Get The App

ઇડર તાલુકામાં સિઝનનો નવ ઇંચ વરસાદ 38682 હેકટર વાવેતર સામે ખતરો

- વરસાદ ખેંચાતા પાક મુરઝાવા લાગતા ખેડૂતો ચિંતિત

- તાલુકામાં સૌથી વધુ મગફળી 20979, કપાસ 12469, સોયાબીન 1769 સહિત 34712 હેકટર વાવેતર કરાયું

Updated: Jul 29th, 2020

GS TEAM

Google News
Google News
ઇડર તાલુકામાં સિઝનનો નવ ઇંચ વરસાદ 38682 હેકટર વાવેતર સામે ખતરો 1 - image

ઇડર, તા. 28 જુલાઈ, 2020, મંગળવાર

ઇડર તાલુકામાં વરસાદ ખેંચાતાં મગફળી- કપાસ, સોયાબીન સહિત હજારો હેકટરના વાવેતર સામે ખતરો ઉભો થયો છે. સારા ઉત્પાદનની આશાએ દવા-બિયારણ- ખાતર પાછળ લાખોનો ખર્ચો વેઠનાર ખેડૂતોની આશા ઠગારી નિવડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જગતનો તાત વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યો છે. જો આગામી દિવસોમાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોએ મોટુ આર્થિક નુકશાન સહન કરવું પડશે. તાલુકામાં આજ દિન સુધીમાં માત્ર નવ ઇંચ વરસાદ નોંધાયો છે.

ઇડર તાલુકામાં ચાલુ વર્ષે વરસાદના આગમન સાથે જ સારા ચોમાસાની આશાએ ખેડૂતોએ મોટાપાયે મગફળી, કપા, સોયાબીન, તુવેર, મકાઇ તથા કેટલાક વિસ્તારોમાં દિવેલા જેવા પાકોનું વાવેતર કરી દીધું છે. આ વાવેતર માટે દવા-બિયારણ તથા ખાતર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે. જો કે તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

તાલુકામાં ૨૧ હજાર હેકટર જમીનમાં વાવેતર કરાયેલો મગફળીના પાકને હાલમાં પાણીની તાતી જરૂરીયાત છે. વાવેતર બાદ હાલ મગફળીના પાકમાં દાઢા ફુટવાનો સમય થયો છે, ત્યારે જો આ પાકને પાણી નહીં મળે તો ઉત્પાદન પર વિપરીત અસર થશે તેમ ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. ઉપરાંત અન્ય બીજા ચોમાસુ પાકોને પણ હાલમાં પાણીની જરૂરીયાત છે.

પરંતુ જરૂરીયાતના સમયે જ વરસાદ હાથતાળી આપી જતાં ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. તેવામાં જો હજુ પણ આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે તો ઉત્પાદન ક્ષેત્રે સહિત અનેક બાબતોમાં ખેડૂતોએ મોટુ આર્થિક નુકશાન સહન કરવું પડશે. ચાલુ વર્ષે ચોમાસાનો ધોરી મહિનો ચાલી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં માત્ર નવ ઇંચ (૨૩૦ એમ.એમ.) જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે.

તાલુકામાં કપાસના વાવેતરમાં ઘટાડો

એક સમયે કપાસ બિયારણના ઉત્પાદન ક્ષેત્રે રાજ્યભરમાં અગ્રેસર ઇડર તાલુકામાં દિન-પ્રતિદિન કપાસનું વાવેતર ઘટતુ જઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ ખેતી નિષ્ણાતો ગુલાબી ઇયળને ગણાવી રહ્યા છે. ગુલાબી ઇયળના આગમને કપાસનું વાવેતર કરતા ખેડૂતોને મગફળી સહિત અન્ય પાક તરફ વાળ્યા છે.

સિંચાઇની સગવડ હોય તો પાણી આપવું : ખેતીવાડી અધિકારી

હાલમાં વરસાદ ખેંચાતાં સિંચાઇની સગવડવાળા ખેડૂતોએ મગફળી સહિતના પાકને પાણી આપવું. વાવેતર બાદ હાલ પાકને દાઢા ફુટવાનો સમય ચાલી રહ્યો છે જેથી પાણીની તાતી જરૂરીયાત છે. જો આ પાકને સમયસર પાણી નહીં મળે તો તેની વિપરીત અસર ઉત્પાદન પર થશે તેમ ઇડરના ખેતીવાડી અધિકારી પિયુષભાઇ પટેલે જણાવ્યું હતું.

Tags :