સાબરકાંઠામાં માવઠા સાથે પવને રવી પાકનો સોથ વાળ્યો
- ઘઉં, વરીયાળી અને દિવેલાના તૈયાર પાકને વંટોળીયાએ જમીનદોસ્ત કરતા ઉત્પાદન પર અસર થવાની ભીતિ
- હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના અન્ય સ્થળે 3થી 6 મીમી સુધી વરસાદી ઝાપટાં પડયા
હિંમતનગર, તા.6 માર્ચ, 2020, શુક્રવાર
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી
વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ અચાનક ગુરૂવારે સાંજના સુમારે અચાનક આકાશમાં વાદળો ચઢી
આવવાને કારણે મોડી સાંજે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે વરસાદનું ઝાપટુ પડયું હતુ.
જેના લીધે ખેડુતોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને મોટાભાગના ખેડુતો મોં મા આવેલો કોળીયો
ઝુંટવાઈ જવાની બીકથી ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. જોકે શુક્રવારે પણ જાણે કે વરસાદી
માહોલ રહ્યો હોય તેમ આકાશ વાદળોથી છવાયેલુ રહ્યું હતુ જેના લીધે દિવસનું તાપમાન ઘટી જવા પામ્યું હતું જિલ્લામાં
અનેક ઠેકાણે પડેલા કમોસમી વરસાદ તથા પવનને લીધે ઘઉનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. હવામાન
વિભાગના જણાવાયા મુજબ શનિવારથી આકાશમાં ઘોરંભાયેલા વાદળો વિખરાઈ જવાની શક્યતા છે જેને
લઈને આકાશ સ્વચ્છ બની જશે.
સાબરકાંઠા જિલ્લામાં ગુરૂવારે
વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ સાંજના સુમારે જોરદાર પવન સાથે વરસાદના છાંટા શરૂ થઈ ગયા
હતા શરૂઆતના તબક્કામાં એટલે કે સાંજે સાત વાગ્યાના સુમારે ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર સહિત પોશીના તથા વિજયનગર પંથકમાં
શરૂ થયેલા વરસાદને લીધે લોકોએ ઠંડી મહેસુસ કરી હતી દરમ્યાન ગુરૂવારે હિંમતનગર સહિત
જીલ્લાનું તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યો હતો જોકે સવારે
તાપમાનનો પારો ગગડી જતા લોકોને ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી હતી કમોસમી વરસાદને
લીધે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે ઘઉનો પાક તૈયાર થયો છે તે પૈકી મોટાભાગનો પાક
પવનને લીધે જમીનદોસ્ત થતા ખેડુતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
જિલ્લા ખેતીવાડી વિભાગના
જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં અંદાજે 10 હજાર હેકટરથી વધુ જમીનમાં ઘઉના પાકનું વાવેતર થયું હતુ જોકે અત્યારે તે
પૈકી મોટાભાગના ઘઉમાં ખેડુતો છેલ્લુ પીયત આપી રહ્યા છે જેના લીધે આવા ખેડુતોને
કમોસમી વરસાદને લીધે નુકસાન થવાની શક્યતા ઓછી ગણી શકાય તેમ છતાં જીરૂ, વરીયાળી, દિવેલાના પાકને પવનને કારણે નુકસાન થયું
છે. હિંમતનગર તાલુકાના રાજપુર, જામળા, કાંકણોલ,
શેરડીટીંબા સહીતના અન્ય ગામોમાં ગુરૂવારે રાત્રે પડેલા કમોસમી
વરસાદના ઝાપટાને લીધે નુકસાન થયાનું અનુમાન છે
આ ઉપરાંત જીલ્લાના
પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના
પંથકમાં પણ મોડી રાતે કમોસમી વરસાદ થયાના અહેવાલ સાંપડયા છે જોકે તે વિસ્તારોમાં
થયેલા માવઠાને કારણે કેટલુ નુકસાન થયુ તેની વિગતો જાણી શકાઈ નથી.દરમ્યાન અત્યારે
આવા વાતાવરણને લીધે જ ખેડુતોને ઘઉનો પાક તૈયાર થઈ ગયો છે તે ખેડુતો હાલ પુરતી ઘઉની
કાપણી કરવાનું મુલત્વી રાખી રહ્યા છે. એટલુ જ નહી પણ પંચમહાલ, દાહોદ તરફથી આવતા ખેતમજુરો મોટેભાગે હોળી-ધુળેટીના તહેવારો બાદ આવતા
હોવાથી જિલ્લાના ખેડુતો તેમની રાહ જોઈને બેઠા છે.મળતી માહિતી મુજબ સાબરાંઠા
જિલ્લામાં ગુરૂવારે રાત્રે અનેક ઠેકાણે સરેરાશ 3 થી 5 મીમી વરસાદ પડયો હતો.