હિંમતનગર શહેરના માર્ગો ઉપર મસમોટા ખાડાનું સામ્રાજ્ય : લોકો ત્રાહીમામ
- વરસાદના સપ્તાહ બાદ પણ ઠેરઠેર ખાડા
- મોતીપુરા વિસ્તાર, મહાવીરનગર, સહકારી જીન, ખેડ નસીયા રોડ, મહેતાપુરા સિવિલ સર્કલ સહિતના વિસ્તારમાં રોડ પર ખાડાથી લોકોને મુશ્કેલી
અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર,
2020, ગુરૂવાર
સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં
વરસાદના સપ્તાહ બાદ પણ શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય હજુ પણ
યથાવત છે. મોતીપુરા વિસ્તાર, મહાવીનગર
સહિતના વિસ્તારોમાં ખખડધજ રોડથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. વહીવટી તંત્રના અધિકારીઓ
અને રાજકીય નેતાઓની અવરજવર છતાં ખખડધજ રોડથી લોકોમાં આક્રોશ ફેલાયો છે અને રોડની મરામત
કરવા માંગ ઉઠી છે. હિંમતનગર શહેરમાં પાલીકા, પીડબલ્યુડી કે નેશનલ
હાઇવે હસ્તકના તમામ રાજમાર્ગો બિસ્માર બની ગયા છે કે, રાહદારીઓ
સહિત વાહનચાલકોને પસાર થવા સમયે સતત અકસ્માતનો ભય સતાવે છે. તો અંધારામાં વાહન ચાલકો
માટે જાણે અકસ્માતને નોતરૃ આપવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેમ છતાં એક પણ
જવાબદાર તંત્ર દ્વારા તાકીદે કોઇ કાર્યવાહી ન કરતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો
છે.
હિંમતનગર શહેરમાં પાલિકા
તંત્ર હસ્તકના મોતીપુરા વિસ્તાર, મહાવીરનગર
વિસ્તાર, સહકારી જીન, ખેડ તસીયા રોડ,
ગાયત્રી મંદિર રોડ, ટાવર ચોક, પાંચબત્તી, જુના બજાર, મહેતાપુરા
સિવિલ સર્કલ સહિત રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં સોસાયટીના મુખ્ય રસ્તાઓ પર
એકથી પાંચ ફૂટ સુધીના મસ મોટા ખાડાઓ નજરે પડે છે. તેમજ શહેરી વિસ્તારોમાં જોડાયેલા
વિવિધ સ્ટેટ અને નેશનલ હાઇવે માર્ગો ઉપર વચ્ચેના મુખ્ય રસ્તા પણ બિસ્માર છે.
હિંમતનગર શહેરમાં અનેક
મુખ્ય રસ્તાઓ વરસાદના કારણે ધોવાઇ ગયા છે. તો ચોમાસા પૂર્વે બિસ્માર રસ્તાઓ પર
ખાડાઓ પુરવા તંત્ર દ્વારા લાખોનો ખર્ચે પેચવર્ક કર્યાનું નાટક કરાયું હતું. પરંતુ
જાણે મેઘરાજાએ તંત્રની વેઠ ઉતારતી કામગીરીનો પોલ ખોલી હોય તેમ સામાન્ય એવા પડેલા
વરસાદમાં જ પેચવર્ક કરાયાની સાથે થોડા સમય પૂર્વે બનેલા રસ્તાઓમાંથી કપચી, રેતી અને ડામર વરસાદી પાણીમાં ધોવાઇ ગયાં
છે. શહેરના આંતરિક અને બહારની ભાગના રસ્તાઓમાં ખાડા છે કે પછી ખાડાઓમાં રસ્તો તે
પ્રશ્ન લોકો તંત્રને પુછી રહ્યા છે.
હાઇવે પર દોડતા મોટા
વાહનોને દસ કિ.મી.નું નેશનલ હાઇવેનું અંતર કાપતા ૩૦ મિનિટથી વધુ સમય લાગી રહ્યો
છે. જે અંગે વાહનચાલકોએ અનેકવાર ફરિયાદો કરી હોવા છતાં રીપેરીંગ કામ ન થતા રોષે
ભરાયેલા ચાલકો નજીકના ટોલબુથ પર કર્મચારીઓ સાથે બિસ્માર રસ્તાને લઇ બાખડવાના
વારંવાર બનાવો બની રહ્યા છે.