Gujarat

મંડવાલની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

By GS Team
1 Dec 20212 mins read
This article was originally published on 1 Dec 2021
મંડવાલની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

હિંમતનગર તા. 30

ઉદેપુર જીલ્લાના કોટડા છાવણી તાલુકાના મંડવાલ ગામની પરણીતાએ પતિ સહિત સાસરીયાઓ દ્વારા ખોટો વ્હેમ રાખી શારીરીક માનસિક ત્રાસ ગુજારાતા હિંમતનગર તાલુકાના ગઢા ગામમાં ઘાસમાં છાટવાની દવા પીધા બાદ મરણ જતા પરણીતાના પિતાએ પતિ સહિત સાસરીયાઓ વિરૂધ્ધ મરણ જવા સુધીના દુષ્પેરણ અંતર્ગત હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડબ્રહ્મા તાલુકાના ખેરીવાવમાં નીચલા ફળીયામાં રહેતા સંગ્રામભાઈ હોનાભાઈ ખોખરીયાની દિકરી દક્ષાબેન ઈશ્વરભાઈ ગમારના આજથી ત્રણેક વર્ષ અગાઉ ઉદેપુર જિલ્લાના કોટડા છાવણી તાલુકાના મંડવાલ ગામમાં રહેતા ઈશ્વરભાઈ ધર્માભાઈ ગમાર સાથે સમાજના રીત રીવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન જીવનના શરૂઆતના એકાદ વર્ષ દરમ્યાન પતિ સહિત સાસરીયાઓએ સારી રીતે વ્યવહાર કરતા હતા. દરમ્યાન લગ્ન જીવનના એક વર્ષ બાદ દક્ષાબેનને પતિ ઈશ્વરભાઈ ગમાર તથા સાસુ તથા ધર્માભાઈ નાંણાભાઈ ગમાર (સસરા) તથા જેઠ અમરતભાઈ ધર્માભાઈ ગમારે દક્ષાબેન ઉપર ખોટો વ્હેમ રાખી શારીરીક માનસિક ત્રાસ આપતા હતા. દરમ્યાન ગત રોજ તા. ૨૬-૧૧-૨૦૨૧ના રોજ હિંમતનગર તાલુકાના ગઢા ગામમાં દક્ષાબેને ઘાસમાં છાંટવાની દવા પી ગયા હતા. જેને પગલે તેમને હિંમતનગરની સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના ર્ડાકટરે દક્ષાબેન ગમારને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે દક્ષાબેનના પિતાએ દિકરીના પતિ, સાસુ-સસરા તથા જેઠ વિરૂધ્ધ દિકરી ઉપર ખોટો વ્હેમ રાખી હેરાન પરેશાન કરી ત્રાસ આપી મરી જવા સુધીનો દુષ્પેરણ અંતર્ગત હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.