Get The App

બદનામી સિંગલ મધરની .

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
બદનામી સિંગલ મધરની                                    . 1 - image

કેટલાંક વર્ષો પહેલાં બાળકો સાથે એકલી રહેતી સ્ત્રીને મુસીબત માનવામાં આવતી હતી. એનું અપટુડેટ રહેવું, જોરથી વાતો કરવી અને ખડખડાટ હસવું એ બધું ખરાબ માનવામાં આવતું હતું. એ સ્ત્રીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરિવારમાં જે કામ પુરુષોની જવાબદારીના હોય છે તે તો એને કરવા જ પડતા હતા, સમાજ પણ એના રસ્તામાં મુશ્કેલીઓ ઊભી કરવામાં કોઈ કસર રાખતો નહોતો. એની તરફ એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે એ સાદા કપડાં પહેરે અને હંમેશાં નજર નીચી રાખે.

હવે બદલાતા જમાનાની સાથે સિંગલ મધર માટે પહેલાં જેટલી મુશ્કેલીઓ નથી રહી. હવે એ પણ સામાન્ય મહિલાઓની જેમ ફેશનેબલ બનીને ખચકાટ વગર ફરી શકે છે, મોજમસ્તી કરી શકે છે, અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે છે અને એવાં ઘણાં કામ એ કરી શકે છે જે કેટલાંક વર્ષો પહેલાં એના માટે મનાઈરૂપ હતાં. એના માટે આવકના નવાં નવાં સાધનો ઊભાં થઈ રહ્યાં છે. કાયદા વિશેની જાણકારી પણ એને સરળતાથી મળી રહી છે. એટલા માટે સિંગલ મધર પુરુષ સાથી વગર પણ ખુશીભર્યું જીવન જીવી રહી છે.

તેમ છતાં એને એ સન્માન નથી મળતું જે એક સામાન્ય પરિણીતાને મળે છે. એને સમાજ ખરાબ દૃષ્ટિથી જ જુએ છે. આવું કેમ થાય છે, એ જાણતાં પહેલાં આવો, આપણે જાણીએ કે સિંગલ મધર કોને કહેવામાં આવે છે. કઈ પરિસ્થિતિમાં એ સિંગલ મધર બને છે.

કેટલીક મહિલાઓના જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે એમને એક અથવા એકથી વધુ બાળકો સાથે એકલા રહેવું પડે છે. કેટલીક સ્ત્રીઓ મરજીથી પણ સિંગલ મધર બનવાનું પસંદ કરે છે.

નીચે જણાવેલી પરિસ્થિતિઓમાં સ્ત્રી સિંગલ મધર બને છે :

* પુરુષ સાથીનું મૃત્યુ થયા પછી વિધવા થતી સ્ત્રીને બાળકો સાથે એકલાં રહેવું પડે છે.

* પુરુષ દ્વારા છોડી દેવાયેલી સ્ત્રી અથવા જેણે પુરુષને છોડી દીધો હોય, પણ છૂટાછેડા ન લીધા હોય એવી સ્ત્રી બાળકો સાથે એકલી રહેતી હોય છે.

* લગ્ન કર્યાં વગર પોતાની મરજીથી માતા બનનાર અને બાળક દત્તક લેનાર કુંવારી સ્ત્રી પણ એકલી રહે છે.

સમાજમાં હજુ પણ પુરુષ વગર એકલી રહેતી સ્ત્રીને એ સન્માન નથી અપાતું જે પતિ સાથે રહેતી સ્ત્રીને આપવામાં આવે છે. સમાજનો દૃષ્ટિકોણ પહેલાં કરતાં થોડો બદલાયેલો જણાય છે. ઓછામાં ઓછો એટલો તો ફરક જરૂર આવ્યો છે કે સમાજ એની ગેરહાજરીમાં ભલે એની ગમે એટલી નિંદા કરે પણ હાજરીમાં કંઈપણ કહેવાનું ટાળે છે.

સિંગલ મધરથી સામાન્ય રીતે અન્ય મહિલાઓ દૂર જ રહેવાનું પસંદ કરે છે. પણ એના આવવાજવા, વ્યવસાય કે નોકરી, એને મળનારા લોકો પર હંમેશાં કોઈક ને કોઈક નજર રાખતું જ હોય છે. જો સિંગલ મધર યુવાન હોય તો અન્ય મહિલાઓ એને મળવાનું ટાળે છે. ખાસ કરીને પોતાનો પતિ એની સાથે એકાંતમાં વાત કરે એ એને બિલકુલ નથી ગમતું. એનાં બાળકોને પણ કોઈ વધુ નજીક નથી આવવા દેતું, કારણ કે બાળકના બહાને એ નજીક આવે એનું જોખમ હોય છે. 

