Get The App

કામણગારી કટિ અને સપાટ પેટ પર હીરેમઢી નાભિ

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
કામણગારી કટિ અને સપાટ પેટ પર હીરેમઢી નાભિ 1 - image

- પુરાણકાળની વનકન્યા-ગુરૂકન્યાથી લઈને બોલીવૂડની અભિનેત્રીઓ સુધ્ધાંને લોભામણું લાગ્યું છે  ડૂંટીનું સૌંદર્ય

કાન્સ  ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલતી સુંદરીઓ ભાગ્યે જ ડિઝાઈનર ગાઉન સિવાયના કોઈ પરિધાનમાં જોવા મળે.  ચાહે તે અભિનેત્રી-મોડેલ બોલીવૂડની હોય કે હોલીવૂડની. અલબત્ત,  સ્લીમટ્રીમ ફિગર પર અનોખા ડિઝાઈનર ગાઉન શોભી ઉઠે છે એ વાતમાં બે મત નથી. પણ એક વખત આપણી એક ફેશન ડિઝાઈનરે આ બાબતે ટકોર કરતાં કહ્યું હતું કે ભારતીય સાડી જેવો સેક્સી  પોશાક દુનિયામાં શોધ્યો જડે તેમ  નથી. તો પછી ભારતની અદાકારાઓ રેડ કાર્પેટ પર પશ્ચિમી ગાઉનને બદલે આપણી સાડી કેમ નથી પહેરતી?

તેની ટકોરનો પડઘો ગયા વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળ્યો હતો. અભિનેત્રી દીપિકા  પાદુકોણે લાલ જાજમ પર સાડી પહેરીને ઉતરી ત્યારે ત્યાં ઉપસ્થિત સેલિબ્રિટીઓની આંખો ચાર થઈ ગઈ હતી. નેટની પોણી બાંયવાળા સુંદર વર્ક કરેલા એકદમ ટૂંકા બ્લાઉઝ અને નાભિથી નીચે પહેરેલી ક્રીમ કલરની અત્યંત આકર્ષક સાડીમાં  દીપિકાનું ફિગર શિલ્પકારે કંડારેલા શિલ્પ જેવું લાગી રહ્યું હતું. પરંતુ આપણે અહીં કાન્સ ફિલ્મોત્સવ કે માત્ર દીપિકાના ગજબનાક ફિગરની વાત નથી કરવાની, બલ્કે,'નાભિ દર્શન'ની ફેશનની ચર્ચા છેડવાની છે.

દીપિકાના અત્યંત આકર્ષક મધ્યપટલના દર્શન માત્ર  રેડ કાર્પેટ  પર જ કરવા મળ્યા હતા એવું નથી. 'દમ મારો દમ'  ફિલ્મમાં તેણે ફૂલ-ફ્લેજ  ભૂમિકા ન કરી હોવા છતાં ફિલ્મ વેચવાના  કીમિયાના ભાગરૂપે રજૂ કરવામાં આવેલા પહેલાં પોસ્ટરમાં દીપિકાની સુંદર ડૂંટી દેખાડવામાં આવી હતી. અભિનેત્રીના ૨૬ ઈંચના ઉરોદરપટલ પર તેના ચાહકો મરી પડે છે. જ્યારે સ્ત્રીઓ તેના શરીરના આ મધ્ય ભાગને નિષ્પલક તાકી  રહેતાં એમ વિચારે છે, કાશ... મારું ફિગર પણ આવું  સુંદર હોત.

વાસ્તવમાં 'તીસ માર ખાન' ફિલ્મમાં 'શીલા કી જવાની...' ગીતમાં અભિનેત્રી કેટરીના કૈફે તેની ખૂબસુરત દેહયષ્ટિ અને સુંદર નાભિના દર્શન કરાવ્યાં  ત્યારથી  ફિલ્મના વેચાણ માટે ઉપયોગમાં લેવાતા 'ઉરોજ દર્શન'નું સ્થાન નાનકડી નાભિએ લઈ લીધું છે એમ ફેશન નિષ્ણાતો માને છે.

