હડીયોલ પંચાયતના ગૌચરની જમીનની માટી સગેવગે કરવા મુદ્દે હાઇકોર્ટમાં પીઆઇએલ
- રાતોરાત જેસીબીથી માટી ઉઠાવીને વેચી મારી હોવાનો આક્ષેપ
- આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી થશે : ગાંધીનગર અને સ્થાનિક અધિકારીઓને રજૂઆતો છતાં ઉકેલ ન આવ્યો
અમદાવાદ, તા.25 જૂન, 2020,
ગુરૂવાર
હિંમતનગર તાલુકાના
હડીયોલ ગામના દોલ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા ગૌચરની માટી રાતોરાત પંચાયતના
પદાધિકારીઓએ વેચી દીધી હોવાના આક્ષેપ થયા છે. ત્યારે ગુરૃવારે ગામના એક જાગૃત
નાગરીકે હિંમતનગરના ધારાસભ્યને રજુઆત
કરીને ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ મામલે હાઇકોર્ટમાં પણ પીઆઇએલ થઇ છે. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે .આ
અંગે હડીયોલ ગામના રહીશ અને જાગૃત નાગરીક નરસિંહભાઈ ડાહ્યાભાઈ પટેલે ગુરૂવારે
હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સમક્ષ કરેલી લેખિત રજુઆતમાં કરેલા આક્ષેપ
મુજબ હડીયોલ ગામના ગૌચર કે બીડ તરીકે ઓળખાતી જમીનમાં રેતીનો પુષ્કળ જથ્થો હોવાથી
પંચાયતના પદાધિકારીઓ અને જવાબદાર સરકારી કર્મચારીએ એકબીજાની મીલીભગતથી લોકડાઉન
દરમિયાન અંદાજે રૂ.૨ કરોડની માટી ગત તા.૧૨-૫-૨૦૨૦ ના રોજ જેસીબી, હિટાચી અને ડમ્પરોને મારફતે માટી ભરી જઈને
અન્ય લોકોને વેચી દીધી છે.
એટલુ જ નહી પણ આ
પદાધિકારીઓએ સર્વે નં.૧૩૩૧ માં ઉંડી જમીનનું પુરાણ પણ ગૌચરની માટીથી કરી દીધુ છે.
ગૌચરના ખોદકામ અગાઉ કોઈ સરકારી પરવાનગી પણ લેવામાં આવી નથી.
આ ઉપરાંત પંચાયતના
પદાધિકારીઓ ધ્વારા જો કોઈ તેમના પર આક્ષેપ કરેતો તેને આડકતરી રીતે ધમકી અપાતી
હોવાની પણ ફરીયાદ ઉઠવા પામી છે ત્યારે ગત જુન માસની તા.૮-૬-૨૦૨૦ ના રોજ આ અંગે
ગાંધીનગર સ્થિત જમીન મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ લેખિતમાં રજુઆત કરાઈ છે.
તથા સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટે ગામના આ જાગૃત નાગરીકે હાઈકોર્ટમાં તા.૩ જુનના
રોજ પીઆઈએલ કરીને દાદા માગી છે. જેનો પીઆઈએલ છે જેથી આગામી દિવસોમાં હાઈકોર્ટમાં
કેસની સુનાવણી હાથ ધરાશે. હાલ તો આ કેસ ન્યાયાધીશ આર.એન.છાયા તથા ઈલેશ વોરાની
કોર્ટમાં તમામ દસ્તાવેજોની ચકાસણી થઈ રહી છે.