Get The App

ઉત્તર ગુજરાતમાં સંચાલક મંડળ સહિત 7 બેઠક માટે તા.૨૫મીએ મતદાન

- બોર્ડનો ચૂંટણી જંગ, મંગળવારે પરિણામ

- સંચાલક મંડળ, માધ્યમિક શિક્ષક અને વહીવટી સંઘની બેઠકો ઉપર રસાકસી

Updated: Sep 24th, 2021

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાતમાં સંચાલક મંડળ સહિત 7 બેઠક માટે તા.૨૫મીએ મતદાન 1 - image

હિંમતનગર, તા.23

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સાત બેઠકો માટે આવતી કાલ શનિવારે મતદાન યોજાવવાનું છે. ઉત્તર ગુજરાતમાં પણ બોર્ડની ચૂંટણીનો જંગ જીતવા ઉમેદવારોએ એડી ટોચનું જોર લગાવ્યું છે. ચૂંટણી પ્રચાર જોતાં સંચાલક મંડળ, માધ્યમિક શિક્ષક અને વહીવટી સંઘની બેઠકો ઉપર રસાકસીના આસાર છે. મતદાન યોજાયા પછી તા.ર૮ સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે.

બોર્ડનો ચૂંટણી જંગ જાહેર થયો અને કોરોનાનું ગ્રહણ લાગુ પડતાં અત્યાર સુધીમાં ત્રણવાર બોર્ડની ચૂંટણી મુલત્વી રાખવાની ફરજ પડી હતી. અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં વિવિધ સંવર્ગના ર૬ બોર્ડ સભ્યો ચૂંટાઈ આવતા હતા પરંતુ બોર્ડ સભ્યોનો હસ્તક્ષેપ વધ્યા પછી અધિકારી રાજ જળવાઈ રહે તે માટે વિવિધ સંવર્ગની ર૬ બેઠકોમાંથી માત્ર ૯ બેઠકો કરવામાં આવતાં ઝોનનું પ્રભુત્વ ભૂતકાળ થઈ ગયું અને સમગ્ર રાજ્યમાં બોર્ડની ચૂંટણી લડતા ઉમેદવારને મત માગવા જવું પડે તેવી સ્થિતિ આવી.

ચૂંટણી જાહેર થયા પછી ર બેઠકો બિનહરીફ થઈ અને ૭ બેઠકો માટે તા.રપ સપ્ટેમ્બરે નિયત કરાયેલા મતદાન મથકો ઉપર મતદાન યોજાવવાનું છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં સંચાલક મંડળ, માધ્યમિક શિક્ષક, વહીવટી સંઘ, ઉત્તર બુનિયાદી બેઠક, વાલી મંડળ સહિતની બેઠકો ઉપર ખરાખરીનો જંગ જામશે. પરંતુ સૌની નજર સંચાલક મંડળની બેઠક ઉપર ટેકવાયેલી છે.

જે રીતે ઉમેદવારો અને તેમના ટેકેદારોએ ગામડાઓ ખુંદી મતદારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તે જોઈને કોઈપણ ઉમેદવાર જીતનો દાવો કરવા અત્યારે સમર્થ જણાતા નથી. મતદાન યોજાયા પછી તા.ર૮ સપ્ટેમ્બર, મંગળવારે મત ગણતરી યોજાશે.

અરવલ્લી જિલ્લામાં ૧૯૩ મતદારો, ૪ મતદાન મથક

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ સંવર્ગની શનિવારે ચૂંટણી યોજાવવાની છે જેમાં અરવલ્લી જિલ્લામાં સંચાલક મંડળના ૧૯૩ મતદારો નોંધાયા છે. જિલ્લામાં ધનસુરા જે.એસ.મહેતા હાઈસ્કુલ(બાયડ-ધનસુરા તાલુકો), સી.જી.બુટાલા હાઈસ્કુલ-મોડાસા(મોડાસા-માલપુર તાલુકો), મેઘરજ પી.સી.એન. હાઈસ્કુલ(મેઘરજ તાલુકો) અને ભિલોડાની આર. જે. તન્ના પ્રેરણા વિદ્યાલય(ભિલોડા તાલુકો)ના મતદારો મતદાન મથક ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Tags :