પ્રાંતિજ એપ્રોચ રોડની ગટરોની સફાઈ કરવામાં પાલિકાના ઠાગાઠૈયા
- કેટલાંક સ્થળોએ કચરાના ઢગ પણ ખડકાયા
- દુર્ગંધ મારતી અને ખુલી ગટરોથી મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળા ફેલાવવાની ભીતિ
પ્રાંતિજ,તા.28 જૂન, 2020,
રવિવાર
ચોમાસા પૂર્વે પ્રાંતિજ
નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોની ગટર લાઈનની સફાઈ હાથ ધરવામાં આવી છે ત્યારે
શહેરના મુખ્ય માર્ગ એવા એપ્રોચ રોડ પર આવેલી ખુલ્લી ગટરની સફાઈને લઈને પ્રાંતિજ
પાલિકાના સત્તાધિશો આંખ આડા કાન કરે છે જેને લઈને આ વિસ્તારમાં મચ્છરોનો ભારે
ઉપદ્રવ જોવા મળે છે અને રોગચાળો ફેલાવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાંતિજ નગરપાલિકાના સત્તધિશો પ્રાંતિજ શહેરના
વિધિધ વિસ્તારોમાં ફેલાતી ગંદકી અને ખુલ્લી ગટર લાઈનની સફાઈને લઈને આંખ આડા કાન કરે છે પ્રાંતિજ શહેરના મુખ્ય
માર્ગ એવા એપ્રોચ રોડ પર એક ધાર્મિક દેવસ્થાનની પાસે આવેલી ખુલ્લી ગટરને લઈને
હંમેશને માટે ત્યાં આ ખુલ્લી ગટરોમાં કચરાના ઢગ જોવા મળે છે તેમજ આ ગટરની નિયમિત
સફાઈ થતી ન હોવાને કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળે છે અને ગટર
ખુલ્લી હોવાને કારણે ભારે દુર્ગંધ મારે છે જેને લઈને આસપાસ વિસ્તારમાં રહેશોમાં
રોગચાળો ફેલાય તેવી આશંકા પ્રવર્તે છે.
આ માર્ગ પરથી શહેરના
હજારો નગરજનો પસાર થાય છે તેઓ પણ આ દુર્ગધને સહન કરી ચાલ્યા જાય છે પરંતુ
નગરપાલિકામાં આ અંગે કોઈ રજૂઆત કરતું નથી.તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગ
જોવા મળે છે છતાં પાલિકાના વહિવટી તંત્રને કોઈ અસર થતી નથી. જિલ્લાનું વહિવટી
તંત્ર પણ આવી પાલિકાઓ પર કોઈ ધ્યાન આપતું નથી કે સમયાંતરે ગામના વિવિધ વિસ્તારોની
મુલાકાત પણ લેવામાં આવતી નથી. એક તરફ પ્રાંતિજ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની
સંખ્યા ૧૦ પર પહોંચી છે છતાં પાલિકાનું વહિવટી તંત્ર કુંભકર્ણની ધોર નિંદ્રામાં
હોય તેવું લાગે છે.