જાણીતા ફેશન ડિઝાઈનરોએ ડિઝાઈનર સાડીઓ બનાવીને ભૂલાઈ ગયેલી સાડીને ફરી પાછી ફેશન ટ્રેન્ડમાં લાવી મૂકી છે. બોલીવૂડની પ્રથમ હરોળની અદાકારાઓ હોય, રેમ્પ પર ચાલતી મોડેલો હોય કે પછી ડિઓડરન્ટની જાહેરાતમાં બેકલેસ બ્લાઉઝ સાથે સાડી પહેરેલી મોડેલો હોય, બધી સુંદરીઓ ટમી ટક્સ કરાવી રહી છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપરા કહે છે કે અમારી  પેઢીની રમણીઓ ફીટનેસ  પ્રત્યે અત્યંત જાગૃત છે. ઘણાં વર્ષોેથી મારી કટિ ૨૩ ઈંચની રહી છે.  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં  આટલા વર્ષ ગાળ્યા  પછી બધાને એ વાત સારી રીતે સમજાઈ  જાય છે કે કેમેરા તમારા શરીરના  કયા ભાગ પર ફોકસ કરશે. વળી અમે એ પણ સારી રીતે જાણીએ છીએ કે  અમારા ફોટાં પ્રિન્ટ  મિડિયામાં, ટેલિવિઝન પર અને ઈન્ટરનેટ જેવા સંખ્યાબંધ માધ્યમોમાં  રજૂ થાય છે.  ફીટનેસ કે આકર્ષક ફિગર રાતોરાત નથી મેળવી શકાતું. તેને માટે તમારે  કાયમ જહેમત લેવી પડે છે. જ્યારે અભિનેત્રી બિપાશા બાસુ કહે છે કે માત્ર પાતળા દેખાવું પૂરતું નથી. હકીકતમાં  ફીટ રહેવું વધુ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિપાશાને તેની કમર ૨૫ ઈંચની બનાવવા સાત વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

આજે બોલીવૂડના અભિનેતાઓ  પણ  દુંદાળા  પેટવાળા નથી જોવા મળતા. પોતાના બાંધા પ્રત્યે અત્યંત સજાગ બનેલા અભિનેતાઓની કમર પાતળી, પેટ અંદર અને બાવડા ફૂલેલાં હોય છે. તેવી જ રીતે હિન્દી  ફિલ્મોની સુંદરીઓ પણ હવે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટેશનને બદલે ઉરોદરપટલને સુંદર આકાર આપવા મચી પડી છે. એવું નથી કે પાતળી કમર અને સપાટ પેટ બતાવવાની ફેશન નવી છે. છેક ૧૯૬૮માં અભિનેત્રી મુમતાઝે 'બ્રહ્મચારી'  ફિલ્મમાં કેસરી રંગની  સાડીને કમર ફરતે એકદમ ટાઈટ અને નીચે તરફ પહેરીને તેની સુંદર નાભિ બતાવી હતી. એમ માનવામાં આવે છે કે હિન્દી  ફિલ્મોમાં ત્યારથી જ ડૂંટી દેખાડવાનો આરંભ થયો છે.

આ સિલસિલો આજ પર્યંત ચાલુ છ અને અદાકારાઓ પોેતાની કટિને પાતળી રાખવા શક્ય એટલા બધા જ પ્રયત્નો કરી છૂટે છે. પણ મહત્ત્વની વાત એ છે કે આજે પુરુષ કલાકારોના ગીતમાં પણ નાભિની વાત આવે છે. થોડા સમય પહેલાં રજૂ થયેલી  ફિલ્મ 'લવ કા ધ એન્ડ'  ના ગીત 'નાભિ મેં પિયર્સિંગ હોલ હુએ'માં ડૂંટીની વાત આવે છે. તેવી જ રીતે વિદ્યા બાલન તેની આગામી ફિલ્મ 'ડર્ટી પિક્ચર' માં ૮૦ના દશકની  ફેશનમાં રહેલા ગાંઠવાળા (નોટેડ) બ્લાઉઝ  સાથે ટૂંકું સ્કર્ટ પહેરીને ડૂંટી દેખાડવા સતત ત્રણ મહિના સુધી પરસેવો પાડીને વ્યાયામ કરતી હતી. નોેંધનીય છે કે આ  ફિલ્મમાં અદાકારા ૮૦ના દશકની દક્ષિણ ભારતીય અભિનેત્રી સિલ્ક સ્મિતાનું પાત્ર ભજવી રહી છે. આ  ફિલ્મના કોશ્ચ્યુમ ડિઝાઈન કરવા માટે  ફિલ્મ સર્જક મિલન લુથરિયાએ પાંચ જણની ટુકડી રાખી છે અને ૮૦ના દશકામાં  ફેશનમાં રહેલા વસ્ત્રો પહેરવા વિદ્યા બાલને પણ પોતાના બાંધાને સિલ્ક સ્મિતાના આકારમાં ઢાળ્યો છે.

