Get The App

અતિવૃષ્ટિ પેકેજમાં સાબરકાંઠા જિલ્લાની બાદબાકી

- વિજયનગર, પ્રાંતિજ, તલોદ અને ઇડર તાલુકામાં ભારે વરસાદથી સૌથી વધુ નુકસાન

- જિલ્લામાં ભાજપના ત્રણ ધારાસભ્યો હોવા છતાં પાક નુકસાનીનું વળતરમાં લાભ ન મળતા ખેડૂતો ખફા

Updated: Sep 23rd, 2020

GS TEAM


Google News
Google News
અતિવૃષ્ટિ પેકેજમાં સાબરકાંઠા જિલ્લાની બાદબાકી 1 - image

અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ગતવર્ષની સરખામણીમાં ખુબજ સારો અને સંતોષકારક કહી શકાય તેવો ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો હોવાને કારણે જિલ્લાના ખેડૂતોને ચોમાસુ પાકનું વાવેતર કર્યા બાદ અનેક ઠેકાણે વધુ વરસાદને લઈને વ્યાપક નુકશાન થયુ છે. ગુજરાતમાં વધુ વરસાદને લીધે જે જિલ્લાઓમાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે તે જિલ્લાના ખેડૂતોને પાક નુકશાની પેટે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. પરંતુ તેમાં સાબરકાંઠા જિલ્લાની બાદબાકી ખેડૂતોને કણાની જેમ ખુંચી રહી છે. જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી ભાજપ પાસે ત્રણ બેઠકો જીતીને ધારાસભ્યોને મોકલ્યા હોવા છતાં તેમનું સરકારમાં કશુ ઉપજ્યુ ન હોય તેવી છાપ ખેડૂતોમાં ઉપસી રહી છે. ખેડૂતો એવુ માને છે કે હવે તો આ સરકારમાં હક્કનું મેળવવા માટે પણ આંદોલન કરવુ પડે તેવી નોબત આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતર કરીને જિલ્લાના ખેડૂતોએ લગભગ બે લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસ, મગફળી, દિવેલા, મકાઈ, શાકભાજી તથા કઠોળ પાકોનું હોંશભેર વાવેતર કર્યુ હતું. જેના માટે ખેડૂતોએ ચોમાસા અગાઉ મોઘા ભાવના બિયારણ તથા દવાઓ લાવીને પાકીની માવજત કરી ઉછેર કર્યો હતો. દરમિયાન ઓગસ્ટ મહિનામાં પ્રાંતિજ, તલોદ, ઈડર, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં વરસાદે પોતાનુ રૌદ્ર સ્વરૂપ બતાવીને ખુબજ ટુંકા ગાળામાં જિલ્લાની નદીઓ તથા ડેમ છલકાવી દીધા હતા. જેના લીધે તે સમયે ખેડૂતોની ખુશીનો પાર રહ્યો ન હતો.

બીજી તરફ હવામાન વિભાગની આગાહીને ખોટી પાડી મેઘરાજાએ સતત વરસવાનું ચાલુ રાખતા ખાસ કરીને હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને ઈડર તાલુકામાં ખેતીના પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યુ હતું. જોકે ખેડૂતોએ પાક નાશ પામ્યા બાદ ફરીથી વાવેતર કર્યુ હતું પરંતુ   તે પહેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધુ છે. હિંમતનગર તાલુકામાં અગાઉ વાવેતર કરેલ મગફળી પાકવાનો સમય પૂર્ણ થઈ ગયા બાદ સતત વરસાદ ચાલુ રહેવાને કારણે પકેલી મગફળી જમીનમાં ફરીથી ઉગી ગઈ છે. તેમ છતા સાબરકાંઠાના ખેડૂતોને થયેલુ આ નુકશાન સરકારને દેખાયુ નથી અને સોમવારે સરકારે જે અસરગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત કરી છે તેમાં સાબરકાંઠાના એકપણ તાલુકાનું નામ નથી.

જોકે સરકારની આ કિન્નાખોરી ભરી નીતીને કારણે આજે સાબરકાંઠાના ખેડૂતોની હાલત ન કહેવાય કે ન સહેવાય તેવી બની ગઈ છે. જિલ્લાના તમામ ખેડૂતોનું માનવુ છે કે પ્રાંતિજ, હિંમતનગર અને ઈડર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાજપના હોવા છતા તેમને ખેડૂતોની આ કફોડી હાલત દેખાઈ નથી. હવે તો ખેડૂતો એવુ મન મનાવીને બેઠા છે કે હક્કનું લેવા માટે પણ આંદોલન કરવાનો વખત આવી ગયો છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખેડૂતોના હિત માટે ચિંતા કરતા ખેડૂતલક્ષી સંગઠનો ખેડૂતોને પાક નુકશાનીનું વળતર અપાવવા માટે સરકાર સામે લડવા વ્યુહરચના ગોઠવી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે લગભગ તમામ તાલુકાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડયો હોવાના ખુદ ડીઝાસ્ટર વિભાગે દાવો કર્યો છે ત્યારે તેમના આંકડા કહે છે કે આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૬૮૪૪ મી.મી. વરસાદ થયો છે. જે પૈકી ઈડરમાં ૧૦૬૪ (૧૦૯.૫૮ ટકા), ખેડબ્રહ્મામાં ૯૫૦ મી.મી. (૧૧૨.૯૬ ટકા), તલોદમાં ૧૦૭૦ મી.મી. (૧૩૪.૪૨ ટકા), પ્રાંતિજમાં ૧૦૧૧ મી.મી. (૧૨૨.૫૫ ટકા), પોશીનામાં ૯૧૫ મી.મી. (૧૦૯.૪૫ ટકા), વડાલીમાં ૮૭૦ મી.મી. (૯૯.૪૩ ટકા), વિજયનગરમાં ૯૭૩ મી.મી. (૧૧૫.૧૫ ટકા), હિંમતનગરમાં ૭૭૬ મી.મી. (૯૧.૧૯ ટકા) વરસાદ થયો છે.

સતત વરસાદને લઈને હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મુખ્યત્વે કપાસ, મગફળી, ગવાર સહિત અન્ય કઠોળ પાક ફેલ ગયા છે. જેથી નુકશાની ભોગવનાર ખેડૂતોને વળતર મળવુ જોઈએ તેમ ખેડૂત આલમ ઈચ્છી રહી છે. જોકે સરકાર બહાના બતાવીને સાબરકાંઠાની જે બાદબાકી કરી છે તેના પરથી સરકારનું સાબરકાંઠા પ્રત્યેનું વલણ સ્પષ્ટ થયા વિના રહેતુ નથી. હવે તો ખેડૂતો એકબાજુ વરસાદ અને અન્ય પ્રજા કોરોના તથા મોંઘવારીને લઈને ખુબજ તંગ આવી ગઈ છે ત્યારે આગમી સમયમાં યોજાનાર ગમે તે ચૂંટણીમાં નેતાઓ પ્રજા પાસે કયા મોંઢે મત માગવા જશે અને જ્યારે જશે ત્યારે મતદારોના અણીયારા સવાલોના જવાબ કેવા આપશે તે હાલ કહેવુ વહેલુ લેખાશે.  

Tags :