સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં ઘટાડાનો નિર્ણય પરત ખેચવાની માંગ સાથે રજૂઆત
- કિસાન સંઘ દ્વારા તંત્રને આવેદન
- કોરોનાની મહામારી વચ્ચે દૂધના ભાવ ઘટાડતા દૂધ ઉત્પાદકોને આર્થિક ફટકો દસ દિવસમાં ઉકેલ નહીં તો આંદોલન કરાશે
તલોદ, તા. 3 જુલાઈ, 2020,
શુક્રવાર
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો
અને પશુપાલક પરીવારોની જીવાદોરી જેવી સાબરડેરીએ તાજેતરમાં દૂધનો ભાવ ઘટાડો કરવાનો કરેલ
નિર્ણય પશુપાલક પરીવારો અને ખેડૂતોને ઘાતક નિર્ણય છે.
તલોદ તાલુકા ભારતીય
કિસાન સંઘ સમિતિ અને સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ સમિતિએ દૂધના ભાવ ઘટાડાનો
સાબરડેરી ના નિર્ણયને વખોડી કાઢીને તત્કાળ અસરથી દૂધનો ભાવ ઘટાડો પરત ખેંચી લેવા
માંગ કરી છે. આ માટે જિલ્લા કલેક્ટર અને ડેરીના ચેરમેનને સંઘે આવેદનપત્ર પણ આપીને
ભાવ ઘટાડાનો નિર્ણય પરત લેવા દિન-૧૦ની મહેતલ આપી છે. અન્યથા, આંદોલન કરવાની જરૂર પડશે તેમ જણાવેલ છે.
હિંમતનગર સ્થિત
સાબરડેરીના નિયામક મંડળની સમિતિએ તાજેતરમાં દૂધના ભાવમાં ઘટાડો જાહેર કરતાં જ
જિલ્લાભરના પશુપાલક અને ખેડૂત પરિવારોમાં આઘાતની લાગણી ઉદ્ભવી છે. ડેરી સત્તાધીશોએ
દૂધ ઉત્પાદકોને વિશ્વાસમાં લીધા વિના કરેલો ભાવ ઘટાડો માન્ય નથી. તેમ જણાવીને
સંગઠને આજે શુક્રવારે મળેલી તેની રાબેતા મુજબની દૂધના ભાવ ઘટાડાના ડેરીના નિર્ણય
સામે લડી લેવાની રણનિતી ઘડી કાઢી હોવાનું જાણવા મળેલ છે.
ડેરી સત્તાધીશો
દિન-૧૦માં ભાવ ઘટાડો પરત કરવાનો નિર્ણય નહીં જાહેર કરે તો, તાલુકા અને જિલ્લા કક્ષાના સંગઠનના નેજા
હેઠળ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન આગળ ધપાવવાની પણ રણનીતિ ઘડી કાઢવામાં આવી
હોવાનું મનાય છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો, ખેડૂતો
અને તમામ દૂધ ઉત્પાદકોની જીવાદોરી સાબરડેરી છે. આ ડેરીના સત્તામંડળ માસ તા.
૧-૭-૨૦૨૦ બુધવારથી દૂધના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી
ખેડૂતો-પશુપાલકો વગેરે એક નવી આપદાનો ભોગ બન્યાનું માની રહ્યાં છે. ખેડૂતોના/દૂધ
ઉત્પાદકોના દાવા મુજબ પ્રવર્તમાન કોરોનાની મહામારીને કારણે ચારેક માસથી ઘઉં,
બાજરી, રાયડો, મકાઈ,
એરંડા, વરીયાળી, શાકભાજી
જેવા ખેત ઉત્પાદકોના પોષણભાવ મળ્યા નથી.
ટેકાના ભાવ કરતાંય નીચા ભાવે ક્યારેક ના છૂટકે ખેડૂતો માલ વેચવા મજબૂર બની
રહ્યાં છે. બીજી તરફ ડિઝલથી માંડીને ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓ તથા મજૂરીના
ભાવો પણ આસમાનને આંબવા મથી રહ્યાં છે.