સાબરકાંઠામાં ટેકાના ભાવે મગફળી વેચવા પ્રથમ દિવસે ગણ્યાગાઠયા જ ખેડૂતો આવ્યા
- જિલ્લા સાત કેન્દ્રો પર ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ પરંતુ નહીંવત આવક
- જિલ્લાના અંદાજે 23124 ખેડુતોએ મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું, હિંમતનગરમાં માત્ર ચાર ખેડૂતો મગફળી વેચવા આવ્યાઃ અન્ય માર્કેટ યાર્ડોમાં પણ માત્ર અધિકારીઓ જોવા મળ્યા
હિંમતનગર, તા. 1 નવેમ્બર 2019, શુક્રવાર
સાબરકાંઠા જિલ્લામાં મગફળી પકવતા ખેડુતોને વ્યાજબી અને પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકાર ધ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે સાત કેન્દ્રો મંજુર કર્યા છે. અને દિવાળી અગાઉ આ ખરીદ કેન્દ્રો પર મગફળી વેચવા માટે જિલ્લાના અંદાજે ૨૩૧૨૪ ખેડુતોએ નોંધણી કરાવી હતી. ત્યારબાદ લાભ પાંચમથી જિલ્લાના સાત ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૃ કરાઈ હતી. પ્રથમ દિવસે હિંમતનગર માર્કેટયાર્ડમાં મેસેજ કરી બોલાવાયેલા ૨૦ ખેડુતો પૈકી ફક્ત ચાર ખેડુતો મગફળી વેચવા આવ્યા હતા. અન્ય ખરીદ કેન્દ્રો પર ખેડુતોએ મગફળી વેચવામાં નિરસતા દાખવી હોવાનું જણાયું છે.
આ અંગે જિલ્લા પુરવઠા નિગમના સુત્રોમાંથી જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે અંદાજે ૨૩૧૨૪ ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે દિવાળી અગાઉ સત્તાવાર વેબસાઈટ પર નોંધણી કરાવી હતી. ત્યારબાદ સરકારે કરેલી જાહેરાત મુજબ શુક્રવારને લાભપાંચમના દિવસથી જિલ્લાના નક્કી કરાયેલા સાત ખરીદ કેન્દ્રો પર ખેડુતો પાસેથી મગફળી ખરીદવા માટે પુરવઠા નિગમના આઠ કર્મચારીઓને ફરજ પર તહેનાત કરી દેવાયા છે.
દરમ્યાન હિંમતનગર માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે ૨૦ ખેડુતોને મેસેજ કરીને બોલાવાયા હતા ૫રંતુ તે પૈકી ફક્ત ચાર ખેડુતો મગફળી વેચવા માટે આવ્યા હતા જેથી તેમની પાસેથી પુરવઠા નિગમના કર્મચારીઓએ અંદાજે ૨૦૦ બોરીથી વધુની મગફળી પ્રતિ ૨૦ કિલોના રૃા.૧૦૧૮ના ભાવે ખરીદી હતી. જોકે હિંમતનગર સિવાયના પ્રાંતિજ, તલોદ, સલાલ, ઈડર, વડાલી, અને ખેડબ્રહ્માં માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડુતો દેખાયા ન હોવાનું આધારભુત સુત્રોમાંથી જણાવાયું છે.
ગત વર્ષની જેમ મગફળી ભરવાના બારદાનની તંગી ન ઉભી થાય તે આશયથી પુરવઠા નિગમ ધ્વારા જીલ્લામાં અંદાજે ૬ લાખ બારદાન અગાઉથી જ મંગાવીને સ્ટોક કરી દેવાયો છે. આ બારદાનનો ઉપયોગ મગફળી ભરવા માટે કરાશે. અને જે ખરીદ કેન્દ્ર પરથી માંગણી આવશે તેમને મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે મગફળી ખરીદવાના કેન્દ્રો પર સરકારે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૃા.૧૦૧૮ મુકરર કર્યો છે.
ખરીદ કેન્દ્રોમાં મગફળી વેચવામાં ખેડુતોની ઉદાસીનતા
જે ગત વર્ષ કરતા ફકત રૃા. ૧૮ વધુ છે.તો બીજી તરફ હરાજીમાં વેચાતી મગફળીનો ભાવ ટેકાના ભાવ કરતા વધુ હોવાથી ખેડુતો હાલ તો નોંધણી કરાવી હોવા છતાં ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું પસંદ કરે છે. શુક્રવારે હિંમતનગર માર્કેટયાર્ડમાં કેટલાક ખેડુતોએ મગફળી રૃા.૧૦૯૬ ના ભાવે વેચી હતી.તેના લીધે બજારમાં ઉંચા ભાવ મળતા હોવાથી ખેડુતો ખરીદ કેન્દ્રો મારફતે મગફળી વેચવા માંગતા નથી. તેવુ ખેડુતોનુ કહેવુ છે.