એકલાની ભીડ અને ભીડમાં એકલા .
- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- તમે એકલા બેસો તમારી સાથે, તમે એકલા ફરવા નીકળો તમારી પોતાની સાથે. જરૂરી નથી કે કશું બોલવું, સાંભળું કે જોવું. બસ બેસી રહો, વિચારો, તમારા મૌનના પડઘાને સાંભળવાનો પ્રયાસ કરો. જે દિવસે આવું આવડી ગયું તે દિવસે આપણે આપણી પોતાની જ કંપનીમાં આનંદિત રહીશું. કોઈ નહીં હોય તો અભાવ કે ખાલીપો પણ નહીં વર્તાય. જાત સાથે એકાંત જીવતા આવડી જાય તો દરરોજ નિજાનંદ માણવા મળે તેમ છે.
હમણાં યૂટયૂબ ઉપર એક વીડિયો જોતો હતો. તેમાં કપિલ શર્મા એક કલાકારને પૂછે છે કે, તમને એક આખું વર્ષ કોઈ એક વ્યક્તિ સાથે પસાર કરવાની પરવાનગી આપવામાં આવે તો તમે કોની સાથે રહેવાનું પસંદ કરશો. પેલી વ્યક્તિએ બહુ જ સુંદર જવાબ આપ્યો. તેમણે કહ્યું કે હું મારી જાત સાથે રહેવાનું પસંદ કરીશ. મારી ઈચ્છા છે કે, હું એક આખું વર્ષ મારી સાથે સમય પસાર કરું. મને મારી કંપની ગમે છે. વ્યક્તિને જ્યારે પોતાની કંપની ગમવા લાગે, પોતાની જાત સાથે રહેવાની મજા પડવા લાગે ત્યારે તેને ક્યાંય એકલાતા આભડતી નથી.
આપણે જો માત્ર આસપાસ નજર કરીએ તો સમજાશે કે લોકો સ્પેસ જોઈએ છે પર્સનલ સ્પેસ જોઈએ છે જેવી માગણીઓ કરે છે પણ ખરેખર આ સ્પેસ કઈ છે અને કેવી છે તેની તેમને સમજ નથી. એક તરફ તેમને સ્પેસ જોઈએ છે અને બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર છવાયેલા પણ રહેવું છે. એક તરફ સોશિયલ થઈને લોકો સાથે વાતોના વડા કરવા છે અને બીજી તરફ બાજુના ફ્લેટમાં રહેનારી વ્યક્તિ કે બાજુના મકાનમાં રહેનારો પાડોશી આપણા ઘરમાં કશું જોઈ ન જાય તેની પણ ચિંતા હોય છે.
આજે આપણી આસપાસનું નગર કેવું વિકસી ગયું છે. ચારેતરફ રસ્તા લંબાતા જાય છે, મકાનો ચણાતા જાય છે, વસતી વધતી જાય છે, ટ્રાફિક થતો જાય છે, માણસો આવતા જાય છે, માણસો જતા જાય છે અને ભીડ વધતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે માણસ પાછો એકલતા તો અનુભવતો જ હોય છે. તેને ઘણી વખત અનુભવાતું હોય છે કે મારી જોડે કોઈ નથી, મારી આસપાસ કોઈ નથી, મને સમજનાર કોઈ નથી. આ મેન્ટલ ટ્રોમા સતત વધી રહ્યો છે. આજે અમદાવાદની જ વાત કરું તો તેણે છેલ્લાં દોઢ દાયકામાં જે પ્રગતિ કરી છે તેની કલ્પના પણ કરી શકાય તેમ નહોતી. નદીની રેતમાં રમતું આ નગર ક્યારે રિવરફ્રન્ટની રેતમાં રમતું થઈ ગયું તે સમજાતું જ નથી. અહીંયા લાલ બસોનો એક જમાનો હતો અને હવે બીઆરટીએસ, મેટ્રો, પ્રાઈવેટ ટેક્સિ, કેબ અને ઓટો સવસ આવી ગઈ. કોટ વિસ્તારની વચ્ચે રમતું નગર ક્યારે ગાંધીનગરનું ટ્વિન સિટી થઈ ગયું તે ખબર જ ન પડી. અમદાવાદના પરામાં આવેલા ગામડાં હવે અમદાવાદનો ભાગ બની ગયા.