જો કે વિદ્યા બાલન માને છે કે ડૂંટી દર્શન કરાવતી માનુનીના ઉરોજો મોટાભાગે ભરાવદાર નથી હોતા. વાસ્તવમાં  ભારતીય નારીનું શરીર સુંદર વળાંકો ધરાવે છે.  નારીના અંગવળાંકો તેની સુંદરતા દર્શાવે છે. તોે પછી આપણે તેને પશ્ચિમની જેમ સપાટ શા માટે બનાવી રહ્યાં છીએ?  ઘણાં ફેશન વિશ્લેષકો દ્રઢપણે માને છે કે આજની યુવતીઓના અંગવળાંક  ગાયબ થઈ જવાનું મુખ્ય કારણ કરીના કપૂર જેવી સાઈઝ ઝીરો કાયા મેળવવાની ઘેલછા છે. આવી દેહયષ્ટિ મેળવવા ફેશનેબલ યુવતીઓ કઈ હદ સુધી જઈ શકે છે તે જણાવતા એક પોેષણશાસ્ત્રી કહે છે કે મારી પાસે ઘણી રમણીઓ દાઝેલી ત્વચા લઈને આવે છે. તેમની ત્વચા બળી જવાના કારણો હોય છે  નિપ્સ, ટક્સ અને બે કલાકનું ક્રેશ સ્લીમીંગ સેશન.

ફીટનેસ  નિષ્ણાતો કહે છે કે કોઈપણ માનુનીની દેહયષ્ટિ શિલ્પકારની કૃતિ જેવી નથી. લગભગ બધી સુંદરીઓ ફીટનેસ નિષ્ણાતની મદદથી પોતાની કાયાને કામણગારી બનાવવાનો પ્રયત્ન કરે છે. વળી બોલીવૂડની અભિનેત્રીઓના પરિધાનમાં  આમૂલ પરિવર્તન આવી ગયું છે. હવે ઉરોજ દર્શન કરાવતાં નહીં, બલ્કે કટિ-પેટ પ્રદર્શિત કરતાં વસ્ત્રોેની ફેશન છે. સ્વાભાવિક રીતે જ કમર પર ટાયર જામ્યા હોય તો તેને આવાં પરિધાન ન શોભે. અને બોલીવૂડની અભિનેત્રીઓની નકલ કરવા ટેવાયેલી સામાન્ય યુવતીઓ પણ તેમની જેમ જ સ્લીમ-ટ્રીમ રહેવાના પ્રયાસમાં પોતાના અંગવળાંકો ગુમાવી રહી છે. આ પાતળી પરમારોને જોઈને સામાન્ય યુવતીઓ પણ ડાયટિંગ કરીને કે જિમમાં જઈને એકવડો બાંધો મેળવવાનો પ્રયાસ કરે છે. આજે લાઈપોસક્શન અને  સ્ટમક સ્ટેપલિંગ સામાન્ય થઈ ગયાં છે. આ ટ્રીટમેન્ટ વખતે ઘણી માનુનીઓને પુષ્કળ તકલીફ પડે છે અથવા સમગ્ર સારવાર નિષ્ફળ જાય છે. આમ છતાં તેની  ઘેલછામાં ખાસ ફરક નથી પડયો. આ ટ્રેન્ડે તબીબોને બખ્ખાં કરાવી દીધાં છે. પાતળા થવા માટેની સારવાર ડોક્ટરો માટે દુઝણી ગાય સમાન છે. આ કારણે જ તબીબો તેમની પાસે આવતી ફેશનઘેલી યુવતીને ટ્રીટમેન્ટ લેવાની આવશ્યક્તા ન હોય તોય તેને ના નથી પાડતાં. કોસ્મેટોલોજિસ્ટો પાસે જતી પચાસ ટકા  યુવતીઓને પોતાના શરીરના કોઈક ભાગનો આકાર  બદલવો હોય છે.

