ખેડબ્રહ્મામાં બે અને પોશીનામાં એક ઇચ વરસાદ : પાકને જીવતદાન
- જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ ખાબક્યો
- પોશીનાની સઇ નદીમાં નવા નીર આવ્યા : ડાંગરની રોપણીની કામગીરી પૂરજોશમાં શરૂ થઇ
ખેડબ્રહ્મા,અમદાવાદ,તા.25 જુલાઈ, 2020, શનિવાર
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા
કેટલાક દિવસોથી મેઘરાજા રીસામણાને કારણે મોલાત મુરઝાઈ રહી હતી ત્યારે શુક્રવારે મોડી
સાંજે અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ સાબરકાંઠા જિલ્લામાં બે ઇંચ સુધી વરસાદ પડયો
હતો. બાદમાં આજે ખેડબ્રહ્મામાં એક કલાકમાં બે ઇંચ અને પોશીનામાં એક ઇંચ વરસાદ ખાબક્યો
હતો. આ ઉપરાંત પોશીનાની સઇ નદીમાં પણ નવા નીર આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી વરસાદ ન થવાને
કારણે વાતાવરણમાં બાફ અને ઉકળાટનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. દિવસે અને રાત્રે આકાશમાં
વાદળોની સંતાકુકડી રમાતી હોવા છતા મેઘરાજાના રીસામણા દુર થતા નથી. જેથી જિલ્લમાં ખેડૂતોએ
હજારો હેક્ટરમાં વાવેતર કરેલો કપાસ, મગફળી, અડદ, તલ તથા ગવારનો પાક
ગરમીથી મુરજાઈ ગયો હતો. દરમિયાન શુક્રવારે મોડી રાત્રે જિલ્લામાં ચઢી આવેલા ઘનઘોળ વાદળોને
લીધે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. અને તરત જ પોશીના, ખેડબ્રહ્મા, પ્રાંતિજ તથા તલોદ પંથકમાં જોરદાર પવન સાથે વરસાદ વરસી પડયો હતો. જેને લીધે
રોડ પર પાણી વહેવા માંડયુ હતું. એક કલાક સુધી પડેલા જોરદાર વરસાદને કારણે પોશીના,
પ્રાંતિજ અને તલોદ પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો.
ખેડબ્રહ્મા અને પોશીના
તાલુકામાં બે દિવસથી વરસાદ શરૂ થયો છે. જેના પગલે ખેડૂતોને આશિક રાહત થઇ છે અને
આજે બપોરે ખેડબ્રહ્મામાંએતાએત વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં બે ઇંચ વરસાદ પડયો
હતો. અને પોશીનામાં પણ એક ઇંચ વરસાદ પડ્તા ખેડૂતોને રાહત થઇ હતી અને મૂરઝાતા પાકને
જીવતદાન મળ્યુ હતું. આ વરસાદના પગલે રોડ પર પાણી ભરાઇ ગયા હતા. બીજી તરફ
પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં અત્યારે ડાંગરની રોપણીનું કામ પુરજોશમાં
ચાલી રહ્યુ હોવાથી આ પંથકમાં પડેલા વરસાદે ખેડૂતો માટે રાહત આપી છે. ઉપરાંત કઠોળ
પાક માટે પણ શુક્રવારે રાત્રે પડેલો વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. જલ્લામાં અત્યાર
સુધી ૨૫.૦૩ ઈંચ વરસાદ પડયો હોવાનું ડીઝાસ્ટર વિભાગનું માનવુ છે.