- તમે મિનિમલિસ્ટ છો કે મેક્સિમલિસ્ટ?
કેટલીક વખત સાવ સાદો છતાં વ્યક્તિત્વને નિખારતો પોશાક કે સાડી પહેરેલી માનુનીને આપણે નિષ્પલક તાકી રહેતાં હોઈએ છીએ. તેને જોઈને એવું લાગે કે તેણે આકર્ષક દેખાવા ખાસ કાંઈ નથી કર્યું, તેના વસ્ત્રો પણ કેટલાં સાદા છે. જો તે સાદી-સીધી હોવા છતાં આવી શોભે છે તો સહેજ વધુ તૈયાર થાય તો કેટલી મોહક ભાસે. વાસ્તવમાં આને સાદગીનું સૌંદર્ય કહેવાય.
જ્યારે બીજી તરફ કોઈ રમણી ડિઝાઈનર વસ્ત્રો, મૉડર્ન ડિઝાઈનની જ્વેલરી, આકર્ષક પગરખાં, મઝાનો મેક-અપ અને હેરસ્ટાઈલ કરીને પર્સ ઝૂલાવતી આવતી હોય તો તેના પ્રત્યે અચૂક ધ્યાન ખેંચાય. ફેશનિસ્ટો આ બંને પ્રકારની સ્ટાઈલને મિનિમલિસ્ટ અને મેક્સિમલિસ્ટ તરીકે ઓળખે છે. તેઓ કહે છે કે બંને પ્રકારના વ્યક્તિત્વની આગવી ઓળખ છે. જરૂરી નથી કે તમે સોળે શણગાર સજો તો જ સુંદર દેખાઓ. તમે સાદગીમાં પણ તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વનો પરચો બતાવી શકો. તેઓ આ વાત વ્યવસ્થિત રીતે સમજાવતાં કહે છે..,
મિનિમલિસ્ટ સ્ટાઈલમાં તમે શું અને કેવું પહેરો છો તે મહત્વનું બની જાય છે. સામાન્ય રીતે તમારો પોશાક સાવ સાદો હોય તોય તે વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવનારો હોય છે. તેના રંગ ડિઝાઈન આંખોને ટાઢક પહોંચાડનારા હોય છે. મોટાભાગે આવા વસ્ત્રો પર પરંપરાગત ડિઝાઈન-પ્રિન્ટ-ભરતકામ જોવા મળે છે. વળી તેની ફિટિંગ પણ પરફેક્ટ હોવાથી તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગે છે. આ પ્રકારના પરિધાનમાં શાર્પ બ્લેઝરથી લઈને કૉ-ઑર્ડ સુધીના લગભગ બધા ડ્રેસ સાદગીનું સૌંદર્ય પેદા કરે છે.
તેઓ વધુમાં કહે છે સોબર પરિધાન સાથે સોનાની ઝીણી ચેન, નાના હૂપ્સ, લેધર ટોટે, ફ્લેટ્સ જેવી એક્સેસરી બંધ બેસે છે.
હવે મેક્સિમલિસ્ટની વાત કરીએ તો તેમાં વિવિધ પ્રકારના ઘેરા-ચળકતા રંગો, આંખે ઉડીને વળગે એટલી મોટી પ્રિન્ટ, નોખી તરી આવે એવી ડિઝાઈન, ધ્યાનાકર્ષક ફેબ્રિકના પરિધાનનો સમાવેશ થાય છે. જે તે માનુની એકદમ ઉઠી આવતાં ડ્રેસ સાથે પણ જેકેટ, સ્ટોલ, સ્કાર્ફ કે બેલ્ટ પહેરે છે. આટલું ઓછું હોય તેમ જંક જ્વેલરી, આકર્ષક પગરખાં અને ઓવરસાઇઝ ગોગલ્સ કે ચશ્મા તો ખરાં જ.
આ તો થઈ તેમના પોશાક અને એક્સેસરીની વાત. હજી કાંઈક વધુ કરવા માટે તેઓ ઘેરો મેકઅપ કરવાનું પણ નથી ચૂકતી. ખાસ કરીને ડાર્ક આઇશેડો તેમ જ મસ્કરા સાથે ઘેરા રંગની લિપસ્ટિક અને રેશમ જેવા લિસ્સાં-ખુલ્લા વાળ. તેમને એવું નથી લાગતું કે આ વધારે પડતું લાગશે. તેમને ફેશનનોે કોઈ મંત્ર લાગૂ નથી પડતું. પોતાને જે ગમે તે સઘળું સાગમટે ઠઠારી દેવામાં તેમને મોજ પડે છે. તેઓ એમ માનીને ચાલે છે કે તેમનું શરીર ક્રીએટિવ કેન્વાસ છે. અને તેઓ તેના પર જેવું ચાહે એવું ચિત્રાંકન કરી શકે છે.