આ અમદાવાદને ટાઈમ ટ્રાવેલમાં મૂકીને બે દાયકા પહેલાં જઈએ તો શું યાદ આવે. શહેરા રસ્તા વિશાળ અને ટ્રાફિક ઓછો હતો. બાળકો રસ્તા ઉપર સાઈકલો લઈને આમતેમ ફર્યા કરતા, સ્કૂલે જતા અને મિત્રો સાથે રખડપટ્ટી પણ કરતા. એસજી હાઈવેનો ઉપયોગ બહારગામ જવા માટે વધારે થતો નહીં કે નાઈટઆઉટ માટે. મોડી રાત્રે બસ ઈસ્કોન ચાર રસ્તા ઉતારે તો પણ ઘરે જવા રીક્ષા શોધતા અડધો કલાક થાય. આજે આ જ જગ્યા ચોવીસ કલાક ધમધમે છે.
આજે આ શહેર બદલાયું છે. ભીડ વધી છે, ટ્રાફિક વધ્યો છે, રસ્તા નાના પડે છે, વાહનો વધી ગયા છે, લોકોની સુખ અને સુવિધાઓ વધી છે પણ સરવાળે થયું છે શું. માણસે પોતાની એકલતા ગુમાવી છે. આ માત્ર અમદાવાદની વાત નથી દેશના ટોચના શહેરો જોઈ લો છેલ્લાં બે દાયકામાં તમામ લોકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર આવ્યા છે. વડોદરા, સુરત, રાજકોટ જેવા ગુજરાતના શહેરો તો બદલાયા જ છે પણ જેને આપણે મેટ્રો શહેરો કહીએ છીએ તેમાં પણ આમુલ પરિવર્તન આવ્યું છે.
વિકાસના નામે સુવિધાઓ અને ગેજેટ્સની વચ્ચે અટવાતો માણસ હવે બદલાઈ ગયો છે. પહેલાં પાંચ લોકો એક ટીવી સામે બેસતા અને એક જ સિરિયલ જોતા. આજે પાંચ જણા ઘરમાં જ પાંચ અલગ અલગ જગ્યાએ બેસીને પોતાના મોબાઈલમાં અલગ અલગ બાબતો જોતા અને માણતા થઈ ગયા છે. માણસ સતત પોતાના અંગત સ્ટ્રેસ લઈને ફરતો થઈ ગયો છે. સતત હરિફાઈ, સતત વિકાસની ખેવના, ભેગું કરવાની હાયહાય આ બધાએ માણસના એકાંતને છીનવી લીધું છે. પતિ અને પત્ની બેડરૂમમાં હોય તો ભાવી આયોજનોની વાતો કરતા હોય અથવા તો પતિને પૈસાનું ટેન્શન હોય અને પત્નીને ફરવા જવાના આયોજનો હોય. કશું જ ન હોય તો બંને પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય. સંતાનો તેમના ઈક્વિપમેન્ટ સાથે બંધાયેલા હોય.
હવે આપણને ગમતું, શાંતિ આપતું કે સ્વ સાથે ઓળખ કરાવતું એકાંત રહ્યું જ નથી. હવે તો આપણને લોકોની કંપનીની આદત પડી ગઈ છે. ક્યાંક બહાર જવું હોય તો કંપની શોધો, ફિલ્મ જોવા જવું છે તો કોઈને સાથે લઈ લો, પિકનિક માટે પણ બેચાર પરિવારો સાથે જશે. પોતાનો પરિવાર, પોતાના સંતાનો, પતિ અને પત્ની પણ સાથે હોવા છતાં બીજાની કંપની શોધવા લાગ્યા છે. આપણે એક સમયે એકલતા ઝંખતા હતા તે હવે એકાકીપણામાં ફેરવાઈ ગઈ છે.
