Get The App

હિંમતનગરમાં સીએમના આગમન ટાણે જ કારમાં આગ લાગતા અફડાતફડી

- આગને બુઝાવવા માટે 2000 લીટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો

- કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગાડી કાટમાળમાં ફેરવાઈ ગઈ : ચાલકનો બચાવ : જાનહાની ટળી

Updated: Nov 14th, 2021


Google NewsGoogle News
હિંમતનગરમાં સીએમના આગમન ટાણે જ કારમાં આગ લાગતા અફડાતફડી 1 - image

હિંમતનગર તા. 13

હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં શનિવારે સવારે એક સી.એન.જી. ગાડીમાં એકાએક આગ ભભુકી ઉઠતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે પોલીસ તથા ફાયરબિગ્રેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

હિંમતનગર શહેરના હાર્દસમા અને સતત લોકોની અવર જવરથી ધમધમતા મહાવીરનગર વિસ્તારના ૫ુર્ણીમા ડેરીથી આગળ પ્રજાપતિ બ્રહ્માકુમારીની બાજુમા રોડ ઉપર શનિવારે મુખ્યમંત્રીના આગમન ટાણે જ સવારે આશરે ૧૦ થી ૧૧ વાગ્યાના સમયગાળા દરમ્યાન સીએનજી ગાડીમાં એકાએક આગ ભભુકી ઉઠતા અફડા તફડીનો માહોલ ઉભો થવા પામ્યો હતો. આઈ.ટેન.ગાડીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. શહેરના ભરચક વિસ્તારમાં આઈ.ટેન. ગાડી એકાએક ભડભડ સળઘી ઉઠતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. ઘટનાને પગલે હિંમતનગર એ.ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હિંમતનગરના ફાયર વિભાગને જાણ કરી હતી.

હિંમતનગર શહેરના કાંકણોલ સ્વામીનારાયણ મંદિર ખાતે ચાલતા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જતી ફાયર બ્રીગેડની ટીમને ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાંથી આગની ઘટના બની હોવાનો કોલ મળતા જ તાત્કાલીક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને કારમાં ભભુકી રહેલી આગને કાબુ કરવા કવાયત હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શહેરના ભરચક વિસ્તારમા આઈ.ટેન. ગાડીમાં લાગેલી આગને બુઝાવવા માટે ૨૦૦૦થી પણ વધુ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આઈ.ટેન. કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આઈ.ટેન.ગાડી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને હિંમતનગરના મિતેષ ભાટીયાનો આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો.


Google NewsGoogle News