હિંમતનગરની ખાનગી શાળાઓએ ફી નહીં ભરતા વિદ્યાર્થીઓને ૫રીક્ષા આપતા અટકાવ્યા
- શાળા સંચાલકો તો ફી માંગે કે ન માંગે ? ઉપાધી
- ડી.ઈ.ઓ. કચેરીમાં ફરિયાદ પહોંચતા તપાસના આદેશ કરાયા : શાળાઓ સામે અધિકારીએ કાર્યવાહી શરૂ કરી
હિંમતનગર,
તા. 10
ગુરૂવારથી ધો.૯ થી ૧ર ની પ્રિલીમ પરીક્ષા શરૂ થઈ છે ત્યારે હિંમતનગરની
એક સ્વનિર્ભર શાળાએ ફી ન ભરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતાં અટકાવ્યાની ફરિયાદ જિલ્લા
શિક્ષણાધિકારી કચેરી સમક્ષ પહોંચતાં ડી.ઈ.ઓ. દ્વારા તપાસના આદેશ અપાયા છે. કોરોનાના
કારણે છેલ્લા દોઢ-બે વર્ષથી વિદ્યાર્થી-વાલીઓ ફી ભરતા નથી અને પરીક્ષા સમયે ફી માંગે
તો વિભાગના અધિકારીને ફરિયાદ કરવામાં આવે છે.
ખાનગી શાળા સંચાલકો છેલ્લા કેટલાય સમયથી રાજ્યના શિક્ષણ વિભાગની
બેધારી નીતિ સામે ખફા છે. જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલકોએ ઓનલાઈન
શિક્ષણ કાર્ય આપી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને સુધારવાનો પ્રયાસ કર્યો તેમ છતાં
મોટાભાગની સ્વનિર્ભર શાળાઓને હજુ પણ ૮૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓની ફી બાકી છે. પ્રિલીમ
પરીક્ષા દરમ્યાન ફી આવશે તેવી ગણતરી હતી પરંતુ તા.૧૦ ફેબુ્રઆરીથી ધો.૯ થી ૧ર ની શાળાઓમાં
પ્રિલીમ પરીક્ષા શરૂ થઈ છે. જેમાં કેટલાક વિદ્યાર્થી-વાલીઓએ ફી ભરી ન હતી ત્યારે હિંમતનગરની
એક ખાનગી શૈક્ષણિક સંસ્થાએ ફી ન ભરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતાં અટકાવ્યા અને આ મામલો
સાબરકાંઠા ડી.ઈ.ઓ. કચેરી સમક્ષ પહોંચ્યો હતો. ફરિયાદ પછી તપાસના આદેશ આપવામાં આવ્યા
છે.
સાબરકાંઠા ડી.ઈ.ઓ. સંજયભાઈ વ્યાસે જણાવ્યું કે હિંમતનગર શહેરની
સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાએ ફી ન ભરતાં વિદ્યાર્થીને પરીક્ષા આપવા દીધી નથી તેવી ફરિયાદ
મને મળી છે અને આ અંગે તપાસ ટીમો મોકલવામાં આવી હતી.
પરંતુ તે શાળા સવારની
પાળીમાં ચાલતી હોવાથી તપાસ થઈ શકી નથી. તપાસ બાદ જરૂરી કાર્યવાહી થશે.
શું બાકી ફી હોય તો માંગવી ગુનો છે ? ઃ સંચાલકો
બંન્ને જિલ્લામાં સ્વનિર્ભર શાળા ઉપર ૩૦૦૦થી વધુ કર્મચારીઓનું
ગુજરાન ચાલે છે પરંતુ વિદ્યાર્થી-વાલી ફી ન ભરે તો સંચાલક ક્યાં સુધી દેવાં કરી સંસ્થા
ચલાવશે ?? અભ્યાસક્રમ
ઓનલાઈન કર્યા પછી બાકી ફી ભરવી જોઈએ અને ફી ન ભરે તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતાં
રોકવામાં આવે તો તંત્ર પગ પછાડીને સામે થાય છે. જેથી રોષે ભરાયેલા સંચાલકોએ જણાવ્યું
કે બાકી ફી હોય તે માગવી શું ગુનો બને છે ??
ફી નહીં ભરતા વાલીઓને ખોટું રક્ષણ અપાશે તો ખાનગી શાળાઓને ખંભાતી તાળાં વાગી જશે.