જેમ જેમ ભૌતિક સુખના વિકલ્પો વિકસતા જાય છે તેમ તેમ વ્યક્તિ વધારે વ્યસ્ત થતો જાય છે. પહેલાં લોકો પાસે પોતાની કાર નહોતી પણ બસમાં સાથે ફરવા જવાની મજા હતી. ટ્રેનમાં બેસીને, બે-ચાર પરિવારો મજાથી પ્રવાસ કરવા જતા હતા. થેપલા, ખાખરાં, હાંડવો વગેરે નાસ્તાની પણ ટ્રેનમાં વહેંચણી થતી, બાળકો સિંગચણા ખાતા, ગીતો ગાતા મજા કરતા હતા. આજે પોતાની કારમાં ફરવા જાય છે છતાં એવો આનંદ નથી રહ્યો. એક જવાબદારીની જેમ પરિવાર સાથે પ્રવાસે જવામાં આવે છે. વેકેશન પડયું એટલે પરિવારને ફરવા લઈ જવો પડે તે પણ નિયમ થઈ ગયો છે. વિકેન્ડમાં બહાર જવાનો પણ નિયમ થઈ ગયો છે. ઘણી વખત ઈચ્છા હોય કે ન હોય પણ બધા જતા હોય એટલે નીકળી પડવાનું.
ક્યારેક આંખ બંધ કરીને કે પછી અરિસામાં જોઈને વિચાર કર્યો છે કે, આપણી અંદર જીવતો હતો એ માણસ ક્યાં ગયો. સતત ભીડ, વ્યસ્તતા અને ગુંચવણો વચ્ચે રહેનારા આપણે આપણે જાતને ક્યાં મૂકી આવ્યા. લોકો સાથે ફરવું છે, મજા કરવી છે પણ પોતાની જાત સાથે વાત પણ નથી કરવી. ક્યારેય ઘરની બાલ્કનીમાં બેસીને ઢળતા સુરજ ઉપર નજર કરે છે, હાથમાં કોફીનો કપ લઈને પોતાની પત્ની સાથે બાલ્કનીમાં અડધો કલાક પસાર કર્યો છે, બાળકો સાથે છેલ્લે ધિંગામસ્તી ક્યારે કરી હતી એ યાદ છે. જવાબ લગભગ નકારાત્મક જ આવશે.
વ્યસ્તતાની વચ્ચે રહેવાના કારણે આપણે આપણી પોતાની એકલતા ગુમાવી છે. ટોળા વચ્ચે પણ એકાંત શોધવાની અને પોતાની જાતને મળવાની આવડત આપણે ગુમાવી દીધી છે. હવે એકલતાનો આનંદ નહીં પણ એકલા પડી જવાનો ભય મન ઉપર સવાર થઈ ગયો છે અને તેના કારણે જ લોકો ભીડ વચ્ચે ઘેરાયેલા રહેવાનું પસંદ કરે છે. માણસને તેણે જાતે ઊભી કરેલી વ્યસ્તતા અને કલ્પિક એકલતા કોરી ખાય છે.
ખરેખર તો જરૂર છે માણસે પોતાના મનના એકાંતને પામવાની. દિવસમાં એક આખો કલાક વ્યક્તિ પોતાના માટે કાઢી શકતો નથી. આ એવો કલાક હોવો જોઈએ તે તમારો પોતાનો હોય. તમે એકલા બેસો તમારી સાથે, તમે એકલા ફરવા નીકળો તમારી પોતાની સાથે. જરૂરી નથી કે કશું બોલવું, સાંભળું કે જોવું. બસ બેસી રહો, વિચારો, તમારા મૌનના પડઘાને સાંભળવાનો પ્રયાસ કરો. એકલા એકલા લટાર મારવા નીકળો અને પોતાની જાતનું એનાલિસિસ કરવાનો પ્રયાસ કરો. જે દિવસે આવું આવડી ગયું તે દિવસે કોઈને કશું જ કહેવાની, બતાવવાની કે સાબિત કરવાની જરૂર નહીં પડે.
આપણે આપણી પોતાની જ કંપનીમાં આનંદિત રહીશું. કોઈના સાથની જરૂર નહીં પડે અને કોઈ નહીં હોય તો અભાવ કે ખાલીપો પણ નહીં વર્તાય. જાત સાથે એકાંત જીવતા આવડી જાય તો દરરોજ નિજાનંદ માણવા મળી જાય છે. આ નિજાનંદ જ તમારો પોતાનો મી ટાઈમ છે જે જિંદગીના છેલ્લાં શ્વાસ સુધી યાદગાર રહેવાનો છે.