Get The App

એક સુઘડ-સ્વચ્છ ઘર પરિવારની સુખાકારી વધારે .

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
એક સુઘડ-સ્વચ્છ ઘર પરિવારની સુખાકારી વધારે                        . 1 - image

ઘર એક વિસામો છે, મંદિર છે. દેવસ્થાનની જેમ ઘરને પણ વ્યવસ્થિત રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં પણ આપણાં આવાસને કચરાપૂંજાથી મુક્ત અને સુઘડ રાખવાને ખાસ મહત્ત્વ અપાયું છે. એટલે ઘરના ખાલી ખૂણામાં ચીજવસ્તુઓનો ખડકલો કરવાનું ટાળવું, કારમ કે એને નેગેટિવ એનર્જી (નકારાત્મક ઉર્જા) ઉત્પન્ન થઈ શકે છે. એને બદલે તમારા વાસ્તુ પ્રમાણિત હોમમાં સ્પેસિસ (મોકળી જગ્યાઓ) બને એટલે ખૂલી અને હવાદાર રાખો. ત્યાં ફર્નિચર અને ડેકોર ખડકવાનું રહેવા દો.

વાસ્તુ શાસ્ત્રમાં ડિ-ક્લટરિંગ (નકામી વસ્તુઓના નિકાલ)નો એક ચાવીરૂપ કન્સેપ્ટ છે. એ આપણને ઘરમાં રહેવા માટેનું એક બેલેન્સ્ડ અને પોઝિટિવ માહોલ બનાવવા ખૂણેખાચરેથી નકામી વસ્તુઓ દૂર કરવાનું કહે છે. વાસ્તુમાં ડિ-ક્લટરિંગ શા માટે અગત્યનું છે અને એની પરિવારની સુખાકારી પર શું અસર થઈ શકે છે એ વિશે વિગતવાર જાણી લઈએ.

પોઝિટિવ એનર્જી લાવે : વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે કચરો પૂંજો ઘરમાં ઉર્જા (એનર્જી)ના પ્રવાહમાં વિક્ષેપ પાડે છે અને એથી વાતાવરણ બંધિયાર, સુસ્ત અને અસંતુલિત બની જાય છે. ડિ-ક્લટરિંગ આવા અંતરાયો દૂર કરી પોઝિટિવ એનર્જીના વહેણ માટે માર્ગ મોકળો કરે છે અને વિશુદ્ધિ વધે છે.

માનસિક વિશુદ્ધિ વધારે : કચરાનો ખડકલો માનસિક થાક અને ધ્યાનભંગ માટે નિમિત્ત બને છે અને એને લીધે અંધાધૂંધ ઉર્જા ફેલાય છે. બીજી તરફ ડિ-ક્લસ્ટરિંગ ઘરના વાતાવરણને શાંત અને નિર્મળ રાખે છે અને એને કારણે આપણું કોન્સનટ્રેશન વધે છે અને સ્ટ્રેસ ઘટે છે. બીજા શબ્દોમાં કહીએ તો એ ઘરમાં રહેનારા લોકોને માનસિક શાંતિનો અનુભવ કરાવી એમની ઉત્પાદકતા વધારે છે.

આરોગ્ય વધારે, સમૃદ્ધિ લાવે : કચરાપૂજા એનર્જી જોડાયેલી છે અને એ આપણાં આરોગ્ય અને આર્થિક ઉપાર્જન પર માઠી અસર કરી શકે છે. જ્યારે ડિ-ક્લટરિંગ તમારી સ્પેસને પોઝિટિવ એનર્જીથી ભરી દે છે અને એને પગલે સુખાકારી આવે છે અને ઉત્તમ તકો મળતી થાય છે.

સંબંધોમાં સંવાદિતા આવે : ગંદવાડ ઘરમાં ટેન્શન અને અસુખ નોતરે છે અને એનો પ્રભાવ આપણાં આત્મીયજનો સાથેના સંબંધો પર પડે છે. જ્યારે સ્વચ્છ અને સુઘડ માહોલ પરિવારમાં સુખ-શાંતિ લાવે અને કુટુંબીજનો વચ્ચેનો વ્વહાર સુધરે.

ડિ-ક્લટરિંગના લાભ જાણી લીધા બાદ એને કઈ રીતે અમલમાં મૂકવું એ જાણવું જરૂરી છે. અહીં આપણે ડિ-ક્લટરિંગની કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સની ચર્ચા કરીએ.

નકામી વસ્તુઓ કાઢી નાખો : અમુક ગૃહિણીઓને ઘરમાંથી બિનઉપયોગી ચીજો કાઢતા જીવ નથી ચાલતો. એમને ખાસ કહેવાનું કે આવી નકામી વસ્તુઓ નેગેટિવ એનર્જીને આમંત્રણ આપે છે. એટલે એમનો શક્ય તેટલો જલ્દી નિકાલ કરો. ખાસ કરીને ઘરના સ્ટોરેજ સ્પેસિસ અને અભરાઈ પર નકામી વસ્તુઓ ખડકવાનું રહેવા દો. એવી જ આઇટમ્સ રાખવો જે ઘરના પોઝિટિવ વાતાવરણમાં વધારો કરે.

ગોઠવણીને ગુણકારી બનાવે : ઘરે આવનાર મહેમાનને ચીજવસ્તુઓની ગોઠવણ પરથી યજમાનના વ્યક્તિત્વનો પરિચય મળી જાય છે. એટલે આઇટમ્સની અરેન્જમેન્ટ (ગોઠવણી) એવી રીતે કરો જે નેચરલ એનર્જીના વહેણને સપોર્ટ કરે. વારંવાર ઉપયોગમાં લેવાતી વસ્તુઓને હાથવગી જગ્યાઓમાં રાખો અને કોઈ પણ સ્થળે વસ્તુઓનો વધુ પડતો ખડકલો ન થવા દો. યાદ રાખો કે સારી સુઘડ ગોઠવણી ઉર્જા વચ્ચે બેલેન્સ (સંતુલન) જાળવે છે.

સ્વચ્છતા જાળવો : ડિ-કલ્ટરિંગના લાભો જાળવી રાખવાની પહેલી પૂર્વશરત નિયમિત સાફસફાઈ કરવાની છે. ધૂળ અને ગંદકી પોઝિટિવ એનર્જીને બ્લોક કરી દે છે. એટલે ઘરના વાસ્તુને જાળવી રાખવા રોજિંદી સાફ-સફાઈ આવશ્યક બની જાય છે.

વાસ્તુ માન્ય રંગો વાપરો : જેમનો વાસ્તુશાસ્ત્રના નિયમો સાથે મેળ પડતો હોય એવા જ કલર્સ ઘરની શાંતિ વધારે છે અને પ્લાન્ટ્સને લીધે તાજગી અને સ્ફૂર્તિ વર્તાય છે.

- રમેશ દવે