રાજ્યના 100 લોકેશનમા વિજયનગરના પોળો ફોરેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો
- ફિલ્મ શુટીંગ માટે નવી નીતિ જાહેર
- ફિલ્મના શુટીંગ માટે પ્રોડયુસર્સ, ડાયરેક્ટર આવી શકે છે
હિંમતનગર, તા. 6
રાજ્યમાં ફિલ્મ શુટીંગ માટે પ્રોડયુસર્સ અને ડાયરેક્ટર્સને
આકર્ષવા સરકાર દ્વારા નવી નીતિ જાહેર કરી રાજ્યના ૧૦૦ લોકેશનની પસંદગી કરવામાં આવી
છે જેમાં મીની કાશ્મીર તરીકે ઓળખ પામેલા વિજયનગરના પોળો ફોરેસ્ટનો સમાવેશ થતાં
જિલ્લાની પ્રજામાં ખુશાલી જોવા મળી છે. જો બધું જ નિર્વિધ્ને પાર પડશે તો આવનારા
દિવસોમાં ફિલ્મના શુટીંગ માટે પ્રોડયુસર્સ અને ડાયરેક્ટર્સ વિજયનગરની પોળોમાં જોવા
મળી શકે છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્યના પ્રવાસન ધામનો વિકાસ વાતો
થઈ તે પ્રમાણે થઈ શક્યો નથી. બૃહદ સાબરકાંઠામાં શામળાજી તેમજ દેવનીમૉરીમાં
બુદ્ધનગરી સ્થાપવાની જાહેરાત પછી ત્યાં એક ઈંટ પણ મૂકવામાં આવી નથી. જેના કારણે
પ્રજામાં નારાજગી જોવા મળી છે. જ્યારે જિલ્લામાં ઐતિહાસિક વારસો ધરાવતા અનેક
પ્રવાસન સ્થળોની ઘરાર ઉપેક્ષાથી પ્રજામાં નારાજગીનું પ્રમાણ વધી રહ્યું છે.
જિલ્લાના ખાસ કરીને વિજયનગરના જંગલ વિસ્તારમાં અનેક સ્થળો એવા છે કે ત્યાં ફિલ્મના
શુટીંગ કરવામાં આવે તો પણ સ્થાનિક રોજગારી વધવાની સાથે સરકારને પણ વધુ આવક થઈ શકે
તેમ હતી પરંતુ યોગ્ય નિર્ણયો લેવાયા ન હતા ત્યારે ગુજરાતની નવી ભાજપ સરકારે સૌ
પ્રથમ સિનેમેટીવ પોલીસી જાહેર કરી છે અને આ પોલીસી હેઠળ ગુજરાતમાં ફિલ્મ શુટીંગ
કરવામાં આવે તો શુટીંગ માટે મોટી રાહત મળશે અને આ માટે કચ્છ, સૌરાષ્ટ્ર
તેમજ ઉત્તર ગુજરાતના ૧૦૦ જેટલા સ્થળો પસંદ કરવામાં આવ્યા છે જેમાં ૧૦૦ સ્થળોની
યાદીમાં વિજયનગરની પોળો ફોરેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવા સ્થળોએ સ્ટુડીયો
સ્થાપવા પ્રિ અને પોસ્ટ પ્રોડક્શન ફિલ્મ ઈવન્ટ માટે સરકાર આર્થિક સહાય પણ કરી શકે
છે. જ્યારે રાજ્ય સરકારે ફિલ્મ શુટીંગ માટે કુલ ખર્ચમાં ૧૦ થી ર૦ ટકા સહાય ચૂકવશે
તેમ પણ જાણવા મળ્યું છે.