Get The App

સાબરકાંઠાના છ સહિત છાત્રોએ યુક્રેનના રેલવે સ્ટેશનના બંકરમાં આશરો લીધો

- દેશના 170 વિદ્યાર્થીઓ પણ હજુ બંકરમાં

- ખારકીવમાં ફસાયેલા વિદ્યાર્થીઓની પાણી અને ભોજન વિના કફોડી સ્થિતિ : કેટલાંક છાત્રો બોર્ડર તરફ રવાના

Updated: Mar 3rd, 2022

GS TEAM

Google News
Google News
સાબરકાંઠાના છ સહિત છાત્રોએ યુક્રેનના રેલવે સ્ટેશનના બંકરમાં આશરો લીધો 1 - image

હિંમતનગર તા.2

યુક્રેન અને રશિયાની સેનાઓ વચ્ચે યુક્રેનમાં ભીષણ યુધ્ધ ખેલાઈ રહ્યુ છે ત્યારે   હિંમતનગરના તબીબી વિદ્યાર્થી સાથે ખારકીવની મેડિકલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા ૧૭૦ ભારતીય વિદ્યાર્થીઓ બુધવારે વહેલી પરોઢના પોતાની હોસ્ટેલના બંકરમાંથી નિકળી ખારકીવના અંદાજે ૭ કિ.મી. દુર રેલવે સ્ટેશન સુધી ચાલતા પહોંચ્યા હતા. જયાં ખારકીવના રેલવે સત્તાવાળાઓએ અહિ કોઈ ટ્રેનની વ્યવસ્થા ન હોવાનુ જણાવી હાથ ઉંચા કરી દેતા આ વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશનના બંકરમાં આશ્રય લીધો છે. હવે અહિંથી તેમને ટ્રેન મળશે કે બોર્ડર સુધી પહોંચશે તેની કોઈ નિશ્ચીતતા જણાતી નથી. જેથી ભારતીય એમ્બેસી ખારકીવના રેલવે સ્ટેશન પર ફસાયેલા ૧૭૦ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષીત રીતે બોર્ડર સુધી પહોંચાડવા સંપર્ક કરી વ્યવસ્થા કરે તેમ વિદ્યાર્થીઓ સાથે તેમના પરિવારજનો ઈચ્છી રહ્યા છે.

હિંમતનગરના ત્રણ અને સાબરકાંઠા જીલ્લાના વિવિધ વિસ્તારોના ત્રણ મળી ૬ વિદ્યાર્થીઓ ખારકીવ ઉપરાંત યુક્રેનના અન્ય શહેરોના બંકરોમાં ભયજનક સ્થિતિમાં દિવસો વીતાવી રહ્યા હતા.

ખારકીવની મેડિકલ યુનિવર્સીટીની હોસ્ટેલ કેમ્પસમાં ફસાયેલા ૧૭૦ ભારતીય વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં યુધ્ધ શરૃ થયાનુ એક સપ્તાહ ભારે દહેશત ભરી સ્થિતિમાં ગુજાર્યુ છે. જયાં સુધી તેમની પાસે અનાજ પાણી હતુ ત્યાં સુધી તેમણે ચલાવી લીધુ. પરંતુ હવે તેમને ભોજન-પાણી સાથે સુરક્ષીત રહેવાના પણ ફાંફા પડયા છે ત્યારે ઈન્ડીયન એમ્બેસી પણ ખારકીવના તબીબી વિદ્યાર્થીઓને હેમખેમ બહાર ઉગારવા અને બોર્ડર સુધી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા કરી શક્યુ નથી. મંગળવારે સાબરકાંઠાના એક વિદ્યાર્થીએ તેના પિતાને ફોન કરી હવે અમોને અહિંથી બોર્ડર સુધી પહોંચાડવા કે વાહન વ્યવસ્થા કરાવવા તંત્ર દ્વારા કોઈ સહયોગ મળ્યો નથી જેથી  ૧૭૦ વિદ્યાર્થીઓએ હવે ગમે તેમ કરી સુરક્ષીત રીતે નીકળવા માર્ગ શોધી રહ્યાનું જણાવતા વિદ્યાર્થીઓના પરિવારજનો વધુ ચિંતામાં મુકાયા છે. મંગળવારે વહેલી સવારે કરફયુગ્રસ્ત સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાંથી થોડોક સામાન લઈ રામ ભરોસે સુરક્ષીત રસ્તો શોધવાની વાટ પકડી છે.      

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ તંત્ર સમક્ષ રજુઆત કરી

યુક્રેનના ખારકીવ શહેર સહિત વિવિધ સ્થાનો પર ફસાઈ ગયેલા હિંમતનગરના વિદ્યાર્થીઓના પરિવારજનોએ પ્રાંત કચેરી સમક્ષ વિદ્યાર્થીઓને પરત સ્વદેશ લાવવા માટે ઘટતી કાર્યવાહી સાથે મદદની માંગણી કરી છે. જેમાં હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં.૩ના કોર્પોરેટર ઝાહેદાબેન મનસુરીએ મેમણ સમાજના યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા રજુઆત કરી હતી. તેવી જ રીતે મહેતાપુરાના દિલીપસિંહ ચૌહાણે પણ ડિઝાસ્ટર તંત્ર સમક્ષ યુક્રેનમાં ફસાયેલા પોતાના પુત્ર સંદર્ભે સ્થિતિની જાણ કરી ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

સાબરકાંઠા-અરવલ્લીના ૩૩ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયા છે

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી ૨૧ વિદ્યાર્થીઓ અને અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ૧૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૩૩ વિદ્યાર્થીઓ યુક્રેનની વિવિધ મેડિકલ યુનિવર્સીટીઓમાં અભ્યાસ કરવા ગયા છે. જેમાંથી પરીક્ષા પુર્ણ થઈ હોય તેવા કેટલાક વિદ્યાર્થીઓ ભારત પરત ફરી શકવામાં સફળ થયા છે જે સંખ્યા ઓછી છે પરંતુ હજુ બન્ને જીલ્લાના ઘણા બધા વિદ્યાર્થીઓ યુક્રેનમાં યુધ્ધની સ્થિતિ વચ્ચે ફસાયા છે. સાબરકાંઠાના સાંસદે ફસાયેલા વિદ્યાર્થીઓ મામલે જણાવ્યુ હતુ કે તેમણે આ અંગે પી.એમ.ઓ. કાર્યાલયમાં જાણ કરીને ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યુ છે.