For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડીમાં રસ્તાના મુદ્દે ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચિમકી

૨ કિમીના પાકા રોડ માટે બે દાયકાથી ટળવળતા ગ્રામજનો

સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો

Updated: Dec 16th, 2018

પ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડીમાં રસ્તાના મુદ્દે ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચિમકી તલોદ, તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮, શનિવાર

પ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડી ગામના લોકો લગભગ બે દાયકાથી માત્ર ૨ કિમી જેટલા પાકા ડામરરોડની સુવિધા માટે ટળવળી રહ્યા છે રોડ અને નદીમાંથી આવન-જાવન માટે મીની પુલની પંથકની માંગને સંસદસભા અને ધારાસભ્યએ પણ વેગ આપ્યો છે છતાંય સરકારે આજ દિન સુધી પંથકની માંગણી પુરી નહીં કરી હોવાથી હવે આક્રોશમાં આવેલા ગામ લોકો રોડ નહિ તો વોટ નહિં નો નિરધાર કર્યો છે.

પ્રાંતિજ તાલુકાના તલોદ નગરથી આઠેક કિમીના અંતરે આવેલા અમલાની મુવાડી પંથકના પ્રજાજનો અમલાની મુવાડીથી ટાંટરડા સુધીના માત્ર ૨ કિમી જેટલા ડામર રોડની સુવિધા વર્ષોથી ઝંખી રહ્યા છે. તેઓને આ રોડ થાય તો તલોદ બજારમાં આવનજાવન માટેની સુવિધા મળે તેમ છે.

અત્યારે આ ગામની આ સમસ્યાવાળા રોડ પર ઘણા વર્ષો પહેલાં મેટલીંગ કામ કરવામાં આવ્યું હતું. જ્યાંના મસમોટા મેટલ પ્રજાના જાનમાલને ભારે હાની પહોંચાડી રહ્યા છે. અહીં માત્ર ૨ કિમીના રોડ માટે રાજ્ય સરકાર અને નેતાઓ સામે રઝળપાટ કરતા આ પંથકના પ્રજાજનોની વેદના આજ દિન સુધી જવાબદાર તંત્રના બહેરા કાને પડી જ નથી.

જેથી હવે ચૂંટણી ટાણે મત મેળવવા દોડી જઈ, રાત દિવસ ઉધામા કરતા રાજકીય નેતાઓને આપદા પ્રતિ નજર માંડવાની ફરજ પડે તે માટે રોડ નહિ તો વોટ નહિના નારા લગાવી આજે પંથકમાંથી પસાર થતી ખારી નદીના પટમાંથી ધસી જઈને દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

આઠ માસ પર અમલાની મુવાડી ગ્રામ પંચાયતના સરપંચ બળદેવસિંહ ઝાલાએ સંસદ સભ્ય દિપસિંહ રાઠોડને તથા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને પત્ર લખીને ત્રણેક માગણીઓ વણઉકલી રહી હોવાથી તાકિદે યોગ્ય કરવા ભલામણ અને અરજ કરી હતી.

જેમાં (૧) અમલાની મુવાડીને રેવન્યુ વિલેજ જાહેર કરવા (૨) અમલાની મુવાડીથી તલોદ જવા ટાંટરડા સુધીના ડામરરોડનું નિર્માણ કરવા તથા ખારી નદી ઉપર મીનીપુલની સુવિધા ઉપલબ્ધ કરાવવા તથા ગામના કેટલાંક વિસ્તારોનું ચોમાસામાં ધોવાણ થતું હોવાથી તેને અટકાવવા પૂર નિયંત્રણ યોજના અન્વયે સંરક્ષણ દિવાલ બનાવવા જેવી માગણીઓનો સમાવેશ થાય છે.

Gujarat