંચવાનું છે. તૈયાર થવામાં મોડું થઈ ગયું છે અને પંદર મિનિટમાં ઘેરથી નીકળો નહિ તો લગ્નમાં મોડાં પહોંચો તેમ છો. અને હાય રામ, હજી તો આ સાડી પહેરવાની લપ બાકી છે. કાયમ ચૂડીદાર કે જીન્સ-ટીશર્ટ પહેરવાની ટેવ છે એટલે સાડીની પાટલી વાળતાં પણ બરાબર ફાવતું નથી. પાટલીની ગડ કંઈક બેસે તો પાલવ બરાબર આવતો નથી. આખરે તમે ધબ્બ દઈને બેસી પડો છો. હવે શું કરવું? મૂંઝાવાની જરૂર નથી. પૂરા નવ ગજની સાડીનો વીંટો વાળીને નાખો એક ખૂણામાં અને ઉપાડો નવી તહેવારની, ફટાફટ પહેરાઈ જાય એવી 'રેડી ટુ વેર' સાડી- 'સાડી ડ્રેપ.' બે મિનિટમાં તૈયાર થઈ જતા મેગી નૂડલ્સના જમાનામાં સાડીએ પણ નવો અવતાર લીધો છે.

મંુબઈના એક જાણીતા ડિપાર્ટમેન્ટલ સ્ટોરના સેલ્સમેનેજર કહે છે, 'આ સાડી અને ઘાઘરા ચોલીનું મિશ્રણ છે.' આ સ્ટોરે આ સાડીની ડિઝાઈન તૈયાર કરવા જાણીતાં ડિઝાઈનરની દોરવણી હેઠળ એક ટીમ તૈયાર કરી છે. આ ટીમે બે વર્ષ અગાઉ આવી સાડી તૈયાર કરવાની શરૂઆત કરી હતી. જેની કિંમત આશરે સાત હજાર રૂપિયાથી માંડીને પચ્ચીસ હજાર રૂપિયા સુધીની છે. 'આ સાડીઓ કાઉન્ટર પરથી ચપોચપ વેચાઈ જાય છે. સલવાર સૂટના ૧૫૦ નંગના વેચાણ સાથે અમે ૧૨થી ૧૫ આવી સાડીઓ વેચીએ છીએ.' આવી 'રેડી-ટુ વેર' સાડીના સૌથી મોટા ઘરાક છે બિનનિવાસી ભારતીયો. તેનું કારણ જણાવતાં મેનેજર કહે છે, 'સાડી કેમ પહેરવી એ નવી પેઢી જાણતી જ નથી.' તેમાંય બ્રિટન, અમેરિકામાં ઉછરેલી હિન્દુ છોકરીઓને સાડી પહેરતાં જરાય ફાવતી નથી, પરંતુ માતાના રીત રિવાજો અનુસરી સાડી પહેરવાનો શોખ પૂરો કરે છે.

સાડીની ડિઝાઈનમાં પ્રયોગો કરવાની શરૂઆત ૮૦ના દાયકાના અંતમાં ડિઝાઈનર ઝાન્ડ્રા રહોડ્સએ કરી હતી. અત્યારે તો ડિઝાઈનરોએ તેમાં ઘણા ફેરફારો કરી નાખ્યા છે. જેમ કે હેમંત ત્રિવેદીએ 'ઘંટડી આકારની, ટ્રમ્પેટ આકારના સ્કર્ટ જેવી' સાડીની ડિઝાઈન તૈયાર કરી છે. દિલ્હીની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ પાલવમાં ફેરફાર કરીને સાડીની ડિઝાઈન તૈયાર કરી છે. 'એમાં એક લાંબો પટ્ટો છે, એક બાજુ ખભા પર રહે અને બીજો છેડો માથા પરથી લઈ શકાય. જાણીતી મોડેલો આવી સાડી પહેરે છે. ઐશ્વર્યા રાયે મિસ વર્લ્ડ સ્પર્ધામાં આવી જ સાડી પહેરીને સૌનું મન જીત્યું હતું. ઝી અંતાક્ષરીમાં આવી ચૂકેલી દુર્ગા જસરાજ, રેણુકા શહાણે અને પલ્લવી જોશી પણ આવી સાડી પહેરી ચૂકી છે.