ગૃહિણી સરલાનું કહેવું છે, ''અમારા સામેના ફ્લેટમાં એક છૂટાછેડા લીધેલાં મેડમ રહેવા આવ્યા છે. અને ચાર વર્ષનો પુત્ર છે. સાંભળ્યું છે કે એ કોઈ મોટી કંપનીમાં મેનેજર છે. એના ઘરે દરરોજ સાંજે એક ભાઈ કાર લઈને આવે છે. પછી અને અને એના પુત્રને કારમાં લઈને બહાર જાય છે. ખબર નહીં આ મેડમ લગ્ન કેમ નથી કરી લેતાં, એમનાં નખરાં અને એમની ફેશન જોઈને આજુબાજુના પુરુષો જાણીજોઈને એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હું મારા પતિને એમની સાથે ક્યારેય વાત નથી કરવા દેતી. એક દિવસ એમનો પુત્ર મારા પુત્ર સાથે મારા ઘરે રમી રહ્યો હતો. એ એને બોલાવવાના બહાને આવી ગયાં અને મારા પતિ સામે જોઈને વાતો કરવા લાગ્યાં. મારા પતિએ પણ આગ્રહ કરીને એમને ચા પીવા રોક્યાં, મને ઘણું ખરાબ લાગ્યું. હવે તો હું એમના પુત્રને પણ મારા ઘરે નથી આવા દેતી.''

સિંગલ મધર તો જૂની સાહેલી હોય તો ચોડો હોોષો વ્યવહાર એની સાથે જરૂર કરવામાં આવે છે. પરંતુ પહેલાં જેવી નિકટતા નથી રહેતી. જ્યારે પતિ ઘરે ન હોય ત્યારે જ એને ઘરે બોલાવવામાં આવે છે.

આવું કેમ થાય છે? એને માટે કોણ જવાબદાર છે?

એકલી રહેતી સ્ત્રીને પુરુષના સહારાની જરૂર હોય છે. ભલે પછી એ અસલામતીની આવનાના કારણે હોય કે પછી જાતીય સંતોષની ઈચ્છાના કારણે. એ ઈચ્છે છે કે કોઈ પુરુષ એની નજીક આવે, પ્રેમના બે મીઠાં શબ્દો કહે, એની સાથે પોતાની વ્યક્તિ જેવો વ્યવહાર કરે. પ્રથમ સાથીનો સાથ તો છૂટી જ ગયો હોય છે અને પરિણામે ઊભી થયેલી એકલતા એના માટે માનસિક પરેશાનીનું કારણ બને છે. આ સ્થિતિમાં એ આસપાસ નજર ફેરવે છે, જ્યાં એ કામ કરતી હોય ત્યાંનો સહકાર્યકર હોય કે પાડોશી, કોઈ સાહેલીનો પતિ હોય અથવા નિકટનો સંબંધી, અને કોઈ ને કોઈ પુરુષનો સાથ જોઈતો હોય છે. પૈસાદાર મહિલાઓ પુરુષને પૈસાની લાલચ આપીને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે તો બીજી કેટલીક મહિલાઓ કામુક હાવભાવ અને વાતચીત દ્વારા પુરુષને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. ભડકીલો મેકઅપ અને નખરાંનો ઉપયોગ તો થતો જ હોય છે.

આજકાલ સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. આવી સિંગલ મપર કોઈ વિપુર, છૂટાછેડાવાળા અથવા કુંવારા પુરુષ સાથે લગ્ન કરીને સન્માનપૂર્વક જીવન પસાર કરી શકે છે, પરંતુ મોટાભાગની સ્ત્રીઓ આવું નથી કરતી, કારણ કે એમને પોતાનાં બાળકોની ચિંતા હોય છે. એમને હંમેશાં એવો ભય રહે છે કે બાળકોને સાવકા પિતા સાથે રહેવું પડશે જે એ નથી ઈચ્છતી હોતી.

દામિની આવી જ એક સિંગલ મધર છે, જે ડિવોર્સી છે અને પાંચ વર્ષના પુત્રની માતા પણ. એને પાડોશમાં રહેતા મોટી ઉંમરના અપરિણીત મહેશ સાથે અનૈતિક સંબંધ છે. મહેશ દામિની સાથે લગ્ન કરવા તૈયાર છે પણ દામિનીને પોતાના પુત્રની ચિંતા છે.

એ કહે છે, ''પતિ બન્યા પછી મહેશ પોતાનું બાળક જરૂર ઈચ્છશે. પછી મારા પુત્ર સાથે એ સાવકો વ્યવહાર જ કરશે, જ્યારે આજે તો એ એને ઘણાં પ્રેમથી રાખે છે. એના ઘરનાં લોકો પણ મારા પુત્ર સાથે કેવો ન્યાય કરશે? મારે પૈસાની ખોટ નથી કે હું એના માટે લગ્નના બંધનમાં બંધાઈ જાઉં. મારી જાતીય ઈચ્છાઓ પૂરી થઈ રહી છે અને એક પુરુષ સાથે પુત્રને લઈને ફરવાનો આનંદ પણ હું માણી રહી છું. હા, મહેશની મમ્મી અને બહેને મારા પર પોલીસ કેસ કરવાની ધમકી આપી છે, પરંતુ હું ક્યાં ડરું છું. જ્યાંસુધી મહેશ સાથે બને છે ત્યાંસુધી ઠીક છે, નહીં તો પછી એની જગ્યાએ કોઈ બીજું આવી જશે. લગ્ન તો હું કોઈપણ સંજોગોમાં કરવા તૈયાર નથી.''