માત્ર એક્સેસરીની જ વાત કરવામાં આવે તો મિનિમલ અને મેક્સિમલ, બંને પ્રકારની એક્સેસરીનું ફિનિશિંગ વ્યવસ્થિત હોવું પહેલી શરત ગણાય. મિનિમલિસ્ટ મોટાભાગે જ્વેલરી કે અન્ય એક્સેસરીનો એક જ પીસ પહેરવા/લેવાનું પસંદ કરે છે, ચાહે તે માત્ર એક વીંટી હોય, ઈયર રિંગ્સ હોય, પર્સ હોય કે પગરખાં. વળી તેનો પોશાક પણ પરફેક્ટ ફિટિંગનો હોય. જ્યારે મેક્સિમલિસ્ટ વિવિધ પ્રકારની આંખે ઉડીને વળગે એવી એક્સેસરી પર પસંદગી ઉતારશે. તે લેયરવાળું નેકલેસ, બધી આંગળીઓમાં વિવિધ જાતની વીંટીઓ, સિક્વિન વર્કવાળું ક્લચ, અત્યંત આકર્ષક પગરખાં, કમરપટ્ટો, ડિઝાઈનર સનગ્લાસ ઇત્યાદિ બિન્ધાસ્ત પહેરશે. જોકે આવી એક્સેસરીનો ઉપયોગ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તે તમારા પરિધાનને વધારાનો નિખાર આપે, નહીં કે સરસ મઝાના ડિઝાઈનર ડ્રેસની શોભા ઝાંખી પાડી દે.
જોકે આધુનિક યુગના સ્ટાઈલિસ્ટો કહે છે કે જરૂરી નથી કે તમે બંનેમાંથી કોઈ એક જ સ્ટાઈલ અપનાવો. ફેશનેબલ રમણીઓ બંને સ્ટાઈલનું સરસ મિક્સ એન્ડ મેચ પણ કરી શકે. જેમ કે તમે સંપૂર્ણ બ્લેક પેન્ટસુટ ધારણ કરો તો તેની સાથે શૉકિંગ પિંક કલરના શૂઝ પહેરો. તેવી જ રીતે ડિઝાઈનર સ્કર્ટ સાથે પ્લેન વાઇટ શર્ટ, વાઇટ અથવા ક્રીમ કલરના વેજીસ કે બ્લોક સેંડલ પહેરો. આ રીતે તમારું વ્યક્તિત્વ નિખરી ઉઠશે.
તમે કોઈપણ ફેશનને જડની જેમ વળગીને ન રહી શકો. તેમાં તમે ચાહો એટલી છૂટછાટ લો. શરત માત્ર એટલી કે તે વિચિત્ર ન દેખાવી જોઈએ. તમે તમારા મૂડ પ્રમાણે તમારી સ્ટાઈલ પેદા કરી શકો. જેમ કે સોમવારે તમે એકદમ સોબર રહો. અને શુક્ર, શનિ, રવિવારના લોંગ વીક-એન્ડમાં કલરફુલ. આ સમય દરમિયાન તમે ક્યાં જાઓ છો તે ધ્યાનમાં લઈને પોશાકની પસંદગી કરો. જો તમે બીચ પર જતાં હો તો શોર્ટ્સ-ટી-શર્ટ સાથે જંક જ્વેલરી પહેરો. અને ઇવનિંગ પાર્ટીમાં જતાં હો તો ઝાકઝમાળવાળો પોશાક-એક્સેસરી ધારણ કરો. જ્યારે બાકીના દિવસોમાં સાડી, પેન્ટસુટ, પંજાબી સુટ, લેગિંગ-કુરતી, સ્કર્ટ-ટોપ પહેરો.
જોકે સ્ટાઈલિસ્ટો એમ કહેવાનું નથી ચૂકતાં કે છેવટે તો તમારી આત્મવિશ્વાસ જ તમારું સૌથી કિંમતી ઘરેણું છે. તમે ચાહે કાંઈપણ પહેરો, પરંતુ જો તમારો આત્મવિશ્વાસ મોળો પડે તો તમારા કિંમતી વસ્ત્રો કે એક્સેસરીઝનું કોઈ મૂલ્ય નથી રહેતું.
- વૈશાલી ઠક્કર


