હિંમતનગર તાલુકા પંચાયતની સભામાં ચાઇનિઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય
- મનરેગાના કામો માટે રૂ.293.37 લાખ ખર્ચાયા
- સામાન્ય સભામાંથી પ્રમુખ બહાર નિકળી જતા વિરોધપક્ષનો દેકારો : કેટલાંક સભ્યોએ પ્રમુખને પરત બોલાવ્યા
અમદાવાદ, તા.26 જૂન, 2020,
શુક્રવાર
ગુજરાતમાં કેટલીક ગ્રામ
પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા
પંચાયતો અને નગરપાલિકા, મહાનગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની
પાંચ વર્ષની મુદત આગામી મહિનાઓમાં પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે શુક્રવારે હિંમતનગર
તાલુકા પંચાયતની લગભગ છેલ્લી ગણાતી સામાન્ય સભા સત્તાધારી પક્ષ ભાજપના મહિલા
પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ સામાન્ય સભામાં શરૂઆતમાં
ચાઈનાની બનાવટોનો બહિસ્કાર કરી વિર શહિદોને શ્રધ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવાની જાહેરાત
કરી હતી.જોકે પ્રમુખ સભામાંથી બહાર નિકળી જતા સભ્યોએ ઉહાપોહા મચાવ્યો હતો. હિંમતનગર તાલુકા પંચાયતની શુક્રવારે મળેલી
સામાન્ય સભામાં એજન્ડા મુજબના છ કામોને વંચાણે લઈ પ્રશ્નોત્તરી શરૂ કરવામાં આવી
હતી. જેમાં સત્તાધારી પક્ષના જાગૃત સભ્ય રવિન્દ્રસિંહ ચાવડાએ ઉભા થઈને ભારત અને
ચીનની સરહદે થયેલા તણાવમાં શહિદ થયેલા ભારતના ૨૦ જવાનોએ શહિદી વ્હોરતા તેમના
માનમાં મૌન પાડવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ચાઈનાની બનાવટોની તાલુકા પંચાયત ધ્વારા
કોઈ ખરીદી ન કરવાનો સર્વાનું મતે નિર્ણય લેવામાં આવ્યો હતો. અને તેના માટે ઠરાવ
કરવાનું પણ નક્કી કરાયુ હતું.
આ ઉપરાંત લોકડાઉન
દરમિયાન હિંમતનગર તાલુકા પંચાયત ધ્વારા અંદાજે ૧,૬૮,૭૧૪ માનવદિન રોજગારી ઉભી કરવા માટે
ખર્ચાયેલા અંદાજે રૂ.૨૯૩.૩૭ લાખની રકમ શ્રમજીવીઓને ચૂકવવામાં આવી હતી. દરમિયાન
વિરોધપક્ષમાં બેઠેલા કોંગ્રેસના સદસ્ય હરેશભાઈ પ્રજાપતિએ પુછેલા પ્રશ્નના જે જવાબ
અપાયા હતા તેનાથી નારાજગી વ્યક્ત કરીને ખુલાસો માંગીને જવાબદાર અધિકારી સામે
દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરતા તાલુકા વિકાસ અધિકારી રાજપુતે દરમિયાનગીરી
કરીને લેખિતમાં જવાબ આપીશુ તેમ કહી મામલો નિપટાવી દીધો હતો.
તો બીજી તરફ સામાન્ય સભા
ચાલુ હતી ત્યારે તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ઉભા થઈને સભાખંડની બહાર નિકળી જતા
વિરોધપક્ષે તરત જ ઉહાપોહ મચાવ્યો હતો. ત્યારબાદ સત્તાધારી પક્ષના સભ્યોએ પણ
સભાખંડમાંથી ચલતી પકડી હતી. જોકે
સત્તાધારી પક્ષના કેટલાંક સભ્યએ તાલુકા
પંચાયતના પ્રમુખને પાછા બોલાવી સભાખંડમાં હાજર કર્યા હતા ત્યારબાદ આ મહિલા પ્રમુખે
સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરતાની સાથે જ વિપક્ષે દેકારો
મચાવી દીધો હતો.