આજની સિંગલ મધરને સમાજની એટલી દરકાર નથી. એ માત્ર પોતાની જરૂરિયાત પૂરી કરવા અંગે વિચારે છે. પોતાના બાળકનું ભવિષ્ય અને સુરક્ષિત આવતીકાલની ચિંતામાં એ પુરુષનો  સાથ માત્ર જરૂરિયાતોની પૂર્તિ માટે જ ઇચ્છે છે. જીવનભરના સાથથી દૂર રહે છે.

રમા વિધવા છે. પોતાની એક વર્ષની પુત્રી સાથે એ ભાડાના મકાનમાં એકલી રહે છે. આધુનિકતાના નામે અંગપ્રદર્શન થાય એવા કપડાં અને ડ્રિંક્સ લેવામાં પણ એને વાંધો નથી. એ એક પ્રાઈવેટ ફર્મમાં નોકરી કરીને જીવન પસાર કરી રહી છે, પરંતુ લગ્ન માટે એ પણ તૈયાર નથી. 

રમા કહે છે, ''મેં બે પરિણીત પુરુષો સાથે સંબંધ બાંઘ્યા. પ્રથમ પુરુષ પત્નીએ છૂટાછેડાની ધમકી આપી છે એમ જણાવી સંબંધ તોડી નાખ્યો. હવે એક બીજો પરિણીત પુરુષ મારા જીવનમાં આવ્યો છે. મારી માનસિક અને શારીરિક જરૂરિયાતો પૂરી થઈ રહી છે, પરંતુ હવે મોટી થઈ રહેલી પુત્રીથી છુપાઈને બધું કરવું પડે છે. લગ્ન માટે કેટલાક પ્રસ્તાવ આવ્યા હતા, પરંતુ મેં બધાનો અસ્વીકાર કરી દીધો, કારણ કે હું મારી પુત્રીનું ભવિષ્ય દાવ પર લગાવવા નહોતી ઈચ્છતી.''

છૂટાછેડા લીધા વગર બાળક સાથે એકલી રહેતી અથવા લગ્ન વગર માતા બનનારી મહિલાઓની ઈચ્છા ક્યારેય લગ્ન કરીને ઘર વસાવવાની નથી હોતી. આ સ્થિતિમાં પુરુષો સાથે અનૈતિક સંબંધ બાંધી પોતાની ઈચ્છા પૂરી કરતી હોય છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે બધી જ નહીં, પરંતુ ૬૦ થી ૭૦ ટકા સિંગલ મધરે બીજા પુરુષો સાથે સંબંધ બાંધેલા હોય છે.

આ બધી વાતો સિંગલ મધરને સામાજિક સન્માનથી વંચિત રાખે છે. કઈ સ્ત્રી એવું ઈચ્છશે કે એનો પતિ અથવા પુત્ર એવી સ્ત્રી સાથે નિકટતા વધારીને પોતાનું પૌરુષ, પૈસા અને સમય વેડફે અને બદલામાં બદનામી મેળવે?

સિંગલ મધરે માત્ર એક જ દૃષ્ટિકોણથી ન વિચારવું જોઈએ કે લગ્ન કર્યા પછી એનો ભાવિ પતિ એના બાળક સાથે સાવકો વ્યવહાર જ કરશે અને બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે.

આ વિચારસરણીમાંથી બહાર નીકળીને અને સામાજિક મર્યાદામાં રહીને એણે પોતાનો પરિવાર વસાવી લેવો જોઈએ. અનૈતિક સંબંધોની સમયમર્યાદા લાંબી નથી હોતી. એમાં માત્ર બદનામી સિવાય કશું મળતું નથી.

જો લગ્ન કર્યા વગર કોઈ સિંગલ મધર પુરુષ સાથે અનૈતિક સંબંધ બાંધી રાખે તો આ વાત બાળકથી ક્યાં સુધી છુપાયેલી રહી શકે અને જો એનું જોઈને બાળક પણ એ જ રસ્તે ચાલી નીકળે અથવા ખોટું પગલું ભરી બેસે તો એનું ભવિષ્ય વધારે અંધકારમય બની શકે છે.

માટે યોગ્ય જીવનસાથી મળ્યા બાદ લગ્ન કરી સિંગલ મધરે દામ્પત્યજીવન અપનાવી લેવું જોઈએ અને સમાજમાં બનેલી પોતાની ખરાબ સ્વીપી ઇમેજથી છુટકારો કેળવી લેવો જોઈએ.