વસાઈના ભોલેશ્વર મંદિરમાં દાનપેટીની રોકડ અને સાઉન્ડ સિસ્ટમની તસ્કરી
- મંદિર વારંવાર ચોરીથી સ્થાનિકોમાં રોષ
- મંદિરના પાછળના ભાગેથી ખેતરમાંથી દાનપેટીનો દરવાજો મળ્યો : પોલીસે તસ્કરોનું પગેરૂં મેળવવા તપાસ આદરી
ઈડર, તા. 26 જુલાઈ, 2020,
રવિવાર
ઈડરના વસાઈ ગામની સીમમાં
આવેલા ભોલેશ્વર મંદિરમાં શનિવારની રાત્રે ત્રાટકેલી તસ્કરો દાનપેટીની રોકડ રકમ તથા
સાઉન્ડ સીસ્ટમ ઉઠાવીને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે મંદિરના ટ્રસ્ટીની
જાણકારી બાદ પોલીસે તસ્કરોનું પગેરૂ શોધવા કવાયત આરંભી છે.
વસાઈ ગામની સીમમાં આવેલા
ભોલેશ્વર આશ્રમ સ્થિત ભોલનાથ તથા સાઈબાબા ના મંદિરમાં શનિવારની મધ્યરાત્રિએ તસ્કરો
ત્રાટકયા હતા. ખેતરોના રસ્તે થઈ મંદિર પરિસરમાં પ્રવેશેલા તસ્કરો સાઈબાબાના મંદિરની
દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી ગયા હતા. ઉપરાંત ભોલેનાથ દાદાના મંદિર આગળ દિવાલ
સાથજે ચિપકાવેલી સાઉન્ડ સિસ્ટમ પણ ઉઠાવી ગયા હતા. દરમિયાન રવિવારે વહેલી સવારે આશ્રમના
મહંત શ્યામસુંદર દાસજી તથા પુજારી દિનેશભાઈને ચોરીની આ ઘટના અંગે જાણકારી મળતાં જ મંદિરના
ટ્રસ્ટી કોદરભાઈ દેસાઈને જાણ કરાઈ હતી. જેને પગલે ટ્રસ્ટી સહિત ગામના સરપંચ-ડે.સરપંચ
તથા ગ્રામજનો મંદિરમાં દોડી ગયા હતા. બાદમાં ઈડર પોલીસને મંદિર ચોરીની આ ઘટના અંગે
વાકેફ કરાતાં પોલીસની ટીમ પણ દોડી આવી હતી. પોલીસ તથા ગ્રામજનોની તપાસમાં મંદિરના પાછળના
ભાગે આવેલ ખેતરમાંથી તસ્કરોના પગલાના નિશાન તથા થોડે દૂરથી દાન પેટીનો દરવાજો મળી આવ્યો
હતો. મંદિર ચોરીની આ ઘટનાને કારણે ગ્રામજનોમાં રોષ ઉભો થયો છે. આ અગાઉ પણ મંદિરમાં
બે વાર ચોરી થઈ છે. અને બંને વારની તપાસનું પોલીસે પિંડલું વાળી દીધું હોઈ તસ્કારો
ને મોકળું મેદાન મળી ગયું છે. ગામથી દુર આવેલા આ મંદિરમાં કાયમી હોમગાર્ડ પોઈન્ટની
માગણીને પણ તંત્ર દ્વારા ગણકારવામાં આવી નથી. જેને કારણે છાશવારે ચોરીના બનાવો બનતા
હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. મંદિરમાં વારંવારના ચોરીના બનાવોથી ત્રસ્ત ટ્રસ્ટીએ
બંદોબસ્ત ફાળવવાની માગણી સાથે આ ઘટના અંગે લેખિત ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી
છે.
ત્રીજાવાર ચોરીની ઘટના : બંદોબસ્ત ફાળવવાની માંગ
વસાઈ ગામની સીમમાં આવેલા
ભોલેશ્વર મંદિરમાં ત્રીજીવાર તસ્કરો હાથફેરો કરી ગયા છે. અગાઉની બંને ઘટના બાબતે પણ
પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે તસ્કરો સુધી પહોંચવામાં પોલીસના હાથ ટુંકા પડયા છે.
વારંવારની આ પ્રકારની ઘટનાઓને કારણે ટ્રસ્ટી મંડળે કાયમી રાત્રી હોમગાર્ડ પોઈન્ટ ફાળવવા
લેખિત માંગ કરી છે. અગાઉ આ જગ્યા પર રાત્રિ હોમગાર્ડ પોઈન્ટ રખાયો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પોઈન્ટ બંધ રાતાં
ફરીવાર ચોરીની ઘટના સામે આવી છે.