નાભિ પ્રદર્શિત કરવાની વૈશ્વિક ફેશન બાબતે એક ફેશન ડિઝાઈનર કહે છે કે બધી મોડેલો માટે રેમ્પ પર ડૂંટી દેખાડવાનું આસાન નથી હોતું. આ મોડેલો અતિશયચ પાતળી અથવા ભરાવદાર ન હોવી જોઈએ. નાભિ એ માનુનીના  શરીરનો સૌથી સેક્સી હિસ્સો છે. રેમ્પ પર ડૂંટી બતાવવા માગતી મોડેલ શોથી પહેલા આહાર માટેના કડક નિયમોનું ચુસ્ત રીતે પાલન કરે છે. તેઓ અત્યંત અલ્પ માત્રામાં કાર્બોહાઈડ્રેટવાળોે આહાર, સલાડ અને સુપ લે છે. સાથે સાથે કાર્ડિયો વર્કઆઉટ અને વેઈટ ટ્રેનિંગ કરે છે જેથી કટિ-પેટને મળેલા સુંદર આકાર સાથે સેક્સી નાભિનું પ્રદર્શન કરી શકે.

નિષ્ણાતો કહે છે કે નાભિ દર્શન કરાવવાની ફેશન શરૂ કરવા પાછળ ચોક્કસ ગણિત છે. કોસ્મેટોલોજીસ્ટો ટમી ટક્સ માટે ૩૫,૦૦૦ રૂપિયા જેટલી કિંમત વસૂલે છે. તેવી જ રીતે નેવલ ડાયમંડ, એટલે કે નાભિમાં પહેરવાનો  હીરો લાખો રૂપિયાનો થવા જાય છે. સ્વાભાવિક રીતે ડૂંટી પ્રદર્શિત કરવાની ફેશન ટ્રેન્ડમાં હોય તો જ તેમનોે બિઝનેસ ચાલે. અને અભિનેત્રીઓ તેમ જ મોડેલો કમનીય કટિ અને નાભિને આકર્ષક બતાવવા શૂટિંગ અથવા રેમ્પ વોકથી કલાકો અગાઉ પાણી સુધ્ધાં નથી પીતી. મોટા ડાન્સ શોેથી  ત્રણ દિવસ પહેલા માત્ર ઓરેન્જ જ્યુસ પીએ છે.

'સિંઘ ઈઝ કિંગ'  ફિલ્મમાં કેટરીનાએ 'તેરી ઓર....' ગીતમાં નાભિ નીચે પહેરેલી સાડી હોય કે  'મુન્ની બદનામ હુઈ...' ગીતમાં પરફેક્ટ ફિગર ધરાવતી મલાઈકાએ પહેરેલા ગાગરા-ચોલી હોય, છેવટે તો અભિનેત્રીઓ તેમની આકર્ષક દેહયષ્ટિ અને સુંદર ડૂંટી જ પ્રદર્શિત કરવા માગતી હોય છે.

હિન્દી  ફિલ્મોના દંતકથા સમાન અભિનેતા અને ફિલ્મ સર્જક રાજ કપૂરે 'રામ તેરી ગંગા મૈલી'  ફિલ્મમાં અભિનેત્રી મંદાકીનીની નાભિને અત્યંત કલાત્મક રીતે દર્શાવી હતી. આ  ફિલ્મમાં તેને સફેદ સાડીમાં ધોધ નીચે નાહતી બતાવવામાં આવી છે. તેવી જ રીતે 'સત્યમ્ શિવમ્ સુંદરમ્ 'માં ઝિન્નત અમાનને ટૂંકા બ્લાઉઝ અને 'મીની'  સાડીમાં ગજબનું સૌંદર્ય દર્શાવતી બતાવવામાં આવી છે. કામણગારી કટિ અને સેક્સી નાભિની વાત ચાલતી હોય ત્યારે 'રંગીલા' ફિલ્મની સમુદ્ર કિનારે લાલ રંગના સ્કર્ટમાં ડાન્સ પ્રેક્ટિસ કરતી ઉર્મિલા માતોંડકરને શી રીતે ભૂલી શકાય?

'નમક હલાલ'  ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે વરસાદમાં ભીંજાતી સ્મિતા પાટીલનું સેક્સી ઉદરપટલ દર્શાવતું દ્રશ્ય કોણ ભૂલી શકે? તેવી જ રીતે 'મોહરા'  ફિલ્મમાં રવિના ટંડનની ડૂંટી દર્શાવતું દ્રશ્ય જેણે જોયું હશે તે તેમની સ્મૃતિમાં કાયમ માટે કોતરાઈ ગયું હશે.

