Get The App

તલોદની નમસ્કાર મંડળીના કૌભાંડમાં આરોપીઓની હવે મિલ્કતો સીલ કરાશે

- એલસીબીએ 12 ટીમો બનાવી તપાસ આદરી

- પોલીસે આરોપીઓના પાનકાર્ડ, આધારકાર્ડની વિગતો મેળવી મિલ્કતો સીલ કરીને થાપણદારોને રકમ ચૂકવાશે

Updated: Jul 19th, 2020

GS TEAM

Google News
Google News
તલોદની નમસ્કાર મંડળીના કૌભાંડમાં આરોપીઓની હવે મિલ્કતો સીલ કરાશે 1 - image

તલોદ, તા. 18 જુલાઈ, 2020, શનિવાર

તલોદનગર ખાતે આવેલી નાણાકીય સંસ્થા નમસ્કાર સહકારી શરાફી મંડળીના બોર્ડ મેમ્બર્સ, કર્મચારીઓ અને ડીફોલ્ટર થયેલા બાકીદારો સામે સાબરકાંઠા પોલીસે મજબૂત ગાળીઓ કસીને કડક કાર્યવાહી કરવાના આદેશો જારી કરતાં તે અન્વયે જિલ્લા એલસીબી પોલીસે તલોદની ૧૧થી વધુ બેંકોને પત્ર પાઠવીને નમસ્કાર મંડળીના કથિત કૌભાંડમાં જેમની શંકાસ્પદ સંડોવણી છે અને જેઓ સામે તલોદ પો.સ્ટે. ખાતે ગુનો દાખલ થયેલ છે. તેવા તમામના જે-તે બેંકમાં રહેલા ખાતાની માહિતી પુરી પાડવા અને બીજી સુચના ના મળે ત્યાં સુધી તેઓના ખાતાની લેવડ-દેવડ સ્થગીત કરવા બેંક મેનેજરોને જણાવ્યું છે.

તલોદ નગરની તમામ બેંકોના મેનેજરને લખાયેલા આ પત્રમાં એલ.સી.બી. પો.ઈન્સ. એમ.ડી. ચંપાવત એ રજુઆત કરેલ છે કે, નમસ્કાર મંડળી - તલોદના હોદ્દેદારો અને અન્ય આરોપીઓ સામે કલમ ૪૨૦, ૪૦૬, ૪૦૮ અને ૧૨૦બી હેઠળ તલોદ પોલીસ દફતરે ગુનો નોંધાયો છે. જે પૈકીના આરોપીઓએ ભેગા મળી, પૂર્વ આયોજીત કાવતરૂ રચીને હોદ્દાનો દુરૂપયોગ કરીને પોતાના સગાં-વ્હાલાઓને અલગ અલગ પેઢીઓના નામે મોટા ધીરાણો આપીને ત્યારબાદ વસુલાતના પણ કોઈ ખાસ પ્રયાસો કર્યા નથી. આવા ધીરાણ લઈ જનારા પાસેથી મંડળીએ કોઈ દસ્તાવેજો, ફિક્સ ડિપોઝીટ, સિક્યુરીટી કે જામીનગીરી મેળવેલ નથી. આમ થતાં આ મંડળીમાં મધ્યમવર્ગ અને સામાન્ય વર્ગના લોકોની બચતની રૂ ૧૩ કરોડથી વધુની થાપણો ડુબી જવા પામેલ છે. પરિણામે કસૂરવારોએ ગ્રાહકો અને થાપણદારો સાથે અહીં વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનું નોંધાયું છે. નમસ્કાર મંડળી - તલોદના આ કથિત કૌભાંડના ગુનામાં ફક્ત બે જ આરોપીઓ ઝડપાયા છે. બાકીના પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ રહ્યા છે. જેઓ કાયદાકીય ઓથુ શોધી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિકએ આજે જણાવેલ કે, પોલીસ દફતરે નોંધાયેલા પૈકીના આરોપીઓ સુધી પહોંચવા સાબરકાંઠા પોલીસે ૧૨ ટીમ બનાવી છે. તેમજ પોલીસ પકડથી દૂર રહેવા તમામના બેંક ખાતા, પાનકાર્ડ, આધારકાર્ડ અને તેવી અન્ય માહિતી એકત્ર કરવામાં આવી છે અને પાનકાર્ડ - આધારકાર્ડ ઉપર જે પણ પ્રોપર્ટી તેઓએ ખરીદી હશે તે પ્રોપર્ટી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં માંડલિક એ જણાવેલ કે, આ આરોપીઓની મિલ્કતો સીલ કરીને, મંડળીનાં ડૂબેલા નાણાની વસુલાત થાય તથા થાપણદારોના નાણાં કોર્ટ દ્વારા થાપણદારોને પરત મળે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. થાપણદારોના હિતમાં પોલીસની કાર્યવાહી પ્રશંસનીય રહી છે. પરંતુ કાયદાની આંટીઘૂટીઓમાં પોલીસ - તપાસ એજન્સી, વહિવટદાર અને છેલ્લે થાપણદારોને કેવી અને કેટલી સફળતા મળશે ? તે તો સમય બતાવશે.

Tags :