જોકે પરંપરાગત સાડીના પ્રેમીઓ આવા પ્રયોગો સામે મોં મચકોડે છે. ડિઝાઈનર સુનીત વર્મા તેને સાડીનું વર્ણસંકર સ્વરૂપ કહે છે. ત્રિવેદી પોતે કબૂલે છે કે સાડા પાંચ મીટરની સાડી એ સાડી. જોકે એ હકીકત છે કે સાડી-ડ્રેપથી સાડી પહેરવાની કડાકૂટથી કંટાળતી મહિલાઓ માટે સરળતા થઈ ગઈ છે. પલ્લવી જોશી કહે છે. 'આવી જાતની સાડીમાં પાટલી સરકી જવાનો ભય રહેતો નથી.' હંમેશા ઉતાવળમાં રહેતી યુવતીઓને સાડી પહેરવી ગમતી તો હોય પણ પહેરવી કેમ એવી ચિંતા સતાવતી હોય તો તેમના માટે આ સારો વિકલ્પ છે.

- નયના

ઝિપર સાડીમાં પરંપરાગત અને ડિઝાઈનર સાડીનો સુમેળ

સમયની સાથે દરેક પરિધાનની ફેશન બદલાય છે તેમ પરંપરાગત સાડીની ફેશન પણ બદલાઈ છે. આજે ફેશન ડિઝાઈનરો સદીઓથી પહેરાતી સાડીને આધુનિક રૂપ આપી રહ્યા છે. તેઓ યુવતીઓને પહેરવામાં સુવિધાજનક લાગે એવી ઝિપર સાડી બનાવી રહ્યાં છે.

આવી સાડીઓની શ્રેણી રજૂ કરનાર એક ડિઝાઈનર કહે છે કે હમણાં પહેરવા માટે તૈયાર સાડીની ફેશન છે. યુવાન છોકરીઓને સાડી વીંટાળવાની કડાકૂટમાંથી મુક્તિ આપતી આ સાડી ડેનિમની જેમ પહેરી શકાય છે. જો કે ડિઝાઈનરો એ બાબતે સાવધ રહે છે કે તૈયાર સાડી તેની નઝાકત ન ગુમાવી દે. તે સ્ત્રીને શોભે એવું પરિધાન છે અને એવું જ લાગવું જોઈએ  એમ તેઓ  દ્રઢપણે માને છે. તેઓ કહે છે કે અમે ઝિપર સાડીમાં મુલાયમ મટિરિયલમાં  ભરચક વર્ક કરીએ છીએ. તેમાં મોટાભાગે ઘેરા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.

જો કે ડિઝાઈનરો  એમ પણ કહે છે કે ઝિપર સાડી ડિઝાઈનર સાડી જેવી લાગે  તેનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. કારણ કે તે પરંપરાગત સાડી કરતાં જુદી ન તરી આવે તો તેને ડિઝાઈન કરવાનો કોઈ અર્થ સરતો નથી. વળી યુવાન છોકરીઓ તેને પરંપરાગત સાડી અને આધુનિક ડિઝાઈનના ફ્યુઝન સાથે જ પહેરવાનું પસંદ કરે છે.

અલબત્ત, ઘણાંને એમ લાગે છે કે પરંપરાગત રીતે સાડી પહેરવાથી સાડી અને સાડી પહેરનાર માનુની જે રીતે ખીલી ઊઠે છ ેતે રીતે ઝિપર સાડીમાં નથી ખીલતાં. વળી છ વારની સાડીને તમે જુદી જુદી રીતે પહેરી શકો છો. જ્યારે  ઝિપર સાડી એક વખત સીવાઈ જાય ત્યાર પછી તમને તે જોવી હોય તેવી જ રીતે પહેરવી પડે છે.