રેટ્રોના પુનરાગમન સાથે પણ નાભિ બતાવવાની ફેશન ખીલી છે. કુણાલ કોહલીની  ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મુમતાઝ જેવી શિફોનની સાડી પહેરીને  નાભિમાં હીરાનો શણગાર કર્યો હતો. તેવી જ રીતે 'ચલોે દિલ્હી'  ફિલ્મમાં આઈટમ ગર્લ યાના ગુપ્તાએ એક સમયની પ્રખ્યાત આઈટમ ગર્લ હેલન જેવો વેશ ધરીને 'લૈલા ઓ લૈલા' ગીત કર્યું હતું. હવે હેલનનું અત્યંત આકર્ષક ફિગર,  ડૂંટી નીચે પહેરાતા વસ્ત્રો અને તેના ગજબની અદાઓને કોણ ભૂલી શકે?

અભિનેત્રી શ્રીદેવી બે પુત્રીઓની માતા બન્યા  પછી પણ આટલું આકર્ષક  ફિગર ધરાવે છે  તો યુવાનીમાં તેની દેહયષ્ટિએ કોને નહીં આકર્ષ્યા હોય? 'મિ. ઈન્ડિયા' (૧૯૮૭)ના 'કાટે નહીં કટતે' ગીતમાં બ્લુ  રંગની સાડીમાં નાભિ દર્શન કરાવતી તેની કાયાના કામણે કંઈકેટલાય યુવાનોને ઘેલાં કરી મુક્યા હતા. તેવી જ રીતે ઐશ્વર્યા રાયનું 'લીંબુડા લીંબુડા...' ગીત હોય કે બ્રોકેડની ચોલી અને ડૂંટી નીચે પહેરેલા ગાગરા સાથેનું 'કજરારે કજરારે...' ગીત હોય, દર્શકોની નજર તેની પાતળી કટિ કે સુંદર નાભિ પરથી ન ખસે તે સ્વાભાવિક છે.

માત્ર બોલીવૂડની અભિનેત્રીઓ કે રેમ્પ પર ચાલતી મોડેલો જ ડૂંટી દર્શન કરાવે છે એવું  નથી. નાભિ બતાવવાની ફેશન ભલે વૈશ્વિક સ્તરે જાણીતી હોય. પણ ભારતીય નારી સદીઓથી નાભિનું સૌંદર્ય દર્શાવતી રહી છે. આનું મુખ્ય કારણ છે આપણું પરિધાન સાડી. આ ઉપરાંત પૌરાણિક યુગના ચિત્રો પર નજર નાખીએ તોે વનકન્યા હોય કે ગુરૂકુળમાં રહેતી ગુરૂકન્યા. આધુનિક ફેશનમાં આપણે જેને ઓફ શોેલ્ડર કહીએ  છીએ એવી પેટર્નની કંચુકી, નાભિ નીચેથી શરૂ થઈને સાથળ સુધી આવતી 'મીની' સાડી અને ખભા પર  સહજતાથી રહેતા સાડીના છેડા જેવા પરિધાનમાં તેમના અંગવળાંકો અત્યંત સુંદર દેખાતા. પરંતુ  આ પરિધાનમાં ઉપર દેખાતી નાભિનું તો વર્ણન કરવું પણ મુશ્કેલ થઈ પડે.

ડૂંટી પ્રદર્શિત કરવાની  ફેશન આજે  પૂરબહારમાં  ખીલી છે અને નાભિને હીરા અથવા નાકમાં પહેરાતી વાળી જેવા આભૂષણથી શણગારવામાં આવે છે એ વાત જેટલી સાચી છે એટલી જ અન્ય એક ખરી બાબત આપણને ચોેંકાવી શકે તેમ છે. તાજેતરમાં  કરવામાં આવેલા એક સંશોધનમાં  વૈજ્ઞાાનિકોને માનવીની નાભિમાંથી ૧૪૦૦  જાતના જીવાણુઓના અંશ મળી આવ્યા હતા. તેથી જ શિશુના જન્મ સાથે જોડાયેલી ડૂંટીને એકદમ સ્વચ્છ રાખવી અત્યંત આવશ્યક છે.