સાબર ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવફેર પેટે રૂ. 360 કરોડ ચૂકવશે
- તા.20 જુન સુધીમાં સ્થાનિક ડેરીઓને રકમ મોકલી દેવાશે
- નિયામક મંડળની બેઠકમાં નિર્ણય : બંને જિલ્લાના ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને 11.60 ટકા ભાવફેર ચૂકવાશે : ગત વર્ષે સાબરડેરીએ. રૂ. 292 કરોડ દૂધ ઉત્પાદકોને ભાવફેરના ચૂકવ્યા હતાં
અમદાવાદ,તા.10
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે સાડા ત્રણ લાખથી વધુ
દૂધ ઉત્પાદકોએ ગત માર્ચ માસથી આ વર્ષના માર્ચ અંત સુધીમાં સ્થાનિક મંડળીઓ મારફતે સાબરડેરીને
જે દૂધ મોકલાવ્યુ હતું. જેમાં વર્ષ આખરે આ તમામ દૂધ ઉત્પાદકોને અગાઉની જેમ આ વર્ષે
ભાવફેર પેટે અંદાજે રૂ.૩૬૦ કરોડની રકમ ચૂકવશે.
જે અંગે ગુરૂવારે સાબરડેરીની મળેલી બોર્ડ ઓફ મીટીંગમાં
ચર્ચા કરાયા બાદ જનરલ સાધારણ સભાની મંજુરીની અપેક્ષાએ આ ભાવફેરની રકમ તા.૨૦ જુન
સુધીમાં સ્થાનિક ડેરીઓને એમટીના માધ્યમથી મોકલવામાં આવશે. જોકે આ રકમમાં સ્થાનિક
ડેરીઓએ કરેલા વેપારનો નફો ઉમેરાયા બાદ તેના હિસાબો કરીને દૂધ ઉત્પાદકોને તેમના
ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે.
સાબરકાંઠા અને
અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો સ્થાનિક મંડળીના માધ્યમથી દરરોજ બે ટાઈમ ગાય અને
ભેંસનું દૂધ ભરાવતા હોય છે. જોકે ગાય અને ભેંસના દૂધના ભાવમાં ફરક હોય છે. અને દૂધ
ઉત્પાદકોને દર દસ દિવસે દૂધના પેમેન્ટની ચૂકવણી બેંકમાં ગ્રાહકના ખાતામાં ટ્રાન્ફર
કરવામાં આવે છે. ત્યારબાદ તમામ ડેરીઓએ સંપાદન કરેલ દૂધને સ્થાનિક કક્ષાએ બીએમસી
યુનિટમાં ઠંડુ કરાયા બાદ તેને ટેન્કરો મારફતે સાબરડેરીમાં મોકલી આપવામાં આવે છે.
જ્યા આ દૂધમાંથી વિવિધ બનાવટો તૈયાર કરી વેચાણ અર્થે મુકવામાં આવે છે.
આખા વર્ષ દરમિયાન જે દૂધ ઉત્પાદકોએ લીટર મુજબ દૂધ ભરાવ્યુ
છે તેમને ભાવફેરની રકમ મળવાપાત્ર છે. જે મુજબ આ વર્ષે ગુજરાત મિલ્ક માર્કેટીંગ
ફેડરેશન ધ્વારા અગાઉના વર્ષોની જેમ ભાવફેરની રકમ ચૂકવાશે. જે મુજબ આ વર્ષે અંદાજે રૂ.૩૬૦
કરોડ એટલે કે અંદાજે ૧૧.૬૦ ટકા ભાવ ફેર દૂધ ઉત્પાદકોને મળશે. ગત વર્ષે સાબરડેરી
ધ્વારા દૂધ ઉત્પાદકોને અંદાજે ૨૯૨ કરોડ ચૂકવાયા હતાં. જે આ વર્ષે ગત વર્ષની
સરખામણીમાં ૬૮ કરોડ રૂપીયા વધુ છે. તેમ સાબર ડેરીના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યુ
હતું. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા અને અરવલ્લી
જિલ્લાની મોટાભાગની સ્થાનીક ડેરીઓ દૂધના સંપાદન સાથે ખાણ, દાણ,
ધી, ચા સહિત અન્ય જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓ
કિફાયત ભાવે વેચાતી હોય છે. સાથોસાથ ગામમાં લોકો દૂધ પણ સ્થાનિક ડેરીમાંથી બે ટાઈમ
લઈ જાય છે. જેના વેચાણ પેટે વર્ષ આખરે થતી રકમ અને ખર્ચ બાદ કર્યા પછી જે નફો વધે
તેને સાબરડેરીના નફા માં ઉમેરો કરી દૂધ ઉત્પાદકોને આપવામાં આવે છે. જેના લીધે બંને
જિલ્લામાં સક્ષમ અને સુદ્રઢ વહિવટ કરતી દૂધ મંડળીઓ પોતાના ગ્રાહકોને સરેરાશ ૨૦
ટકાથી વધુ ભાવફેર (નફા) સ્વરૂપે ચૂકવે છે.
ગત વર્ષ કરતા કિલોફેટે રૂ.૪૨ વધુ ચૂકવાયા
સાબરડેરી ધ્વારા દૂધ ઉત્પાદકોને ગયા વર્ષે કિલોફેટના રૂ.૭૭૦
મુજબ ચૂકવણી કરાઈ હતી. જે આ વર્ષે કોરોના કપરાકાળમાં પણ સાબરડેરીએ ભાવફેરની જે રકમ
ચુકવવાનું જાહેર કર્યુ છે. તેના પરથી ફલિત થયુ છે કે આ વર્ષે રૂ.૮૧૨ કિલોફેટ પ્રમાણે
ભાવફેર ચુકવાયો છે. જે ગત વર્ષની સરખામણીમાં કિલોફેટના રૂ.૪૨ વધુ છે.