ચાર દિવસ બાદ પણ પોલીસે લંપટ જૈન સાધુઓની ધરપકડ ન કરતાં જૈન સમાજની મહિલાઓમાં રોષ ભભૂક્યો
- વીડિયોના પુરાવા નજર સામે હોવા છતાં પોલીસ ધરપકડ ટાળવા સમય પસાર કરી રહી હોવાનો જૈન અગ્રણીઓનો આક્ષેપ
- લંપટ જૈન સાધુઓની ધરપકડ કરવા મહિલાઓનું આક્રોશભેર આવેદન
ઇડર, તા. 26 જૂન 2020, શુક્રવાર
ઇડરના પાવાપુરી જલમંદિરના બે જૈન સાધુઓએ અનુયાયી મહિલા સાથે મંદિર પરિસરમાં જ કામલીલા આચરી હોવાનું ફરિયાદ નોંધાયાના ચાર દિવસ વિત્યા છતાં ધરપકડ ન થતાં જૈન સમાજની ૧૦૦થી વધુ મહિલાઓ પ્રતિનિધિ મંડળ સાથે આજે બન્ને લંપટ સાધુઓને સાંસારિક કપડાં પહેરાવીને જેલમાં નાખી દો તેવી માંગ સાથે નાયબ કલેક્ટર અને પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું.
આગેવાનોએ રોષભેર જણાવ્યું હતું કે, જૈન સાધુ ક્યારેય કોઈ બહેન-દીકરીને હાથ અડકાવતા નથી. અહીંથી આજ પ્રકારની પ્રવૃતિ ચાલતી હોવાથી સમાજની બહેન-દીકરીઓએ આસૃથાના પ્રતીક સમા મંદિરમાં જવાનું ટાળી દીધું છે. જેથી જૈન શાસન તથા બહેન-દીકરીઓને બચાવવા તંત્ર આગળ આવે નહીંતર આનુ પરિણામ સારું નહીં આવે તેવી ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, વાઇરલ થયેલો વિડિયો મોટો પુરાવો હોવા છતાં પણ ચાર દિવસાૃથી પોલીસતંત્ર યેનકેન પ્રકારે બન્ને સાધુઓને પરિસરમાં નજરકેદ રાખી ધરપકડ ટાળવામાં આવી રહી છે. પોલીસની નીતિ-રીતિથી અકળાયેલા સ્થાનિક જૈન સમાજની મહિલાઓના એક પ્રતિનિધિ મંડળ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને તેઓએ નાયબ કલેકટર અને પીઆઈને રજૂઆત કરી બંને લંપટ સાધુઓને કડકમાં કડક સજા કરવાની વાત મૂકી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, બંને લંપટ સાધુઓને બચાવવા માટે સમગ્ર પ્રકરણ બહાર લાવનાર અને ફરિયાદ નોંધાવનાર ડૉ. આશિત દોશીને ફસાવવાનો કારસો રચાઈ હોવાનો જૈન સમાજે આક્ષેપ કર્યો છે. અને સમાજ આશિત દોશીની લડાઈમાં પડખે હોવાનું પણ જણાવ્યુ હતું.
પોલીસ સાધુઓના વકીલની જેમ વર્તી રહી છે : જૈન સમાજ
ફરિયાદના ચાર-ચાર દિવસ પછી પણ સાધુઓની ધરપકડને મામલે પોલીસે પીછેહઠ કરતાં જૈન સમાજ રોષે ભરાયો છે. જૈન અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ સાધુના વકીલની જેમ વર્તી, પુરાવો નજર સામે હોવા છતાં પુરાવાને નામે સમય પસાર કરી રહી છે. સામાન્ય માણસ સામે ડંડા પછાડતી પોલીસ આ અતિગંભીર બાબત છતાં કેમ ઘુંટણીયે પડી ગઈ છે તે સમજવું મુશ્કેલ છે. જેથી આ ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારી કે કોઈ અન્ય એજન્સી મારફતે થાય તેવી પણ જૈન સમાજે માંગ કરી છે.
સુરતની અનુયાયી મહિલા સામે કાર્યવાહી કરવા માંગ
જૈન સમાજે પવિત્ર જગ્યામાં અપવિત્ર હરકત કરતા બંને સાધુ સહિત મહિલા સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. સમાજના મતે આ સાધુ જૈન ધર્મમાં આસ્થા રાખતા નાગરિકો સહિત મંદિરમાં જતી મહિલાઓ માટે જોખમી છે. જૈન ધર્મની આસ્થાને ચોટ પહોંચાડનાર આ તમામ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી.
ઘણી બહેનોએ મંદિરમાં જવાનું બંધ કરી દીધું : સુધાબેન દોશી
ઇડરના જૈન મહિલા સંઘના પ્રમુખ સુધાબેન દોશીએ જણાવ્યું હતું કે, પાવાપુરીના આ બે સાધુ વર્ષોથી લંપટગીરિ કરતા આવ્યા છે. મહિલાઓના માથા તથા શરીર પર હાથ ફેરવવાની તેઓની ટેવને કારણે અસંખ્ય મહિલાઓએ મંદિરમાં જવાનું બંધ કરી દીધું હતું. આવા લંપટોને કપડા પહેરાવી અહીંથી રવાના કરી દેવા જોઇએ. તંત્ર આવા વ્યભિચારીઓની ચુંગાલમાં ફસાતી બહેન દિકરીઓને તથા જૈન શાસનને બચાવવા તાકિદે ધરપકડ કરે તેવી તેઓએ માંગ કરી હતી.